આવો અમારે ભાવનગર
શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે,
આવો અમારે ભાવનગર.
ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે,
આવો અમારે ભાવનગર.
ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે,
આવો અમારે ભાવનગર.
ઘોઘાનો ઘુઘવાટ એવો, જ્યાં લંકાની લાડી મળે,
આવો અમારે ભાવનગર.
વિશ્વ-વિખ્યાત ગાંઠીયા, પેડા શિહોરી સસ્તા મળે,
આવો અમારે ભાવનગર.
ભાવ-ભૂખ્યા ભાવનગરી,જ્યાં આદર ને સન્માન મળે,
આવો અમારે ભાવનગર.
રુવાપરી-તખ્તેશ્વર, જ્યાં તીર્થધામ જશોનાથ મળે,
આવો અમારે ભાવનગર.
સહેલતા સુંદર નર-નારી જ્યાં એવા સુંદર બાગ મળે,
આવો અમારે ભાવનગર.
ગૌરી-શંકર-સરોવર જ્યાં પાણીમાં મીઠાશ મળે,
આવો અમારે ભાવનગર.
કવિ કલાપી, કવિ કાન્ત, જ્યાં કવિઓનો દરબાર મળે,
આવો અમારે ભાવનગર.
===================
લ્યો ટિકટ લઈએ એટલી વાર;
પાટે એંજીન દોડે એટલી વાર;
ભાવનગર પર ઊતરી પડીએ
કવિરાજોની કવિતા સાંભળીએ;
ભાવનગર તને સલામ કરીએ;
ને પાછા અમારે ગામ ફરીએ.
====================
કેમ ભૂલાય ગઢેચીથી ભાવનગરની રોજની સફર
ભાવનગરની આજની શિશુવિહાર, બુધસભા જેવી સંસ્થાઓ બાળકેળવણીની દષ્ટિસંપન્ન માવજત કરવાની સાથે નવોદિત કવિઓને કવિતાસર્જનના પાઠ પણ શીખવે છે; અને નવોદિત કવિઓનાં કાવ્યોના સંગ્રહો પુસ્તક રૂપે પ્રકાશિત પણ કરે છે. સાહિત્યરસિકોને આ કાવ્યસંગ્રહો ભેટ રૂપે મોકલવામાં આવે છે. (મને તેનો અનેક વાર લાભ મળ્યો છે.) ભાવનગરની શામળદાસ કોલેજ ગુજરાતની સૌથી જૂની કોલેજોમાંની એક છે, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેની પ્રતિષ્ઠા છે. દાયકાઓથી તે ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્કર્ષ માટે કામ કરતી રહી છે. મેઘાણી, ધૂમકેતુ આદિ અનેક સુપ્રસિદ્ધ સાહિત્યકારો તેના વિદ્યાર્થીઓ હતા. મેઘાણી ભાવનગર સાથે અનેકવિધ સંબંધે સંકળાયેલ હતા. સુંદરમ, ઉમાશંકરના સમકાલીન શ્રીધરાણીનો, કવિ-નવલકથાકાર હરીન્દ્રદવેનો, ‘પ્રબુદ્ધ જીવન’ (મુંબઈ)ના હાલના તંત્રી અને નાટ્યકાર ધનવંત તિ.શાહનો, ભાવનગરના વતની યા નિવાસી તરીકે, શહેર સાથે સંબંધ રહ્યો છે.
ભાવનગરમાં આજે પણ ઘણાબધા કવિઓ-લેખકો-લોકસાહિત્યકારો-ગઝલકારો વતની યા નિવાસી તરીકે વસ્યા છે; અને તેઓએ યથાશક્તિમતિ સાહિત્યસર્જન કર્યું છે યા કરતા રહે છે, જેવા કે જિતુભાઈ મહેતા, પ્રદ્યુમ્ન દેસાઈ, શશિન ઓઝા, જશવંત મહેતા, શિવપ્રસાદ રાજગોર, ઉપેન્દ્ર ભટ્ટ, રશ્મિ મહેતા, કિસ્મત કુરેશી, ગીતા પરીખ, મૂળશંકર ત્રિવેદી, ચન્દ્રકાન્ત અંધારિયા, બુદ્ધિલાલ અંધારિયા, રાહી ઓધારિયા, ઈન્દુકુમાર દવે, હર્ષદેવ માધવ, વિનોદ જોશી, દક્ષા પટ્ટણી, અનિરુદ્ધ પરીખ, નટુભાઈ મહેતા વગેરે. આ યાદી ઘણી લાંબી છે. વસ્તુત: ભાવનગરે ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર ક્ષેત્રે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. વર્તમાન પેઢીને-ખુદ ભાવનગરના ઘણા લોકોને તેની ખબર નથી, પરંતુ ભાવનગરનું આ ક્ષેત્રોમાંનું પ્રદાન ભૂલવા જેવું નથી.