એક ગઝલ- નાઝિર દેખૈયા
પ્રભુ શીશ પર મારું સદન થઈ જા તો સારું,
ભલે ગંગા સમું મારું પતન થઈ જાય તો સારું.
નહીં તો દિલ બળેલા ક્યાંક બાળી દે નહીં જગને,
પંતગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.
એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.
નહીં તો આ મિલન ની પળ મને પાગલ કરી દેશે,
હ્ર્દય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસી ને સુમન થઈ જાય તો સારું.
જીવનભર સાથ દેનારા! છે ઈચ્છા આખરી મારી,
દફન તારેજ હાથે તન-બદન થઈ જાય તો સારું.
વગર મોતે મરી જાશે આ “નાઝિરઃ હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.