"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“જિંદગીને જીવતા શીખીએ”

198523_466415700045318_939016681_n

‘ડેડ, ક્યાં લગી આવું એકાંત જીવન જીવતા રહેશો? મારું કશું તમો માનતા જ નથી, કેટલી વાર તમને કહ્યું કે મારે ત્યાં રહેવા આવતા રહો પણ હમેંશા એકને એક કક્કો “ મને મારી રીતે જીવન જીવવા દે”.

‘બેટી તારો પ્રેમ અને લાગણી હું સમજી શકું છું. સાચું કહું મને કોઈના ઓશિયાળા થઈને રહેવું પસંદ નથી.

ડેડ, “ઓશિયાળા”…શું વાત કરોછો? દીકરીના ઘરે ઓશિયાળા!

‘હા બેટી સાચું કહું, ખોટું ના લગાડીશ, તારે બે ટીન-એઈજ બાળકો , તું અને રાકેશ બન્ને જોબ કરો છો. તમારા જીવન જીવવાની સ્ટાઈલ આખી જુદી છે.રોજ સવારે ૫.૩૦ ઉઠી જવાનું, બાળકોને સ્કુલ માટે લન્ચ તૈયાર કરવાનુ, રાત્રે ૯,૩૦ સુઈ જવાનું બધું ઘડિયાળના કાટે તમારું જીવન ચાલે, હું અહીં એકલો છું તો રાત્રીના બાર સુધી મારો ટી.વી ચાલતો હોય અને ઘણીવાર સાંજે ૮ વાગે કોઈ મારા મિત્રને બોલાવું તો વાતોના તડાકા મારતા રાત્રીના એક વાગી જાય અને કોઈ વાર મિત્ર મારે ત્યાં સુઈ પણ જાય..હું તારે રહેવા આવું એટલે દેખીતી વાત છે કે મારે તારી રહેવાની સ્ટાઈલથી રહેવું પડે. તારી બોસ્ટ્નની ઠંડી એટલે છ મહિના ઘરમાં બેસી રહેવાનું, મારાથી એ ઠંડી સહન ના થાય..હું મારી રીતે સ્વતંત્ર રીતે રહે ટેવાય ગયો છું. અહીં હ્યુસ્ટ્નમાં બાર મહિના વૉર્મ વેધરમાં ઘણી બધી પ્રવૃતી કરી મજા માણું છું.
‘ ડેડ, હું તમારી કન્ડીશન સમજી શકું છું,આપણી અગાઉ વાત થઈ તે ફરીવાર કહેવા માંગું છું.’

‘ હા હા મને ખબર છે કે તું શું કહેવાની છે…”ફરી લગ્ન કરી લો”. એજ ને?

‘ડેડી!!’

‘તારી મમ્મી સાથે અદભુત અને ભવ્ય સ્વર્ગ સમી જિંદગી જીવી, હવે એ નથી મને છોડી પ્રભુને પ્યારી થઈ ગઈ! તો શુ હું મારી જિગરજાન દોસ્ત સમી તારી મમ્મીને ભુલી જઈ કોઈ અન્ય સ્ત્રી સાથે શેષ જિંદગી કેવી રીતે ગાળી શકુ ? તેણીની યાદમાં ને યાદમાં તેની સાથે ગાળેલા ભવ્ય ભરતી સમા દિવસોને યાદ કરી હું હસતો હસતો જીવન જીવી રહ્યો છું, બેટી! મારે ૬૫ થયાં, અને આ ઉંમરે મારી કોઈ અજાણ્યા પાત્ર સાથે મેળ પાડવાનો?’

‘ એમાં શું થઈ ગયું ડેડી, તમારો મળતાવડો અને પ્રેમાળ સ્વાભાવમાં કોઈ પણ વ્યક્તી ઍડજસ્ટ થઈ શકે!!

‘બેટી , તને ખબર છે કે મારા બેડરુમમાં તારી મમ્મીના હસતા સુંદર ફોટા જોતા જોતાં થાકતો નથી..ઉંઘ પણ સારી આવી જાય છે, એ મારી આસપાસ છે એવો આભાસ કાયમ રહે છે. મને એકાંત લાગતુંજ નથી.’

ડેડી-દિકરી વચ્ચે આ સંવાદો નિયમિત ચાલ્યા કરતા હતાં. સમયનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે અને ઘણીવાર સમય માનવીને પણ ફેરવતો રહે છે.

ઉમેશની ઉંમર ૬૫ અને શિકાગો રહેતી લત્તા ૬૫ની પણ ઉમેશ કરતા છ મહિના નાની, તેણીના જીવનમાં પણ તેણીનો પ્રેમાળ પતિ સુમન કાર એકસીડન્ટમાં અવસાન થયો.. બે વરસ સુધી એ એટલી ડ્રીપેસનમાં આવી ગઈ હતી કે કોઈની સાથે બોલે-ચાલે નહી, મેરીડ દીકરો ડોકટર હતો પણ એને ઘેર પણ રહેવા ના જાય.. ગાંડા જેવી બે-બાકળી બની ગઈ હતી. રોજ રોજ સુમન સાથે ગાળેલા દિવસો અને સાથ સાથ વેકેશનમાં ગાળેલા દિવસોમાં પાડેલ વિડિયો જોયા કરે. ૨૦ થી પચ્ચીસ પૉન્ડ વજન ગુમાવી બેઠી હતી.એક દિવસ લત્તાની બહેનપણી હંસાએ જીવનની સાચી ફિલોસોફી સમજાવી

” લત્તા, દરેક મેરીડ કપલના જીવનમાં બે માંથી એકનો તો એક દિવસ જવાનું છે અને એ સત્ય આપણે સ્વિકારવું પડશે. ગયેલ વ્યક્તિ કદી પાછી ફરવાની નથી. ગયેલ વ્યક્તિને યાદ કરી, જુરી જુરીને જીવવા કરતાં તેમની સાથે ગાળેલા દિવસો યાદ કરી જીવન પ્રફુલ્લિત બનાવી કેમ ના જીવી શકીએ ? ગયેલ વ્યક્તિના આત્માને પણ શાંતી મળે! જીવનને હરીયાળું બનાવી જીવીએ, રણ સમું નહી!!

લત્તાનુ જીવન બદલાયું. હંસા ઉમેશને પણ ઓળખતી હતી.મેળ પડી ગયો.

ઉમેશ અને લત્તાના કોર્ટમાં બહુંજ સાદાયથી અને નજીકના મિત્રોની હાજરીમાં ફરી લગ્ન થયાં

બન્ને માયાળું-પ્રેમાળ અને સ્નેહાળ પણ બહુંજ ઓછું બોલનારા છતાં એકબીજાની સતત કાળજી લેનારા જ્યાં જાય ત્યાં સાથે સાથે, ફરવાનો, મ્યુઝીકનો, ક્રૂઝનો અને પાર્ટીઓ કરવાનો. ઉમેશ અને લત્તાનું શેષ જીવન જાણે સંધ્યા સોળે કળાએ ખિલી ઊઠે અને મોર નાચી ઉઠે એવું સુંદર ભાસતું હતું !

ભાસતું હતુ! વાત સાચી..પરંતું જીવનની વાસ્ત્વિકતા અપનાવવી સહેલી તો નથી..અપનાવો તો પચાવવી સહેલી નથી! બહાર લાગતું સુંદર જીવન અંદરથી કેટલુ ડામાડોળ છે! એમાત્ર ઉમેશ અને લત્તા જાણતા હતાં. સુંદર જીવનમાં ભુતકાળનો પડછાયો એમનો સતત પીછો કરતો હતો તે હતી તેમની પાછલી જિંદગી! સ્વર્ગસ્થ જીવનસાથી!

બન્ને સાથ જમવા બેઠા હોય કે કોઈ ફરવા લાયક સ્થળે બેન્ચ પર બેઠાં હોય આનંદ માણતા હોય અને અચાનક ઉમેશની વાતોમાં પોતાની પત્નિની વાતો આવી જાય અને સાથો સાથે લત્તા પણ પોતાના પતિ કેટલા પ્રેમાળ હતાં એકે પળ એમને મારા વગર ચાલતું નહોતું એમ કહેતા કહેતાં આંખમાં આંસુ સરી પડે અને એજ રીતો ઉમેશ પણ સ્વર્ગસ્થ પત્નિ સાથે ગાળેલા દિવસો સતત વગોળતો! ભુતકાળની વાતોનું ભુત એમના વર્તમાન સુખને ડામડોળ બનાવી દેતું.

રાત્રીના સમયે પોતાનું દામ્પત્ય સુખ માણવાને બદલે બેડરુમમાં પોતાના ભુતકાળના જીવન સાથીના યાદને આહવાન આપી એમાં રચ્યા પચ્યા રહેતાં. અત્યારે બન્ને પતિ-પત્નિ છે એ ભુલી જઈ, ભુતકાળની વાતો વગોળતા વગોળતા આંસુ સારી સુઈ જતાં. બન્ને આ વિષયમાં ચર્ચા કરતાં કે આપણે આવું ના કરવું જોઈએ..છતાં વ્યસનની જેમ બન્નેનો મન પર કોઈ પણ પ્રકારનો કાબું નહોતો અને એજ વસ્તું એમના શેષ જીવનમાં નડતર રુપ બની. પ્રેમના વહેણમાં રુકાવટ આવી..ભુતકાળનો આ સતત તાપ પ્રેમના પ્રવાહને સુકવવા લાગ્યો!!

અંતે બન્ને સમજી નક્કી કર્યું .

“આપણે આપણાં ભુતાકાળના જીવનસાથીને ભુલી નથી શકતા,એ આપણી નબળાઈ છે અને એ મર્યાદામાંથી કોઈ હિસાબે બહાર આવી નથી શકતા. એ દિવાલ સતત કઠોર બનતી જાય છે, આપણાં જીવનની લીલીછમ વાડી સુશ્ક બનતી જાય છે. આપણે બન્ને લાગણીશીલ છીએ અને એજ લાગણીશીલતાના માર્ગમાં કોઈ નવું સ્વિકારવા તૈયારી છતાં મનની નબળાઈને લીધે સ્વિકારી ના શક્યા.બસ આપણે આપણાં વ્યક્તિગત માર્ગે પાછા ફરીએ એજ આપણાં જીવનનો સુખી માર્ગ છે.’

બન્ને રાજી-ખુશીથી ડિવોર્સના પેપર્સ ફાઈલ કર્યા. બન્નેનો વકીલ પણ એકજ હતો. બન્નેને એક પછી એક બોલાવ્યા સમજાવ્યા. લત્તાને કહ્યુંઃ “તમને તમારાઅ પતિ પાસેથી અડધી મિલકત, પૈસા મળી શકે.” લત્તાએ તુરતજ કહ્યું. એ પ્રશ્નજ અમારા વચ્ચે નથી.હું જે માંગું તે આપવા એ તૈયાર છે, એ બહુંજ દિલદાર છે. મારી પાસે પણ મારી પોતાની મિલકત અને પૈસા છે કે જે હું જીવું ત્યાં લગી ભોગવી શકું તેમ છું, ઉમેશે કદી મારી મિલકત કે પૈસા પર ખરાબ નજર કરી નથી. અમારા બન્ને વચ્ચે કોઈ ખટરાગ કે ઝગડા નથી. અમો બન્ને રાજી ખુશીથી ડિવોર્સ લેવા માંગીએ છીએ. વકીલને નવાઈની વાત એ લાગી કે લત્તાએ જે વાત કરી એજ વાત ઉમેશે કરી. વકીલને આ પહેલો ડિવોર્સનો કેસ હતો કે કોઈ મિલકત કે પૈસાનું સેટલમેન્ટ કરવાનું હતું જ નહી.

કોર્ટમાં ડિવોર્સ માટે આજની ડેઈટ હતી. બન્ને સવારે છ વાગે ઉઠી ગયાં . લત્તાએ સવારનો નાસ્તામાં ગરમ ગરમ થેપલા અને ચા . ટેબલ પર નાસ્તો કરતાં કરતાં ઉમેશ કહ્યુંઃ

‘લત્તા તારી પોતાની વસ્તું તે એક્ઠી કરી લીધી છે ને?

લત્તા હસતી હસતી બોલી.

’હા ઉમેશ, કોઈ વસ્તું ભુલી જાઉ તો ફરી આ ઘેર આવી શકું ને?

ઉમેશઃ ‘લત્તા, એ સવાલજ ઉભો નથી થતો તું ગમે ત્યારે આ ઘરે આવી શકે છે અને સાથે કોઈ વાર ચા-પાણી પણ પીશુ. આપણે કોઈ કોઈ સીરીયસ ઝગડો કે બોલા ચાલી થઈજ નથી. માત્ર જીવન-જીવવાના , વિચારવાના રસ્તા અલગ છે, માર્ગને એક બનાવવાની કોશિષ બન્નેએ કરી પણ સફળતા ના મળી એજ આપણી નબળાઈ! આપણે બે વર્ષ સારા મિત્રો જેવી સુંદર જિંદગી જીવ્યા.’

‘ઉમેશ, તમને કોઈ સારું પાત્ર મળી જાય…’

‘લત્તા! હવે આ ભવમાં કોઈ બીજા પાત્રને સ્થાનજ નથી. ૨૪ કલાક મારી સાથે પડછાયાની જેમ ફરતી મારી સ્વર્ગસ્થ પત્નિની યાદ મને શેષ જિંદગી જીવવામાં મદદરુપ થશે..’

‘પણ તને કોઈ..’ ‘ઉમેશ! મારે પણ તમારા જેવું જ છે જે પ્રીતની ચુંદડી ઓઢી હતી હવે તે ચુંદડી પર બીજો રંગ લાગાડવાની કોઈ ઈચ્છા નથી. જુઓને લગાડવાની કોશિષ કરી પણ નિષ્ફળ નિવડી.ઉમેશ! આપણાં જીવનમાં પણ સ્વર્ગસ્થ સાથીદારોના પ્રેમે આપણને નજદીક આવતા રોક્યા છે.

સરળ સ્વભાવના, સ્નેહાળ! શાંત, ઉગ્રતા કદી જેને અડકી ના શકે એવી આ સુંદર જોડીએ સાથે મળી માળો બાંધવાની કોશિષ કરી પણ જાણતાં છતાં અજાણ્યા ભેદી વાયુંના વટોળે એમને છુટા કરી દીધા..

બન્ને સાથે લેક્સસ કારમાં નિકળ્યા.

ઉમેશઃ ‘મારી કોઈ પણ ભુલ-ચુક હોય તો માફ કરી દેજો.’

‘શું વાત કરે છે લત્તા… આપણે કદી પણ ઝગડો કે બોલચાલી થઈ જ નથી માત્ર…’

ઉમેશ” આ તારી લેકસસમાં મારી છેલ્લી સફર સાથ સાથ.’

‘લત્તા! તને આ લેકસસ ગમતી હોય તો તું રાખ , હું બીજી લઈ લઈશ. ‘

‘થેન્ક્યુ..ઉમેશ..તમારા જેવા જેન્ટલમેન આ દુનિયામાં મળવા મુશ્કેલ છે.’

‘લત્તા, મને કઈક મુંઝાવણ જેવું થાય છે.’ કાર ચલાવતા ઉમેશ બોલ્યો.

‘તમે એમ કરો ઈમરજન્સી લાઈનમાં કાર લઈલો… માંડ માંડ કાર ઈમરજન્સી લાઈનમાં લીધી અને ઉમેશે ભાન ગુમાવ્યું.લત્તાએ તુરત ૯૧૧ને ફોન કર્યો, પોતે પણ ગભરાય ગઈ.પણ હિંમત રાખી. પાછળથી આવતી એક કાર રોકાયને પુછ્યું..હું મદદ કરી શકું? .એ એક ડોકટર હતો તેણે તાત્કાલિક સી.પી.આર આપવાની કોશિષ કરી અને થોડીજ વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હળવો હાર્ટ-એટેક હતો..તાત્કાલિક સારવારથી ઉમેશ બચી ગયો.
હોસ્પિટલમાં બીજા-ટેસ્ટ અને સારવાર માટે બે-ત્રણ દિવસ રહેવાનું હતું.

“લત્તા, ક્યાં જવાનું હતું અને ક્યાં આવી ગયો.?

‘ઉમેશ તમો અત્યારે આવું ના બોલો,આરામ કરો અને મેં દીકરી ઉમાને ફોન કરી દીધો છે એ આજની ફલાઈટમાં એર-પોર્ટથી , કાર રેન્ટ કરી સીધી હોસ્પિટલ આવે છે.

‘ઉમા, આવી પરિસ્થિતીમાં હવે મને અહી નહી રહેવા દે. મને એ બોસ્ટ્ન લઈ જશે. ઉમા મારી બહુંજ ચિંતા કરે છે.
‘તમે એ અત્યારે ના વિચારો..આરામ કરો.’
ઉમેશને ઘેનની દવાથી ઉંઘ આવી ગઈ.

‘જે વ્યક્તિ મારી સાથે નથી, અને કદી પાછી ફરવાની નથી એની એક યાદ રુપી લાશ લઈને ફરુ છું. આત્મા છે, મૌન છે, ખબર નથી ક્યાં છે? અને એનાજ વિચારોમાં મારું શેષ જીવન વ્યર્થ કરી રહી છું.એ અમારો પ્રેમ હતો અને એની યાદ જરુર રહેશે. આ ભવમાં મળેલો માનવ દેહ ફરી મળેશે કે કેમ ખબર નથી? ઉમેશમાં શું ખામી છે? એક સારા મિત્ર-સાથીદાર તરીકે કેમ જીવી ના શકીએ.? સુંદર મળેલી જિંદગી્ ભુતકાળના યાદોના ખંડેરની અંધારી કોટડીમાં પડ્યા પડ્યા શેષ જીવન સડી જશે. પ્રેમ શાસ્વત છે,પવિત્ર છે,અવિરત છે એને યાદના ખબોચીયામાં ડૂબાડી દેવો એ સાચો પ્રેમ છે? સુમન હતો એક લીલી વાડી સમો.એની ખુશ્બો સદા રહેશે. પણ પ્રેમની મહેંકને મહેંકતી રાખી મારી જિંદગી મારી રીતે જીવવી જોઈએ. ૬૫ પછી બીજા પાંસઠ કાઢવાના નથી..જે છે તેને વધાવી, ઉમેશ સાથે કેમ ખુશ ના રહી શકું?

હોસ્પિટલમાં ઉમેશના રુમમાં લતાના વિચારોનું ધમણ સતત ચાલું હતું.

ઉમેશને હોસ્પિટલમાંથી રજા આપી દીધી, લત્તા, ઉમા ઘેર આવ્યા.ડૉકટરની સલાહ પ્રમાણે બ્લડ પ્રેસર અને અન્ય દવા લેવાની હતી. ઉમાને ખબર હતી કે ડેડના ડિવૉર્સની ડેઈટ(તારીખ) જે દિવસે હતી એજ દિવસે આ ઈમજન્સી આવી ગઈ.

‘ડેડ, આ સમયે હું બહું ચર્ચા કરવાં નથી માંગતી , પણ મારી હવે એકજ રિક્વેસ્ટ છે કે તમો મારા ઘેરજ રહો..ડિવૉર્સ પછી અહીં તમારી સારવાર કોણ કરશે? ‘

ઉમેશ, શુન્ય નજરે લત્તા સામે જોઈ રહ્યો હતો..વિચારવા લાગ્યોઃ

“ઉમાની વાતમાં પણ તથ્ય છે, ડિવૉર્સ પછી..ફરી હું એકલો પડી જઈશ!! હું પણ કેવો વ્યક્તિ છું પત્નિના ગયા બાદ કોઈની સાથે ઍડ્જસ્ટ થઈ નથી શક્તો.. એજ મારી નબળાઈ કે મર્યાદા છે. લત્તામાં કોઈ ખામી નથી.મારો ભુતકાળ મને એની નજીક જતાં અટકાવે છે. લત્તા એક સમજું,સંસ્કારી સ્ત્રી છે.લત્તાની મર્યાદા એજ મારી મર્યાદા છે.એ મર્યાદા કેમ દૂર ના કરી શકાય?. લત્તા સાથે જે પ્રશ્ન છે એ બહું શાંતીથી ઉકેલી શકાય તેમ છે, અમો બન્ને અડધે રસ્તે મળી સમાધાનની શાકર ખાઈ ના શકીએ? જ્રુરુર. આ ઉંમરે દીકરી સાથે રહેવું એટલે એમના જીવનના ધોરણે મારે જીવવું પડે. આ ઉંમરે ? હું મારી રાતે જે જિંદગી જીવ્યો છું એને, બદલાવી એક નવા વાતાવરણમાં જીવવાનું?

મૌનમાં ચાલતાં વિચારો કોઈ સમજી શકે? હા..એની પણ ભાષા હોય છે. એક આંખ બીજી આંખની ભાષા બહુંજ સરળ અને ઉંડાણથી સમજી શકે!

‘ઉમા,મને અહીંજ રહે દે..મારે બોસ્ટન …. ‘

‘ ડેડ!… ‘

ઉમા આગળ બોલે તે પહેલાજ વચ્ચેજ લત્તા બોલી ઊઠી… “ઉમેશ! મને એક મોકો આપશો?

ઉમેશઃ
‘લત્તા જે સવાલ તું કરે છે એજ સવાલ હું તને કરી શકું? મને તારા સાથે રહેવાનો….’ વાકય પુરુ થાય એ પહેલાં. લત્તા ઉમેશની નજીક આવી ભેટી પડી.

15965301_1797681473782010_5535652557989319347_n

-વિશ્વદીપ બારડ

જાન્યુઆરી 14, 2017 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

1 ટીકા »

  1. nice blog

    ટિપ્પણી by mayuri25 | માર્ચ 21, 2017


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.