નારી! તું તારિણી
સ્ત્રીનું ગજું મહાનુભાવોની”મા” બનવાનું! એથી વિશેષ નહીં. આમ વિકાસની સંભાવનાને જ સીમિત કરી મૂકવામાં આવે છે.સ્ત્રીના માનસમાં બ્રહ્મચર્યનો સંકલ્પ ઊગે એવું વાતાવરણ નથી, છોકરીના ઉછેરેમાં હિંમત કે સાહસ વૃતિને પણ પ્રોતાસાહન આપવામાં નથી આવતું,’છોકરીઓથી એકલા ન જવાય’ની ભીરુતા નાનપણથી જ દાખલ કરવામાં આવે છે. નિર્લજ્જતા ન હોવી જોઈએ એ વાત ઠીક છે, પરંતુ સ્ત્રીઓ માટે ‘લજ્જા જ ભૂષણ ગણાયું. સ્ત્રીના ગાલે શરમના શેરડા પડે એ પર તો કેટલાં કાવ્યોની કેટલી કડીઓ રચાઈ. પરંતુ આ લજ્જા સ્ત્રીને ગભરુ બનાવી મૂકે, સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય કે નિર્ણય આપતાં પણ રોકે, ઉચિત વાત કેવળ શ્રમ-સંકોચ કે ભીરુતાને કારણે ન કહેવાને પરિણામે જીવનમાં અણધારી હોનારત પેદા કરે, આ બધું નારીજીવનમાં બને છે.
પરિવારમાં કન્યા ઉછેરમાં, ચારિત્ર્ય-ઘડતરમાં અમૂલ ક્રાંતીની જરૂર છે.સમાજ પોતે આ ક્રાંતી જ્યારે કરે ત્યારે કરે, પરંતુ પ્રત્યેક જાગૃત માતાએ પોતાની દીકરીના ઊછેરમાં નવેસરથી જ વિચારવું પડશે. છોકરી નાનપણથી ‘પરાયા ઘરની’ છે આ વાત મન પર ઠસતી જાય છે. પછી બહેનના ભાઈ સાથેના સંબંધમાં પણ રક્ષાબંધનના દિવસે સ્ત્રીમાનસમાં બે પ્રકારની માનસિકતા નિર્માણ થાય છે. એક તો હું રક્ષ્યા છુ, રક્ષિતા છું અને ભાઈ મારો રક્ષક છે. હકીકતમાં સ્ત્રીએ સ્વ-રક્ષિત બનવું જોઈએ. આદર્શ સમાજ તો એ છે , જ્યાં ન કોઈ ભક્ષક, ન કોઈ ભિક્ષિત છે, ન કોઈ રક્ષિત છે.બીજું રાખડીના બદલામાં ભાઈ તરફથી કશુંક દાપા રૂપે , ભેટ રૂપે મળે, આમ સાપેક્ષ સંબંધની વૃતે જન્મે છે. અ સલામતીની ભયગ્રથીમાંથી સ્ત્રીને મુકત કરવી જોઈએ.આર્થિક સ્વતંત્ર્ય એ મુક્તિનો પ્રથમ આઘાક્ષર છે.
પ્રત્યેક માનબાળમાં કોઈક ને કોઈક આગવી વિશેષતા ગુપ્ત રૂપે પડી હોય છે.એ વિશેષતાને પ્રગટ કરવાની તક સૌને મળવી જોઈએ. આજે સમાજમાં કહેવત જેવું પડ્યું છે કે ” સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન!” એને બદલે બીજી સ્ત્રી સાથે સહાનુભૂતિ અને સંવેદનશીલ નજરે જોતાં શીખવું પડશે. સ્ત્રીના અન્ય સ્ત્રી સાથેના સંબંધમાં જો પરસ્પર સ્નેહ પ્રગટ થશે તો આજની ફિલ્મોમાં સ્ત્રી પર થતા આત્યાચારોનો ટોપલો બીજી સ્ત્રી પરનાંખી દેવામાં આવે છે અને પુરુષ છટકી જાય છે, તે અટકશે.
પરણીને આવેલી પુત્રવધૂનું હૈયું ‘મારો વર-મારું ઘર”ના ધબકારે ધબકતું હોય છે. પરિણામે ‘મારું સ્થાન’ ઝૂટવાઈ જવાની અસલામતીની એક ગ્રંથી સાસુના અંતરમાં ઊગે છે, જેના પરિણામે સંઘર્ષ થાય છે. આ કોયડાનો એકજ ઉકેલ છે-બન્નેના ચિત્તની સલામતી જળવાય તેવી કોઈ યોજના. જેના અનેકરૂપ હોઈ શકે.ઉત્સાહમાં આવી જઈ કોઈ સાસુએ કેડનો ચાવીનો ઝૂડો વહુને આપી દેવાની ઉતાવળ ન કરવી જોઈ એ, ન વહુએ ઘર આખાને બદલી નાંખવાની આક્રમક ઊલટથી બધો દોર પોતાના હાથેમાં લઈ લેવા પ્રયત્ન કરવો જોઈ એ. આ’હસ્તાંતરણ’નો ગાળો છે અને આપોઆપ થવા દેવો જોઈ એ.
પરિવાર એ સમાજનું પાયનું ઘટક છે.સામાજિક મૂલ્યોનું ધરુવાડિયું છે. વ્યક્તિને પારાવાર તરફ લઈ જવા માટે પરિવાર એ પહેલું પગથિયું બની શકે. તેમ કરવા માટે પરિવારમાં પ્રત્યેક વ્યકતિની પ્રતિષ્ઠા જોઈ એ. એના વ્યક્તિત્વનું સન્માન જોઈ એ. એ પોતાની રીતે ઊગવા-વધવાની મોકળાશ જોઈ એ. પરિવારમાં લોકશાહીનાં મૂલ્યોનું વાવેતર થાય તો સૌને સમાન ભિવ્યક્તિની તક મળી રહેશે. સ્ત્રીએ પોતે પણ પોતાના પરિવારમાં લોકશાહીના મૂલ્યોનું જતન થાય એ દિશામાં સભાન પ્રયાસો આદરવા પડશે.
જે રીતે સર્વસામન્ય પુરુષ પાસે કોઈ સમર્પણની અપેક્ષા નથી રખાતી, એ જ રીતે સ્ત્રી પાસે પણ કોઈ સમર્પણની અપેક્ષા રાખવી ન જોઈ એ. હકીકતમાં, સમર્પણ એકાંગી ન ચાલે, પરસ્પર સમર્પણ જ વર્તુળને પૂર્ણ કરી શકે.
નારી! તું તારિણી-મીરા ભટ્ટ ( સંકલન: વિશ્વદીપ)