મુંબઈ ના દરિયાની માછલીનું ગીત
મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમા આટલી;
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.
ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.
કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકતી મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા;
ને થાકી ને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂચે છે માછલી.
-જીવણ ઠાકોર (“આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)
એ મને ગમે ના..
મંદીરમાં મને રસ્તો મળે ના, પૂજારીનો પંથ મને ગમે ના,
હરીના દ્વાર બંધ થઈ જાય, એવો મારગ મને ગમે ના.
કેટલાંય બાળકો ભૂખથી ટળવળે એ આ જગત માં,
અન્નના ઢગલા ધર્મ નામે થાય એ મને ગમે ના.
ફૂલોની ચાદર પાથરી આરામ થી પોઢતા પાખંડી ધર્મગૂરૂ,
ગરીબડા આભ ઓઢી ઉંઘતા એ મને ગમે ના.
કોણે કોની પરવા કરી છે, દયા-દાન માત્ર કહેવાના !
કેવા ખોટા ખેલ છે સંસારના, એ મને ગમે ના.