હું ઝંખું એવું મોત…
હું ઝંખું એવું મોત…
એવું એટલે કેવું? દરેક માણસને, જેમ જીવનની કલ્પના હોય છે એમ એને પોતાના મૃત્યુંની કલ્પના હોય છે. સામાન્ય રીતે કોઈને પણ પૂછીએ તમે કેવું મોત ઝંખો છો? તો તરત જ જવાબ મળશે: પીડા વિનાનું. આપણે જન્મીએ છીએ ત્યારે આપણી માતાને પીડા વેઠવી પડે છે. જન્મતાં બાળક ને શું થતું હોય છે ગર્ભાશયની બહાર પડતાં, હજી કોઈને જાણ નથી.
મરણ સાથે અજ્ઞાત ભય સંકળાયેલો હોય છે. એક અજાણ્યા પ્રદેશમાં જવાનો ભય. શરીર સાથે જીવવાની ટેવ પડી છે એ શરીરને છોડવાનો ભય સ્વજન અને પરિચિત વાતાવરણથી છૂટવાની પારાવાર વેદના. શું શું નથી સંકળાયેલું મરણ સાથે ? એક જીવન જ નથી સંકળાતું મરણ સાથે.
મરણ ગમે છે કે નથી ગમતું એ પ્રશ્ન જ રહેતો નથી.મરણ જીવન જેટલીજ વાસ્ત્વિકતા છે. ઈન્દ્રિયો ધીમે ધીમે ઓસરતી જાય છે. શરીરનો કિલ્લો તૂટતો જાય. માયાનાં વળગણ પણ ઈચ્છે કે ઈચ્છો, છૉડવા પડે છે. કેટલાંક તંતુઓને તોડવા પડે છે.
મને ઓશિયાળું મરણ ના ગમે. પીડાતો હોઉં, પિલાતો હોઉં એ ન ગમે. કશુંક સારું સારું એટલે કવિતાનું કામ કરતો હોઉં, એટલે કે કોઈક કવિતા વાંચતો હોઉં ત્યારે ધબ દઈને ધબી જવાનું ગમે. આસપાસ સ્વજનો હોય અને એના સાંનિધ્યમાં જ મરી જવું ગમે. ડાળથી ફૂલ ખરી પડે છે કોઈ પણ અવાજ વિના જ એમ ચુપચાપ ચાલી જવું ગમે.
મરણતો આવતું હોય છે અકસ્માતના રસ્તે. કેટકેટલા રોગને માર્ગે. જેટલા માણસ એટલા રોગ. ન્યુમૉનિયા, હાર્ટ એટેક, કેન્સર, ડાયાલીસિસ પર રહેવાનું અને મોતની રાહ જોવાની, કોણ જાણે મને આ બધું પસંદ નથી.
શરદબાબુનો દેવદાસ કહે છે કે મરણનો વાંધો નથી. પણ મૃત્યું સમયે પ્રિય વ્યક્તિનો હાથ કપાળ પર ફરતો હોય અને ચાલ્યા જવું પડે તો કંઈક ઠીક વાત બને.
કવિ ઑડનને ઈચ્છામૃત્યું મળ્યું. એમની ઝંખના હતી સાંજે કવિતા વિશે વાત કરે, શરાબની પ્યાલીને ભરપૂર માણે અને રાતના હોટેલની કોઈક પથારીમાં સૂઈ જાય અને સવારે જાગે જ નહીં. એમને એવું ઈચ્છામૃત્યું મળ્યું. માણસના મૃત્યુનો આધાર એ કેવું જીવન જીવ્યો છે એના પર હોય છે. મૃત્યુ માટે પણ કોઈ ફાંફાં, વલખાં, હવાતિયાં નહીં. સહજ મરણ. કૃષ્ણમૂર્તિ કહેતા કે વિધાર્થી સમજતા થાય પછી અભ્યાસક્ર્મમાં મરણનો વિષય પણ હોવો જોઈએ જેથા એ મરણને એની અનિવાર્યતાને સમજે. વ્યથિત થવાને બદલે એ નિર્ભય થાય. મરણ ન હોત તો આ પૃથ્વી પર પૂર્વજોની ધક્કામુક્કી જ હોત.
હું ઝંખું એવું મોત
કે એક પલકમાં અહીંથી ઊડે મારું પ્રાણપોત.
-સુરેશ દલાલ
Sars Article.No body lie to die,but SANATAN STYA.
Sapana