હાસ્ય…
અને જો હું નશ્વર વસ્તુ પર હસું છું,
તો એટલા માટે જ કે ક્યાંક હું રડી ન પડું.
*************************
બાયરન
હાસ્ય એ મનુષ્યને મળેલું મોટામાં મોટું વરદાન છે. કોઈ સુખી આનંદી, સદાય હસ્તો માણસ દેખાય તો તમે એમ ન માની બેસતા કે એના જીવનમાં કોઈ કરુણતા કે વેદના નથી. વેદનાને ઢાંકવા માટેનું બખ્તર, વેદના સામેની ઢાલ એ હાસ્ય છે. ઘણી વાર આપણું હાસ્ય આંસુની આવેજીમાં હોય છે.
આપણે રડીએ તો કોઈ આપણી દયા ખાય; સ્વમાની માણસને બધું ખપે પણ કોઈની દયા નહીં. આપણાં આંસુ આપણે જ લુછવાનાં હોય છે અને આ આંસુ લૂછવા માટે સ્મિત જેવો કોઈ રૂમાલ નથી.
રડવાથી કોઈ દિવસ પરિસ્થિતિમાં ફેર પડતો નથી, જે રડીને સ્વીકારી એ હસીને શું કામ ન સ્વીકારીએ? ચિંતા કરવાથી પણ કાંઈ વળતું નથી. આપણે આપણી જ વ્યથાચિંતા પર હસી લઈ તો એના જેવો મોટો પુરુષાર્થ નથી.
-જીવન જખમોને છુપાવવા માટે હાસ્ય જેવું કોઈ આવરણ નથી.
સંસ્કૃત નાટકોમાં રાજાની સાથે વિદુષક રહેતો. એ વિદુષક રાજાનો મિત્ર. રાજ ચલાવવું એ ખાવાના ખેલ નથી. આવો કોઈ પરમ વિદુષક આપણી પાસે હોવો જોઈએ. સંસારમાં માનભેર જીવવું હોયતો આપણી ભીતર જ એક વિદુષક ઉછેરવાનો છે. પોતાની વેદનાને જ્યાં ને ત્યાં ગાવાને બદલે, સહાનુભૂતિ ઉઘરાવવાને બદલે, માનસ મોકળા મને હસવું જોઈએ. એમ પણ કહેવાય છે કે માણસ જેટલો એના હાસ્ય પરથી ઓળખાય છે, એટલો બીજા કશાથી ઓળખાતો નથી. એલ્બર્ટે કહ્યું છે કે તમામ વિચારો કરતાં વેદના સૌથી ઊંડી છે; પણ તમામ વેદના કરતાં હાસ્ય સૌથી ઊચું છે.
જે પોતા પર હસી જાણે છે, એ જ જીવી જાણે છે. જે બીજાને હસતાં રાખી શકે છે તે એક અર્થમાં વૈષ્ણવજન છે.
-સૌજન્ય: ઝ્લક-સુરેશ દલાલ