અલી ઊભી રહે વાત કહું સહિયલડી…
અલી ઊભી રહે વાત કહું સહિયલડી,
મને હૈયામાં ઊમંગ આજ જાગ્યો,
ભર-જોબનમાં રમતી’તી કુંજ માં,
ત્યાં ભમરાનો ડંખ મને લાગ્યો.
શું રે કહું એની મીઠી મીઠી વેદના,
કે દિલનો દરવાન કોઈ જાગ્યો.
અલી ઊભી રહે ..
મીઠી રે નીંદરમાં મીઠાં આવે સપનાં,
આજ મારા હૈયાનો જાણકાર જાગ્યો.
અલી ઊભી રહે ..
દરિયામાં ડોલતી મારી નાનકડી નાવડી,
એને હલેસાં દેનાર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
હું તો ચડી’તી એવા પ્રેમના વંટોળમાં,
મારા મનનો જાણકાર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
કાયા કેરી ચુંદડી ઊડતી’તી ગગનમાં,
અનેરો ચુંદડી ને રંગ આજ લાગ્યો.
અલી ઊભી રહે..
છૂપી વાત મનમાં રાખજે સહિયલડી,
કે મારા ચિંતનો ચોર કોઈ જાગ્યો.
અલી ઊભી રહે..
એકલી બેઠીતી’તી એકાંતી આવાસમાં,
ત્યાં બંસીનો છેડનાર જાગ્યો.
અલી ઊભી રહે..