આવો અમારે ભાવનગર
શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે,
આવો અમારે ભાવનગર.
ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે,
આવો અમારે ભાવનગર.
ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે,
આવો અમારે ભાવનગર.
ઘોઘાનો ઘુઘવાટ એવો, જ્યાં લંકાની લાડી મળે,
આવો અમારે ભાવનગર.
વિશ્વ-વિખ્યાત ગાંઠીયા, પેડા શિહોરી સસ્તા મળે,
આવો અમારે ભાવનગર.
ભાવ-ભૂખ્યા ભાવનગરી,જ્યાં આદર ને સન્માન મળે,
આવો અમારે ભાવનગર.
રુવાપરી-તખ્તેશ્વર, જ્યાં તીર્થધામ જશોનાથ મળે,
આવો અમારે ભાવનગર.
સહેલતા સુંદર નર-નારી જ્યાં એવા સુંદર બાગ મળે,
આવો અમારે ભાવનગર.
ગૌરી-શંકર-સરોવર જ્યાં પાણીમાં મીઠાશ મળે,
આવો અમારે ભાવનગર.
કવિ કલાપી, કવિ કાન્ત, જ્યાં કવિઓનો દરબાર મળે,
આવો અમારે ભાવનગર.