“વૃદ્ધાવસ્થા..”
જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે,
ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થતા જાઓ છો.
મનુષ્યની અવસ્થા-શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા. શૈશવ એ વિસ્મયનો, યૌવન ઉત્સાહ અને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાએ શાણપણનો સમય છે.પણ વિસ્મય,ઉત્સાહ અને શાણપણ દરેક પાસે હોય એવું માની લેવાને કારણ નથી.અકાળે વૃદ્ધ થતાં યુવાનો પણ હોય હે અને વૃદ્ધાવસ્થામાં યૌવનની પ્રતીતિ આપતા વૃદ્ધો પણ હોય છે. વય વધે એટલે શાણપણ વધે એટલે આવે એવું પણ નથી.
જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો. આ બધી અવસ્થા જેટલી શારીરિક છે એનાથી વિશેષ માનસિક છે.ચારેક વર્ષ પહેલાં બ્રિટિશ કવિયત્રી કેથરીન રેઈનને મળવાનું થયું હતું. બ્યાસી વર્ષની ઉંમરે એમણે કલા અને સંસ્કૃતિનું મેગેઝીન પ્રગટ કરવાનું શરૂ કર્યું . પાંસઠની આસપાસની એવી કેટલી વ્યક્તિઓ જોઈ છે કે જેમણે આ ઉંમરે મહાનિબંધ લખીને પી.એચ.ડી પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો હોય. આનો અર્થ એવો થયો કે વૃદ્ધાવસ્થા છે, છતાં પણ કેટલાક માણસોને એને ઓળંગતાં અને અતિક્રમતાં આવડે છે. વૃદ્ધાવસ્થાનો વિક્લ્પ મરણ સિવાય કોઈ નથી એમ કોઈકે કહ્યું છે. મરણ અને વૃદ્ધાવસ્થામાંથી જો કોઈ પસંદ કરવાનું હોય તો ચૈતન્યથી મહેંકતો જીવંત માણસ વૃદ્ધાવસ્થાને સ્વીકારી લેશે.
લાંબું જીવનના ફાયદા અને ગેરફાયદા બંને છે.વૃદ્ધાવસ્થાની મોટામાં મોટી કરુણતા એ છે કે તમારી ઉંમરના, તમારી આસપાસના અનેક માણસો મૃત્યુ પામ્યા હોય છે અને તમે એકલા, વધુ પડતા એકલવાયા થતા જાઓ છો. ઈન્દ્રિયો એક પછી એક ધીમે ધીમે ઓલવાતી જાય છે. નવી પેઢી પોતાની કારકિર્દી બનાવવામાં પડી છે. તમારી પાસે ફુરસદ સિવાય કશું નથી અને નવી પેઢીને તમારે માટે ફુરસદ નથી.
કોઈ માણસ કેટલું જીવે છે એ મહત્ત્વનું નથી. કેવું જીવ છે એ મહત્ત્વનું છે. માણસ પાસે દ્રષ્ટિ હોય તો એ વૃદ્ધાવસ્થાને પણ અર્થપૂર્ણ અને સૌંદર્યમય બનાવે છે. વૃદ્ધાવસ્થા શાપને વરદાનમાં ફેરવવાની કલા જેને પ્રાપ્ત થઈ છે એ સનાતન યુવાન છે.
-એડગર શોફ(“ઝલક”)