એક ગઝલ-કૈલાશ પંડીત
મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી , છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
“કૈલાશ” મારા ઘર વિષેની વાત થઈ હશે.
-કૈલાશ પંડીત
મારો જ પ્રસંગ હતો અને મારી જ ગેરહાજરી હતી.
સુંદર ગઝલ….
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
-આ શેર વાંચીને આદિલ મન્સૂરીની ગઝલનો એક શેર યાદ આવી ગયો:
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
એક અનિલ જોશીનો શેર પણ યાદ આવી ગયો:
રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.