"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જ્યાં ઈશ્વર પણ આંખ આડા કાન ધરે છે!!

મારા પતિ અમૃતલાલ વહેલા સવારે ૪.૩૦ વાગે ઉઠે ત્યારે તેના માટે મારે  ગરમ પાણી તૈયાર કરી જ રાખવું પડે જો એ ક્રમમાં મોડું થાય તો મારે અધમણ ગાળો સાંભળવાની તૈયારી રાખવાની. નાહી ધોઈ બરાબર સવારના પાંચવાગે ઘરમાં રાખેલ મંદીરમાં  એમના  આસન પર આવી જાય ત્યારે દિવેલીમાં ઘી,માચીસ બધું  તૈયાર કરી રાખવાનું  એમાં કોઈ જાતની બાંધ છોડ નહી.આજ  મને સતત શરદી-ઉધરસ થઈ જવાથી મોડું ઉઠાયું અને એ બહં જ ગુસ્સે થઈ ગયાઃ ‘તને કશી ભાન પડતું નથી,આ તારાજ લીધે મારા લાલાજીને જગાડવામાં આટલું મોડું થઈ ગયું.તને ખબર તો છે કે મારે મારા લાલાજીને ઉઠવાનો સમય પાંચ વાગે છે અને એના માટે તું જ જવાબદાર છે એકદમ ગુસ્સે થઈ તાંબાનો લોટો સીધો મારા તરફ ઘા કર્યો. મારી આંખ બચી ગઈ,મો પર વાગ્યું. ‘પણ…મારી તબિયત થોડી..’ ‘તબિયત..તબિયત બસ થોડી માંદગી આવી ગઈ એમાં આવડા મોટા ભવાડા!મરી તો નથી ગઈને? ચાલ જલ્દી મારું આસન ગોઠવી દે.મારે કેટ્લું મોડું થયું છે. બધુ પાપ તને જ લાગવાનું છે! મેં ગભરાતા, ગભરાતા દોડા દોડી કરી બધું ગોઠવી દીધું.પહેલા જપ, લાલાજીની પૂજા પછી  આરતી  બધું એક કલાક ચાલે.આ વિધી દરમ્યાન કોઈ એમને જરી પણ ખલેલ ના પાડી શકે.એક વખત મારી  દીકરી નૈનાએ ઉઠી તેના પૂજાના રૂમમાં જઈ પિતાને કહ્યું ‘પપ્પા,મને પેંડાનો પ્રસાદ આપો. બસ પૂજામાં ભંગ પડ્યો. નૈનાને તો ગાલ પર થપ્પ્ડ પડી સાથો સાથ મારું પણ આવીજ બન્યું! શું કરું એક પણ સામો શબ્દ બોલ્યા વગર સાંભળી જ લેવાનું.પૂજામાંથી બહાર આવે એટલે..”હરે કૃષ્ણ ,હરે રામ!” ના જાપ સાથે ટેબલ પર પધારે ત્યારે  ચા-નાસ્તો ટેબલ પર ૬.૩૦ વાગે તૈયારજ હોય. ૭.૩૦ વાગે મંદીરે જાય.ત્યારે પણ ભગવાનને ધરાવવા ફળ-ફળાદી બધું હું  તૈયારજ રાખું.મારા  પતિના આવા આકરા અને દુર્વાસા ઋષી કરતા પણ ક્રોધી સ્વભાવને હું  જાણી ગઈ હતી.એમના ધાર્મિક કાર્યમાં જરી પણ અવરોધ ના આવે તેની સતત કાળજી રાખતી.

અમૃતલાલ મંદીરે જવા નિકળ્યા, મોબીલ પર એમના મિત્ર મુકેશનો ફોન આવ્યો.’શું કરો છે? યાર મંદીરે જાઉં છુ..શું કઈ કામ હતું?’  ‘હા,તારી ઓફીસમાં મેં ટેન્ડર ભરેલ છે પણ..તારો સાહેબ..’મંજૂર કરી આગળ જવાજ નથી દેતો એમને…તું ચિંતા ના કર…’ ‘મને પાંચ હજાર આપી દેજે હું બધું સંભાળી લઈશ ?’ ‘ યાર પાંચ હજાર ? ૫૦૦૦ તો આવી મોંઘવારીમાં કશુંએ ના કહેવાય. મને અને  તને પણ  ખબર છે કે તારા કામમાં કેટલી ભેળ-શેળ હોય છે.’ ‘ઑકે! તારા ઘેર ૫૦૦૦ મોકલી આપીશ.’ ‘બસ સમજીલે કે તારી ફાઈલ આગળ નીકળી ગઈ.’   ‘શેઠ..મને કઈ ખાવા પૈસા કે ગાંઠીયા લઈ અપાવોને,બહું જ ભુખ લાગી છે એક પાંચ વર્ષની બાળકી એના પગ પાસે કરગરી રહી હતી.અમૃતલાલે પગથી ધક્કો લગાવી કહ્યુઃ” હટ,તારા મા-બાપે તમને લોકોને જણીને રસ્તા પર છોડી ભીખ માંગતા કરી દીધા છે..જા અહીંથી નહીંતો બીજી લાત પડશે..બિચારી બાળકી ડરીને રડતી રડતી દૂર જતી રહી.

અમૃતલાલ મંદિરેથી ઘેર આવે પહેલા ૧૦.૩૦ વાગે લન્ચ તૈયારજ હોય. ઓફીસનો સમય ૧૧ વાગ્યાનો છે છતાં અમૃતલાલનો ઓફીસે પહોંચવાનો સમય ૧૨ વાગ્યાનો! છતાં તેના સાહેબ કોઈ એક શબ્દ પણ કહી ના શકે એટલી એમની દાદાગીરી.ઓફીસે પહોંચી તુરત અગરબત્તી સળગાવી તેના ટેબલ પર રાખેલ તેના લાલા ભગવાનની છબી પર આરતી ઉતારી છબી પાસે રાખેલા સ્ટેન્ડ પર મુકી દે એમાં ૧૫ મિનિટ જેવો સમય લઈ લે,કોઈ કશું બોલી ના શકે!

ભગવાનને પ્રાર્થના કર્યા બાદ  પટ્ટાવાળાને બોલાવે..’હે રમણ! ગઈ કાલે હું ઓફીસેથી વહેલો નિકળી ગયો હતો..પછી કોઈ…’  રમણને ખબર છે કે એ શું કહેવા માંગે છે..’હા સાહેબ,બ્રેક સમયમાં આપણે હિસાબ સમજી લેશું!’ ‘ ગુડ..મનમાં બોલે પણ ખરો..’સાલો એક નંબરનો લાલચું અને ચાલુ માણસ છે..ઘરમાં સુંદર બૈરી છે તોય ઓફીસમાં કામ કરતી યુવાન છોકરીઓ પર નજર બગાડી ચારે બાજું  ફાંફા મારતો હોય છે.!’

મારા પતિને સૌ ‘અમૃતભગત’ કહીને બોલાવે પણ મેં ઘણીવાર લોકોને પાછળથી કહેતા સાંભળ્યા છે કે..’અમૃત ઠગત..એક નંબરનો ઢોંગી’સાંભળું ત્યારે દુંખ લાગે પણ કેટલાને વારવા જાઉં!મને પણ મનમાં ઘણીવાર થઈ જાય કે હું ક્યાં આવા માણસમાં ફસાઈ પડી!

મારી મોટી બહેન અમેરિકા છે, એ ત્યાંની સિટિઝન થયાં બાદ અમોને સ્પોન્સર કર્યા ત્યારે મારી દીકરી નૈના માત્ર પાંચ વર્ષનીજ હતી. મારા પતિ ઈન્ડિયામાં બી.એ હતાં પણ અમેરિકામાં ઓફીસની નોકરી ના મળી એથી મારા બનેવીએ એક દેશીની મોટેલમાં રખાવી દીધા.૨૦ રુમ્સની મોટેલ હતી.ત્યાં રહીને મોટેલ ચલાવવાની.એરિયા બહું સારો નહોતો.

‘અમૃત, તમે આવા ધંધા ના કરો, થોડા તો પ્રમાણિક થાવ!’ ‘ રહેવા દે સત્યવાન સાવિત્રી, તને કશી ભાન ના પડે..મોટેલના માલિક મુકેશભાઈ જે પગાર આપે છે તેમાં આપણે કશું સેવિંગ કરી ના શકીએ..દસ ઘરાક આવે તેમાંથી આઠ ઘરાકના જ પૈસાનો હિસાબ આપવાનો બાકીના ખિસ્સામાં જ નાંખવા પડે.હા જો મારો સંધ્યાની આરતી અને લાલાજીને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે.તો મેં કીંધું એમજ તારે કરવાનું..સમજી ગઈને?’  મારે ‘હા’જ કહેવાની રહી નહીતો ગાળો ઉપરાંત એકાદી ગાલ પર પડી જાય! મારી મોટી બહેનને એમના કૃર સ્વભાવની ખબર છેમને ઘણીવાર કહેતી આવા ઢોંગી અને પાખડી પુરુષ સાથે તું જ રહી શકે એ જગ્યાએ હું હોઉ તો ક્યારના… પણ હું કહેતી કે લગ્ન કર્યા ૧૦ વર્ષ થઈ ગયા અને પડ્યું પાનું નિભાવે છુટકોજ નથી.એમાંય બિચારી મારી નૈનાનું શું જો હું ડિવોર્સ લઉ તો?

મને ના ગમતું બધું ગેરકાનુની કામ એ મોટેલમાં ચલાવતા અને પોતાના ખિસ્સા ભરતાં.મોટેલ ખોટમાં ચાલે છે એવું જુઠ્ઠાણું મુકેશભાઈને કહે.મુકેશભાઈને ક્યાં ખબર હતી કે મોટાભાગના પૈસા એમના ખુસ્સામાં જાય છે.એ જ મુકેશભાઈએ પ્રપોઝલ મુકી કે તમારે આ મોટેલ ખરીદી લેવી હોય તો..બસ એતો એમને જોઈતું હતું. બે વર્ષની અંદર ઘણા ગેરકાયદાસેર બનાવેલ પૈસાથી મોટેલના માલિક બની બેઠા!..હું પ્રેગનન્ટ થઈ મારે આઠમે મહિને પણ બધા રૂમ્સ મારે સાફ કરવાના, એ મોટા ભાગે ફન્ટ ડેસ્ક પર સાહેબની જેમ બેસી ઓર્ડર કર્યા કરે તું બધા ખાલી રુમ્સ સાફ કરી નાંખજે.જાણે હું એમની નોકરણી!

એમને શીલા સાથે લફરું હતું એ મને જ્યારે ડિવોર્સના પેપર્સ મારા હાથમાં આવ્યા ત્યારે ખબર પડી! મોટેલનું કામ, ઘર કામ ઉપરાંત નૈનાની સંભાળ લેવાની સાથો સાથ પ્રેગનન્સીમાં એટલી બધી થાકી જતી કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનો મને ખ્યાલ જ નહોતો.

કોર્ટમાં એમણે મોટેલમાં ઘણીજ ખોટમાં ચાલે છે એ બતાવ્યું અને પોતાની પાસે કશું સેવિંગ છેજ નહી.બહું જ લુચ્ચાઈ ભર્યું વર્તન અને ઠગાઈ કરવામાં એ બહુંજ ચાલાક હતાં.મારે ભાગે કશું ના આવ્યું.નૈનાની સંભાળ માટે એલિમનીના માત્ર ૨૦૦ ડોલર્સ નક્કી થયાં.નૈનાની જવાબદારી મે લીધી એમાં એમને કશો વાંધો નહોતો એતો ઉપરના ખુશ થયાં જવાબદારીનું લફરું ગયું  અને હું શીલા સાથે રંગ રલીયા માણી શકીશ..મને ખબર હતી કે સ્વાર્થી બાપ પોતાની દીકરીની પણ કશી દયા ખાય તેમ નથી.ડિવોર્સબાદ મારી ધારણા સાચી પડી.એમનો ખરાબ ઈરાદો અને પ્લાન મુજબ બધીજ સેવિંગની રોકડી રકમ શીલાને આપી દીધી હતી જેથી કોર્ટમાં એની કશી આવક કે કશું સેવિંગ નથી એ બતાવ્યું જેથી મને કાળી કોડી પણ  ના મળે!

મોટી બહેનની મદદથી મેં મારા પુત્ર  હિમેશને જન્મ આપ્યા બાદ મેડિકલ ટેકનોલોજીની સ્કુલ કરી મને સારી જોબ મળી ગઈ.બાળકોને ભણાવવામાં અને સંભાળ રાખવામાં સમય ક્યાં સરકી ગયો તેનો કશો ખ્યાલ ના રહ્યો.એકલા હાથે પારાવાર  મુશ્કેલીઓનો સમુંદર પાર કરી મારી મંઝીલે પહોંચી તેનો મને આનંદ અને મારી જાત પર એક સ્ત્રી તરીકે ગૌરવ લઉં છું

નૈના  આર.એન સર્ટીફાઈડ નર્સ બની અને હિમેશ કમ્પુટર એન્જિનિયર થયો.નૈના અને હિમેશ બન્નેને એના ડેડીના પાંખડી,લાલચું અને  સ્વાર્થી ભર્યા ઈતિહાસની ખબર છે.કે જેણે મદદ તો બાજુંમાં રહી પણ કદી પોતાના બાળકોનો સંપર્ક પણ નથી કર્યો ,પોતાની કૉમન ગણાતી વાઈફ  શીલા,પૈસો, મિલકત,એશ આરામ એજ એમની દુનિયા હતી. હું, નૈના અને હિમેશ ત્રણેજણ બેઠાં હતાં ત્યારે મારી દીકરી નૈનાએ  વાત કાઢી.’મમ્મી,તમોએ  એકલા રહી,અપાર મુશ્કેલીઓનો સામનો કરી  અમારી પાછળ  જે  સેક્રીફાઈસ(ત્યાગ) આપેલ છે તે અજોડ છે.મમ્મી તું મહાન છે.પણ બીજી બાજુ આજે  આ શહેરમાં  સમાજના એક અગ્રગણી,જેની પાસે મોઘામાં મોઘી  મર્સિડીઝ કાર  છે.ત્રણ થી ચાર મિલિયનનું મકાન છે, ઘણીજ સંસ્થાના પ્રમૂખ પદે ચુંટાયેલા ડેડી, મંદીરોના મેઈન ટ્રસ્ટી જેને શહેરમાં સૌ દાનેશ્વરી તરીખે ઓળખે છે જેણે પોતાના ખુદના બાળકોની કદી કોઈજ સંભાળ કે પરવા પણ નથી કરી,એમના ઉજળા દેખાતા દેખાવની  અંદર છુપાયેલ દાનવને કેમ કોઈ ઓળખી નથી શક્તું ? એમની અપ્રમાણિક આવક,ગોરખ ધંધા,લુચ્ચાઈ અને દાનવ ભર્યુ વર્તન કરનાર વ્યક્તિ આટલી  બધી સુખી કેમ છે ? તે અમોને કાયમ શિખવાડ્યું છે કે પાપ કદી પણ ના કરવું, પાપ  હંમેશા છાપરે ચડીને પુકારે,કુક્ર્મોનો હિસાબ આપવોજ પડે..પાપીને હંમેશા ઈશ્વર સજા કરે છે તો  શું પપ્પા માટે  ઈશ્વર પણ આંખ આડા કાન ધરે છે ?’ હું એનો શું જવાબ આપું?

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી..

ઓક્ટોબર 26, 2012 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 9 ટિપ્પણીઓ