સત્યનિષ્ઠની પૂજા
આશ્રમની સ્થાપ્નાના દિવસો હતા.અમે કોચરબના બંગલામાં રહેતા હતા.અધ્યાપક કર્વે પોતાની સંસ્થા માટે ફાળો ઉઘરાવવા અમદાવાદ આવ્યા હતા. તેઓ બાપુને મળવા આશ્રમમાં આવ્યા.
બાપુએ સૌ આશ્રમવાસીઓને એકઠા કર્યા અને સૌને તેમને પ્રણામ કરવા કહ્યું. પછી સમજાવવા લાગ્ય,”ગોખલેજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા ત્યારે મેં તેમને પૂછેલું કે આપના પ્રાંતમાં સત્યનિષ્ઠ માણસો કોણ કોણ છે?તેમણે ક્હ્યું હતું કે હું મારું પોતાનું નામ ન આપી શકું. હું સત્યને માર્ગે ચાલવાની કોશિશ કરું છું ખરો; પણ રાજ્દ્વારી બાબતમાં કોઈ વાર મોઢામાંથી અસત્ય નિકાળી જાય છે.હું જેમને જાણું છું તેમાં ત્રણ માણસ પુરેપુરા સત્યવાદી છે: એક અધ્યાપક કર્વે, બીજા શંકરરાવ લવાટે(તેઓ દારૂ-નિષેધનું કાર્ય કરતા હતા) અને ત્રીજા…”પછી બાપુ કહે,”સત્યનિષ્ઠ લોકો આપણે માટે તીર્થરૂપ છે. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના સત્યની ઉપાસના માટે છે. એવા આશ્રમમાં કોઈ સત્યનિષ્ઠ મૂર્તિ પધારે તે દિવસ આપણે માટે મંગળ દિન છે.”
બિચારા કર્વે ગળગળા થઈ ગયા. કંઈ જવાબ જ ન આપી શક્યા.એટલું જ બોલ્યા કે,’ગાંધીજી આપે મને ઠીક શરમાવ્યો. આપની આગળ મારી શી વિસાત ?”
******************************
ફેર શું?
બાપુજી માટે ખજૂર ધોવાનું કામ વલ્લભભાઈ એ માથે લીધું હતું. તેમણે બાપુને પૂછ્યું: “કેટલા ખજૂર ધોઉં?”
બાપુ કહે: ” પંદર”
બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું, એ હિસાબે વલ્લ્ભભાઈ કહે: પંદરમાં અને વીસમાં ફેર શું?
એ સાંભળી બાપુ
બોલ્યા: ત્યારે દશ. કારણ દશમાં અને પંદરમાં ફેર શું?”
સૌજન્ય: ગાંધી-ગંગા(ભાગ-૨)