પ્રાથૅના/બંદગી
બાબર નામે એક બાદશાહ હતો.તે દિલ્હીમાં રાજ્ય કરતો હતો.તેને ચાર દિકરા હતા. તેમાં મોટો
હુમાયુ હતો. બાબરને બધા દિકરા વહાલા હતા. પણ હુમાયુ ઉપર તેનું હેત વધારે હતું.
એક વખત હુમાયુ સખત માંદો પડ્યો.બાબર બાદશાહ હોવાથી દવા દારૂ માટે પૈસાની ખોટ ન હતી.સારા સારા વૈદો અને હકીમોની દવા કરી પણ હુમાયુ ને કોઈ દવાથી આરામ થયો નહિ. માંદગી દિવસે દિવસે વધતી ગઈ.તાવ ઓછો થાય અને હુમાયુ ને આરામ થાય એમ માની
બાબરે ધમૅદાન કર્યા, ગરીબોને અન્ન-વસ્ત્રો આપ્યા, પણ હુમાયુ ને કશો ફેર પડ્યો નહિ.
હુમાયુની માંદગી ઘણીજ વધી ગઈ અને તે એક બે દિવસનો મહેમાન છે એવું સૌ ને લાગ્યું.
બાબર હુમાયુના બિછાના પાસેથી જરા પણ ખસતો નહિ.તેની ભુખ તરસ ઊડી ગઈ હતી.શું કરવાથી હુમાયુની જિંદગી બચે તેની રાત દિવસ ચિંતા કરતો હતો.
એવામાં એક ફકીર આવ્યો. તેણે હુમાયુને જોઈ બાબરને કહ્યું, “હે બાબર, તું તારી પાસેની સૌથી મુલ્યવાન વસ્તુ ખુદાને નામે દાન આપે, તો તારો પુત્ર સાજો થાય.હીરાનો એકાદ હાર આપી દે.”
બાબરે કહ્યું” હીરા કરતાતો મારો જાન વધારે કિંમતી છે. તેજ ખુદાને અપૅણ કરું” એમ કહીં ખુદાનું ધ્યાન ધરી ને બોલ્યો,”હે ખુદા, મારા હુમાયુને સારો કર. અને તેનું બધું દુઃખ મને આપી દે, હું મારો પ્રાણ તને અપૅણ કરું છું”
ખુદાએ બાબરની બંદગી(પ્રાથૅના) સાંભળી હોય તેમ તેજ દિવસથી હુમાયુ ને આરામ થવા માંડ્યો. છેવટે હુમાયુ તદ્દન સાજો થઈ ગયો, પણ બાબર તે વખતથી માંદો પડ્યો અને આખરે ગુજરી ગયો..
************************
“પ્રાથૅના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ” સ્વામી રામતીથૅ
…
કોણ હતી ?
પ્રથમ દિન કોલેજનો હતો
ને એક સંગાથી મને મળી,
કૈ જાણથી ને કૈ અજાણથી
પ્રેમ અમારો થઈ ગયો,
લાલ -પીળી ને ભભકતી,
સુંદર સાડી હંમેશ પહેરતી,
બીજી પ્રાંતી ભાષા બોલતી,
હું એ શાનથી સમજતો.
ભલી ક્યાંની રહેવાસી હતી,
મેં કદી પૂછ્યું નહીં,
નિયત સ્થળે એ આવતી,
સંગાથે સદા સાથે જતી,
નાજુક શા અંગના ભાગ પર,
કૈ વાર બાજુ ઢાળ તો,
ખેર? રજાઓ કોલેજમાં પડી,
હું ગયો મારા દેશ ભણી,
કહ્યું કોઈ એ ,” એ તો નિયત સ્થળે આવતી,
મને ન જોઈ ચાલી જતી,”
મિત્રો સાથે મળી પૂછે” એ કોણ હતી ?”
ભાઈ એ તો માત્ર ” બસ” હતી.
( નોંધ.. ૧૯૬૮માં કોલેજકાળમાં રમુજમાં લખેલ હસ્ય-કાવ્ય અમદાવાદની લાલદરવાજાની
બસમાં બેઠી, કરેલી મુસાફરી માંથી સ્ફુરેલું રમુજ કાવ્ય)
કહેવાઈ જાય છે
રુદન કે હાસ્યની રેખા બધી વંચાઈ જાયે છે,
હ્ર્દયના ભાવ આંખોમાં સદા પરખાઈ જાયે છે.
ગગનના તારલા, ધરતીનાં ફૂલો બે અસર લાગે,
હ્ર્દયમાં જ્યારે એની વેદના પથરાઈ જાયે છે.
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણોમાં યુગ બદલાઈ જાયે છે.
કરામત છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે.
સમજ પડતી નથી,શું આજ દિલમાં થાય છે અમને,
ન કહેવાનું અનાયાસે “મુખી” કહેવાઈ જાયે છે.
ગિરધરલાલ “મુખી”
સૌ તને મુબારક
એશો-આરામ આજ સૌ તને મુબારક,
સુખ ને શાયબી સૌ તને મુબારક.
કણ-કણ માટે ઘર , ઘર ફર્યો છું,
અન્નકુટના થાળ સૌ તને મુબારક.
સંમદર નાથી નિકળેલું ઝેર પિધું છું
અમરતના ઘુંટડા સૌ તને મુબારક.
કાયા-માયાના મોહથી દૂર થયો છું,
જગત સારું સૌ તને મુબારક.
ન સોના,ન ચાંદી થી ના મોહીત થયો છું,
માયાવી નગરી સૌ તને મુબારાક.
ભભુતી-ભાંગ ને ભૈરવ-નાદી થયો છું,
બાગ અને ફુલ સૌ તને મુબારક.
ગૌરવવંતી ગાથા મારી
ભારત મારી જન્મભૂમી,ગૌરવવંતી ગાથા મારી,
અમરિકા મારી કમૅભૂમી,ગૌરવવંતી ગાથા મારી.
એક મારી માવલડી, જન્મ દેનાર જનેતા મારી,
પીધા અમરતપાન મેં, ગૌરવવંતી ગાથા મારી.
બીજી પાલનહાર, યશ ગાથા યશોદા મારી,
વરસો વિતાવ્યાં વ્હાલમાં,ગૌરવવંતી ગાથા મારી.
વતન વ્હાલું કેમ વિસારું , એ મા-ભોમ છે મારી,
ભારત મા સો સો સલામ ,ગૌરવવંતી ગાથા મારી.
દીધો રોટલો-ઓટલો,એવી છે આ ધરતી મારી,
અમરિકા સો-સો સલામ,ગૌરવવંતી ગાથા મારી.
દેવકી જન્મદાતા ને યશોદા પાલનહાર મારી,
આંખ મારી બેવું સરખી ,ગૌરવવંતી ગાથા મારી.
(ભારતની પવિત્ર ભૂમી માં જન્મ લીધો એથી વિશેષ ગૌરવ શું હોય શકે ?.. પણ સાથો સાથ
જે અમેરિકન ભૂમી પર આવી રિધ્ધી-સિધ્ધી બંન્ને મળ્યાં છે તેનું ઋણ કેમ ભુલાય ?)
હે! મા સરસ્વતી!
નમું હાથ જોડી , પડું પાવ તારી , હે! મા સરસ્વતી !
ના કદી દૂર તું , પાસ રહેજે સદા , હે! મા સરસ્વતી !
રુઠું હું કદી,રાખજે માથે હાથ તારો, હે ! મા સરસ્વતી !
મીઠી વાણી,મીઠા રહે બોલ મારા , હે! મા સરસ્વતી !
તુંજ ગુણછે નિરાળા આ જગતમાં, હે! મા સરસ્વતી !
તુજ વિના નહીં ઊધ્ધાર મારો, હે! મા સરસ્વતી !
તુજ થકી મહેંકતી” ફૂલવાડી,” હે ! મા સરસ્વતી !
તુજ ગુણ ગાન સદા ગાઉં, હે! મા સરસ્વતી !
આરામ થઈ જાશે.
તમે બોલાવશો એને તો મારું કામ થઈ જાશે,
વિના ઉપચાર આ બિમારને આરામ થઈ જાશે.
પછી મંદીર કે મસ્જીદ જે ગણું તે ઘર હશે મારું,
કદમથી આપના મુજ દ્વાર તીરથ ધામ થઈ જાશે.
નિછાવર થઈ જનારા ! આટલો તો ખ્યાલ કરવો તો ?
જગતમાં રૂપવાળાઓ બધે બદનામ થઈ જાશે.
ખબર કરશો નહીં નિજ આગમનની હષૅ-ઘેલા ને!
નકર એ કેણ એના મોતનો પયગામ થઈ જાશે.
તુષાતુર જાઉં છું કિન્તુ ત્રુષા કેરી અસર જોજો,
છલકતાં કંઈક સાકીના નયનના જામ થઈ જાશે.
ચૂકયા અવસર ક્રુપાનો તો વગોવાઈ જાશો વિશ્વે,
થવું છે એ તો જ્યાં ને ત્યાં ઠરી ને ઠામ થઈ જાશે
દયાળું ! દાન જો કરવું ઘટે તો પાત્ર ને કરજો,
નહીં તો કંઈક આ ” નાઝિર” સમા બેફામ થઈ જાશે.
મારા તે ઘરમાં-લોકગીત
ઘંમ રે ઘંમ ઘંટી બાજરો ને બંટી, જીણું દળું તોઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય.
મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય,ચાલતા જાય,
લાપસીનો કોળિયો ભરતા જાય.
મારા તે ઘરમાં નણંદબા એવા, નાચતાં જાય, કૂદતાં જાય,
રાંધી રસોઈ ચાંખતાં જાય.
મારા તે ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતાં જાય,
મારું ઉપરાણું લેતા જાય.
મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય બેસતાં જાય,
ઊઠતા બેસતાં ભાંડતાં જાય.
મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય ફરતા જાય,
માથામાં ટપલી મારતા જાય.
ઘંમ રે ઘંમ ઘંટી, બાજરો ને બંટી, જીણું દળું તો ઊડી ઊડી જાય,
જાડું દળું તો કોઈ નવ ખાય.
લોકગીત
એનું નામ જિંદગી
હતી નજર હંમેશ આગળ ને એ હતી પાછળ ,
ના ક્દી એ હાથમાં આવી, એનું નામ જિંદગી.
સ્વાથૅ તારો ને મારો રમી ગયાં એટલી રમતો,
અંતે ખુદ થયાં બરબાદ, એનું નામ જિંદગી.
કોણ, કેવું ને એ કેટલામાં શું રમે છે.
પારખવું છે મુશ્કેલ , એનું નામ જિંદગી.
સજ્જન સાધુ થઈ એ આવ્યો હતો એના આંગણે,
ભરમાવી ને લઈ ગયો, એનું નામ જિંદગી.
લુંટી હતી આબરૂ ભલે એની જાહેર સભામાં,
વહારે આવ્યાં ક્રુષ્ણ-કાળા, એનું નામ જિંદગી.
બને રંક માંથી રાજા ને રાજા બની જાય રંક,
ભેદ કોઈ જાણે નહી , એનું નામ જિંદગી.
એ ઊગે ને આથમે સૌ જુવે એને નરી આંખે,
હકીકતમાં જાગતો નિરંતર, એનું નામ જિંદગી.
નિસ્વાથૅ જિંદગી જીવનારા છે માનવ અહીં ઘણાં,
કદર કોઈ એની ના કરે, એનું નામ જિંદગી.
ઝંઝાવટી જિંદગી જીવી એ થાકી ગયો ” દીપ “,
તોય ઝંપી કયાં બેસેછે ? એનું નામ જિંદગી .
શાયરી
બુદ બુદા રૂપે પ્રકટ થઈ ગઈ, ડુબનારાની વ્યથા ,
ઠેસ દિલને, બુધ્ધીને પૈંગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે આ સાગરના પાણી ?શું કહું ?
જીવતો ડુબી ગયો અને લાશ તરતી થઈ ગઈ !!
હું પણ જાણું તું પણ જાણે
કોણ ખરું છે ખોટું શું છે ? હું પણ જાણું તું પણ જાણે,
મનમાં કોના ઓછું શું છે ? હું પણ જાણું તું પણ જાણે.
સૌનું હસવું રડવું સરખું , ચઢવું ને ઓસરવું સરખું,
તોય બધામાં નોખું શું છે ? હું પણ જાણું તું પણ જાણે.
ક્યારે કેવી ચાલ રમાશે જો જાણો તો જીતશો , બાકી,
ઊંટ, વજીર ને ઘોડુ શું છે ? હું પણ જાણું તું પણ જાણે.
દિલ પર રોજે રોજનું ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું નહીં તો થોડું શુ છે ? હું પણ જાણું તુ પણ જાણે.
તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ ર’વાદે,
કાળું શું છે, ધોળું શું છે ? હું પણ જાણું તું પણ જાણું.
મકરંદ – ગઝલગરિમા-૨૦૦૧
*********************************************
નિરાશા ભરેલા સ્વરે શું કહો છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી જતી આ નદીને કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?
– “દીપ”
યાદ કરે
પવૅતની ટોચપર ચઢવા સૌ ને અધુરાઈ છે,
ધરતી ના ભારની કોઈ તો દયા કરે.
ક્ર્ષ્ણની વાંસળી મુગ્ધ કરે ઘેલી રાધા ને ,
વાંસળીના બનાવનારને કોઈ તો યાદ કરે.
જન્મથી-મરણ લગી એનોજ સહારો લીધો છે,
લાકડાના બલિદાનની કોઈ તો વાત કરે.
મહા-માનવ થઈ ગયાં અહી નામ કમાવી,
જન્મ દેનાર એની જનેતા કોઈ તો યાદ કરે.
એક આશ !!
લાડલો મારો કાલ આવશે, પરદેશથી ભણી ગણી,
જોઈ ચંદ્ર, સાગર છલકાઈ,”તાર” જોઈ મા હરખાઈ.
મુજ કંથની આશા ફ્ળી, મન મહીં માત એમ બોલે,
ઊજાળશે સારા કુળને હવે , આ કુળદીપ મારો.
ભણી-ગણી બનીયો ડૉકટર , સુખના દિવસો આવશે,
વધાઈની તૈયારી કરો, મીઠાં-મિષ્ટ ભોજન કરો.
વિમાનમાં”વિનય” આવશે, હારતોરાની વધામણી,
મીઠી વાતો મધરાતે કરી,રાત્રી વિતાવી પુલકીત બની.
વ્હેલી પરોઢે માતા જાગી, કરી પ્રભુ ને નમસ્કાર ,
પ્રભુ ભજનમાં ધ્યાન ધરી, માંગી મીઠી એક આશ.
હે!પ્રભુ મુજ આશા ફળી, ગળ,ગળી માતા ફરી બોલી,
ત્યાં ટપાલીએ બુમ પાડી, માતા દોડી ઘેલી બની.
સહી કરી “તાર” લીધો, વંચાવ્યો મા એ પડોશી કને,
“થયો વિમાનને અક્સ્માત ,મર્યા એમાં સૌ માનવ.”
માતા બની ગઈ બાવરી, પડી ભોંય પર પછડાટ ખાઈ,
હતી એક આશ આજ, લાશ બની પડી એજ ઘરમાં !
“જાન” જાતી એકલી !
સૂર સ્વપ્નમાં શરણાઈના !
“ધડમ,ધડમ” આ ઢોલ !
કરે કો-કો ડાળ પર કાગ,
ઘુવડ ઘુઘવાટી કરે!
સ્મિત કરતી કો’ સુંદરી ,
આંગણે ઊભી મંડપે !
અગોચર મંત્ર-ઉચ્ચાર !
જવતલ-જ્વાળા ઘણી !
અબીલ-ગુલાલ , કંકુ છાંટણા !!
ફરતા ડાઘુ આસ-પાસ !!
ઊચક્તી કેવી આ “પાલકી”?
લીધી વિદાય છેલ્લી ચોતરે!!
વળાવ્યા સૌ ,સીમા લગી !
જુવો અટુલી “જાન “જાતી એકલી !!
ક્યાં જઈ અટકશે ?
ખળ-ભળ વહેતા નીર સરિતાના, ક્યાં જઈ અટક્શે ?
પળ ભર કરે નહી વિશ્રામ, ક્યા જઈ અટકશે ?
સાગર ના કરે જો કદી અંગીકાર એનો !
ના ફરે પાછી પિયર ભણી, એ ક્યાં જઈ અટકશે?
શ્વાસે શ્વાસમાં શબ્દો સરી પડશે કયાં લગી ?
બંધ બારણું થશે જ્યારે, એ ક્યાં જઈ અટકશે ?
નારી ને નીર , મૌન બની કર્યા કરે મંથન!
“સદીઓથી ધોતા મેલ, એ ક્યાં જઈ અટકશે?”
એક્લો જાજે…
અંધકારનું આવરણ અટકાવસે ,ના ડરીશ !
રાહી તું એકલો જાજે..
ભલે વરસાદ વરસે ધીખતો અંગાર બની !
રાહી તું એકલો જાજે..
વેરી વાયરા વહે તારા માગૅ માં ,
રાહી તું એકલો જાજે…
ભીષણ જિંદગીની રાતને અંજવાળ તો,
રાહી તું એકલો જાજે…
કોઈનો કયાં કરીશ વિશ્વાસ તું રાહમાં!
રાહી તું એકલો જાજે…
પી જજે ઝેર એકલો, અમરત આપી સૌને,
રાહી તું એકલો જાજે..
સંકટોની વેદનામાં,શ્ર્ધ્ધાનો “દીપ” જલાવી,
રાહી તું એકલો જાજે…
અજાણ્યા પંથમાં ભોમિયો ભગવાન છે !
રાહી તું એકલો જાજે..
આત્મા એજ પરમાત્મા, શીદ કરે ચિંતા ?
રાહી તું એકલો જાજે…
મંજિલ મળી જશે,એ અટુત વિશ્વાસ છે !
રાહી તું એકલો જાજે…
(શ્ર્ધ્ધાંના દીપને વિશ્વાસના તેલની ધાર મળે એને મંજિલ મળે !!)
મોતનો ભય
એક ભયંકર જંગલ હતુ. એ જંગલમાં થઈને એક વિકરાળ રસ્તો જતો હતો.એક વાર એક મસ્તરામ સાધુ પુરૂષ એ રસ્તે આવી ચડ્યા. પ્રભુના ગુણાનુવાદ ગાતાં ગાતાં નિશ્વિત મનથી એ તો આગળ બધી રહ્યા હતા.ત્યાં એક નવાઈ ની વાત બની. એક વિચિત્ર પ્રકારની બિહામણી આક્રુતી તેમની નજરે પડી.કાચો પોચો માણસ તો ઉભો ને ઉભોજ ફાટી પડે. એવી બિહામણી એ આક્રુતી હતી. પરતું જેને પ્રભુ પર પુણૅ ભરોસો હોય તેને વળી ભય કેવો ? એટલે સહજ પણ ગભરાયા વિના, તેમણે પેલી આક્રુતીને પૂછ્યું.. “તું કોણ છે?” સામે થી જવાબ મળ્યો ;”હું મરકી છું. સામે ના શહેરમાં જા ઉંછું “. “ત્યાં જઈને શું કરીશ તું “? “મળેલા આદેશ મુજબ લગભગ પાંચેક હજાર માણસોનો મારે જાન લેવાનો છે.” પહેલો માણસ કઈ કહે તે પહેલાં તો પેલી આક્રુતી અદ્રશ્ય થઈ ગઈ ને આક્રુતી ક્યાં ગઈ કશો ખ્યાલ ના રહ્યો.
થોડા દિવસ બાદ , એજ રસ્તે , એજ માણસને પેલી ભેદી આક્રુતી નો ફરીથી ભેટો થઈ ગયો. પેલા માણસે તેને રોકી ને ફરીથી પૂછ્યું ;” આલ્યા , તું તો ભારે જુઠો માણસ નીકળ્યો . તે દિવસે તું મને આબાદ છેતરી ગયો.”- ” જુઠું બોલવાનું કામ તો તમારી દુનિયાના લોકોને સોપ્યું છે.અમે તો સાવ સાચું બોલવાના સોગંદ લીધા છે.”
“તો પછી તું એક વાત નો ખુલાસો કર . તે દિવસે પાંચ હજાર ને બદલે પચાસ હજાર માણસો નો જાન કેમ લીધો હતો ?”
” તમને કહ્યાં મુજબ મેં તો માત્ર પાંચ હજારનાજ જાન લીધા હતા. બાકીના માણસો તો મરકીના ભયથી જ મરી ગયાં હતા. ભયમાં મરે એમાં મારો શો દોષ ? ” ****સંત- “પુનિત”
Valentine’s-Day!!
સોનેરી રથ પર પ્રિતની સવારી આજ,
પુષ્પોની મહેંક બહેંકે મારે આંગણે આજ.
વહેતી નદી ને સાગરનો સાદ આજ,
આવો વાલમ! વર્ષા ભીંજાવે આજ.
રહ્યાં સંગાથે સુઃખ-દઃખમાં સાથ સખી,
હૈયા હિલોળે માણી એ સાથ આજ.
ઊષા નું આગમન,સધ્યાં ને વધાવીએ,
પ્રણયને પોખીએ, મારા મહેમાન આજ.
જનમ,જનમનો સાથ, એવી આ પ્રિત છે,
ચાલો ઉત્સના તોરણ બાંધીએ આજ…
(વેલેન્ટાઈન્સ્-ડે …કાવ્ય,મારી જીવન-સાથી ને અપૅણ !!)
યાદ છે સનમ
વિણેલા વાટમાં મોતી સાથ , યાદછે સનમ,
અધરે પીધેલા મધુરા જામ, યાદછે સનમ્.
દિનભર માણેલી મહેફીલ , યાદછે સનમ,
સાંજે લીધેલ વસ્મી વિદાય, યાદછે સનમ.
હાથમાં હાથ ઝાલી ફરેલા, યાદછે સનમ,
દુનિયાની નથી કરી પરવા, યાદ છે સનમ.
મૌનમાં ગુંજતી’તી કોયલ,યાદ છે સનમ,
આંખમાં હતુ અનોખું તેજ, યાદ છે સનમ.
રાધા-ક્રુષ્ણમાં સંગીતના સૂર , યાદછે સનમ,
રમેલા સાથે સુંદર રાસ , યાદ છે સનમ.
પ્રેમ બનાવે છે સુંદર સ્વગૅ, યાદ છે સનમ ,
પ્રેમ ઉતારે સૌને બેડાપાર , યાદ છે સનમ.
સ્વગૅના અધિકારી
એક મોટી નદી ને આ પાર એક ઋષીની કુટિર અને સામે કિનારે એક નાચનારી નો મોટા મહેલ જેવું ઘર . નાચનારીને પોતાના ભરણ પોષણ માટે આ ધંધો ના છૂટ્કે કરવો પડતો હતો. રોજ સવારે સૂયૅને નમસ્કાર કરી ને કહે ,” હે!પ્રભુ મારા નસીબમાં આ જીવનમાં આવા કર્મો કરવાના લખાયેલા છે!!. સામે કિનારે ઋષી દેવ સવાર સાંજ તારૂ સ્મરણ કરેછે , ભક્તિ-ભાવથી ભજે છે,કેવા પુણ્યશાળી આત્મા છે!!.” સામે કિનારે ઋષી સવારે ઉઠી નાચનારી નો મહેલ જોઈ બોલી ઉઠે ” મારે રોજ ઉઠી ને આ કુલ્ટા સ્ત્રીનું મો જોવાનું!!સંસારમાં આવી સ્ત્રી નું નામ નિશાન ના હોવું જોઈએ”. આ રોજ સવાર સાંજનો બન્ને નો ક્રમ. સમય જવા લાગ્યો , નાચનારી અને ઋષી બન્ને ની ઉંમર થઈ. લાગી, યમના તેડા આવ્યાં. દુર થી સ્વગૅ લોક થી વિમાન આવતું ઋષી એ જોયું અને નાચનારી એ પણ જોયું. ઋષી બોલ્યાં. “વાહ! મને લેવા ભગવાને મારા માટે “વિમાન” મોકલ્યું.”
સામે મહેલમાં બેઠેલી સ્ત્રી બોલી..” ઋષીદેવ કેવા નસીબદાર છે કે તેમને સ્વગૅમાં જવા વિમાન આવેછે !!”. પરંતુ ” વિમાન સિધ્ધુ સ્ત્રીના આંગણમાં આવેછે. ” યમરાજ તમારી કંઈક ભુલ થતી લાગે છે!! ઋષીદેવ તો સામે કિનારે વસે છે, તેના માટે છે ને ?” ….”ના બહેન આ વિમાન તમારા માટેજ છે, તમેજ ખરા દિલ થી ભગવાન ને ભજ્યાં છે, કુટુંબના ભરણ્-પોષણ માટે મજબુરી ને લીધે આ કામ કરવા પડયા છે, કરેલા કમૅ પર દિલથી પસ્તવો કર્યો છે.સામે બેઠેલા ઋષી જીવનભર નિંદા-કુથલી કરી છે. તમેજ ખરા સ્વગૅના અધિકારી છો !!!”
(પસ્તાવા સ્વરૂપ વિપુલ ઝરણું સ્વગૅથી ઉતરે ને પાપી પણ એમાં ડુબકી મારે તો એ પણ પુણ્યશાળી બની જાય!!!)