આજનો જોક્સ…
એક દર્દી એકવાર પશુના ડૉકટર પાસે ગયો.
દર્દી : હું એક મહીનાની વેકેશન પર આવ્યો છું અને મારે મારી બરાબર સારવાર કરાવવી છે .
ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું .
દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે .
ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ?
દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગું છું .
ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું .
હરણની જેમ જોબ પર જવા દોડું છું .
આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું .
વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું .
મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું .
મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું .
મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું .
ડોક્ટર : અરે ! તમે અમેરીકામાં કામ કરો છો ?
દર્દી: હા જ તો વળી .
ડોક્ટર : આ પહેલેથી કહેવું જોઇએને ? ચાલો કહો , તમારે શી તકલીફ છે ? મારા સીવાય બીજું કોઇ તમારી સારવાર કરી નહીં શકે ..
coutesy e-mail: Dr.Naishadh
અમારી ભાવભીંની શ્રદ્ધાંજલી.મુંબઈ…
નવેમ્બર,૨૬.૨૦૦૮ના દિવસે મુંબઈમાં ૧૬૬ નિર્દોષ માનવી એ પોતાના પ્રાણ ગુમાવ્યા એમને અમારી ભાવભીંની શ્રદ્ધાંજલી, એમના સૌ સગા-સંબંધી સૌને અમારી સહાનુભુતિ..પ્રભુ સૌને હિંમત આપે.
Happy Thanksgiving(આભાર..
પ્યારા મિત્રો..પ્રિય વાચકો..
૨૦૦૭થી પ્રારંભ થયેલી..આ “ફૂલવાડી”..આપ સૌ ની દુહા, પ્રોત્સાહનથી મહેંકી રહી છે…દિન-પ્રતીદિના આપણી ગુજરાતી માત્રૃભાષા પ્રદેશમાં ગુજરાતી સાહિત્ય રસિકો અને ગુજરાતી સંતાનોને મીઠું અમૃતભર્યું ભાષાનું ધાવણ આપી તુપ્તિ આપે છે, આનંદ આપે છે, એનું મને ગૌરવ છે.આશા છે કે મિશાલ, ધ્યેય ચાલું રહે અને આપણી ગુજરાતી માવડી પરદેશમાં સદા અમૃતપાન કરાવ્યા કરે..અને આપણે સૌ આપણી ગુજરાતી-માતૃભાષાના એક સારા સંતાન બની એનું જતન, વંદન કરતા રહી એ એજ શુભેચ્છા.. આપ સૌ સાથ મળી “ફૂલવાડી’માં આવી, સાહિત્યને આવેગ આપ્યો છે,આપણી માતૃભાષાને પ્રોત્સાહન આપ્યું છે. હું આપ સૌનો ઘણોજ આભારી છું…
આભાર..
-વિશ્વદીપ
માણેકચોકમાં…
દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં
સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં
પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં
ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં
જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં
એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં
નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં
અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં
કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં
રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં
ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરોય પણ ચણાય છે માણેકચોકમાં
આદિલ મન્સૂરી
સ્વર્ગ આવવું નથી
સ્વર્ગ આવવું નથી કે રહેવું નથી નાથ મારે ત્યાં,
યાચુ એટલું ફરી ફરી માનવ જન્મ દેજે અહીં.
સુખ-સાહિબીની જાહોજલાલી હોય જ્યાં ના ફિકરની કોઈ ત્યાં!
એવા સ્વર્ગમાં મારે ત્યાં રહેવું નથી..યાચુ એટલું
દેવ બની નથી પીવી કોઈ મદીરા,કે જોવા નાચ-ગાન અપ્સરાના,
પિવડાવવું પાણી તરસથી તડપતા માનવીને અહી…યાચુ એટલું
જ્યાં નથી કોઈ આંસુ હર્ષ કે શોકના એવું સ્થળ ગમતું નથી,
આંસુ પી,પી ને જીવનારા સાથે રહેવું મારે અહીં..યાચુ એટલું
જ્યાં આત્મા હવા બની ફરે, સ્થુળ કાયાની કોઈ કિંમત નથી,
હાડ-પિંજર બની બેઠેલા કાયાની સેવા કરવી અહીં..યાચુ એટલું
ખર્ચી નાંખે આખી જિંદગી આ માનવ સ્વર્ગ જવા બંદગી કરી,
માનવતાનો ધર્મ મારો, ના કોઈ મસ્જીદ કે મંદિર મારે….યાચુ એટલું
–
વેદનાનું દર્દ
કહો,આ વેદનાનું દર્દ ક્યાં જઈ બોલવાનું છે?
અમારું દિલ દિલાવર ને તમારું રૂપ નાનું છે.
અમે નાના હશું માની તમે પણ અંગ સંકોર્યું,
અમારા અંતરે વસવા તણું એ ઠીક બહાનું છે.
ન કહેશો કે શમાની રોશની અમ મંદિરે દીઠી,
અમારા મંદિરે જ્યોતિ તણા દરિયાવ ભાનું છે.
મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં,દિલબર!
તમારા બિન્દુમાં સાગર શમ્યા એ પણ મજાનું છે.
ઘડીભર મને કહે છે કે તમારો સંગ ના યાચું,
છતાં આજીઝ બનું છું કે હઠીલું દિલ દિવાનું છે.
તમારા ખોફ ને રહેમત તણી બરદાસ્ત આદરવી,
અમારું જંગનું મયદાન એ ને એ બિછાનું છે.
તમારો વસ્લ યાચી જિંદગાની છો ખતમ થાતી,
પછી અમ દ્વાર પર આવી તમારે યાચવાનું છે.
-કપિલ ઠક્કર’મજનૂ’
સબવે-સેન્ડવીચ
‘ બા, આજ કેમ મોડા ?’
‘તમારા માટે આજે શીલા ઘેરથી તમારા ભાવતી ખાંડવી લાવી છે’
‘બેટા, રસ્તામાં કેટલો મોટો એક્સિડ્ન્ટ થયો છે!
‘ ક્યાં? કયાં? ‘
હિલક્રોફ્ટ અને પેલા ઇન્ડીયન શૉપિંગ સેન્ટર પાસે,
‘ એમ્બુલન્સ, બે ત્રણ પોલીસ કાર.’
‘ કોઈ આપણા દેશી?’
‘હા..એક બહેન પંજાબી પહેર્યું હતું પણ ક્રાઉડ અને પોલીસ આજુબાજુ હતા એથી કોણ હતુ એ જાણી ના શકી. એક કાર તો બહુંજ ડેમેજ થયેલી હતી’.
.’કોઈને બહું વાગ્યું નથી ને બા?’
‘ખબર નહી બેટા, એક વ્યક્તિ કાર પાસે પડી હતી અને એના પર સફેદ ચાદર ઓઢાડેલી હતી! ભગવાન સારાવાના કરે!
‘બા, અંદર આવો… શીલા, બહાર આવ..બા આવ્યા છે.’
‘ બા, જયશ્રી કૃષ્ણ’ હું જરા ઓફીસમાં બેઠી બેઠી દિવસનો હિસાબ કરતી હતી.’
‘કઈ વાંધો નહી. બેટી ! દિવસમાં એકાદ વખત હર્ષદ અને તને ના મળું તો ગમતું નથી’
‘હા, બા ગયા જનમની કઈ લેણાં-દેણી..’
‘હાજ તો અને એ પણ અહીં અમેરિકામાં આવીને.’
‘બા આજે તમારે સેન્ડવીચ નથી ખાવાની, તમારા માટે આ ખાંડવી બનાવી છે’
‘હા બેટા હર્ષદે મને આવતાની સાથે જ કીધું હતું.’
હર્ષદ અને શીલા પટેલની સબ-વે સેન્ડવીચ હિલક્રોફટ પાસે હતી અને શાંતા-બા , સબ-વે સેન્ડવીચથી ત્રણ બ્લોક જ એપાર્ટમેન્ટ-કોમપ્લેક્સમાં રહેતાં હતાં અને દિવસમાં એકાદ વખત તો સબ-વે સેન્ડ્વીચમાં હર્ષદ-શીલાને મળવા જરૂર આવે અને વેજી-સેન્ડ્વીચની મજા માણે. હર્ષદ-શીલાને પોતાના દિકરા અને દીકરીની જેમ ગણતા. એમના પતિ, રોહિત શાહ , બે-વર્ષ પહેલાંજ હાર્ટ-એટેકમાં ગુજરી ગયાં. એમનાં બે દિકરા હ્યુસ્ટનમાં રહે છે, પતિ ગુજરીગયા પછી છ મહિના જેવું દિકરા સાથે રહ્યાં પણ આજ-કાલની નવી પેઢીના વલણ સાથે ફાવ્યું નહિ, દિકરાને કહી દીધુ:
“હું એકલી એપાર્ટમેન્ટ રાખીને રહીશ. હજુ મારી ઉંમર ક્યાં થઈ છે! હું સ્વતંત્ર રહેવા માગું છું અને તેમાં મારા અને તમારા સૌના સંબંધ પણ જળવાઈ રહે.’
‘બા..લોકો શું કહેશે? બબ્બે દિકરા અને મા એકલી રહે છે!’
‘બેટા, સમાજના મોઢે ગરણાં બાંધવા ન જવાય…મને કોઈ પુછસે તો મને જવાબ દેતા આવડે છે’.
શાંતા-બાની ઉંમર સિત્તેરેની હતી પણ શરીર એકલવડું અને તંદુરસ્ત. નાના ને પણ શરમાવે એટલી એમનામાં તાજગી હતી. શાંતા-બાને પૈસે ટકે કશી ચિંતા નહોતી, સોસિયલ સિક્યોરિટિ, તેમજ એમના પતિના ઈન્સ્યોરન્સના પૈસા, અને મેડી-કેઈડ, બધાનો લક્ષમાં રાખતાં બા બાકીની જિંદગી આરામથી જીવી શકે તેમ હતાં. કોઈની સાડા-બારી નહી! કાર પણ ચાલાવે, સિનિયર-સિટિઝનમાં પણ ઉપ-પ્રમુખ હતાં, બીજી ઘણી માનવ સેવા આપી રહ્યાં હતાં. એલિમેન્ટ્રી સ્કુલમાં વૉલીનટીયર તરીકે સેવા આપતા હતાં. ઘણીવાર ઘેર એકલાં પડી જાય તો એમની ઉંમરની બહેનપણી ને ઘેર બાલાવે, મોડે સુધી બેસી કોઈ સારું મુવી આવતું હોય તો ટીવી પર જુએ અથવા પત્તા રમે , આ બધી સ્વતંત્રતા દિકરાના ઘેર ના મળે એ સ્વભાવિક છે.
‘બેટા, તારી દિકરી નૈનાને કાલે હું તારા ઘેરથી સવારે ૮.૩૦ વાગે પીક-અપ કરી લઈશ તો કહેજે કે તૈયાર રહે જેથી નવ વાગે ડૉકટરના કલિનિક પર પહોંચી જઈએ.
.’બા તમને અમો બહું તસ્દી આપી એ છીએ..
‘ ‘જો હર્ષદ બેટા…તમારો ધંધો છે અને હું નવરી ધુપ-જેવી! તમો બન્ને માણસો મારું કેટલું ધ્યાન આપો છો. તમારી સેન્ડવીચ-શૉપ પર ના આવું તો મને ચેન ના પડે.’
.’બા..આ “સબવે ” તમારી જ છે ને!’
‘હા તો કાલે સવારે બરાબર ૮.૩૦.’ ‘ બા થોડા વહેલા આવજો. ઘરે ચા-પાણી નાસ્તો કરી પછી’..
‘ના બેટા તને તો ખબર છે મારે સવારે છ વાગે ઉઠી, યોગા કરી પછી નાહી-ધોઈ, ચા સાથે નાસ્તો. પછી જ મારી સવાર પડે.’
‘ ‘ઓકે બા..ખાલી ચા..’
‘ હર્ષદ બેટા! ડોકટરે કીધું છે, નૈના ને વાયરસ અને શૉર-થ્રોટ છે, એને લીધે થોડું ટેમ્પરેચર રહે છે અને એન્ટી-બાયોટીક લખી આપી છે. બે-ત્રણ દિવસ સ્કુલે ના જાય. નૈનાને પણ આરામ મળે અને બીજા બાળકોને ચેપ ના લાગે..
‘ ‘થેન્ક્યુ બા.. હા..બા ગઈ કાલે તમે જે કાર-એક્સીડન્ટની વાત કરતા હતાં એમાં તમે ઓળખો કે નહી પણ બાબુ પટેલનો ૧૩ વરસનો છોકરો એ એકસીડન્ટમાં ગુજરી ગયો! આજના છાપામાં છે.’ .
‘રામ…રામ..હા, હા ઓળખું ને એમનાં પિતા જશભાઈ અમારા સિનિયર-સિટિઝ્નમાં આવે છે…ચાલ મને જવાદે હું એમના ઘેર અહીંથી સિધ્ધી જાવ છું..’
‘શીલા! આ શાંતા-બા આટલી ઉંમરે કેટલી દોડા-દોડી કરી શકે છે. આ ઉંમરે એમને સેવાની જરૂર હોવી જોઈએ એના બદલે એ સમાજની સેવા કરે છે, ધન્ય છે બાને એ ખરેખર દયાની દેવી છે.’
‘ હેરી( હર્ષદ), સાચી વાત છે. થોડા વખત પહેલાં મંછામાસી ને બાય-પાસ કરાવી ત્યારે શાંતા-બા જ એમની પાસે ત્રણ દિવસ હોસ્પિટલ ઉભા પગે રહેલાં.’
‘શીલા! શાંતા-બા અહીં પચ્ચીસ વરસથી રહે છે અને હોસ્પિટલ-એડમીનીસ્ટ્રેટર તરીકે જોબ પણ કરતા હતાં એથી એમનું ઈગ્લીશ પર પાવર-ફૂલ છે..
શાંતા-બા તમો આ ઉંમરે દોડા-દોડી કરી થાકી નથી જતાં? અમો તમારાથી ઘણાંજ નાના છીએ છતાં ઘેરે જઈએ એટલે સીધા બેડમાં.
.’ ‘બેટા, ભગવાનની દયા! અને શરીરની કાળજી, રોજ સવારે વહેલા ઊંઠી એકાદ કલાક યોગા-આસન કરવાના પછી બાકીના કામ. હર્ષદ-શીલા હવે તો શૉપ બંધ કરવાનો સમય થઈ ગયો છે, હું હવે થોડીવારમાં નિકળી ઘેર જાવ છું’..
‘ના બા અંધારું થઈ ગયુ છે. તમો બેસો , આ હિસાબ-કિતાબ પતાવી અમો તમને ઘેર મુકી જઈશું.’
.’ના મારે તો રોજનું થયું બેટા. મારું ઘર ક્યાં દૂર છે. પાંચ મિનિટનો રસ્તો છે. એ બાને થોડું વૉક પણ થઈ જાય.’
વાત ચાલતી હતી ત્યાં બે માસ્ક(બુરખો)પહેરેલા યુવાન શૉપમાં આવ્યા!
‘ Give me all your money.'( તમારા બધા પૈસા મને આપી દો)
એકના હાથમાં ગન હતી. શાંતા-બા હર્ષદભાઈ પાસે ઉભા હતાં..હર્ષદભાઈએ બધાજ પૈસા કેશ-રજીસ્ટર માંથી કાઢી પેલા બુરખાવાળા યુવાનને આપ્યાં પણ જતાં જતાં ગન ચલાવી…શાંતા-બા એકદમ હર્ષદભાઈની આગળ ઉભા રહી ઢાલ બની ગયાં ! છુટેલી ગોળી સીધી શાંતા-બાની છાતીમાં…હર્ષદભાઈતો બચી ગયાં. શાંતા-બા જમીન પર લોહી-લોહણ…હર્ષદ તરફ ખુલ્લી આંખ..માત્ર એકજ શબ્દ સરી પડ્યો…”બેટા”… કહી એમનો મૃત-દેહ હર્ષદભાઈના ખોળામાં ઢળી પડ્યો!
મોક્ષ વાળો મારગ મળે
સારા મિત્રો મળે,
જીવનમાં એક રસ્તો મળે.
સારી પત્નિ મળે,
ભવસાગરમાં ભાથું મળે.
સાચું જ્ઞાન મળે,
અંધકારમાં અજવાળું મળે.
સારો માનવ મળે,
માનવતાની જ્યોત મળે.
દુ:ખ-દર્દ મળે,
ઘડતર વાળી શાળા મળે.
સુકર્મોનો સંગાથે મળે,
મોક્ષ વાળો મારગ મળે.
અટકળ બની ગઈ જિંદગી!
આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો ઓ તરફ…
બેઉ બોજ ખેંચતા કાવડ બની ગઈ જિંદગી!
હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફકત શ્વાસોચ્છાસની અટકળ બની ગઈ જિંદગી!
સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી!
વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,
કાલની અબજો અજીઠી પળ બની ગઈ જિંદગી!
ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો-
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!
દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
આપ આવ્યાં? દાવાનળ બની ગઈ જિંદગી!
આવું કેમ થાય છે?
(છેલ્લા બે વીકમાં ત્રણથી ચાર વખત ફ્યુનરલમાં જવાનું થયું..કોઈ સ્વજન, કોઈ મિત્ર ખોયો.દુ:ખ થાય છે.બસ આવું કેમ થાય છે? એ વિચારોમાં આ કાવ્ય સરી પડ્યું)
રોજ રોજ ફ્યુનરલમાં જવાનું થાય છે,
આવું કેમ થાય છે?
એક પછી એક સ્વજન સ્વધામ જાય છે,
આવું કેમ થાય છે?
ઊંમર કેવી આવી,મિત્રો ઓછા થાય છે,
આવું કેમ થાય છે?
વર્ષો વિતાવ્યા સાથ, સાથી ઓછા થાય છે,
આવું કેમ થાય છે?
બાગમાં ગાતી’તી કોયલ,ત્યાં કાગડાઓ જાય છે,
આવું કેમ થાય છે?
કેવી તે સાંજ આવી!સૂરજ રિસાતો જાય છે,
આવું કેમ થાય છે?
આજ-કાલ કેમ ફ્યુનરલમાં જવાનું થાય છે!
આવું કેમ થાય છે?
જૈન તીર્થધામ-પાલીતાણા
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.
શહેર
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત ૧૨૫૦ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારી પણ નહીં.
મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), માઉંટઆબુ કે ગિરનાર કરતાં પણ પાલિતણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.
ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલ ના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.
આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશીલાની ભાવપુર્વક પૂજા થાય છે.આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા-પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથીયાં વાળો પગરસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.
પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” અને “સ્થાપત્ય કલા ગૃહ”. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણાં ચારણ વસતા હતાં. ગુલમહોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનૂમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. ગુલછડી પણ વપરાય છે.પાલીતાણાના પેંડા ખૂબ વખણાય છે. કાઠિયાવાડી ભરતકામની ચીજો પ્રવાસીઓ ખરીદતા હોય છે.
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીર નું પવિત્ર સ્થાન છે.
પાલીતાણા ની યાત્રાના માધ્યમો
એરોપ્લેન દ્વારા
પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે.આ બંન્ને દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીક નુ એરપોર્ટ છે.
બસ રોડ
ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. 5 કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.
ઇતિહાસ
પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. જૈનોના આ પૂસિદ્ધ યાત્રાધામમાં ભારતના ખૂણેખૂણાથી ધાર્મિક જૈન સ્ત્રી-પુરુષો, બાળકો દર્શનાર્થે આવે છે.
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. [૧]
ભુતપૂર્વ રજવાડું
પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતાણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું
સૌજન્ય: વિકિપીડિયા
વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
સાગર તરે જ્યાં માછલી કાંધ પર કહેવું પડે!
મુજ પ્રેમની વાતો નગરમાં આમ વાત થઈ પડી,
ત્યાં સૂર્યના તડકા વિશે સૌ બેખર કહેવું પડે!
આકાશ જેવા મૌનની ચાહત અમે વાવી હતી,
ઘોંઘાટના સાગર ઊગ્યા પાંપણ ઉપર કહેવું પડે!
ફરિયાદ એના નામની કરવા ગયો દરબારમાં,
બુઠ્ઠી કલમની ઘારની જાણી અસર કહેવું પડે!
વરસાદ કે વૈશાખ એ તો જિંદગીના છે ભરમ,
‘રશ્મિ’ સમજ કે બે ઘડી બાકી સફર કહેવું પડે!
-રશ્મિ શાહ
વાંચતાં-વિચારતા
એક હાઈકુ, જે અમર બની ગયું..
હાઈકુ-જાપાનો એ સઘન કાવ્યપ્રકાર છે , જેમાં માત્ર સત્તર અક્ષરોમાં એક સમગ્ર વિચાર કે દ્રશ્ય કે આદર્શ કહી દેવાય છે. હાઈકુનો ગુજરાતીમાં પ્રથમ પ્રયોગ કરનાર’સ્નેહરશ્મિ; એ પાંચ-સાત-પાંચ અક્ષરો વડે હાઈકુ રચ્યાં. પછી તો ગુજરાતીઓને આ કાવ્ય પ્રકારમાં ભારે રસ પડી ગયો. કોઈ કે સેંકડો હાઈકુ રચ્યાં અને પાટણના મારા વડીલ મિત્ર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયે તો આઠ હજાર જેટલાં હાઈકુ રચ્યાં.
દુનિયાભરમાં હાઈકુ રચાયાં, પરંતુ બધાં હાઈકુના પૂર્વજરૂપ અને આદર્શરૂપ હાઈકુ ટોકિયોના ફૂગાવા વિસ્તારમાં રહેનારા બાશોએ રચ્યું છે જે આ પ્રમાણે છે;
પ્રાચીન કુંડ
એમાં કૂદે દેડકો-
છપ્પાક નીર.
હવે એ કવિ એ કુંડ, એ દેડકો, બધાં અમર બની ગયાં છે. બાશોનું રહેઠાણ રાષ્ટ્રીય સ્મારક છે. એ રહેઠાણ આગળ ઊંચા ચોતરા પર કૂદવા તત્પર દેડકાનું શિલ્પ છે. થોડેક છેટે વાશો મ્યુઝિયમ છે. ત્યાં દેડકા જ દેડકા છે. પેપર વેઈટ તરીકે, શૉ-કેસની શોભા તરીકે, કાગળ પર રેશમ પર… અરે બૂક-માર્ક તરીકે પણ ! એક કવિતાએ કૂદકો મારવા તત્પર દેડકાને રાષ્ટ્રનો લાડકો બનાવી દીધો છે.
પાંચ વર્ષે કુટુંબમાં ‘કર્તા’
‘કર્તા’ શબ્દ ઈન્કમ-ટેક્ષની પરિભાષાનો છે. પરિવારના વડા માટે એ શબ્દ વપરાય છે. કલકતાનો પાંચ જ વર્ષનો એક બાલક એક પરિવારનો ‘કર્તા'(ભરણ-પોષણ કરનાર) બન્યો છે! એનું નામ બિલાલ.
બિલાલની કથા કોઈ પુસ્તક કે લેખમાં નહિ, પરંતુ એક દસ્તાવેજી ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે. અલબત્ત એ કોઈ નવલકથાથી કમ નથી. બિલાલનાં માતાપિતા બન્ને અંધ છે. ઝૂપડપટ્ટીનાં રહેવાસી છે. મુફલિસ છે. પાંચ વર્ષનો બિલાલ એમની કાળજી અને સારવાર કરનાર એક્માત્ર પરિવારજન છે.
બંગાળના ફિલ્મ નિર્માતા સૌરવ સારંગી બંગાળી ભાષામાં બનાવેલી આ દસ્તાવેજી ફિલમમાં બેધડકપણે ‘હીરો’ની ભૂમિકા ભજવે છે. પાંચ જ વર્ષની વયે એ ‘પ્રૌઢ’ બની ગયો છે. દ્રરિદ્રત્તા અને અકાળ જવાબદારી બાળકને કેવું ઘડે છે, એ જાણાવતી આ દસ્તાવેજી ફિલ આંતરરાષ્ટ્રિય મેળાઓમાં સારો આવકાર પામી છે.
આશા રાખીએ કે આ ફિલ્મને ‘ગરીબીનું ગૌરવ કરવાનો ગુનો’ આચારનાર ગનવામાં નહિ આવે.
સૌજન્ય:’ ઉદ્દેશ ‘
હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.
હવે થાકી ગયો, સાકી પુરાણા એ સુરાલયથી,
નશો ચડતો નથી મુજને તમારા મ્હેંકતા મયથી.
ગગનમાં શું રહે છે, કોક મારા જેવો દુર્ભાગી,
કોઈ બોલાવતું લાગે છે મુજને એ મહાલયથી.
બધા દ્રશ્યો અલગ દેખાઈ છે,એ ભેદ સાદો છે,
હું દેખું છું વિમાસણમાં,તમે દેખો છો સંશયથી.
હું જાણી જોઈને મારાં કદમ એ જાળમાં મૂકું,
નથી હોતો કદી અજ્ઞાત તારા કોઈ આશયથી.
તમે અદ્રશ્ય રહી બાજી રમો ગાફેલ રાખીને,
મહત્તા કોઈની ઘટતી નથી એવા પરાજયથી.
ન મારી આ દશાને ભૂલથી પણ દુર્દશા કહેતા,
ખરીદી પાનખર મોંઘી વસંતો કેરા વિક્રયથી.
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉંછું,મિત્રો,
હું મહેફીલમાં નથી આવ્યો,ટકી રહેવાના નિશ્વયથી.
-હરેન્દ્ર દવે
ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન..
ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન-ઓકટૉબર-૩૧,
(ગાંધીજીના ઉપવાસ દરમ્યાન એમની સાથે ઈન્દિરા ગાંધીની બાળપણની તસ્વીર)
ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ઈન્દિરા પ્રિયદર્શિની ગાંધી ; નહેરુ; (19 નવેમ્બર 1917 – 31 ઑકટોબર 1984) એ 1966થી 1977 એમ સળંગ ત્રણ સત્ર સુધી અને 1980થી શરૂ થયેલા ચોથા સત્રમાં 1984માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ 15 વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના વડાપ્રધાન હતાં. તેઓ ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતાં.
રાજકીય રીતે અત્યંત પ્રભાવશાળી એવા નહેરુ કુટુંબમાં જન્મેલાં ઈન્દિરા રાજકીય રંગે રંગાયેલા વાતાવરણમાં ઉછર્યાં હતાં. એકસમાન અટક હોવા છતાં તેઓ મુત્સદ્દી મોહનદાસ ગાંધી સાથે કોઈ કૌટુંબિક સગપણ ધરાવતાં નહોતાં. તેમના દાદા, શ્રી મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા, જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 1941માં ઑકસફર્ડથી ભારત પાછા ફર્યાં બાદ, ઈન્દિરા પણ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
ઓગણીસો પચાસના દાયકામાં પોતાના પિતાના ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકેના સત્ર દરમ્યાન તેમણે અનૌપચારિક ધોરણે તેમના અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી.1964માં તેમના પિતાના અવસાન બાદ, ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજયસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી અને તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.[૧]
શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની કૉંગેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજનો મુખ્ય હાથ હતો. ઈન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય અને તે પછીના અસ્થિર સમયગાળાને લઈને તેમણે 1975માં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી; પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં સતત ઊંડા ઊતરતાં ગયાં, જેનો અંત છેવટે 1984માં પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યામાં આવી.
સૌજન્ય: વિકિપીડિયા