પ્રતિક્ષા….
એ આવશે..એ આવશે ….એ જરૂર આવશે……
અંધારા ઊડી જશે,અંજવાળા એ લાવશે ..એ આવશે…………..
આશાના અંકુરો ફૂટશે. કળીના પુરા થશે કોડ..એ આવશે………..
વસંતી વાયરે કોયલ ટહુંકાવશે,ગીત મધુર સંભળાવશે ,એ આવશે……
નવરંગી ચુંદડી ઓઢી આવશે,રાતને જગાડાશે,એ આવશે………..
મોંજા- મસ્તીમાં ચાંદ ઊગી આવશે,શીતળ વાયુ લહેરાવશે,એ આવશે…
સોનેરી સાંજમાં દીપ પ્રકટાવશે,સંગીત સુર સંભળાવશે,એ આવશે……
આજ નહી તો કાલ એ આવશે,જળધારા બનીને આવશે..એ આવશે….
-વિશ્વદીપ બારડ
સંઘર્ષ કે આપઘાત?
રાકેશ પોતાની પાછલી જિંદગીની બહુંજ ઓછી વાત કરતો હોય છે.અને એ બાબતમાં હું પણ તેને કશું પુછું પણ નહી.અમારા લગ્ન-જીવનને ૩૦ વર્ષ થયાં,જીવનમાં ઘણી ચડ-ઉતર આવી પરંતુ જીવનની સમતુલ્લા હંમેશા જાળવી રાખી છે.અમારા સંતાન રીતુ અને ચિન્તુ બન્ને ભણી ગણી લોસ-એન્જલસમાં સી.પી.એ ફાર્મ ચલાવે છે. બન્ને મેરીડ છે.અમો બન્ને એકલા પડી ગયાં છીએ છતાં જિંદગીની એક એક પળની મજા માણીએ છીએ.મેં ૨૦ વર્ષ ફેડરલ ગર્વન્મેન્ટમા જોબ કરી નિવૃતી લીધી.રાકેશે પોતે અહીં અમેરિકા આવી ક્રીમનલ લૉયરની ડીગ્રી લીધી. તેની ક્રીમિનલ લૉયર તરીકે પ્રેકટીસ હજું સારી ચાલે છે.એ એમની આવકમાંથી અડધી આવક ગુજરાત દરિદ્ર બાળકોના વિકાસ અને કેળવણી માટે મોકલી આપે છે.એની પાછળ રાકેશના જીવનમાં બનેલી એક કરૂણ ઘટના જે બનતા રહી ગઈ.જે બની ગઈ હોત તો એ કદાચ મારા સુખી સંસારમાં આજ એ ના હોત!
‘લત્તા, મારા કુટુંબની એકદમ દરિદ્ર પરિસ્થિતીને તું જાણતી હતી છતાં તે મારી સાથે લગ્ન કરવાની હા પાડી.’
‘રાકેશ,મને ખબર હતી કે તું એક ધુળમાં પડેલો કોહીનૂરનો હીરો હતો,તું મારા કરતાં ભણવામાં ઘણોજ હોશિંયાર અને બુદ્ધીમાન હતો.મેં મારા પિતાને જ્યારે તારી સઘળી હકિકત કહી હતી.પહેલાં તો જેમ મુવીમાં બને છે તેમ ના કહી દીધી.
‘આવા તવંગર ઘરમા તું કદી પણ સુખી નહીં રહી શકે.રાકેશના કુટુંબની સઘળી જવાબદારી તેના પર આવી જશે અને તમારે બન્નેને જિંદગીભરા વૈતરા કરી એમના કુટુંબનું ભરણ-પોષણ કરવું પડશે.હું મારી એકની એક દીકરીને જાણી જોઈ કુવામાં નથી નાંખવા માંગતો.’
પરંતુ મારો મોટો ભાઈ મહેશ અમેરિકા હતો અને એમની મદદ અને સમજાવટથી મારા પેરન્ટસ તૈયાર થઈ ગયાં. લત્તા, હું તારા લીધેજ આજ અમેરિકાની ધરતી પર છું..નહીતો…ક્યારનો આ દુનિયામાંથી…રાકેશની આંખમાં આંસુ આવી ગયાં…
‘રાકેશ ,આ વાત બંધ કર..’ના લત્તા,આજે તો મારે તને સઘળી વાત કરી મારું દિલ હળવું કરવું જ છે.
‘રાજકોટથી અમદાવાદમાં આવી કોલેજ કરવાની મારી મોટામાં મોટી ભુલ હતી ખરું કહું તો એ મારી સજા હતી.હેતુ સારો હતો પણ એ હેતુના બીજ સારા હતાં પણ એજ બીમાંથી જગલી વીડ ઉગી કાંટા બની જશે….મે વાતનો દોર બદલતા કહ્યું.
‘હે! રાકેશ તું અમદાવાદ ભણવા ના આવ્યો હોત તો આપણે કદી મળ્યાજ ના હોત! ખરુને?’
મેં વાત હળવી કરવા કોશીષ કરી.’
એ વાત સો ટકા સાચી છે, જેને લીધે આજ હું અહીં છું. મેં કદી પણ વિચાર્યું નહોતું કે મારી જિંદગી નર્ક બની જશે! મારા માસી અમદાવાદમાં રહેતાં હતા.એના ઘરમાં એમના છ છોકરાઓ અને માસાની માત્ર એક આવક. છેડા કદી એક ન થાય! કાયમ ઘરમાં પૈસાનો કકળાટ!એજ માસીએ મને ભણવા માટે અમદાવાદ બોલાવી લીધો કે રાકેશ હોશિંયાર છે અને અહીં સારી કોલેજમાં એને એડમીશન મળી જશે.મારા મમમી-ડેડી એ વાતમાં સહમત થયાં.મને કૉમર્સ-કોલેજમાં એડમીશન મળી તો ગયું તેમજ મારા કોલેજની ફી ફેમિલીની ઓછી આવકને લીધે માફ થઈ જતી હતી.છ મહિનામાંજ માસીનો અસલી સ્વભાવ જોવા મળ્યો.ભારે ગુસ્સાવાળા.માસા સાથે,એના છોકરાઓ સાથે બસ કકળાટજ કર્યા કરે-ગુસ્સે થઈ છોકરાઓને મારે.આવક ઓછી એટલે ઘરમાં ચીજ વસ્તુ લાવવા પૈસા પણ નહી.મારી સાથે પણ ઘણીવાર ગુસ્સાથી વાત કરે.રસોઈ જો ગુસ્સામાં કરે તો બે-ત્રણ વસ્તું બળી ગઈ હોય,જમવાના સમયમા કોઈ ઠેકાણું જ નહી.મેં પાર્ટ -ટાઈમ સર્વિસ કરવાનું નક્કી કર્યું સવારે કોલેજમાં અને બપોરબાદ નોકરી. જે મહિને પગાર આવે તે માસીને ખાવા ખર્ચીમાં આપી દેવાનો.કોઈ વખત હાથ-ખર્ચીના ૧૦-૨૦ રુપિયા પગારમાંથી મને આપે. માસીને ખબર હતી કે મારે કોલેજ બાદ નોકરી પર જવાનુ હોય તો પણ મારા માટે ઘણીવાર સમયસર રસોઈ ના બનાવે અને મારે ભુખ્યા-પેટે નોકરી પર જવું પડે.ખિચ્ચામાં એક પૈસો ના હોય કે જેથી બહાર નાસ્તા-પાણી કરી લઉ. નોકરી પર શેઠ બે વખત ચા મંગાવે તેમાંથી આખો દિવસ ચલાવી લઉ.સાંજે આંઠ વાગે નોકરી પરથી આવું.માસીનું મો મોટાભાગે બગડેલું જ હોય. કિચનમાં જઈ જોઉં તો વધ્યું-ઘટ્યું જમવાનુ પડ્યું હોય તે જમી લેવાનું.મને સાંજે દુધ પિવાની ટેવ પણ દુધનો છાંટો પણ ન મળે.હું કોલેજમાં કોઈ મિત્ર પણ ના બનાવી શકું ! એક વખત મારા મિત્રને ઘરે બોલાવ્યો તો માસીને ચા બનાવવા કહ્યું.માસી મો બગાડી મારા મિત્રની હાજરીમાં કહ્યું.
‘ આ ઘર કઇ ધર્મશાળા નથી.બધાને મફતમાં ચા પિવડાવશું તો દીવાળું ફૂકવુ પડશે!’
ત્યારથી કોઈ મિત્રને હું માસીના ઘેર ના બોલાવું. મારા પેરન્ટની આર્થિક પરિસ્થિતી એટલી નબળી હતી કે રાજકોટથી પપ્પા કે મમ્મી પાસેથી પૈસા પણ ના મંગાવી શકું.એક તો મારુ શરીર બહુંજ દુબળું ઉપરથી ખાવામાં અડધા ભુખ્યા રહેવું પડે! દિવસે દિવસે શરીર પણ નબળું પડવા લાગ્યું. કંટાળી ગયો હતો.કોને આ મનની વાત કરું ? એક બાજું ભણવાનું,નોકરી કરવાની અને બીજી બાજું આ માસીનો માનસિક ત્રાસ.મેં માસીને કંટાળીને કહ્યું કે હું છેલ્લું વર્ષ રાજકોટ કરીશ તો તુરતજ ઉકળી પડયા.
‘મેં ત્રણ વર્ષ અહી રાખી ભણાવ્યો અને હવે પાછો રાજકોટ જઈ અપજશ આપવા માંગે છે. જશ ઉપર જુતીયા!’
એમ કહી એતો માથું કુટવા લાગ્યા.મારી તો સેન્ડ્વીચ જેવી પરિસ્થિતી થઈ ગઈ. કોઈ ખાવાનું ઠેકાણું નહી, કોઈ સુવા કે ઉઠવાનું ઠેકાણું નહી.એક રૂમ, એક રસોડા માં આઠ આઠ જણાં એ તો ઠીક છે હું રાત્રે ચાલીમાં સુતો અને મોડી રાત સુધી વાંચી અભ્યાસમાં ધ્યાન આપતો.મારે દર વર્ષે ફર્સ્ટક્લાસ આવે એનો મને ઘણોજ આનંદ હતો. પણ સાપના ફૂંફાડા મારતી માસીનો માનસિક ત્રાસ મને મેન્ટલી ટોર્ચ્યુન કરી રહ્યો હતો.આ બધી વાત, મમ્મી-પપ્પાને દુઃખ થાય એથી મેં કદી એમને કહી જ નહોતી.
એક દિવસ રાત્રે ૮.૦૦ વાગે નોકરી પરથી આવ્યો, બરાબરની ભુખ લાગી હતી,રસોડામાં ગયો તો એકાદ રોટલી,નાની વાટકી શાક હતું.
‘માસી, આટલું જ છે?’ મને બહુંજ ભુખ લાગી છે.’
‘ જે છે તે બધું રસોડામાં છે, ખાઈલે.હું અત્યારે થાકીને લોથ થઈ ગઈ છું,મારે તો બસ બધાના વૈતરાજ કરવાના!
મને તો ઉંઘ આવે છે.’
‘માસી હું એકાદ-બે ભાખરી બનાવી લઉ?’
‘ ઘરમાં લોટ જ નથી.’
મેં રસોડાના ડબ્બામાં જોયું તો આખો ડબ્બો લોટનો ભરેલો હતો. માસીના આવા જુંઠાણા સાથે ત્રાસભર્યા વર્તનથી ત્રાસી ગયો. ભુખ્યા પેટે જે ક્રોધ આવે તે જવાળામૂખી કરતા પણ વધારે ભસ્મીભૂત કરનાર હોય છે.. માસીને કીધા વગર,કશું જમ્યા વગર જ ભૂખ્યો, ભૂખ્યો અગાસીની પાળ પર ચડ્યો..આ પુતના માસી, મારો જીવ લઈ ઝંપશે!આમની સાથે હું જીવી જ કેવી રીતે શકું?
ચાર માળના મકાનની અગાશી પરથી ઝંપલાવા એક પગ બહાર કાઢ્યો..બીજો પગ ઉપાડી મારી જાતને ઝંપલાવાની તૈયારીમાંજ હતો..શું થયું ? એકદમ મમ્મી યાદ આવી ગઈ.એની મમતા મને વહાલથી બોલાવી રહી એવો આભાસ થયો..એજ ઘડીએ હું ક્ષણભર થંભ્યો. હું આપઘાત કરીશ તો મારી મમ્મી નહીં જીવી શકે! એ પણ પ્રાણ ત્યાગ કરશે! રાકેશ! તું શુ કરી રહ્યો છે ? તેનું તને ભાન છે? મોતની ખીણમાં એક વખત કુદકો માર્યા પછી કોઈ પાછું ફરી શકતું નથી.મોત તો કોઈ પણને ભરખવા હંમેશા તૈયારજ હોય છે.બન્ને પગ પાળ પરથી અગાસી પર લીધા અને એ જે ક્ષણો હતી એ ભયાનક હતી.આપઘાત એતો માનવ જીવનનો અંત છે. આવતી સમસ્યાનો ઉકેલ નથી, દુઃખના દાવાનળનો કોઈ ઉપાય નથી. મન ઉપર સારા-નરસા વિચારોનો હુમલો થઈ રહ્યો હતો.હજું પાળ પરજ બેઠો હતો. મમ્મી મારા રટણમાં હતી.
‘રાકેશ તું ભણીગણી સારી નોકરી કરજે.અમારુ જીવન સુધારજે!’
એ મમ્મી એ કહેલા શબ્દો એકધારા માઈન્ડમાં પરોઢની આરતીની ઝાલરની જેમ વાગતા રહ્યાં હતાં.રાકેશ, ઊઠ! આપઘાત એ તો કાયર-વ્યક્તિનું કામ છે..એને માનવ ના કહેવાય! માનવ એજ કહેવાય કે જન્મથી મરણ સુધી સતત જીવન-સંગ્રામ અને સંઘર્ષ કરી જીવન જીવી જાય,નહી કે આપઘાત. હા લત્તા મારા પૉઝીટીવ વિચારોએ અને મમ્મીની મમતાએ મને જીવાડી દીધો!’ રાકેશની આંખમાં ઝળઝળીયા આવી ગયા!
રાકેશે મારા ખોળામાં માથું મુક્યું દીધું. હ્ર્દયમાં સઘરી રાખેલ અસહ્ય દર્દભરી ઘટના શબ્દો દ્વારા નીકળી આંસુમા વહી ગઈ. એ આસુંના વરસાદે મારા ખોળાને ભીંજાવી દીધો.એ ભીંજાસની મને પણ ઠંડક લાગી.
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી
કાળોકેર વર્ષાવતી એક સાંજ..!
‘નીશા, આ ઘરમાં મારું શૈશવકાળ ફૂલોની સુગંધથી મહેંકતું હતું,ચારે બાજું ખુશીના ગીતો ગવાતા હતાં. જે માંગુ એ મળે. સ્ટોરમાં જેવા નવા ટોય્ઝ આવે તુરત મમ્મી-ડેડી અમારા માટે લઈ આવે.મારા અને મારી નાની બહેન રિન્કી માટે ટોય્ઝ માટેજ સ્પેસિયલ રૂમ હતો.મારો બેડરૂમ અલગ, મારી પસંદગીનો રૂમનો કલર,વૉલ-પેપર અને મને ગમતા માઈકલ જેકશનના ફૉટા મારા રૂમમાં,જેવો રૂમમાં જાવ એટલે ઓટોમેટીક લાઈટ અને મને ગમતું મ્યુઝીક શરૂ થઈ જાય અને રિન્કીનો રૂમ પણ ‘ડૉરા”ની ડોલ્સથી અને પિન્ક કલરના જુદા જુદા વૉલ-પેપર્સની ડિઝાઈનથી સુંદર અને શોભીત લાગતો હતો. નીલેશ એના જુના ઘર પાસે પસાર થતાં જ પોતાની જુની વાતો વગોળવા લાગ્યો.
‘આવી સુંદર મજાની યાદોની સાથે સંકળાયેલી એક તોફાની ભયાનક સાંજે…’
‘નીલેશ, Be positive'( સારૂ વિચાર)! જે બની ગયું તે તારો પીછો છોડતું નથી અને તને nightmare(ગમગીન) થઈ જાય છે હવે તું એ વિચારવાનું જ છોડી દે!’
નીશા ડાર્લિંગ, કહેવું સહેલું છે કરવું કઠીન છે.તને ખબર છે કે મેં કેટલી સાયકાટ્રીકની મુલાકાત અને ડીપ્રેશનની દવાઓ લીધી છે પણ એ ઘટના મારા માઈન્ડમાંથી ૧૦૦% દૂર થતી જ નથી.’
બે વર્ષ પહેલાં નીશા સાથે લગ્ન કરતાં પહેલાં નીલેશે પોતાના જીવનમાં બનેલી કરૂણ ઘટનાની સઘળી વાત કરી હતી. નીશા સાથે લગ્ન બાદ નીલેશ ઘણોજ ખુશ રહે છે.નીશા કદી પણ નીલેશના જીવનમાં બનેલી કરૂણ ઘટનાનું રિપિટ કરતી નથી જો નીલેશ કઈક તેની વાત કરે તો તુરતજ બીજી વાત પર એને ચઢાવી દે!
‘નીલેશ, Make a right turn on next traffic light, do not forget that we are going to your favorite Italian ‘Anna Restaurant’.'( નીલેશ,ધ્યાન રાખ, બીજી ટ્રાફીક લાઈટ પર જમણી બાજું વળવાનું છે..ભુલી નહીં જતો કે આપણે તારા મન-ગમતા “એના ઈટાલિયન રેસ્ટોરન્ટ”માં જવાનુ છે).
‘ હા હની..હું તો વાતમાં અને વાતમાં ભુલી ગયો હતો..સારૂ કર્યું કે તે યાદ કરાવી દીધું.’
નીલેશના પેરેન્ટ્સ લોસ-એન્જલસમાં સબર્બ કૉરૉનામાં રહેતા હતાં.છ બેડરૂમનું ભવ્ય મકાન, હીટેડ સ્વીમીગ પુલ, ઝકુજી ,બેક-યાર્ડમાં પણ બાળકો માટે સ્વીંગ-સેટ અને યાર્ડમાં બીગ ઓરેન્જ ટ્રી,બનાના ટ્રી, લેમન ટ્રી અને જુદી જુદી જાતના ફ્લાવર્સ. બગીચાની કેર કરવા નર્સરીવાળાને કોન્ટ્રાકટ આપેલ.આટલી જાહોજલાલીમાં જીવી રહ્યાં હતાં.નીલેશના ડેડી મહેશ ૩૦ વર્ષની નાની વયે ‘લોટસકંમ્પુટર કંપની’ માં પ્રેસીડેન્ટ હતાં.બન્ને બાળકો માટે અત્યારથી એક એક લાખ ડોલર્સ એજ્યુકેશન માટે ૫૨૯ એકાઉન્ટમાં મુકી દીધા હતાં. ઈન્ડીયાથી એમના સાસું-સસરા તેમજ તેનો સાળો , તેની પત્ની અને એક છોકરાને અહીં બોલાવી લીધા હતાં. ઘર આલિશાન હતુ.તેથી સૌને અલગ અલગ બેડરૂમની વ્યવસ્થા હતી. સાળા માટે મહેશે સબવે-સેન્ડવીચ લઈ આપી જેથી એમનો સાળો અને સાળાની વાઈફ સેન્ડવીચ શૉપ ચલાવે.સાસુ સસરા બાળકોનું ધ્યાન રાખે જેથી બેબી-સીટીંગના પૈસા પણ બચે.આજના મોર્ડન યુગમાં પણ સૌ સાથે એકજ ઘરમાં સંપથી રહેતા તે જોઈ ઘણાં ગુજરાતી ફેમીલીને નવાઈ લાગતી.
‘ ડેડી કદી પણ ઘરમાં કોઈ જાતની દખલગીરી કરે નહી. સૌ સાથે રહે તેથી ઘણો ઘરનો ખર્ચ વધી જાય છતાં ડેડી સૌની સાથે હસી-મજાકથીજ વાતો કરતા હોય. મારા મામા અને મામી કંજુસ ખરા.ઘર ખર્ચીમાં એક પૈસો ના ખર્ચે. ડેડીનો સેલેરી અને એમણે કરેલા પૈસાના ઈન્વેસ્ટમેન્ટમાંથી મહિને ઘણી સારી આવક આવતી હતી. ડેડીએ સ્ટૉકમાં બનાવેલ પૈસામાંથી ચાર-મિલિયનનું ઘર પણ ભરપાઈ કરી દીધેલ.
‘નીશા, મને યાદ છે કે હું ૧૦ વર્ષનો હતો.ઘરમાં સુખ શાંતી હતી અને એક દિવસ અચાનક…’
‘નીલેશ પાછી એકની એક વાત કરે છે.તું ડ્રાઈવીંગમાં ધ્યાન આપ.’
‘હા પણ.. અમો સૌ સાંજે મારા મામા-મામી.દાદા-દાદી, ડેડી, મમ્મી સાથે ડાઈનીંગ ટેબલ પર જમતા હતાં અને એ સુંદર સોહામણી સાંજ કાળ-કોટડી બની ગઈ . જમતા જમતા મામાએ વાત કાઢી અને મારા ડેડીને કહ્યું.
અત્યારે સ્ટોક માર્કેટમાં કેટલી ખોટ ખાધી?.’
‘તમે એની ચિંતા ના કરો. એ મારે જોવાનું છે.’ ગ્રાન્ડપા એ અંદર ટપકો પુરાવ્યો.
‘અત્યારે માર્કેટ સારૂ નથી અને મને ખબર છે કે તમોએ ઘણાં પૈસા ગુમાવ્યા છે. જો આવી રીતે કરતાં રહેશો તો દિવાળું ફૂંકવાનો વારો આવશે.’
‘પપ્પા, તમે આ ઉંમરે આ વાતમાં ધ્યાન ના આપો..ઈશ્વર-ભજન કરો.’
વચ્ચે ગ્રાન્ડમા બોલ્યાઃ
‘આતો તમારા હીતની વાત છે. મારી દીકરી રસ્તા પર ના આવી જાય એતો અમારે જોવું પડે ને?’
‘ મમ્મી,એ તમારી દીકરી છે પણ મારી તો પત્નિ છે તમારા કરતાં મને વધારે પડી છે.
સાથો સાથ મારી મમ્મી વચ્ચે બોલીઃ
‘પણ તમોએ પાચ લાખ ડોલર્સ સ્ટોકમાં ગુમાવ્યા. પૈસાનો ધુમાડો કર્યો અને વધારે ગુમાવશો તો આ ઘર પણ વેંચવાનો વારો આવશે..ઘરમાં નવ જણાં છીએ અને બધા રસ્તા પર આવી જશે.’
ડેડીએ કહ્યું.’ તમો બધા સાથે મળી મારા પર હુમલો કરતાં હોય એવું મને લાગે છે.મને શાંતીથી જમી લેવા દો અને તમો સૌને કહી દઉ છું. ઘરમાં મારા એકલાની આવકમાંથી તમારા સૌનું ગુજરાન ચાલે છે અને હજું સુધી કોઈ પાસે મે હાથ લાંબો કર્યો નથી.
અને મમ્મી તરફ ફરીને કહ્યુઃ ‘તારા ભાઈ-ભાભીને સબવે મેં અપાવી,આવક પણ સારી છે છ્તાં મેં કદી એની પાસેથી એક પૈસો માંગ્યો નથી.’ તુરતજ મારા મામા ડાઈનીંગ ટેબલ પરથી ઉભા થઈ બરાડા પાડવા લાગ્યા.
‘બહેન, મારા બનેવીને કહી દે કે મને ખોટા મેણાં ના મારે..એમનો એક એક પૈસો હું આપી દઈશ..એમાં મોટો ઉપકાર કોઈ નથી કર્યો.’
મામાની તરફેણ કરતાં ગ્રાન્ડમા બોલ્યા.
‘હા મારો દીકરો અને અમો સૌ તમારા રોટલા ખાઈએ છીએ એટલે અમારે આ બધું સાંભળી લેવું પડે છે. અમોને ખોટા મેણાં તોણા સંભળાવવાની કોઈ જરૂર નથી. તમો ભણ્યા છો પણ ગણ્યા જ નથી. ડેડીએ નમ્રતાથી કહ્યું.
‘મમ્મી તમો આવું ના બોલો, મેં તમને એક દીકરાની જેમ માન આપ્યું છે અને તમો મારા વિશે આવું બોલો છો?’
ડેડી પર એકી સાથે શબ્દ પ્રહાર શરૂ થયાં. એક તો પાચ લાખ માર્કેટ તુટતા ગુમાવ્યા અને ઉપરથી જમતાં વખતે સૌ એકી સાથે આંધીની જેમ તુટી પડ્યા.ઝેર ઓકવા લાગ્યા. છતાં ડેડીએ ઠંડા કલેજે બધું સંભાળવાની કોશિષ કરી.
‘મહેરબાની કરી સૌ શાંત થઈ જાવ. તમારે કોઈને રસ્તા પર નહી જવું પડે હું બધુ સંભાળી લઈશ.”પણ કોઈએ એની વાત પર ધ્યાન ન આપ્યું.
‘ખોટી..ખોટી ડાહી..ડાહી વાતો ના કરો..કંપનીના પ્રેસિડેન્ટ તમને કોણે કર્યા ? પાંચ, પાંચ લાખ ડોલર્સ ગુમાવ્યા છતા શાન ઠેકાણેજ આ
વતી નથી.જવાદોને આ માણસ નહી સમજે.જ્યારે ભીખ માંગવાનો વારો આવશે અને છોકરા-બૈરી સૌને શેલટરમાં મુકવાનો વારો આવશે ત્યારે સમજ પડશે.’ દલીલ એક પક્ષિય બની ગઈ હતી ડેડીમાં રહેલી અથાંગ ધીરજ અને શાંતી પર કુટુંબીજનોનો અસહ્ય શબ્દ પ્રહારના તણખલા ઉગ્ર બની ગયા અને અચાનક બોમ્બની જેમ વિસ્ફોટ થયો!
ડેડીનો ગુસ્સો ગયો.
‘Go to hell, You are all selfish,cunning. pulling trigger on me. no way! ( જહન્નમમાં જાવ,તમો બધા સ્વાર્થી અને લુ્ચ્ચા છો. આવી રીતે મારી પર હુમલો ! નહી ચલાવી લઉ!) ડેડી જમતાં જમતાં થાળી પછાડી સીધા બેડરૂમમાં!…બહાર આવ્યા,,હાથમાં ગન હતી… જોઊ છું કે હવે કોણ બચે છે?
મોટી રાડ પાડી. સૌ ગભરાય ગયાં..ધડા ..ધડ ..આડે ધડ…ગોળીઓનો વરસાદ…ગ્રાન્ડપા-ગ્રાન્ડમા, મામા.મામી… હું ગભરાઈને છાનોમાનો લંપાઈ મમ્મી-ડેડીના રૂમના ક્લોઝેટમાં નીચે જઈ સંતાઈ ગયો.ગોળીઓનો અવાજ ચાલુ હતો! એક વખત ડેડી, બેડરૂમમાં દોડતા આવ્યા..નીલેશ!પણ હું કશું બોલ્યો નહી અને એ જતાં રહ્યાં. પંદર મિનિટમાં પોલીસ,એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો..તેઓ ઘરનો દરવાજો તોડી ઘરમાં આવ્યા. કોઈ નેબર ( પડોશ)માંથી ગોળીના અવાજને લીધે પોલીસ અને ૯૧૧ને ફોન કરી દીધો હતો. મને પોલીસે કહ્યુ.
‘Do not worry, come out..you are safe..worse is over( ચિંતા ના કર, બહાર આવ! તું સલામત છો, હવે ભય નથી)
મને આંગળી જાલી લઈ ગયાં , ચારે બાજું લોહીના રેલા..બધા બેભાન જેવા કોઈ કશું બોલતું નથી..મારા ડેડી કયાં છે? મેં પોલીસને પુછ્યું…પોલીસ જવાબ દે એ પહેલાં મેં ડેડીને જમીન પર પડેલા જોયા…અઠવાડીયા પછી ખબર પડી કે મારા સિવાય કોઈ બચ્યું નહોતું.. બધાને મારા ડેડીએ ફૂંકી માર્યા હતા અને પછી ખુદ પોતાની જાતને..
‘નીલેશ! watch out..( ધ્યાન રાખ)’ નીશા કહેવા જતી હતી એજ ઘડીએ નીલેશની કાર બીજી કાર સાથે… ધડા..ધડ…બે ત્રણ કાર અથડાઈ…નીલેશ, દર્દભર્યા વિચારોમાં અને વિચારોમાં રેડ-લાઈટમાં જતો રહ્યો અને મોટો એકસેડન્ટ કરી બેઠો…પહેલી વખત ખુદ ડેડીના ગોળીબારથી બચી ગયો..આ વખતે નીશા કે જે બે મહિનાની પ્રેગનન્ટ હતી એ બચી સાથો સાથ નીલેશ પણ બચી ગયો… કોના નસીબથી ?
આપનો અમૂલ્ય અભિપ્રાય આપવા વિનંતી.
હ્યુસ્ટન ગુજરતી સાહિત્ય સરિતાની બેઠકઃ ઓગષ્ટ ૧૧,૨૦૧૨ નો અહેવાલઃ
પ્રથમ તસ્વીરમાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય સાથે વતનથી પધારેલ ગુજરાતી સાહિત્યકાર.
બીજી તસ્વીરમાં.ડાબેથીઃશ્રે ચંદકાંતભાઈ સંઘવી,ડૉ.પ્રતાપભાઈ પંડયા, ડૉ.લવકુમાર દેસાઈ
તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ
***********************************************************************************************
*************************************************************
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક શ્રી મુકેશભાઈ,કીર્તિબેન શાહને ત્યાં યોજવામાં આવેલ.આ વખતની બેઠક વતનથી પધારેલ ત્રણ, ત્રણ ગુજરાતના પ્રખર સાહિત્યકારની હાજરીથી યાદગાર બની ગઈ. શ્રી ચંદકાંતભાઈ સંઘવી, ડૉ.લવકુમાર દેસાઈ,તેમજ ડૉ. પ્રતાપભાઈ પંડયાએ બેઠકમાં પધારી સાહિત્ય સરિતાની શોભામાં અભિવૃદ્ધી કરી એ ગૌરવ અને આનંદ અમારા માટે છે.
સાહિત્ય સરિતાની બેઠકનો પ્રારંભ..”અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા..”ની પ્રાર્થના શ્રીમતી ભારતીબેને પોતાના સુંદર કંઠે ગાઈ. ત્યાર બાદ કીર્તિબેન શાહે આમંત્રીત મહેમાનનું સ્વાગત કર્યું. સૌ પ્રથમ કવિયત્રી પ્રવિણાબેને ફૂલ ગુચ્છથી ચંદકાંતભાઈનું સ્વાગત કર્યુ ,કીર્તિબેને પ્રતાપભાઈનું ,સાથો સાથ શ્રીમતી રેખા અને વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરેલ.પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સભાનો દોરે હાથમાં લેતા કહ્યુઃ’આપણી આજની બેઠક આજના મહાનુભવોની હાજરીથી યાદગાર બની રહેશે તેમજ આજની બેઠકમાં સ્થાનિક કવિઓની વિનંતીને લક્ષમાં રાખી વતનથી પધારેલ સાહિત્યકારોનેજ સાંભળવાના સૂચન મુજબ પ્રથમ નવિનભાઈને વિનંતી કે શ્રી ચંદકાંતભાઈનો પરિચય આપે.શ્રી નવિનભાઈએ કહ્યું.’ હાલ મુંબઈ સ્થિત ચંદ્રકાંતભાઈ સંઘવી એક સાહિત્યકાર- લેખકે ૨૦૧૦માં પાંચ પુસ્તકો પ્રસિધ્ધ કર્યા છે ઉપરાંત મુંબઈ સમાચાર, ગુજરાત મિત્રમાં કોલમ,’અસ્તિત્વને પેલેપાર’,’લાગણીનો સ્પર્શ’,’હું અને મારી વાતો’,’અંતરના અજવાળા’જેવા વાર્તા સંગહ સાહિત્ય જગતની અર્પણ કર્યા છે’.શ્રી ચંદકાંતભાઈએ પોતાની સ્વરચિત સત્ય ઘટના પર અધારિત બે ટુંકી વાર્તા, કાવ્યો,મુકતક,હાસ્ય સભર વિષય પર પોતાની આગવી શૈલીથી સૌ શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ. શ્રી ચંદકાંતભાઈએ હ્યુસ્ટન સાહિત્ય સરિતાને’લાગણીભીનો સ્પર્શ;,અસ્તિત્વને પેલે પાર;,હું અને મારી વાતો;,ચારધામનો ચકરાવો’,અંતરના અજવાળાં;,ભીતરનો આયનો,પોતાના પ્રકાશિત થયેલા પુસ્તકો ભેટમાં આપ્યા.અમારી સાહિત્ય સરિતા માટે આ અમૂલ્ય અને સદા યાદગાર રહી જાય એવી ભેટ છે.
સમય પ્રાબંધીને નજરમાં રાખતા શ્રી વિશ્વદીપે સ્થાનિક કવિઓને પોતાનો ટુંકો પરિચય આપવા શ્રી ધીરૂભાઈ,પ્રવિણાબેન , વિજયભાઈ , ફતેહ અલી ચતૂર ને વિનંતી કરી.શ્રી વિજયભાઈએ સાહિત્ય સરિતાનો પરિચય મહેમાનોને આપતા કહ્યું. ‘સાહિત્ય સરિતાનું ધ્યેય ‘ગુજરાતી સાહિત્યને અમેરિકા પ્રોત્સાહિત કરવા તેમજ આપણી માતૃભાષા અહી સદા ટકી રહે એજ છે તેના માટે અમારી સંસ્થા પુરેપુરી પ્રયત્નશીલ છે.જ્યારથી અમારી સંસ્થાનો જન્મ થયો છે ત્યારથી અત્યાર સુધી ૧૦ વર્ષની કારકિર્દીમાં ઘણાં નવા નવા કવિ લેખકોનો અહી જન્મ થયો છે અને સાહિત્ય ક્ષેત્રે ઘણાં કવિ-લેખકોને ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. કવિતા, ટુંકી વાર્તા, નવલકથા, નવલિકા.સહાયારું સર્જન જેવા અમૂલ્ય પુસ્તકો સાહિત્ય જગતને આપ્યા છે એ અમારા માટે ગૌરવ અને આનંદની વાત છે.હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રગતીથી ડૉ, લવકુમાર દેસાઈ, ચંદ્રકાંતભાઈ અને ડૉ. પ્રતાપભાઈ ઘણાંજ ખુશ થયાં અને તાળીઓથી આ વાતને વધાવી લીધી હતી.
ત્યારબાદ શ્રી વિશ્વદીપ બારડે ડૉ. લવકુમારનો પરિચાય આપતા કહ્યું.’ અમો આજ અમારે આંગણે,આપ એક અગ્રણી કવિ-લેખક અમારી બેઠકમાં હાજરી આપી બદલ સાહિત્ય સરિતા ગૌરવની લાગણી અનુભવે છે. આપ ગુજરાતી સાહિત્યક્ષેત્રે એક પ્રાધ્યાપક તરીકે ૪૦ વર્ષ ગોધરા,ખંભાત સયાજીરાવ યુનિવર્સિટીમાં સેવા આપી અનેક સાહિત્યિક સામાયિકો પ્રગટ થયા સાથો સાથ નાટક ક્ષેત્રે લખેલ મૌલિક રેડિયો નાટક,વિવેચન, જીવન ચરિત્ર,સંપાદન , અનુવાદ તેમજ અનેક મહત્વના પારિતોષક, ગુજરાતી સાહિત્ય પરિષદ,અકાદમીના પરિતોષક,આકાશવાણી પારિતોષક, ડાહ્યાભાઈ સુંવર્ણ પારિતોષક પ્રાપ્ત કરેલ છે અને ગુજરાતી-ભાષા અને સાહિત્યની સેવામાં અગ્રણી રહ્યા છો તેનું અમોને ગૌરવ છે અને આપની પાસેથી અમોને ઘણીજ પ્રેરણા મળશે. ડૉ લવકુમારે એક નાટય-કલાકારની અદાથી ઉભા રહી ગીરીશ કન્નડના નાટક અને ‘મદન-સુંદરી’ના પાત્રો,પદ્મિની, કપિલ અને એના મિત્રના પાત્રોની છણાવટ સાથે નાટકની ઊંડી સમજ આપી હતી. નાટકના પાત્રોને અનોખી રીતે વ્યકત કરી પોતેજ નાટકના પાત્ર બનીને નાટક ભજવતા હોય એવી એમની અનોખી અદાથી શ્રોતાજનો મુગ્ધ બની ગયાં હતાં સૌ સ્થાનિક કવિ, લેખકને વાર્તા,નાટકની ઊંડી સમજ આપી.શ્રોતાજનો એમના પ્રવચનથી ઘણાંજ પ્રભાવિત થયાં. ડૉ.પ્રતાપભાઈ પંડયાનો પરિચય ડો.લવકુમારે આપતાં કહ્યું હતું.” ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યના પ્રખક ચાહક, જેમના સાત પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે.શિક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત થયા બાદ ‘ગુજરાતી બચાવો..સાહિત્યનું પુસ્તક પરબ”માં અમૂલ્ય સેવા આપી રહ્યા છે.ડૉ.પ્રતાપભાઈએ કહ્યું.’નિવૃતીબાદ ગુજરાતી બચાવો ઝુંબેશમાં જોડાયો , ગુજરાતી સાહિત્ય રસિકો, લાયબ્રેરી અને અન્ય સંસ્થામાં મફત પુસ્તકો આપી ગુજરાતીભાષા,સાહિત્યને પ્રોત્સાહિત કરવાના ધ્યેયમાં કુટુંબમાંથી મને પુરેપુરો સહકાર મળ્યો છે તેનો દાખલો અને ગૌરવ લેતા કહ્યું. ‘દીકરો અમેરિકા છે અને તેને મને કહ્યું. ‘પપ્પા,આપનું જે પણ પેન્શન મળે છે તે પેન્શન સાહિત્યના હીતમાં ખર્ચો અન્ય આર્થિક પરિસ્થિતીમાં મારો પુરો પુરો ટેકો છે. આ યુગમાં આવા સંતાનો મળવા ઘણાં મુશ્કેલ છે, ગૌરવની વાત છે કે પ્રતાપભાઈએ પોતાનું સઘળું પેન્શન ગુજરાતી સાહિત્યના હીતમાં વાપરે છે..” સાહિત્યનું પુસ્તકપરબ ” કોઈ પણ સાહિત્ય રસિક આવે તેને વિના મૂલ્યે પુસ્તકા આપી ગુજરાતીભાષા અને ગુજરાતી સાહિત્યની મહાન સેવા કરી રહ્યા છે.આપણે સૌ આમાંથી કઈક શિખીએ. વિશ્વદીપ બારડે સ્વ.સુરેશ દલાલને શ્રદ્ધાજંલી આપતાં કહ્યું.’ સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આ મહાન સાહિત્યકાર ની ના પુરી શકાય એવી ખોટ પડી છે.એ સદાને માટે આપણાં હ્ર્દયમાં,આપણાં સાહિત્યમાં અમર રહેશે.’શ્રીમતી રેખાએ શ્રદ્ધાજંલી ગીત.’ જે જીવ આવ્યો આપ પાસે ,શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને સાચી શાંતી આપજો.’ સૌ સાથ આપી શ્રદ્ધાજંલી અર્પી.
અંતમાં બોર્ડના ડિરેકટર શ્રી વિનોદભાઈ પટેલે વતનથી પધારેલ મહેમાનોનો હાર્દિક આભાર વ્યકત કર્યો સાથો સાથ મહેશભાઈ અને કીર્તિબેનનો સાહિત્ય સરિતાની બેઠકનું આયોજન અને અલ્યાહાર બદલ હાર્દિક આભાર વ્યકત કર્યો. આજની અનોખી અને યાદગાર બેઠકનો સાહિત્યરસ શ્રોતાજનોએ બહુંક પ્રેમથી માણ્યો. સૌ અલ્પાહાર લઈ છુંટા પડ્યા.
બેઠકનો અહેવાલઃ વિશ્વદીપ બારડ( રેખા)
ગુસ્સો..
મારા અને વિપુલ વચ્ચે સરકતા પ્રેમધારાના ઝરણાંનો પ્રવાહ એક ધારો હતો. કોઈને પણ અમારું પ્રેમાળ જીવન જોઈ સહજ ઈર્ષા આવી જાય.અમારો પ્રેમ સદાબહાર! પ્રેમના ઝરણા હંમેશ નવા નવા ફૂંટતા રહે! ૨૫ વર્ષની અમારી મેરેજ-લાઈફ સીધી-સરળ અને પ્રેમાળ.જ્યારે જ્યારે કોઈ પણ વિઘ્ન આવ્યા છે ત્યારે ત્યારે સાથ મળી, હાથમાં હાથ મિલાવી હસતા મો એ દૂર કર્યા છે.અમો બન્ને કંમ્પુટર સોફટવેર ઈન્જિનયર અને ઉપરવાળાની મહેબાનીથી તન,મન અને ધનથી ઘણાં સુખી. પાંચ પાંચ બેડરૂમનું હાઉસ લેઈક પર છે, સાંજે સમય મળે બોટીંગ કરીએ અને ડીનર પણ બૉટમાં સાથે લઈએ. સંતાન નથી પણ અમો બન્ને એ માઈન્ડ સાથે કોમ્પ્રોમાઈઝ કરી લીધું છે.આપણે જિંદગીના અંત લગી સાથે રહી મળેલ માનવ-દેહની મજા માણીશું.વીલમાં પણ લખી દીધેલ છે કે અમારા ગયા પછી અમારી સંપૂર્ણ મિલકત અને પૈસા માનવતાના કલ્યાણ અર્થે આપી દેવાના.
અમેરિકામાં એવું કોઈ શહેર કે જોવાલાયક સ્થળ નહી હોય કે અમો એ ત્યાં વેકેશનમાં ફરવા ગયાં ના હોય!
“જિંદગી બહુંજ રુપાળી છે એની હરપળ માણીલો, એ પળ ફરી મળશે કે નહી એની કોઈ ખાત્રી નથી..
“જિંદગીની હરપળ માણીલે,
સ્વર્ગ છે અહીજ સખી માણીલે,
હર ઘડી છે રળિયામણી,
પ્રેમની હર અદા તું માણીલે.”
વિપુલ ઘણીવાર મુડમાં આવી જાય ત્યારે જિંદગીની ફિલોસોફી અને શાયરીઓ સંભળાવે.વિપુલ ઘણોજ લાગણીશીલ વ્યક્તિ છે.કવિ હ્ર્દય ધરાવતા દરેક વ્યક્તિ લાગણી પ્રધાન હોય એવું મારૂ માનવું છે!
વિપુલ ઘણીવાર પ્રેમના આવેશમાં આવી દરિયાના મોજાની જેમ ઉછળી મને ભીંજી નાંખે.
આટલો પ્રેમાળ, શાંત, અને લાગણીશીલ સમજું વિપુલના ગર્ભમાં ઉંડે ઉંડે સંતાયેલો ગુસ્સો કોઈવાર બહાર આવી જાય ત્યારે મારે બહુંજ સંભાળવું પડે અને એ સમયે હું એકદમ શાંત થઈ જાવ.એક શબ્દ ના ઉચ્ચારુ એટલે ધીરે ધીરે અગ્નિ એકદમ શાંત થઈ જાય!
તે દિવસે હું થોડી સાવચેત ના રહી અને મારી બેદરકારીમાં મારાથી બોલાય ગયું.”વિપુલ તું ગુસ્સે થાય છે ત્યારે તું શું બોલે છે ? શું કરી નાંખે છે તેનું તને ભાન છે ? ગુસ્સો કંન્ટ્રોલ કરતાં શીખ.
‘તે મને ભાનવગરનો કિંધો ? વિપુલ આગળ કશું ના બોલ્યો સિધ્ધો બેડરૂમમાં. બારણું જોરથી બંધ કરી અંદરથી લોક કરી દીધું. મેં ઘણી આજીજી કરી. મારું કશું સાંભળ્યુંજ નહી.મેં માની લીધું કે થોડો શાંત થશે અને ગુસ્સો ઓછો થશે એટલે બહાર આવશે.
હું લીવીંગ રૂમમાં બેઠી બેઠી “ડિવિઆર” પર ટેઈપ કરેલ “રાવણ” જોઈ રહી હતી ત્યાંજ બેડરૂમમાંથી ‘ધડ. ધડ” ગન(બંધુક)માંથી અવાજ આવ્યો. હું એક્દમ ગભરાઈને દોડી…બેડરૂમ તરફ..જોશથી મેં બુમ પાડી “વિપુલ”. બેડરૂમ લૉક હતો મે સ્ક્રુ-ડ્ર્રાવરથી અન-લૉક કર્યો .મારી આંખોએ ભયાનક દ્રશ્ય જોયું ,ધ્રાસ્કામાં મારું હ્ર્દય ધડકતું બંધ પડી ગયું હોય એમ લાગ્યું. ખાલી મારું શરીર દોડ્યું. વિપુલની નિશ્ક્રિય પહોળી થઈ ગયેલી આંખમાં ભીંનાશ હતી, શુષ્ક થઈ ગયેલો ગુસ્સો હવામાં બહાર નિકળી બહુંજ દૂર દૂર નિકળી ગયો હતો.
આ લઘુકથા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી.
આ છે પત્રકાર !
ભારત કે જ્યાં અહિંસા,દયા સત્ય,માનવ ધર્મ, માનવ પ્રત્યે પ્રેમ જે આપણા લોહીમાં છે એનું આજ શું થયું? આ દ્ર્શ્ય જોઈ લાગે છે કે “માનવતા” મરી પરવારી છે. ચીનના પ્રમૂખ ભારત આવવા અંગે બહિષ્કારના આંદોલનમાં એક માનવી બળી આત્મહત્યા કરી રહ્યો છે અને આજું બાજુ> છાપાવાળા-સમાચારવાળાના ફોટોગ્રાફર બળી રહેલ માનવીને બચાવવાને બદલે મરી રહેલ માનવીની તસ્વિર લઈ રહ્યાં છે..કોની તસ્વિર બેસ્ટ હશે..ક્યાં ફોટોગ્રાફરને આ તસ્વિરમાં પહેલું ઈનામ મળશે? તેની રસાક્શીમાં આ ફોટોગ્રાફર્સ “માનવતા” ભુલી ગયાં છે! આ મહાન-ભારતના સુપુત્રો છે? મારા દેશનું શૂં થઈ રહ્યુ છે? દયા ક્યાં ગઈ? બસ સમાચાર ભરવા લાશની આજુબાજું ટોળેવળી..પુછે? “હે ભાઈ મરતા પહેલા તમારી વાત કરતા જાઉ જેથી અમારા સામાચાર પત્ર સૌ વાંચે અને મને નોકરી પર બઢતી મળી જાઈ!” શરમ જનક છે મિત્રો.. પત્રકારોની આ અમાનુષ ભર્યુ વર્તન આપણે કેમ ચલાવી કઈએ છીએ? કહેશો?
આ છે પત્રકાર !
લાશને ઉધી-ચત્તી કરી પુછે છે..”મરવાનું કારણ કહો?”
બળી ખાખ થઈ રાખને પુછે છે..”મરવાનું કારણ કહો?”
મરો તો ભલે મરો,પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
સમાચાર ભરવા પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
જીવતા બળો તોય પુછે છે…”મરવાનું કારણ કહો?”
ક્યાં કોઈને પડી?માત્ર પુછે છે..”મરવાનું કારણ કહો?”
લાશના ઢગલાને પણ પુછે છે..”મરવાનું કારણ કહો?”
“માનવ” નથી ધંધાદારી પુછે છે..”મરવાનું કારણ કહો?”
Photo courtesy” Aaj Tak”
સમી સાંજ..
સમી સાંજ લઈ સંધ્યા આવી,
પાનેત્તર પે’રી સંદેશ લાવી.
ઢળતો સૂરજ મનમોજી ભાસે,
ઘરભણી ચક્લી તણખો લાવી.
નારી જળભરી જતી ઘરભણી,
સીમાથી સરકતા સાપ લાવી.
સાંજ શમણામાં આશ ટપકે,
દુલ્હાન ઉંબરે શું શું લાવી?
ઉતાર આરતી દેવ થાકયા!
ઓઢી રાત કાળો દાગ લાવી.
‘દીપ’ કેમ આજ ઝાંખો ઝાંખો?
સંધ્યા સુંદર એક રથ લાવી.
“હું’ અમર! છેદ કરતો નથી.
“હું” હટતો નથી,
ક્યાંય જાતો નથી.
આસ-પાસ ભટકે,
ખુદના ઘરમાં લટકે,
કયાંય જાતો નથી.
યુગ પલટાઈ ગયાં,
તારા ખરતા ગયાં,
“હું’અડીખમ ત્યાંનો ત્યાં!
અહીં તહી ભટક્યા કરે,
મન માની કર્યા કરે,
“હું’ખુદમાં નાચ્યા કરે.
રોજ રોજના ઝગડા!
ભરેછે ઝહરના ઘડા!
“હું’ કરે વાતના વડા!
એ કદી મરતો નથી,
એ જીવવા દેતો નથી,
“હું’અમર! છેદ કરતો નથી.
વતનની ચીઠ્ઠી.
‘Hay, Rick, you have to pay me 20 dollars tomorrow for this week ride…’Ok I will.'( ‘હેય, રીક,તારે મને આ અઠવાડિયાના કારમાં લઈ જવા-આવવાના ૨૦ ડૉલર્સ આપવાના બાકી છે..ઓકે,આપી દઈશ..’) રમેશ ડેની સાથે જોબ જવા રાઈડ લેતો હતો. રમેશને સૌ રીક કહીને બોલાવતા. રમેશ બાર કલાકની જોબ કરી થાકી લોથ જેવો થઈ ગયો હતો. પોતાનું એપાર્ટમેન્ટ્ ચાવીથી ખોલ્યું .એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ જણા રહેતા હતા.જેથી ઓછા ખર્ચમાં ચલાવી લેવાઈ.એક પટેલભાઈ આ એપાર્ટમેન્ટના માલિક હતાં નહીતો એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં પાંચ વ્યક્તિ રહીજ ના શકે અને પટેલભાઈ પણ બધા કરતા ૨૦ ડોલર્સ ભાડું વધારે લેતા. રમેશ રસોડામાં ગયો. સેન્ડવીચ અને ચીપ્સ પડ્યા હતા.જલ્દી, જલ્દી ખાઈ પોતાની સ્લીપીંગ બેગમાં સુવા જતો હતો ત્યાં પથારી પાસે એક પત્ર પડ્યો હતો. ભારતથી આવ્યો હતો.રમેશે જોયું તો તેના મા-બાપનો પત્ર હતો. ખુશ થયો..વાંચવા લાગ્યોઃ
પ્રિય પુત્ર રમેશ,
‘તું સુકુશળ હઈશ.તને અમેરિકા ગયાં એક વર્ષ થઈ ગયું. તું ત્યાં પહોંચી ગયાંનો પત્ર પછી તારા તરફથી કોઈ પત્ર આવ્યો નથી. આપણાં પડોશમાં રહેતા ડૉ.રમણભાઈનો દીકરો અઠવાડીયામાં બે વખત અમેરિકાથી તેને ફોન કરે છે.અને અમો કેવા અભાગી છીએ કે તારો કોઈ ફોન કે પત્ર પણ નથી આવતો.બેટા,એવું ના બને કે બીજા છોકરાની જેમ અમેરિકા ગયાં પછી છોકારાઓ પોતાના મા-બાપને ભુલી જાય.તને ખબર છે બેટા કે અમો એ ઘરબાર વેંચી અને અમારું જે પણ સેવિંગ હતું બધું ખાલી કર્યું ઊપરાંત બેંકમાંથી બે લાખની લોન લઈ તને અમેરિકા મોકલ્યો અને તું અમને સાવ ભુલી ગયો. તને ખબર છે કે બેટા, મારી એકની આવક ઉપર આપણું ઘર ચાલે છે. લોનના હપ્તા તો ભરવાજ પડે અને હપ્તા ભર્યા પછી બાકી જે પૈસા વધે છે તેમાંથી અહીંની કાળી મોંઘવારીમાં ઘર ચલાવવું ઘણુંજ મશ્કેલ પડેછે.એકના એક દિકરા પર અમારા કેટલા આશા, અરમાન અને સ્વપ્ના હતાં!સાંભળ્યું છે કે ત્યાં સૌ જુવાનિયા ડાન્સ ક્લબ અને બારમાં જઈ ડ્રીન્કસ લે છે.મોઘામાં મોઘી સ્પોર્ટસ કાર લે અને છોકરીઓ સાથે ડેઈટ્સમાં જઈ , મોઘામાં મોઘી રેસ્ટોરન્ટમાં ડીનર લઈ પૈસા બહુંજ ખોટી રીતે વેડફતા હોય છે. અમોને અહીં ખાવાના સાસા પડેછે.બેટા, કઈક તો અમારી દયા ખા.અમને લાગે છે કે તું પણ અમેરિકાના રંગીલા જીવનમાં ઓતપ્રોત થઈ ખોવાઈ ગયો છે. અમોને સાવ ભુલી ગયો છે.તું કેટલા જલશા-મોજ મજા માણે છે! અને તારા મા-બાપ અહીં રાતા પાણીએ રોવે છે. બેટા,તું અમારો આધાર છે, અમારી છત છે, જો એ પડી ભાંગી તો અમો તો ક્યાંયના નહીં રહીએ.મહિને ૧૦૦ ડોલર્સ મોકલે તો પણ ૫૦૦૦ રુપિયામાં અમારો ઘણો ખરો ખર્ચ નિકળી જાય. તારી મમ્મીને ડાયાબેટિક સાથે બ્લડ પ્રેશર પણ રહે છે.ઘર ગથ્થુ ઉપાયથી ચલાવી લઈએ છીએ.ડૉકટર પાસે જઈએ તો મોટા મોઢા ફાંડે છે.શું કરીએ? આશા રાખીએ છીએ કે આ પત્ર મળે તુરત પત્ર લખજે અને તારી કમાણી માંથી થોડા ડૉલર્સ મોકલી આપે તો અમારી નાવ ચાલે.’
મા-બાપના અશિષ..
રમેશની આંખમા ઝળઝળીયા આવી ગયાં.મારા બિચારા મા-બાપને ક્યાં ખબર છે કે’સ્વર્ગ સમાન અમેરિકા’માં ખુણામાં પડેલા ગારબેઈજ કેન સમાન મારી આ અભાગી જિંદગીની અવસ્થા કોઈને નજરમાં ના આવે ? ગેર-કાયદે પ્રવેશનાર હું કેવી જિંદગી જીવી રહ્યો છું તેનો અહેસાસ જંગલમાં વિખુટા પડેલા હરણના બચ્ચા પર સિંહનો પડતા પંજા સમાન છે. એક ભીખારી કરતાં કંગાળ જિંદગી જીવતો હું..કૉકરોચ(વંદા)ની જેમ પેટ ભરવા ખુણે-ખાંચરે સંતાતો રહી જિંદગી જીવી રહ્યો છું. પેસ્ટ-કન્ટ્રોલ વાળો મારી પર દવા ના છાંટી દે એથી ચારે બાજું સંતાતો ફરું છુ. રમેશ પેન અને કાગળ લઈ મા-બાપને સત્ય હકિકત લખવા બેઠો.
પૂજ્ય પિતા અને મા,
આપનો પત્ર વાંચી હ્ર્દય દ્ર્વી ઉઠ્યું.મારા મા-બાપની આવી હાલત થઈ જશે તેની મેં કલ્પ્ના પણ નહોંતી કરી.આના કરતા હું અમેરિકા ના આવ્યો હોત તો સારું હતું . આપને લાગે છે કે હું કેટલો સુખી છું? જલશા કરું છુ, પણ મારી હકિકત પાના વાંચવા જેવા નથી.પણ કડવુ સત્ય કહ્યા વગર છુટકો નથી. મારું પણ દીલ હળવું થાય અને આપને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે આપનો દીકરો સ્વર્ગની સુવાળી પથારીમાં નથી આળટતો! પપ્પા, ત્યાંથી આપની વહાલભરી વિદાય લીધા બાદની મારીસાચી કથા લખી જણાવું છું.
આપે એજન્ટને ૧૦ લાખ આપ્યા.ગેરકાયદે હું મેકસિકો આવ્યો. ત્યાંજ મારા દુઃખના આંધણ ઉકળવાની શરુયાત થઈ.મને મેકસિકો એરપોર્ટથી બે માણસો એક જુની ગંદી કારમાં લઈ ગયાં. હું એમની ભાષા સમજી શકતો નહોતો અને એ મારી ઈગ્લીશ ભાષા.ઈશારાથી થોડુ જે સમજાય તે સમજી લેતો. મને એક જંગલ જેવા વિસ્તારમાં સાવ ભંગાર અને ગંધ મારતા ઘરમાં લઈ ગયાં જ્યાં મારી જેવા ગેરકાયદે અમેરિકામાં જવા માટે આઠથી દસ માણસો હતાં.ખાવામાં મીટ(માંસ)સેન્ડવીચ, કોર્ન ચીપ્સ ,બિન્સ આપવામાં આવ્યા પણ મે માત્ર ચીપ્સ અને બીન્સથી ચલાવી લીધું.આજું બાજુંનું વાતાવરણ બહુંજ ગંદુ હતું.મચ્છરનો ભયંકર ત્રાસ હતો. એક સ્લીપીંગ બેગમાં જમીન પર ત્રણ જણાંને સાથે સુવાનું. મને તાવ, શરદી-ઉધરસનો હુમલો થયો તે લોકોએ કઈ દવા આપી. પહેલવાન જેવા પટ્ઠા માણસોના હાથમાં ગન પણ હતી અને તેઓ તાડુકીને જ વાત કરતાં એમની સ્પેનીશ ભાષામાં. બે દિવસબાદ રાત્રીના ૧૦ વાગ્યા પછીના સમયે અમો દસ જણાંને જંગલના રસ્તે ચાલીને લઈ ગયાં. રસ્તો વિકરાળ હતો. એક બેવખત બંદુકમાંથી ગોળીઓ છુંટવાનો આવાજ આવ્યો, અમો ગભરાયા,સૌને દોડવાનું કહ્યું. બે માઈલ દોડ્યા બાદ અમોને એક વેનમાં બેસી જવા કહ્યું. વેનમાં ૨૦ જણાં એટલા ખીચો ખીંચ ભરવામાં આવ્યા કે બેસવુ મુશ્કેલ થઈ જાય..અમોને તૂટ્યા-ફૂટ્યા ઈગ્લીશમાં કહેવામાં આવ્યું કે તમો સૌને અમેરિકા બોર્ડર પાર કર્યા બાદ અમેરિકામાં છોડી મુકવામાં આવશે અને ત્યાં તમોને નકલી ગ્રીન-કાર્ડ, નકલી સોસિયલ-સીક્યોરિટી કાર્ડ, ઓળખ-કાર્ડ આપવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવામાં રીસ્ક(જોખમ) છે જેમાં તમારી જાન પણ જાય. હું બહુંજ ગભરાયેલો હતો. ભુખ્યા, તરસ્યા અને૧૧૦ ડીગ્રીની સખત ગરમીમાં વેનમાં ધાણીની જેમ સેકાઈ ગયાં. તરસથી જાન જતી હોય એવું લાગ્યું પણ કોઈ ઉપાય ક્યાં હતો? એક બે જણાએ તો પોતાનું પી(Urine)..તરસને છીપાવવા..લખતા શરમ આવે છે. ભુખ અને તરસ માનવીને ગીધ્ધડ બનાવી દે છે. હું તરસને લીધે એકાદ કલાક મુર્છિત થઈ ગયો. પણ તમારા આશિર્વાદથી બચી ગયો. વહેલી સવારે ત્રણ વાગે એક ભયાનક વિસ્તારમાં ઉતારવાંમાં આવ્યા.ત્યાં બેત્રણ માણસો અમને એક અજાણી જગ્યાએ લઈ ગયાં. નાસ્તામાં બ્રેડ, બિસ્કિટ ક્રેકર, કોફી આપ્યા..હાશ..ઘણાં વખત પછી કઈક સારું ખાવા તો મળ્યુ. અમો અમેરિકાની સરહદમાં આવી ગયાં હતાં. નકલી પેપર્સ અમોને આપવામાં આવ્યા.અમો ટેક્ષાસ સ્ટેટમાં આવી ગયાં હતાં. ટેક્ષાસના બ્રાઉન્સવીલ શહેરમાં હું આવી ગયો. કોઈને પણ ઓળખું નહી. શહેરમાં એક ભારતિયની હોટલ હતી.હું બાથરુમ જવા ગયો.પહેલા તો મારા હાલ જોઈ હોટેલમાં જવાનીજ ના કહી. પપ્પા..મારા હાલ એક શીકારીથી હણાયેલા હરણા સમાન હતી. એકના એક કપડાં એક અઠવાડિયાથી પહેંરેલા, વેનમાં પાંચ કલાક ગરમીમાં રહેવાથી ગંધ મારે! બાવાની જેમ ડાઢી વધી ગયેલી. મારા કરતાં ભીખારી પણ સારા લાગે! મને ગુજરાતીની હોટેલ લાગી એટલે મે ગુજરાતીમાં કહ્યું.”ભાઈ હું ગુજરાતી છું.હું..આગળ બોલુ તે પહેલાં મને કહ્યું અંદર આવો..મને હોટેલમાં રૂમ આપ્યો.મેં મારી કરુંણ કથની કહી. બાબુભાઈ પટેલ બહુંજ દયાળુ હતાં તેમણે મને કહ્યું કે તમે એક બે દિવસ અહીં હોટેલમાં રહી શકો છો,પછી તમારે કોઈ રસ્તો કાઢવો પડશે કારણ કે આ મેક્સિકન બોર્ડર છે જેથી અવાર-નવાર ઈમીગ્રેશન અને પોલીસના માણસો અમારી હોટેલમાં ચેક કરવા આવે છે..મારી માટે તો એ ભગવાન સમાન હતાં.
મારી વિનંતી અને આજીજીને લીધે મને એમની હોટેલમાં એકાદ વીક રહેવા દીધો અને હું એમના રૂમ સાફ કરી દેતો.મને ત્યાંથી બસમાં બેઠાડી દીધો અને મને કહ્યું કે સેનેટૉનિયોમાં મારા મિત્રની મોટ્લ છે તે તમને ત્યાં રાખી લેશે. મેં તેમની સાથી વાત કરી લીધી છે. તું ગેર-કાયદે છો તેથી પગાર રોકડા અને કલાકના ૨ ડોલર્સજ આપશે. ગેર-કાયદે કોઈને રાખવામાં સરકારી જોખમ છે.મેં કહ્યું મને મંજુર છે.
પપ્પા, બાર, બાર કલાક જોબ કરું ત્યારે માંડ ૨૪ ડોલર્સ મને મળે! એમનો આભાર કે મને રહેવા એક નાનોરૂમ આપેલ અને જેમાં હું રસોઈ પણ કરી શકું. દરિયાના મોજાને કાયમ કિનારા સાથે અથડાવાનું-પછડાવાનું અને ભાંગીને ભુક્કો થઈ જવાનું એમ મારું એવું જ થયું. મોટ્લ બરાબર ચાલતી નહોતી અને ખોટમાં જતી હતી.હોટ્લના માલિક ગંજુભાઈ મને છુટ્ટો કર્યો. ગેર-કાયદે આવેલ વ્યક્તિ અહીં શું કરી શકે? મારે આગળ અભ્યાસ કરવો હતો. મને મોટું સ્વપ્ન હતું કે હું અહી એન્જિનયરમાં માસ્ટર કરીશ પણ એ માત્ર સ્વપ્નજ રહ્યું. શહેરમાં કોઈ ગેર-કાયદે ઈમિગ્રાન્ટને જોબ આપે નહીં. મારા જેવા બીજા ત્રણ-ચાર ભારતિય હતાં એના સંપર્કામાં આવ્યો. પપ્પા,એક નાનું એવું એક બેડરૂમનું એપાર્ટમેન્ટ માંડ માંડ મળ્યું છે જેમાં મારી જેવીજ હાલતના અમો પાચ જણાં રહીએ છીએ.કોઈ પણ જોબ આપવા તૈયાર ના થાય.અમોને જે જોબ મળે તે ગેર-કાયદે અને૧૦થી ૧૫ કલાક જોબ કરવાની અને મળે માત્ર ૨૦-૨૫ ડોલર્સ.એમાં ખાવા-પિવા અને એપાર્ટમેન્ટના ભાડા કાઢવાના, અમારી ઘરની મિલકત ગરાજ સેલમાંથી લીધેલ જુના સોફાસેટ,તુટેલ ડાઈનીંગ સેટ .એકાદ બે તપેલી,ત્રણ ચાર સ્પુન અને જમવા માટે પેપર્સ પ્લેટ જેથી વાસણ સાફ કરવાની ચિંતા નહી. અને હા પપ્પા..પેલા વેનમાં અમોને મુકી ગયા અને ડુપ્લીકેટ પેપર્સ આપ્યા તેના માણસો અમારો પીછો કરે છે અને એમને મારે ૨૦૦૦ ડોલર્સ આપવાના છે. મારા આ નાના પગારમાંથી મહિને ૧૦૦ ડોલર્સ રોકડા આપી દેવાના નહીતો એ લોકો બહુંજ ખતરનાક હોય છે જો મહિને હપ્તો ના આપીએ તો એમને મારી નાંખતા જરી પણ દયા ના આવે! જાનનું જોખમ!શું કરુ? પપ્પા, સુવાળી લાગતી ઝાળમાં એવો ફસાયો છું કે એમાંથી છટકી શકાય એમ છે જે નહી.
ઘણીવાર એવું થઈ જાય છે કે પાછો આવી જાઉ.પણ જ્યાં ખાવાના સાસા પડે છે? ત્યાં પાછા આવવા માટે ટિકિટના પૈસા ક્યાંથી કાઢુ? ઘણીવાર તો એવો નિરાશ થઈ જાઉ છું કે આપ—ઘાત…. જવાદો એ વાત.આ દીકરાનો એક દિવસ એવો નહી ગયો હોય કે મારા-મા-બાપ યાદ ના કર્યા હોય! તમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે ?પપ્પા મને ખબર નથી બસ આશાને સહારે જીવુ છુ કે એક દિવસ એવો આવશે..સોનાનો સૂરજ ઉગશે.,પ્રભાતિયે મંગળ ગીતો ગવાશે અને આંગણે લક્ષ્મી આવી ડૉલર્સની માળા પહેરાવશે!
લી-આપનો કમ-નસીબ,વિહોણો સંતાન રમેશ..
રમેશે પત્ર લખ્યા પછી તુરત વિચારવા લાગ્યોઃ
‘ હું તો અહીં દુઃખી છું અને આ મારી સઘળી મુશ્કેલીઓનો અહેવાલ અને મારી જિંદગીની સાચી હકિકત આ પત્રમાં વાંચી મારા મા-બાપને કેટલો આઘાત લાગશે ? મારા મા-બાપ બહુંજ લાગણીશીલ છે અને એમનું હ્ર્દય ભાંગી પડશે. એમને કઈક થઈ જશે તો હું તો ક્યાંયનો નહી રહું અને એનો જવાબદાર હું બનીશ.હું એક પુત્ર તરીકે આવી ખતરનાક બાજી નહી રમી શકું.
રમેશે તુરતજ મા-બાપને લખેલ પત્ર ફાંડી નાંખ્યો અને નક્કી કર્યું કે બસ આવતી કાલે ગમે તે રીતે૧૦૦ ડોલર્સ વેસ્ટર્ન યુનિયન દ્વારા મોકલી આપીશ. પેલા મેક્સિકોના માણસોને ૧૦૦ ડોલર્સનો હપ્તો નહી આપું તો એ શું કરી લશે ?..રમેશને ખબર નથી કે પોતે પોતાની જાત અને જાન સાથે કેટલી ખતનાક રમત રમી રહ્યો છે!
આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશોજી.
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક,જુલાઈ ૨૨,૨૦૧૨ નો અહેવાલ.
(પ્રથમ ફોટામાં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્યના સરિતા સાહિત્ય મિત્રો. બીજા ફોટામાં અમેરિકા નાસા કેન્દના પ્રખર વૈજ્ઞાનિક,અગ્રણી વડા શ્રી ડૉ.કમલેશભાઈની અનેક સિદ્ધીઓ સાથે નાસા તરફથી મળેલ અમૂલ્ય એવૉર્ડનું સન્માન કરતા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ સાથે શ્રીમતી રેખા,શ્રી ધીરૂભાઈ,મધુબેન ..ફોટોઃ શ્રી જયંતભાઈ પટેલ)
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક જુલાઈ,૨૨મીને બપોરે ૨ થી ૫ વાગે ગં.સ્વ.મધુબેન શાહને ત્યાં રાખવામાં આવેલ.સાહિત્ય સંચાલક વ્યસ્ત હોવાથી આજની બેઠકની સંપૂર્ણ જવાબદારી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમૂખશ્રી વિશ્વદીપ બારડે સંભાળેલ.સાહિત્ય સરિતા સમયને લક્ષમાં લેતા બેઠક ૨ વાગે મધુબેન શાહે સૌ આવેલ મહેમાનોનું સ્વગાત કરેલ, ત્યારબાદ સભાના સંચાલક શ્રી વિશ્વદીપે સભાનો દોર હાથમાં લેતા, સભા પ્રારંભ શ્રીમતી રેખાના સુંદર સ્વરે..’મંદીર તારું વિશ્વ રુંપાળુ..સુંદર સર્જનહારા રે’..પ્રાર્થનાથી થયેલ.
સૌ પ્રથમ સંવેદનશીલ કવિશ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટે આજના વિષય..સમી સાંજ’ને લક્ષમાં રાખી..’સ્નેહ મળે સમી સાંજે ત્યાં આનંદ થાય..સુંદર કાવ્યની રજૂઆત બાદ ગુજરાતી ગઝલ શ્રી પ્રકાશ મજમુદારે…શૂન્ય પાલનપૂરીની…’હરદમ તને યાદ કરું’..ગઝલ રજુ કરી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધા.શ્રીમતી ઈન્દુબેને ડેનવરમાં બનેલ દુંખદ ઘટના પર લખેલ લેખ રજુ કર્યો..કરુણરસમય બની ગયેલ વાતાવરણને..‘વાદલડી વરસી રે સરોવર છ્ળી વળ્યા’..નું લોકગીત શ્રીમતી રેખાએ ગાઈ વાતવરણને હળવું બનાવ્યુ.
આજની બેઠક્માં ૪૦થી વધારે શ્રોતાજનોએ હાજરી હતી.સૌને સાહિત્ય સાથે લોકગીતની હળવી પ્રસાદી પિરસતા બેઠક આગળ વધી રહી હતા. સૌ શ્રોતાજનોને વિવિધ-સાહિત્ય રસમાં તરબોળ રાખવા એનો ખ્યાલ લક્ષમાં રાખી સભાસંચાલક શ્રી વિશ્વદીપ બારડ આગળ વધી રહ્યા હતાં. સાહિત્ય સરિતાના પીઢ કવિશ્રી ધીરૂભાઈએ..હાસ્ય પ્રાંતકાળના સૂર્ય સમાન…જ્યાં સુધી હું તમને જાણીશ નહી..સાથો સાથ સમી સાંજ..એટલે વસંત પછીની પાનખર..ત્રણ કવિતા એમની સીધી-સરળ શૈલીમાં રજૂ કરી. સમીસાંજમાં વિહરતા..ઝુલતા હિંચકાની કોર એ દંપતી સમીસાંજે…જિંદગાનીની સફરનો ઉતારતા થાક સમી સાંજે..સુંદર કાવ્ય કવિયત્રી શૈલા મુન્શાએ રજૂ કર્યુ.ફતેહ અલી ચતૂર…પંખીઓએ કલશોર કર્યા..ગીત ગાઈ શ્રોતાજનોને આનંદ વિભોર કર્યા.
સંવેદનશીલ કવિ શ્રી હેમંત ગજરાવાલાએ..If you Forget Me.. ભાવાનુવાદ કાવ્ય.’તને તો ખબર છે..કે જ્યારે પણ હું પૂર્ણિમાના કલંક વગરના મૂખ સામે જોઉ..કે..’પોતાની આગવી છટાં અને ભાવસાથે રજૂ કર્યું. ‘ફરતા પાછા પંખી સાંજે,રાખે ઘર તું સ્વચ્છ સાંજે.કાવ્ય અને અમદાવાદની મુલાકાત વિષેની માહીતી શ્રી વિજય શાહે વિગતમા વાત્ કરેલ.’શબ્દના પાલવડે’ ગુથતી કવિયત્રી શ્રીમતી દેવિકા ધ્રુવે..’કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે, જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!’છંદબદ્ધ કાવ્ય સંભાળાવી શ્રોતાજનોને મુગ્ધ કરી દીધેલ.
‘ઓ દેસસે આનેવાલે..'(અડધી સદીની વાચનયાત્રા)નું ભાવ વિભોર કાવ્ય શ્રી નુરદ્દીન દરેડિયાએ કાવ્ય વાંચી સૌ શ્રોત્તાજનોને ભાવ વિભોર કરી દીધા. ભારતીબેન મજમુદારે હંસલા હાલો રે હવે.મોતિડા નહી રે મળે.લોક્ગીત લલકાર્યું,અશોક પટેલે..પ્રણામ પ્રભુ..હસમુખરાયે…કયારે શોધું જઈ રંગ ફુવારો..ગીત અને રમઝાન વિરાણીએ ..બે મુરાફત મહેમાન..કાવ્યો રજૂ કરી શ્રોતાજનોને રસ તરબોળ કરી દીધા..
આખરમાં સભા સંચાલક શ્રી વિશ્વદીપ બારડે સમીસાંજ પર..‘નારી જળભરી જતી ઘરભણી…સીમાથી સરકતા સાપ લાવી’ કાવ્ય રજૂ કર્યા બાદ સભાનો બીજો દોર હતો જેમાં હ્યુસ્ટન નાસા કેન્દ્રના પ્રખર વૈજ્ઞાનિક ડૉ.કમલેશભાઈ લુલ્લાની સિદ્ધીઓનું સન્માન સમારંભનો હતો.શ્રી વિશ્વદીપ બારડે તેમનો ટૂંકો પરિચય આપતા કહ્યું:ડૉ. કમલેશભાઈ એક પ્રખર વૈજ્ઞાનિક ઉપરાંત આપણી માતૃભાષા ગુજરાતી ભાષાના ચાહક કવિ અને એક સારા લેખક પણ છે. ગુજરાતી માતૃભાષાના ધાવણ ઉજજવળ કરેલ છે એ આપણાં ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.એમની સિદ્ધીઓ વિશે વાત કરતા કહ્યું: ડૉ. કમલેશભાઈ હ્યુસ્ટન નાસા કેન્દ્રમાં ૨૫ વર્ષથી સંશોધન વિભાગના ડિરેકટર તેમજ વૈજ્ઞાનિક વડા તરિકે ફરજ બજાવતા નાસાના એસ્ટ્રોનટને ટ્રેઈનીંગ,પૃથ્વિ-નિરિક્ષણ વિજ્ઞાન સાથે ઘણાં ક્ષેત્રોમાં ટ્રેઈનીગ આપે છે. ૨૦૦થી વધુ રિસર્ચ પબ્લીકેશનના લેખક ઉપરાંત આંઠ પોતાની પબ્લીકેશન,આંતર-રાષ્ટ્રીય જર્નલના ૮૫ દેશોના તંત્રી ડૉ. કમલેશભાઈએ ડબલ પી.એચ.ડીની ડીગ્રી સિદ્ધ કરેલ છે.
૨૦૦૫માં નાસાનો ઉચ્ચાતર એવૉર્ડ(ભારતના “પદ્મ-વિભુષણ્” સંમાતાર) મળેલ છે,સાથો સાથ તેમણે નાસા તરફથી ઘણાંજ એવૉર્ડ પ્રાપ્ત કરેલ છે જે આપણા સમગ્ર ભારત અને ગુજરાતનું ગૌરવ છે.ત્યારબાદ નાસામાંથી નિવૃત થયેલ શ્રી સતિષભાઈ પરીખે તેમની અન્ય સિદ્ધીઓના વર્ણન સાથે ગુજરાતના મંત્રીશ્રી નરેન્દ્ર મોદી તરફથી મળેલ સન્માન પત્રનો ઉલ્લેખ સાથે આશા રાખેલ કે ભારત સરકાર એમની સિદ્ધીઓનું સન્માન કરે.
શ્રી વિશ્વદીપ,શ્રીમતી રેખા,મધુબેન અને શ્રી ધીરૂભાઈ સૌ સાથે મળીને ફૂલ-ગુચ્છા અને અભિનંદન કાર્ડ સાથે ડૉ. કમલેશભાઈનું હર્ષભેર સન્માન કરેલ.ડૉ.કમલેશભાઈએ પોતાના રમુજી સ્વભાવે ગુજરાતીમાં ત્રણ ચાર સ્વરચિત શાયરીઓ રજૂ કરી સૌને હાસ્યરસમાં લાવી આનંદ-વિભોર કરી દીધેલ.
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન શહેરમાં વસતા ગુજરાતીઓનું હાર્દ બની ગઈ છે.સાહિત્ય સરિતામાં ઘણાં નવા કવિ-લેખકોનો જન્મ થયેલ છે.દસ વર્ષ ઉપરની સિદ્ધીઓમાં ઘણાં નવા-નવા સોપાનો સર કરેલ છે એનો ખ્યાલ આપતાં શ્રી વિશ્વદીપે બેઠકની પૂર્ણાહુતી સાથે મધુબેને સૌનો આભાર માની અને સુંદર-સ્વાદિષ્ઠ અલ્પાહાર-ચા સાથે પિરસ્યા.
અહેવાલઃ વિશ્વદીપ બારડ
કન્યાદાન !
‘મૉમ,I do not care what you are saying. I born here and grown up with modern world. You are living with old indian traditional world.(મૉમ, તું શું કહે છે એની મને પડી નથી. હું અહી જન્મી છું અને અહીંની આધુનિક દુનિયામાં મોટી થઈ છું) તું ભારતના જુના રીતે-રિવાજોમાં જીવી રહી છો).’
વચ્ચેજ મીતા બોલીઃ’ પિન્કી,ભલે અમો જુના રિવાજોમાં જીવીએ છીએ પણ સુખી છીએ.તને ખબર છે કે હું તારા ડેડી ૨૫ વર્ષથી સુખી લગ્ન જીવન જીવી રહ્યાં છીએ..કેટલાં સુખી છીએ?’ ‘ મમ્મી તું ખોટી ડંફાસ ના માર.જ્યારે જયારે તારા અને ડેડી વચ્ચે કોઈ પણ માથા-કુટ થાય છે ત્યારે તારેજ નમવું પડે છે.તારી કોઈ વાત ડેડીએ કદી માની છે?તું વાત કરે ત્યારે ડેડી હંમેશા તને કહે તને કશી ભાનજ નથી પડતી.’
‘બેટી,અમારા મા-બાપે હંમેશા અમને શીખવાડ્યું છે કે ઘર સંસાર સારો રાખવો હોય તો પતિનું હંમેશા માનવું અને તેમને માન આપી સેવા કરવી.’ ‘ હા મમ્મી, પતિ દેવો ભવ! પતિ તમારો દેવ! તમે એમની દાસી.’ ‘ પિન્કી, તું શું કહેવા માંગે છે? તું આવો બકવાસ ના કર.’ ‘તને સાચું કહું છુ એટલે બકવાસ લાગે છે.પણ હું એવી વ્યક્તિની પંસદગી કરીશ કે એક મિત્રની જેમ મારી સાથે રહે અને મારું કહ્યું કરે.હું તારી જેમ પતિની પુજા નથી કરવાની. તને એ પણ કહી દઉ કે લગ્ન પછી મારી અટક(સર-નેઈમ) બદલવાની નથી અને અમો બન્ને લગ્ન બાદ હું મારું ચેકીંગ અને સેવીંગ એકાઉન્ટ મારા નામનું જ રાખવાની.’ ‘ બેટી,તું સાવ બદલાઈ ગઈ છો..આવું અમેરિકન-સોસાયટીમાં ચાલે આપણાં સમાજમાં ના ચાલે.તું ખોટી રીતે બદનામ થઈ જઈશ.’ ‘મમ્મી,મને લોકોની નથી પડી.’ ‘હા તને ના પડી હોય પણ અમારી ઈજ્જત-આબરૂં ધુળમાં ભળી જાય. લોકો કહેશે કે જોયું દીકરીને કશા સારા સંસ્કાર નથી આપ્યા.અમારી એકને એક દીકરી અને તું આપણું ચાર-બેડરૂમનું ઘર છે છતાં એક્લી એપાર્ટમેન્ટમાં રહે છે.લોકો ખોટી વાતો કરે છે કે એકલી રહે એટલે એ ધાર્યું કરી શકે,બોયફ્રેન્ડને અને અન્ય મિત્રોને બોલાવી ડ્રીન્કસ પાર્ટી કરે,વીકેન્ડમાં બે-ત્રણ વાર નાઈટ્સ કલબ્સમાં જાય અને ત્યાં ડ્ર્ગ્ઝ પણ લે આવી આવી વાતો લોકો કરતાં હોય છે.’ ‘ભલે ને કરે. ડેડી સાથે ઓફીસમાં જોબ કરતી પેલી પંજાબણ ડોલીની વચ્ચે જે સંબેધો ચાલે છે તેની તને પણ ખબર છે અને ડેડી ખુલ્લેઆમ ઘણી વાર ઘરે પણ લાવે છે,તેની સાથે વીકેન્ડ ગાળે છે તો તે શું કરી લીધું? મને બધીજ ખબર છે.હું નાનપણથી આ બધું જોતી આવું છું.બસ એક સતી સાવિત્રીની જેમ એમની સદા પૂજા કરતી રહી છો.ચુપ ચાપ બધું સહન કરી લે છે.અને મારા વિશે લોકો ખોટી અફવા ઉડાડે છે મને એની નથી પડી પણ..’
‘મમ્મી, તું આવી વાતો સાંભળી કેમ લે છે? You can tell them..mind your own business and shut your mouth(એ લોકોને તું કહી શકે કે તમે તમારું સંભાળો અને ગંધાતું મો બંધ રાખો).’ ‘બેટી તું કહે છે એ સાવ સરળ વાત નથી કેટ કેટલાને મોઢે ગરણા બાંધવા જાઉ?’
મહેશભાઈ જોબના કામે એક અઠવાડીયું બહારગામ ગયાં છે અને પિન્કી એક અઠવાડીયું મમ્મીને કંપની આપવા આવી છે.ડેડીના ઘરેથી જોબ પર જાય છે પણ મા-દીકરી આજે શુક્રવાર હોવાથી મોડી રાત સુધી વાતોએ ચડ્યા છે. પિન્કી અહીં જન્મેલી અને અહીંના વાતાવરણ અને સોસાયટીમાં ઉછરેલી છે,ભારતીય જુના રિત-રિવાજો એને જરા પણ પસંદ નથી. મમ્મી-ડેડી સાથે ૨૧ વર્ષ ગાળ્યા અને એમાં જોયું કે મમ્મીનો કોઈ પણ જાતનો ઘરમાં વોઈસજ નથી. બધું ડેડીનું ચાલે. ડેડી કહે તેજ ઘરમાં થાય.મમ્મી પણ જોબ કરે છે એ પણ પૈસા કમાય છે છતાં પતિ એટલે પરમેશ્વર.કાર લેવી હોય, ઘરમા ટીવી અરે! ઘરમાં નાનામાં નાની વસ્તું લેવી હોય તો ડેડીને જ પુછવાનું અને એ હા પાડે તો જ વસ્તું ઘરમાં આવે નહીતો નહી. બન્ને જોબ કરે છે બન્ને સાંજે પાંચ વાગ્યા પછી આવે છે પણ મહેશ ઘેર આવી કપડા બદલી સીધા સોફા પર ટીવી અને બીયરની બોટલ લઈ બેસી જાય અને મીતા રસોડામાં ત્રણે માટે રસોઈ બનાવે અનેપછી ડીશ સાફ કરવાની.પિન્કીને આવી પરિસ્થિતિમાં રહેવું ગમતું જ નહી એટલેજ જેવી જોબ કરતી થઈ તુરતજ જુદી થઈ ગઈ. તેણીની કોલેજ માટે ડેડીએ ખર્ચનો હિસાબ પણ તેણીએ રાખેલ ને અત્યારે મહિને મહિને ડેડીને ૫૦૦ ડોલર્સનો ચેક મોકલી આપે છે.
‘પિન્કી,તું બધી વાત મને કરે છે તે તું તારા ડૅડીને કરીશને તો તને ધમકાવી નાંખશે.’ ‘મમ્મી, હું હવે નાની બાળકી નથી કે ડેડીનું ગમે તે સાંભળી લઉ.હા એ સાચી સલાહ આપે તો જરૂર માનીશ.તારી જેમ નહી કે ડેડી ગમે તે કહે તે તારે તો માનવું જ પડે.તારો પોતાનો કોઈ મત ચાલેજ નહીં.’
‘મમ્મી, તમો ભારતના પુરુષ-પ્રાધાન્ય દેશમાં રહી સાવ નિર્બળ બની ગયાં છો,ત્યાંના દરેક ધાર્મિક-પુસ્તકોમાં પતિને જ મહત્વ આપવામાં આવ્યું છે.છોકરીઓને નાનપણથી પતિની સેવા કરવાથી સુખ મળે, સ્વર્ગ મળે,મોક્ષ મળે એવું ઘણું ઘણું શિખવાડવામાં આવ્યું છે.દરેક વ્રતમાં પતિનું લાંબું આયુષ્ય માટે પાણી લીધા વગર દિવસો સુધી સાધના કરવાની.પતિ કે છોકરાને કેમ પત્નિના લાબાં આયુષ્ય માટે કોઈ વ્રત કે ઉપવાસ નથી? રામાયણ કે મહા-ભારત જેવા પવિત્ર ગ્રંથમાં પણ સીતા-દ્રોપદીને કોઈ પણ કારણ વગર કપરામાં કપરી પરિક્ષામાંથી પસાર થવું પડ્યું છે.આપણાં મોટાભાગના ગ્રંથો પુરુષોએ જ લખ્યા છે અને એજ પુરુષ લેખકોએ સ્ત્રી માટે બધા કાયદા-કાનુન, રિત-રિવાજો લાદી દીધા છે.પુરુષને કોઈ જાતની સીમા કે બંધંન લાદવામાં આવ્યાજ નથી.તેથી ભારતમાં સ્ત્રી હંમેશા અબળા અને નિર્બળ રહી દાસીની જિંદગી જીવી રહી છે.’
‘પિન્કી, રાત્રીના ૧ વાગ્યો છે.ચાલ આપણે સુઈ જઈએ.હજું તારા ડેડીને આવવાના બે દિવસ બાકી છે બાકીની બધી વાતો પછી કરીશું.’ ‘મમ્મી,ઑકે! પણ મને ખબર છે કે તું તો હવે બદલાવાની નથી પણ હું તો મારી જિંદગી મારી રીતેજ જીવીશ. જેટલો પુરુષને હક્ક છે એટલોજ સમાન હક્ક સ્ત્રીને પણ છે.’ ‘ ઑકે બેટી…ગુડ-નાઈટ!!’
પિન્કીનો બોયફ્રેન્ડ મૅથ્યું અહીં અમેરિકન બ્લેક છે અને પિન્કીની દરેક વાતો તેને મંજુર છે.આજના મોર્ડન વિચારનો છે. પિન્કીથી બે વર્ષ નાનો હતો પણ બન્નેના જીવ મળેલા, મન મળેલા તો પછી ઉંમર તો ખાલી નંબર છે ! પરંતું પિન્કીના ડેડીને એ મંજુર નહોતું.પિન્કી સી.પી.એ છે અને કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટની પોસ્ટ ધરાવે છે અને તેણીનો બોયફ્રેન્ડ મેથ્યુ બી.એ અને મેડીકલ એકાઉન્ટીંગનો અભ્યાસ કરી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ છે પગાર પણ પિન્કી કરતાં ઓછો.
પિન્કીના ડેડી મહેશભાઈ ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈ પિન્કીને કહેતાં: ‘તને કંઇ ભાન પડે છે કે નહી! એકતો ઉંમરમાં તારાથી નાનો, ઓછું ભણેલો, પગાર પણ ઓછો.આવા છોકરાને તે પસંદજ કેવી રીતે કર્યો? અને આપણો સમાજ આવા કાળીયાને કોઈ રીતે પસંદ નહી કરે હું પણ નહી. તારા માટે તો ડોકટર અને એન્જિનિયર છોકરાના માંગા આવે છે. પુરુષ એવો હોવો જોઈએ કે ઘરની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લે અને બૈરી કરતાસારુ કમાતો હોય.નહી કે બાયલા જેવો!અને એ પણ કાળીયો તને મળ્યો બીજા ભારતિય કે ગુજરાતી છોકરા મરી પરવાર્યા છે.કાળીયા કરતાં તો કોઈ ધોળીયાને પસંદ કર્યો હોત તો પણ મને વાંધો નહોતો.મારી તો આપણાં સમાજમાં આબરૂના કાકરા કરી નાંખ્યાં….’ ‘ ડેડી તમો બોલી રહ્યાં હોય તો હું હવે બોલી શકું?’ ‘ પહેલું એકે મારી જિંદગી છે,મારુ જીવન છે અને મારે જે રીતે જીવવું હોય તે પ્રમાણેજ જીવવાનો મને અધિકાર છે.એ મારી પંસદગી છે.કોણે કહ્યું કે પુરુષજ વધારે ભણેલો અને વધારે કમાતો હોવો જોઈએ? સ્ત્રી પુરુષ કરતા વધારે કમાતી હોય, વધારે ભણેલી હોય તો એમાં શું તફાવત પડે? તમે વ્યક્તિનું દીલ નથી જોતાં.બસ ચામડીનો ભેદ જુઓ છો. તમો વારે ઘડીએ “કાળીયો..કાળીયો” શબ્દ વાપરો છે તે મને જરી પણ પસંદ નથી.મેથ્યુ દીલનો સાફ છે, માયાળું છે અને હું તેને વર્ષોથી ઓળખું છું.એજ મારો જીવન સાથી બનશે. તમને ગમે કે ના ગમે હું લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ.
‘પિન્કી , તને કહી દઉં છું કે જો તું મેથ્યું સાથે લગ્ન કરીશ તો આ ઘરમાં તને કોઈ આશરો કે મદદ નહી મળે, અમો તારા લગ્નમા પણ નહી આવીએ.અને લગ્નબાદ અમે તારું કાળું મો પણ જોવા નથી માંગતા…’ ‘ડેડી, Stop it now. I can not stay in this house even for one minute.I do not care if you do not come to my wedding, that is OK with me..I do not need your blessing. ( ડેડી, હવે ચુપ થઈ જાઉ,હવે હું આ ઘરમાં એક પળ પણ રહેવા માંગતી નથી. તમે મારા લગ્નમાં ના આવો એની મને પડી નથી.મારે તમારા આશિષની જરુર નથી). હું જાઉં છું , કદી પણ આ ઘરમાં પગ નહી મુકું.’
મીતા દોડતી આવીઃ..રડતી રડતી બોલી.. ‘પિન્કી…બેટી ,ના જા. મારા સમ..તારા ડેડીનો સ્વભાવજ એવો છે.’ પિન્કી, મમ્મી આવે પહેલાંજ ઘરમાંથી દોડી પોતાની કારમાં જતી રહી. મીતા રડતી રડતી મહેશને કહ્યું. ‘તમે પણ છોકરા સાથે છોકરા થઈ ગયાં છો..એ અપસ્ટે થઈને ગઈ છે અને મને ચિંતા થાય છે કે ડ્રીઇવીંગમાં ધ્યાન નહી રહે અને કઈક એકસીડેન્ટ કરી બેસશે તો આપણે..મને બહુંજ ચિંતા થાય છે’ .’એ શું બોલી ગઈ તેનું તને ભાન છે ? મને કશી પડી નથી , આવા સંતાન કરતાં ના…હોય..’ ‘ના ના આવું અશુભ ના બોલો..આપણું એકનું એક સંતાન છે..થોડી સમજાવટથી કામ લેવું જોઈએ.’ ‘.મને કોઈ લેકચર આપવાની જરૂર નથી. હું ગુસ્સે થાવ તે પહેલાં તું અહીંથી જતી રહે નહી તો સારા વાન નહી થાય.’ મીતા મહેશને સ્વભાવ જાણતી હતી.પોતાના રૂમમાં જઈ પિન્કીને સેલ પર ફોન કર્યો પણ તેણીએ ફોન ઉપાડયો નહીં. મીતાની ચિંતા વધવા લાગી. ‘હે! ભગવાન, બધા સારાવાના કરજે!’
મીતા વિચારોમાં ચડી ગઈ. ‘મારી દીકરી કંઈક કરી બેસશે તો હું કઈની નહીં રહું. મુકેશ પણ જિદ્દી અને જુના વિચારોનો છે..અમેરિકામાં ૩૦ વર્ષથી છે પણ જરીયે સુધર્યો નથી.બીજા કોઈ એની સાથે ટકી ના શકે, હુંજ બધું સહન કરી એની સાથે રહી શકું.
અચાનક મીતાની જોબ પર પિન્કીનો ફોન આવ્યો, મીતા ખુશ ખુશ થઈ ગઈ’ ‘બેટી, Are you OK? I apologize behalf of your dad! he should not behave or talk to you like that! I am sorry..(બેટી,તું બરાબર છે ને? તે દિવસે તારા ડેડીનું વર્તણુક અને જે વાત કરી તેના માટે હું માફી માગું છું.મને માફ કર બેટી).’ ‘.મમ્મી, એમાં તારો કશો દોષ નથી તું શા માટે ડેડી વતી માફી માંગે છે..મમ્મી,તું નિખાલશ છે તે તેથી તારી સાથે હું મારા જીવનની બધીજ વાત કરી શકું છુ. તું મારી મમ્મી જ નહી પણ બેનપણી પણ છો.’
‘મમ્મી, મે બે મહિના પછી જુનની ૨૦મી તારીખે મેથ્યું સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.અમો હિન્દું વિધિથી લગ્ન કરવાના છીએ અને મેથ્યુ પંણએમાં સહમત છે તેના માટે મેરેજનું આઉટ-ફીટ હું અહીંથી ખરીદવાનું છું .’ ‘બેટી, મારી એક વાત કહું? તારા લગ્નનું આઉટ-ફીટ હું લઈશ.’ ‘મૉમ! ડેડીતો મારા લગ્નમાં આવવાજ નથી એ મને ખબર છે પણ તને આવવા દેશે ?’ ‘ બેટી,એની તું અત્યારે ચિંતા ના કર, બધું સારાવાના થઈ જશે. મારા પોતાના સેવીંગમાંથી હું તારા લગ્નનો ડ્રેશ લઈશ.બેટી , તારે કોઈ પણ કામ-કાજ હોય તો મને જોબ પર ફોન કરજે..’ ‘ઑકે..મૉમ..જરૂર.
મીતા અને તેની અન્ય બેનપણી અને પિન્કીની બધી સહેલીઓની મદદથી મેરિયાટ હોટેલમાં સવારે હિન્દુ વિધી થી લગ્ન અને સાંજે ૭ વાગે રિસેપ્સન નક્કી થયું.
‘મિતા ,મેં તને ના પાડી છે કે તારે પણ પિન્કીના લગ્નમાં જવાનું નથી.’ ‘મહેશ, હું મા છું..મે નવ- મહિના મારા કુખમાં પાળી-પોશી અને જન્મ આપ્યો છે..જન્મદાતા મા ની લાગણી તમે પુરુષ કદી પણ સમજી નહીં શકો.’ ‘મારે તારું કશું સમજવું નથી, જો તું એના લગ્નમાં જઈશ તો તારા માટે આ ઘરના દ્વાર હમેશને માટે બંધ થઈ જશે.’ ‘ તમો ગમે તે કરો હું તો આજે મારી દીકરીના લગ્નમાં જવાની એટલે જવાની.’ મહેશ ગુસ્સે થઈ તાડુક્યોઃ ‘ખબરદાર, જો ઘરમાંથી આજે બહાર પગ મુક્યો છે તો.’ ‘..તો તમે શુ કરી લેશો ? તમે તો તમારી ફરજ ચુકી ગયા, પિતાનું વાત્સલ્ય ક્યાં ગયું? દીકરીને કન્યાદાન આપનાર બાપ આજ દીકરીનો દુશ્મન બની ગયો છે.અરે! જે કન્યાદાન કરે છે એના માટે તો કહેવાય છે કે એનું જે પુણ્ય મળે છે તેને તો સ્વર્ગની સીડી મળી જાય છે.તમારા હાથમાં આવો સુંદર અવસર આવ્યો છે.અને તેને તું ઠુકરાવી દે છે. કહેવાય છે કે બાપને દીકરીજ , લગ્ન-વખતની વિદાય ચોધાર-આસુંએ રડાવી જાય છે. તેણીની વિદાય બાપને આંસુના સાગરમાં ડુબાડી દે છે.અને તમો…’ ‘મીતા, તારું ભાષણ બંધ કર,અને છાની-માની ઘરમાં ચુપ-ચાપ બેસીરે.’ ‘ આજ મહેશ મને કોઈ રોકી શકે તેમ નથી….’ ‘તો સાંભળીલે..જો તું ગઈ છે તો ફરી આ ઘરમાં આવવાનો હક્ક ગુમાવી દઈશ..તારા માટે મારા ઘરના દરવાજા હંમેશને માટે બંધ..પિન્કીની જેમ…’
મીતાએ, કાર ગરાજની બહાર કાઢી. કઈ પણ સાંભળ્યું નથી તેમ હસતી હસતી બોલીઃ ‘આજ દુનિયાની કોઈ તાકાત મા ની મમતાને રોકી નહી શકે.દુનિયા ઉથલ-પાથલ થઈ જાય,મારું જે થવાનું હોય તે થાય ,હું મારા નિર્ણયમાં મક્કમ છું મા-દીકરીના પ્રેમના માર્ગમાં કઈપણ અડચણ કે તોફાન આવશે તેની સામે લડી લેવાની મારામાં તાકાત છે..’
મીતાના ઉંચા અવાજમાં આવી વાતો સાંભળતાજ ,એક્દમ ગુસ્સે થઈ મહેશ, હાથમાં બેઈઝ-બોલ બેટ રહી પાછળ દોડ્યો પણ ત્યાં સુધીમાં તો મીતાની કાર ઘરથી ઘણી દૂર નિકળી ગઈ હતી, દીકરીને કન્યાદાન કરવા,આશિષ આપવા..અખંડ સૌભાગ્યવતી કહેવા..પાછળ આવતા ભયાનક વંટોળની પરવા કર્યા વગર…
જીવન સંગીની રેખાને…૪૦ વર્ષના લગ્નની વધાઈ .
સાવ અજાણ્યા,
રસ્તા જાણ્યા,
મંઝીલ પણ હતી અજાણી!
ના કોઈ ભોમિયો,
તું અજાણી,
હું અજાણ્યો.
હાથમાં હાથી જાલી,
એક બીજાને સહારે,
ચાલતા રહ્યા અવિરત.
ખાધી ઠોકરો,
પડ્યા,
ઉઠાવી એક બીજાને ઘા રુંઝાવતા,
હસતી સકલ
રડ્યું ઉભય હ્ર્દય કદી!
ના ડર્યા ,ના તો હઠ્યા,
માર્ગમાં બિહામણા ચહેરા!
રાત-દિન સતત ઉજાગરા,
થાક્યા કદી,
હિંમત ના હારી.
મંઝીલ મળી,
મળ્યા મહેંકતા ફૂલ,
ખુશી ખિલી ગઈ,
સંતાન સુખ સહ,
પૌત્ર-પૌત્રી ચમકતા તારલા,
સોળકલા સહ ખિલી સંધ્યા!
ચાલીસ વર્ષ
વિતી ગયા સખી, ભાસે ક્ષણમાં !
સુખનો સૂરજ,
ચરણ ચુમતી ચાંદની!
કુંટુંબ કેકારવ..
સખી ! એક તારોજ સાથ…
આજ આ હ્ર્દય…
મલકાય-હરખાય
કહેતા આસું હર્ષના ઉભરાઈ..
નાવ તું,
લક્ષ લઈ પાર હંકારી,
સકળ જીવનની આધાર તું સખી!
યોગેશ આવી ગયો ! !
સ્વેતા અને સ્મિતા તમારા બન્નેનો ફેબ્રુઆરીમાં જોડકાનો જન્મ સેન્ટ-લ્યુક હોસ્પિટલમાં થયો, ત્યારે શિકાગોમાં ૧૨” જેટલો અન-યુઝવલ સ્નો પડેલ,આખા શહેરનો વ્યવહાર ખોટવાઈ ગયો. તમારા જન્મબાદ યોગેશ મીનાક્ષીને ભાવતી ઈડલી-સંભાર લેવા તેણીનું ફેવરીટ ઈન્ડીયન રેસ્ટૉરન્ટ’મીલન”માં જવા નિકળ્યો. રેસ્ટોરન્ટ હોસ્પિટલથી ૨૦ માઈલ દૂર હતું. હોસ્પિટલથી યોગેશ નિકળ્યો ત્યારે બહું લાઈટ સ્નો પડી રહ્યો હતો.ધીરે ધીરે વધવા લાગ્યો. ૧૦ મિનિટમાં તો એટલો હેવી-સ્નો પડવા લાગ્યો કે ટ્રાફ્રીક ધીરો પડી ગયો. તેમજ આગળ ત્રણ કાર અઠડાતા એક માઈલ સુધી ટ્રાફીક જામ થઈ ગયો.એક ફુટ આગળ કશું દેખાતું નહોતું.એક માઈલ કાપતા એક કલાક ઉપર થઈ ગયો.હજું ૧૫ માઈલ કાપવાના હતાં .સ્નોની ગતી વધી.એક ફૂટથી આગળ રસ્તા પર કશું દેખાતું નહોતું. યોગેશને રસ્તા વચ્ચેજ કારને સાઈડ રૉડ પર પુલ કરવી પડી.
બેટી, યોગેશે મને ફોન કર્યો.. ‘મમ્મી હું ટ્રાફીકમાં અટવાઈ ગયો છે અને રસ્તાઓ હેવીસ્નોને અને એક્સીડેન્ટને લીધે બંધ કરવામાં આવેલ છે તો તું ચિંતા ના કરતી.જેવા રસ્તા ખુલશે કે તુરતજ મીનાક્ષી માટે ઈડલી-સંભાર લઈ આવીશ.અને આજની રાત હું હોસ્પિટલમાં મીનાક્ષી સાથેજ રહીશ, તું કશી ચિંતા ના કરીશ..ઑકે..બેટા…Just be very careful..OK…Mom…bye…I love you…( બેટા, બહુંજ સાવચેત રહેજે..ઓકે..મમ્મી…આવજે બેટા…ભગવાન સારાવાના કરે).. તે તેનો છેલ્લો ફોન હતો…I wish, I could have recorded this conversations.( મે આ વાત રેકોર્ડ કરી હોત…) દાદીમાની આંખમાં ઝળહળીયા આવી ગયાં.પણ દાદીમા ઘણાંજ સ્ટ્રોગ હતા..
બેટી,તારા મમ્મી અને ડેડી હાઈસ્કુલથી સાથે હતાં બન્ને ભણવામાં હોશિંયાર હતાં, મને અને તારા દાદાને ખબર હતી કે બન્ને એકબીજાની નિકટ છે..બન્ને લોયેલા યુનિવર્સિટિમાં સાથેજ એડમિશન લીધું.તારી મમ્મી અવાર-નવાર તેણીના પેરેન્ટ્સ સાથે ઘેર આવતી અમારે એ જોશી ફેમિલી સાથે પણ નિકટના સંબંધ હતાં, તેણીના પેરન્ટ્સને પણ મીનાક્ષી અને યોગેશના સંબંધ વિશે ખ્યાલ હતો અને તેઓ પણ આ સંબંધમાં ખુશ હતાં.બન્ને કમ્પુટરમાં ડીગ્રી પ્રાપ્ત કરી બન્નેને સારી જોબ મળી ગયાંબાદ બે વર્ષમાં ધામ-ધૂમથી મેરેજ કર્યા..અમો અને તેણીના પેરેન્ટ્સ સૌ ખુશ હતાં..
દુઃખ એ વાતનું હતું કે લગ્નના ૧૦ વર્ષબાદ કોઈ બાળક ના થયું..બન્ને થોડા નિરાશ થઈ ગયાં.છેલ્લે એવા નિર્ણય પર આવ્યા કે ભારત જઈ બાળકને દત્તક લેવું.ડોકટરની એગ્સ ફર્ટિલાઈઝરની ટ્રીટમેન્ટ ચાલુ હતી..નસીબ ફળ્યા… Your mom got pregnant and it was a great news in our life.We all celebrated this great news.After 3 months, they found out that she is pregnant with twins..( તારી મમ્મીને સારા દિવસો જવા લાગ્યા આ સમાચાર અમારી જિંદગીના સર્વશ્રેષ્ઠ સમાચાર હતાં.આ સારા સમાચારને અમો એ વધાવી લીધા..ત્રણ મહીના પછી સમાચાર મળ્યા કે તારા મમ્મીને જોડકા બાળકો છે. મહેંકતા બાગમાં કોયલનું કુંજન! ઈશ્વરે દયા કરી એકી સાથે બે બાળકોને બક્ષ્યા એથી વિશેષ આનંદ ક્યો હોઇ શકે?.તારા મમ્મી-ડેડી બન્ને નો પ્રેમ ફળ્યો અને એનું અમૃત ફળ તેમને મળી ગયું!
બેટી,અતિહર્ષ ને અતિઆનંદની પળો લુંટાતી હોય ત્યારે કયારે તુફાની કાળા વાદળા ઘેરી લે તેની કોઈને પણ ખબર નથી હોતી! તારા ડેડી એ સાંજે હોસ્પિટલ ના પહોંચ્યા. મીનાક્ષીનો મારા પર વારંવાર ફોન આવ્યા કરે કે યોગેશ હજું નથી આવ્યો.મને અને તારા દાદાને બન્નેને ચિંતા થવા લાગી.,,દિવસ થયો…બે દિવસ થઈ ગયાં કોઈ પત્તો નહીં. પોલીસને જાણ કરી, તેઓએ તપાસ આદરી.દિવસો જવા લાગ્યા,ચિંત્તા વધવા લાગી.ઘણા મિત્રો, વૉલીન્ટીયર્સ આજુ-બાજું વિસ્તારમાં પગપાળા માઈલ સુધી યોગેશ અને તેની કારની તપાસ આદરી કોઈ સમાચાર ના મળ્યા.
તારી મમ્મીને અમો હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા..એ તો બાવરી -બાવરી બની ગઈ હતી બસ એકજ રટણ મારો યોગેશ ક્યાં છે? પોલીસને દરરોજ ફોન કરે. ‘Did you find my husband yet?’ (મારો પતિનો પત્તો લાગ્યો?). મેં મિનાક્ષીને જોબ શરૂ કરવા કહ્યું અને કીધું કે અમો બન્ને બાળકીની સંભાળ રાખીશું..જોબ શરૂ કરી પણ એમનું ધ્યાન જોબ પર લાગતું જ નહોતું તેને કારણે જોબ છુટી ગઈ.ઘરે પણ એકજ રટણ..યોગેશ આવ્યો? જો મમ્મી..ડોર બેલ વાગ્યો..બારણું જલ્દી ખોલો..યોગેશ જ હશે. Doctor examined her and said:She is completely mentally disturb( ડોકટરે તેણીને તપાસી ને કહ્યું.. એ ગાડી થઈ ગઈ છે).દવાઓ આપી કોઈ અસર થઈ નહી.તમારા બન્ને બહેનોની જન્મની ખુશાલીમાં આ ભયાનક દુઃખના રાહુ-કેતુ આવી ગયાં!પોલીસે તારા ડેડીની વર્ષ બાદ તપાસ બંધ કરી અને લાપત્તા વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આવા કપરા આઘાતમાં તારા દાદાનું વર્ષબાદ અવસાન થયું. કુટુંબની સઘળી જવાબદારી મારા પર આવી ગઈ.નસીબે જોગે પેન્શન ઉપરાંત આમારું સારુ એવુ સેવિંગ અને તારા દાદાનો બે લાખ ડોલર્સનો ઈન્સ્યુરન્સને લીધે મને આ જવાબદારીમા આર્થિક રીતે મુશ્કેલી ના નડી. ‘દાદીમા, તમને ધન્ય છે.સઘળી કુટુંબની જવાબદારી સાથે અમો બન્ને બહેનોને કોલેજમાં ભણાવ્યા અમો બન્ને બહેનોને આ સારી જોબ મળી છે તેનો સઘળો યશ તમને જાય છે.’
દાદીમાંની ઉંમર ૮૫ની થવા આવી પણ હજું દરરોજ બે માઈલ્સ વૉક-યોગા કરે છે.તેમની તંદુરસ્તી ઘણીજ સારી છે.મમ્મીની સાઠની થઈ પણ તેની તબિયત અને માનસિક બિમારીને લીધે સુકાયેલ વૃક્ષ જેવી થઈ ગઈ હતી!૨૦ વર્ષ વિતી ગયાં ડેડીના કોઈ સમાચાર નથી..માત્ર પોલીસ અને લોકોનું અનુમાનઃ ‘કાર હાઈજેક કરી તેનું મર્ડર કરવામાં આવ્યું હોય!’ એ અનુમાન અમને દુઃખી કરી દે છે પણ અમારી આશા હજું જીવિત છે.
દાદીએ બુમ પાડી..’ સ્વેતા-સ્મિતા જલ્દી દોડો.અમો બન્ને બહેનો મોર્નિંગ-બ્રેક ફાસ્ટ કરતાં હતા.. દોડ્યા,,તો મમ્મી બેભાન અવસ્થામાં લીવીંગરૂમમાં પડી હતી મેં ૯૧૧ને ફોન કર્યો..ઓપરેટરે સી.પી.આર આપવાનું કહ્યું , મે તેની સુચના મુજબ સી.પી.આર આપવાનું શરુ કર્યું…થોડી ભાનમાં આવી…બોલી…તારા ડેડી આવ્યા?..જો..જો..ડૉરબેલ વાગે છે દોડ..તારા ડેડી આવ્યા છે..હું કહી કહ્યુ તે પહેલાં પાછી.. બે-ભાન અવસ્થામાં જતી રહી. ૧૦ મિનિટમાં એમબ્યુલન્સ આવી. પેરામેડીકે ઈલેકટ્રીક શૉક આપવાનું શરૂ કર્યું..હાર્ટ ફરી ધબકતું થયું. paramedics said..’we can hear the hearts bits…'( પેરામેડીકે કહ્યુ.તેણીના હ્ર્દયના ધબકારા સંભળાય છે…એક ક્ષણભર..એ પાછી આવી..બોલીઃ “યોગે..શ આ..વી ગયો.બીજીજ ક્ષણે ધબકાર બંધ થઈ ગયાં પણ લીવીંગરૂમ ફરી ફરી પડધા સંભળાવા લાગ્યા..’યોગેશ…આવી…ગયો..!’
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો..
મા..Happy Mother’s Day..
મા શબ્દ બોલતા હૈયું હરખાય ,
આંખમાં આંસુની ધાર,
સરોવર છલકાઈ,
મા કહેતા અંધકાર દૂર થઈ જાય.
આસ પાસ આકાશમાં,
ફૂલ-પાંદ પર પથરાય ઝાંકળ ,
એક એક ઝાકળ બિંદુમાં,
તસ્વિર તારી દેખાય.,
યાદ તારી સકળ બ્રહ્માંડમાં ફેલાય.
મા,તું શક્તિ ,મા તું ભકતિ,
તુજ મમતાનો સાગર,
સૂરજ-ચાંદ સમી,
તારી પ્રેમ-ચક્ષુ,
અવિરત નિહાળતી મા તું.
ઈશ્વર નમે,
સકળ વિશ્વ નમે,
મામ તું સૌને ગમે!
નમું પામું તારા આશિષ આજ,
સદા પ્રેમાળ હાથ મુજ પર રહે મા..
એક સંત પિતા.
“અમેરિકન ફ્રીડમ રિટાયર્ડ કોમ્યુનિટિ”માં સોમાકાકાની ૮૫મી જન્મગાંઠની ઉજવણી ધુમધામથી ઉજવાઈ. અમેરિકન ફ્રીડમમાં અન્કલ સેમ”થી ઓળખાતા સોમાકાકા સમગ્ર કોમ્યુનિટિમાં સૌના પ્રિય! કોઈની સાથે સ્પેનીશમાં તો કોઈની સાથે ઈગ્લીશ તો ભારતિય સાથે હિન્દી અને ગુજરાતીમાં મીઠાસભરી વાતો કરી સૌના દિલ હરી લેતા. ૮૫ વર્ષના સોમાકાકાનું નિખાલસ દિલ અને મળતાવડો સ્વભાવ સૌના મન હરી લે. સૌને એમજ લાગે કે ‘Uncle Sam is my very close and dear friend.(સોમાકાકા મારા એકદમ નજીકના પ્રિય મિત્ર છે)’સૌના દિલમાં ધબકતા સોમાકાકા સ્વજનથી અધિક ગમે એવો એનો ચંદ્ર જેવો શિતળ સ્વભાવ.
બે દિકરા અને બન્ને ડૉકટર્સ. બન્ને એકજ ગામમાં રહે છતાં સોમાકાકાની ૭૫વર્ષ બાદ તેમની પત્નિના દેહાંત પછી પણ તેમણે એકલા રહેવાનું પસંદ કર્યુ ત્યારે ઘણાં મિત્રોએ તેમને પૂછ્યુ.’ તમો તમારા સંતાન સાથે કેમ નથી રહેતાં? ત્યારે તેમણે બહું શાંત ચિત્તે કહ્યું.
‘મારા પ્રત્યે મારા દીકરાઓનો પ્રેમ અદભુત અને અનહદ છે. મારા કહેલા બોલ તેઓ ઝીલી લે છે. બાપ અને દીકરા વચ્ચે એકધારી વહેતી પ્રેમધારા મારે એમની એમજ રાખવી છે. બન્ને છોકરાઓને કૌટુબિક જવાબદારી ઉપરાંત તેઓ એમના કામમાં વ્યસ્ત રહે છે.તેમના મોજ-શોખ, રહેણી કરણી મારી રહેણી કરણી કરતા જુદી છે અને એ સ્વભાવિક છે.મારી ઉંમર પ્રમાણે મારા શોખ,મારા વિચારો, ટેવો જુદી હોય. માનો કે હું એમની સાથે રહુ અને તેઓ મને ખુશ રાખવા પુરેપુરા પ્રયત્નો કરે પણ જેમ સમય જાય તેમ એ પ્રયત્નોમાં ધીરે ધીરે ઓટ આવતી જાય, તેનો ખ્યાલ તેમને ના આવે પણ હું એ તુરત જોઈ શકું અને મનને વાળવા છતાં આ માંકડિયું મન વળે નહી અને દીકરા અને મારા વચ્ચે અંતર વધતું જાય.એ અતંરને ટાળવા મેં મારી રીતે જીવન જીવવાનું પસંદ કર્યુ છે.અમેરિકામાં ૫૦ વર્ષ રહ્યા બાદ અહીંની સંસ્કૃતી,રહેણી કરણી સૌથી વાકેફ છું.અમેરિકા વિશ્વના અલગ-અલગ દેશમાંથી આવેલ માનવીથી બનેલો દેશ છે છતાં સૌ હળીમળી રહે છે. તો હું પણ આ કૉમ્યુનિટીમાં મારી ઉંમરના જુદા જુદા દેશમાંથી આવેલા માનવી સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી જઈશ એની મને ખાત્રી છે, અને મારું જીવન હું મારી રીતે જીવી શકીશ.તેમજ મારા દિકરા સાથે જે પ્રેમની ગંગા વહે છે તેનો પ્રવાહ એમનો એમ જ રહેશે.’
સોમાકાકા પોતે વ્યસાયે એન્જીનિયર અને જ્યારે નિવૃત થયાં ત્યારે એ ‘માઈકલ એન્ડ પિટરશન કંપની’માં વાઈસ પ્રેસિડેન્ટ હતાં.દીકરાઓને સૌને સારું એવું એજ્યુકેશન આપ્યું છતાં નિવૃતીના સમયે એમની આવક ઘણીજ સારી છે. આર્થિક રીતે સુખી છે.દીકરાઓ પાસે કદી હાથ લાંબો કરવાનો સમય નથી આવ્યો.તેમજ તેઓ નિરાપેક્ષીત જીવન જીવે છે.તેઓ પોતાના મિત્રોને હંમેશા કહેઃ
‘કોઈની પણ પાસે આશા રાખીએ તો નિરાશ થવાનો સમય આવે પણ આશા રાખીએ જ નહી તો જિંદગી બહુંજ આનંદ-ઉલ્લાસથી જીવી શકાય છે.
પિતાની ૮૫મી વર્ષગાંઠ ઘરે ઉજવવા આગ્રહ રાખનારા એમના દીકરાને પણ કહ્યુ.
‘દીકરા, તમારી સાથે ૬૦ વર્ષ સુધી સુખી જિંદગી ગાળી, મજા કરી કૌટુબિક,સામાજીક જીવન જીવી ઘણી સુખ-દુંખની મજા માણી હવે આ વનવાસી જીવન જીવી મારી ઉંમરના આંગણે આવી વસતા મિત્રો સાથે મજા કરવી છે એજ મારા મિત્રો અને હવે તો એજ મારું કુટુંબ છે.ખોટું ના લગાડશો, તમારા કુટુંબ પ્રત્યે મારો પ્રેમ કદી પણ ઓછો થવાનો નથી. અહીં સૌ મારી જેમ વૃક્ષ પરના પીળા પાન સમાન છે, કોણ ક્યારે ટપકી પડે કોઈને પણ ખબર નથી..આવા સમયે અમો સૌ એક બીજાની સાથ રહી શેષ જિંદગીની મજા સાથે માણતા,માણતા, હવાની લ્હેરે ખરતા રહીએ સાથ સાથ. એ મજા મને માણવા દો. વર્ષગાંઠે એકજ ગાંઠબાંધી છે સૌ મારી ઉંમરના સાથ સાથ, હાથમાં હાથ પકડીએ આખરી અંત લગી ચાલી સંધ્યાની આરતી સાથે ઉતારીએ.’
એમના પુત્ર રમેશ અને ઉમેશ પર અમેરિકન ફ્રીડમ કોમ્યુનિટિમાંથી ફોન આવ્યો. આપના પિતાશ્રીનું કુદરીતી રીતે અવસાન થયેલ છે.બન્ને પુત્રો જલ્દી જલ્દી પિતાના નિવાસ્થાને પહોંચી ગયાં.ત્યાંના નિમાયેલા પ્રમૂખ શ્રી ઉલ્લાસ કાકાએ કહ્યું. સોમાકાકાએ મને એક પત્ર અને આખરી વીલ ઘણાં સમય પહેલાં આપેલ છે અને એમના પત્ર અને ઈચ્છા મુજબ એમની અંતિમ ક્રિયા બહું સાદી રીતે તમારા સિવાય કોઈને પણ જાણ કર્યા વગર એમની દહનક્રિયા કરવાની છે.એમનો અગ્નિદાહ તમે બન્ને કરો.પુત્રોની હાજરી સિવાય કોઈની પણ હાજરી ના હોવી જોઈએ એજ એમની આખરી ઈચ્છા હતી.
રમેશ અને ઉમેશ બન્ને પિતાશ્રીની ઈચ્છા મુજબ એમની આખરી ઈચ્છાને માન આપી એમની ક્રિયા પુરી કરી.
પિતાએ લખેલ કવર અને વિલ વાંચ્યું.
પ્રિય પુત્રો.,
મારા ગયા પછી કોઈ ખેદ કે દુઃખ ના લગાડશો. મારા મરણબાદ કોઈ જાતની વિધી કે સામાજીક વ્યવહાર પણ ના કરશો. ખાલી હાથે આવ્યો’તો, ખાલી હાથે જાઉં છુ,એનો મને પણ કશો અફસોસ કે દુઃખ નથી. જગતમાં આવી માયા-મમતા, સુખ-દુઃખ, સંબંધોના ઘણાં માળા બાંધ્યા.અહીં રહી માણ્યા બસ સર્વસ્વ અહીં છોડીને જ જાઉં છું અને દરેક માનવી આ પ્રમાણેજ આવે છે , જાય છે.આપણાં સંબંધના તોરણો ક્યાં સુધી લીલા રહેશે? તમારા પછી તમારી પેઢી અને પછીની પેઢીમાં મોટા વડદાદા કોણ હતાં તેની ચિંતા એ શા માટે કરે? એતો એમના વર્તમાન સુખમાં જીવવા માંગતા હોય અને એજ સત્ય છે.એથીજ એક વિનંતી છે કે મારા ગયાં પછી મારી તસ્વીર કોઈ જગ્યાએ ટીંગાડશો નહીં.
મારી પાસે જે કેશ છે તે જેને જરૂર છે તેને ફાળે આપવા માંગુ છું.મારા પાસે જે ૪૦૦,૦૦૦ ડોલર્સ છે એ મારા ગયાં પછી અહીં અમેરિકામાં ૧૦૦,૦૦૦ ડોલર્સ નૉન-પ્રોફીટ નર્સિંગ હોમ જેવા ઓર્ગનાઝેશનમાં તેમજ ૧૦૦,૦૦૦ ડોલર્સ..’હોમલેસ’ માનવીના ઓર્ગેનાઈઝેશનમાં આપશો અને બાકીના મારી માતૃભુમી ભારતમાં ગરીબ બાળકો માટે એજ્યુકેશન અને ઘરડા ઘરમાં મોકલી આપશો.તમો બન્ને મારી પાછળ એક પણ પૈસાનો ખર્ચ ના કરશો.મારા અશિષ હરદમ તમારી સાથ છે.’
આ જન્મના સંબંધીત પિતા.. સોમાલાલ શાહ..
મોટો પુત્ર બોલી ઉઠ્યો.
‘ધન્ય છે પિતા. પિતા તરીકે અમારા પ્રત્યે તમો તમારી સંપૂર્ણ ફરજ નિભાવી અને અમોને બન્ને ભાઈઓને ઉચ્ચ+ શિક્ષણ,સંસ્કાર અને સદગુણ,સાચો માર્ગ બતાવી કોઈ પણ અપેક્ષા વગર નિવૃતનું શેષ જીવન જીવી ગયાં,.સુકર્મો કરી એક સાચા સંત તરીકે જીવન જીવી ગયાં.’
આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો.
મા..
ગુંથતી સ્વેટર ઠંડીમાં,
સોય દોરાથી સાંધતી ગોદડી,
ગરમ શાલ ઓઢાતી,
ઉજાગરા કાયમ,
છતાં વહેલી સવારે દૂધ પિવડાવતી,
આરામથી ઊંઘું ત્યારે, ઘરનું સઘળું કામ કરતી.
પા પા પગલી ભરાવતી,
આંગળી જાલી સાથ રમતી,
પડું-આખડુ ‘ખમ્મા’ કહી
ઉઠાવી કુખમાં બેસાડતી.
કાળજે ચાંપતી,
અમૃતભરી આંખ,
પ્રેમધારા વર્ષાવતી,
આચલ સમર્પંણનો ધરતી.
આજ યાદ આવે
મા તું ,
યાદમાં આંસુ,
અને આંસુમાં આજ પણ તસ્વીર તારી હસતી દેખાય.,
તુ નથી ..કોણે કહ્યું?
તારા આશિષ,
દિન-રાત ફર્યા કરે છે આસપાસ.
” એક પરદેશી હતો..”
‘પરદેશી’ છું પરદેશમાં,
ખુદની જન્મભુમીમાં સગા-વહાલા કહે..’પરદેશી’
દિલ દુભાઈ…કોને કહું?
ના અહીંનો કે ના ત્યાં નો…
ધોબીનો શ્વાન!
ના ધરનો કે ઘાટનો!
કબીરનો અંત યાદ આવે!
‘લાશને બાળવી–યા દફનાવવી!’
એક પાલનહાર,
બીજી જન્મદાતા!
દ્વી-ચક્ષુ..કોની કરું અવગણના?
કોઈ ‘પરદેશી” કહી…
લખશે વાર્તા મારી….
” એક પરદેશી હતો..”
પૈસો પરમેશ્વર નથી !
‘મગન મહારાજને પાંચ વર્ષ અમેરિકા આવ્યા થયાં, આજ એમની પાસે લેક્સસ,પાંચ બેડરૂમનું આલિશાન મકાન અને બે ભાડે આપેલ મકાન છે. અને આપણે આ દેશમાં દસ વર્ષથી છીએ પણ હજું આપણી પાસે દસ વર્ષ જુની કાર છે અને એપાર્ટમેન્ટમાં રહીએ છીએ.’ મારી પત્નિ રાગિની હંમેશા શહેરના પ્રખ્યાત કથાકાર,પંડિત મગન-મહારાજનો દાખલો આપ્યા કરે.
રાગિનીને હંમેશા સમજાવાની કોશિષ કરતો. ‘પંડિત કે કથાકારને તો શુક્ર,શની અને રવિવારે ઘરમાં કોઈ રસોઈ બનાવવાની જ નહી.કોઈને ત્યાં કથા કહેવાની હોય, તો કોઈને ત્યાં ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં જવાનું , રોકડાં વિકેન્ડમાં ૨૦૦-૩૦૦ ડોલર્સ કમાવવાના કોઈ ટેક્ષ પણ ભરવાનો નહી. ઉપરાંત જ્યાં પ્રસંગ હોય ત્યાં જમી લેવાનું.ખરૂ કહું તો આ ધંધો ખોટો નથી પણ આપણે ક્યાં બ્રાહ્મણ છીએ ? આ બધી વિધી આપણે ના કરી શકીએ.એતો બ્રાહ્મણનો જ જન્મ-સિદ્ધ હક્ક છે. જોને અહીં ગામમાં પણ એમનું એસોશિએશન ચાલે છે. ‘લગ્ન કરાવવા હોયતો ૧૫૦૦થી ૨૦૦૦ ડોલર્સ, મરણ-વિધિના ૨૫૦,શ્રીમંતના ૫૦૦.૦૦ વાસ્તુ હવનના ૨૦૦૦.૦૦, ઉપરાંત આરતીમાં ૧૦૦-૨૦૦ રોકડાં,સિધુ-સામાન, ચોખા-લોટ,મગ-કાજુ-બદામ ફ્રુટ્સ બધુંજ એમને ફાળે જાય. ઘરે ભાગ્ય જ કોઈ ગ્રોસરી લાવવી પડે.
મગન મહારાજ પાંચ વર્ષ પહેલા આવેલ, બહું ભણેલા નહી.એક રન-ડાઉન મોટેલમાં નોકરી શરૂ કરેલ જે બહું સારી મોટેલ નહોતી. કલાકના રેઈટ પર ભાડે આપતી મોટેલમાં ડ્ર્ગ્સ,પ્રોસ્ટીટ્યુટશન વિગેરે ધંધા ચાલે.મગન મહારાજ મોટેલ ઉપરાંત કથા અને ધાર્મિક પ્રસંગોમાં સારી એવી રોકડી રકમ કમાઈ એકજ વર્ષમાં મોટેલ ખરીદી લીધી.ધાર્મિક પ્રસંગોમાં માનવતા-દયા-પ્રેમ,પાપ-પૂર્ણની વાતો કરનારા પોતાની મોટેલમાં પાપ-પૂર્ણને નેવે મુકી ધુમ કમાણી કરવા લાલચું બની ગયાં.ધર્મ માત્ર પુસ્તક અને ઉદ્દેશમાં.કપાળ પર તિલક,ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી સજ્જન બ્રાહ્મણ દેખાતા મહારાજના મનમાં નરી ગંદકી ખદબદે!
મગન મહારજને અહીં આવ્યા ત્યારે કોઈએ કહ્યું. “મગન, તું તો બ્રાહ્મણનો દિકરો છે કર્મ-કાંડની વિધી શિખી જા બસ પછી જો પૈસો તારા ચરણ ચૂમસે. આ શહેરમાં લોકોને બ્રાહ્મણની જરુર હોય ત્યારે કર્મકાંડની વિધી કરતા મહારાજ એટલા બીઝી હોય છે કે તેની એપોન્ટમેન્ટ પણ નથી મળતી.બસ મગન-માહરાજે ભારતથી થોડા પુસ્તક મંગાવ્યા અને થોડું સંસ્કૃત શીખી લીધું, કોઈ વાર સંસ્કૃતના શ્ર્લોકોમાં લોચા મારે પણ અહીં સંસ્કૃત જાણનારા કેટલાં? ધંધો ધોમ-ધોકાર ચાલવા લાગ્યો. એક મોટેલમાંથી બે મોટેલ, માણસો હાયર કરી ગેર-નિતીથી મોટોલોના ધંધામાં અપાર આવક થવા લાગી. પોલીસે એક બે-વખત દરોડો પાડેલ , તેમના પર કેઈસ ચાલેલ પણ સારા લોયર અને દંડભરી પાછા જુનાવેસમાં આવી જાય!
મગન મહારાજે મોટૅલમાં થતી ગેર-નિતીની આવક દેશમાં મોકલી અને દેશમાં બે બંગલા-કાર અને બેંકમાં પોતાના સાળાને નામે કરોડો રોકડા જમા કરાવેલ છે.અમેરિકા જેવો સમરુદ્ધ, પ્રમાણિકતા, નમ્રતા અને જ્યાં નિતી-નિયમ પાલન પ્રમાણે જીવતી પ્રજા વચ્ચે આવી લક્ષ્મીના મોહપાસમાં ફસાઈ પડેલા બસ સઘળું લુટીં લઈ રાતો રાત કરોડોપતિ બનવાનું સ્વપ્ન સેવતા મગન મહારાજ જેવા ઘણાં છે જે પૈસાને પરમેશ્વર માને છે.માત્ર લક્ષ્મીની પુજાજ કરે. ખરે ખર લક્ષ્મીદેવી તો માનવીના જીવનમાં પ્રેમ, દયા ,સંતોષ અને આનંદનો વૈભવ અને સમદ્ધી આપે. પૈસો નહી!
‘ડેડી,મારે પણ તમારી સાથે આવવું છે. મગન મહારાજની દસ વર્ષની પિન્કી બોલી..બેટી,,હું બે કલાકમાં મોટેલમાંથી કેશ (રોકડ રકમ) લઈ પાછો આવી જઈશ.રાત્રીના આઠ વાગ્યા છે અને મોટેલનો એરિયા પણ સારો નથી. ના ડેડી મારે આપણે નવી લેક્ષસમાં રાઈડ લેવી છે..એમ કરોને હું પણ સાથે આવું એટલે કંપની રહે. મગન મહારાજની પત્નિ રુપા બોલી. અમો બન્ને જણાં આખો દિવસ ઘરમાં રહી બૉર થઈ ગયાં છીએ.’ ‘ ઑકે!’
ઘરેથી મોટેલનો રસ્તો એકાદ કલાકનો હતો.રાઈટ બાય હાઈવે ૧૫ અને ડરબી ડ્રાઈવ. ‘તમો બન્ને કારમાં બેસો હું હમણાંજ કેશિયર પાસેથી કેશ લઈ આવ્યો! મગન-મહારાજ મોટેલના પાર્કિગ લોટમાં પાર્ક કરી મોટેલની અંદર ગયાં. કેશિયર મોની પણ દેશી હતી તેણીએ ૧૦,૦૦૦ ડોલર્સ કેશ એક કપડાની થેલીમાં આપ્યા.
બે-દિવસ બાદ મોટેલમાં પ્લમબીંગ પ્રરોબ્લેમ થવાથી મોનીએ મગન-મહારાજને ઘેર ફોન કર્યો ,ખાલી રીંગ વાગે રાખી. તેમના સેલપર ફોન કર્યો કોઈ જવાબ નહી.મોનીને ચિંતા થવા લાગી મોટેલ પર કોઈને રાખી મગન-મહારાજને ઘરે આવી. ડૉર-બેલ માર્યા , કોઈ જવાબ નહી.મોનીએ પોલીસને ફોન કર્યો દશ મિનિટમાં આવી ગઈ. ડોર તોડી અંદર ગઈ. કોઈ ઘરમાં નહોતું! મોની પાસે વિગત માગી. મોનીએ કહ્યું. બે દિવસ પહેલા મગન-મહારાજ રાત્રે મોટેલ પર કેશ લેવા આવેલ અને મે તેમને બીઝનેસના૧૦,૦૦ ડોલર્સ કેશ આપેલ અને મગન-મહારાજના કહેવા મુજબ તેમની સાથે તેમની વાઈફ અને ૧૦ વર્ષની દીકરી પણ કારમાં હતી.
પોલીસ ,ટીવી એન્કર, ન્યુઝ-મિડિયા દ્વરા આખા શહેરમાં સમાચાર ફેંલાઈ ગયા. ‘મોટેલ-માલિક મગન-મહારાજ તેમના ફેમિલી સાથે લાપત્તા’ તેમની કારનું વર્ણન,તેમ જ મગન-મહારાજ-પત્નિ રુપા અને પિન્કીનો ફોટો ટીવી અને ન્યુઝ-પેપર્સેમાં આવી ગયાં..સમગ્ર ઈન્ડિયન કોમ્યુનિટીમાં હાહાકાર મચી ગયો.પણ મગન મહારાજ કે એમના ફેમિલીના કોઈ સમાચાર મળ્યા નહી.
અઠવાડિયા પછી એક સમાચારે આખી ઈન્ડિયન કોમ્યુનિટીને શોક આપી ચોકાવી દીધા.”શહેરથી ૫૦ માઈલ દૂર ડીયર-હન્ટીંગ એરિયા પાસે એક ડિયર-હન્ટરને બળેલી લેક્ષસ કાર પાસે ત્રણની લાશ જોઈ અને એણે તુરતજ પોલીસને જાણ કરી. સ્ત્રી અને દસ વર્ષની બાળકી પર હત્યાચાર અને બળાત્કાર કરી અર્ધ-નગ્નઅવ્સ્થામાં છોડી દીધેલ તેમજ કલોઝ રેઈન્જ થી ત્રણેને શુટ કરવામાં આવેલ છે ઉપરાંત ૧૦,૦૦૦ ડૉલર્સ લઈ લાપત્તા થયેલ ગુનેગારની તપાસ પૉલીસે હાથ ધરી છે.’
આપ આપનો મુલ્યવાન અભિપ્રાય આપશોજી
પ્રેમ કળશ એકીસાથે જો ઢળે…
મીસ સ્મિથ સાથે આત્મિયતા એટલી બંધાઈ ગઈ છે મેં મારી મમ્મીને જોઈ નથી મમતા અને મા ના કૉડ મને મળ્યા નથી પણ મીસ સ્મિથને મળું છું ત્યારે ત્યારે મને તેણીમાં મારી ‘મા’ દેખાઈ છે. હું એલિમેન્ટ્રી સ્કુલમાં હતી ત્યારથી સ્કુલમાં વૉલન્ટીર તરિકે સેવા આપે છે. અમારા સંબંધ એટલા ગાઢ થઈ ગયા કે હું હાઈસ્કુલમાં ગઈ તો તેણી હાઈસ્કુલમાં પણ મારી સાથે જ ત્યાં વૉલન્ટીર તરિકે ફરજ બજાવવા લાગી.અમારા સંબંધ હંમેશા મા-દીકરી જેવાજ રહ્યા છે.ઘણી વખત હું મોડી સુધી સ્કુલમાં રહું તો તેણીએ મને ઘેર આવવા રાઈડ આપી છે.
મારા પિતાની વાત શું કરું ? મારા પિતાએ મને મમ્મી અને ડેડી બન્નેનો અઢળક પ્રેમ આપ્યો છે, મારી મમ્મી સાથે ડિવૉર્સ લીધા બાદ મારા પિતાએ કદી ફરી મેરેજ કર્યા નથી. તેનું મૂખ્ય કારણ હું છું, એ કહેતાઃ ‘બેટી રીના તારી મમ્મીને બીજા સાથે લફરું થતા તેણી તારી કશી પણ ચિંતા કર્યા વગરતને બે વર્ષની છોડી જતી રહી અને અમોએ અંતે ડિવૉર્સ લીધા. મને મારી મમ્મી પર બહુંજ નફરત પેદા થઈ છે. પ્રેમના ખોટા આવેશમાં આવી સંતાનની આહુતિ આપનાર મા ને મા કહેવી કે ડાકણ ? દીકરી ખાતર કદી પણ લગ્ન ના કરવાનો વિચાર ધરાવનાર પિતાનું બલિદાન મારી દ્ર્ષ્ટીએ ભીષ્મપિતા કરતાં પણ વિશેષ છે.
મારા ડેડી અહી શિકાગોમાં’સ્ટેન્ફોર્ડ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ છે. અમારે શિકાગો નોર્થ એરિયામાં પાંચ બેડરૂમનું હાઉસ છે પણ આટલા મોટા હાઉસમાં રહેવાનું માત્ર મારે અને ડેડીને.નાનપણથી નેની સાથે ઉછરી છું પણ ડેડીએ મા ની ખોટ મને કદી લાગવા દીધી નથી.લાડ-કોડ સાથે ડિસીપ્લીન અને એજ્યુકેશનને હંમેશા પ્રથમ પ્રાયોરિટી આપી છે એના પરિણામ રુપે આજ હું હાઈસ્કુલમાં ટોપ ફાઈવમાં મારુ નામ છે તેનું ડેડીને ગૌરવ છે.મારી ઈચ્છા મેડીકલમાં જવાની છે અને મને ફૂલ સ્કોલરશીપ સાથે સારી યુનિવસિટીમાં એડમિશન પણ મળી ગયું છે.
હાઈસ્કુલ ગ્રેજ્યુએશન સેરિમનીમાં ડૅડી સાથે અન્ય મિત્ર-મંડળ હાજર હતાં.પણ મેં મીસ સ્મિથ ને ના જોઈ..એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી મને મા જેવો પ્રેમ આપતી રહી એ જ મા આજ હાજર નથી ? મે ડેડીને કહ્યું પણ ખરુઃ ‘બેટી તું હંમેશા મીસ સ્મિથની વાત કર્યા કરે છે પણ હજું સુધી મને તેણીને મળવાનો મોકો કદી મળ્યો નથી.મને પણ નવાઈ લાગે છે કે આટલી દયાળું અને મમતાના સાગર સમાન મીસ સ્મિથ તારા ગ્રેજ્યુએશનમાં કેમ ના આવી ?
ગ્રેજ્યુએશન બાદ અમો સૌ ઈટાલીયન રેસ્ટૉરન્ટમાં લન્ચ લઈ ઘેર આવ્યા.ડેડી તેના રૂમમાં આરામ કરવા ગયા. બે ત્રણ દિવસબાદ મારા નામની ટપાલ આવી,મીસ સ્મિથની હતી.મે જલ્દી જલ્દી ખોલી,
પ્રિય રીનાબેટી,
બેટી, પ્રથમ પાંચમાં હાઈસ્કુલ ગ્રેજ્યુએટ થઈ સાથો સાથ ફૂલ સ્કૉલરશીપ સાથે સ્ટેટની ટૉપ યુનિવસિટીમાં એડમીશ મળી ગયું એ બદલ મારા લાખ લાખ અભિનંદન.આજ મારી જિંદગીનો સૌથી મહત્વનો સોનેરી દિવસ છે.આજ મારું સ્વપ્ન સાકર થયું.
બેટી, તને થયું હશે કે હું તારા ગ્રેજ્યુએશનમા કેમ ના આવી ? બેટી, હું આવી હતી પણ દૂર દૂર ગ્રેજ્યુએશન હોલમા તારા ડેડી બેઠાં હતાં એની બીજા સાઈડ પર બેઠી હતી અને તને ગ્રેજ્યુએશન સાથે મેડલ મળ્યો બહું ખુશ થઈ મારી ખુશી વ્યકત કરવા મારી પાસે કોઈ બેઠું નહોતું. આખી ગ્રેજ્યુએશન સેરિમની મે માણી,દૂર દૂર બેઠાં મે એક તારી મા, જનેતા તરિકે તને અંતરના આશિષ આપ્યા.
મા,જનેતા શબ્દ સાંભળી નવાઈ ન પામીશ..હું તારી જન્મદાતા મા છું. સમય અને સંજોગેઓ દીકરી માને વુખુટા પાડી દીધા. શંકા-આશંકાથી ઘેરાયેલા ઝંઝાવટે દીકરી-મા ના પવિત્ર પ્રેમને ખિલવાનો મોકોજ ના આપ્યો.
તારા પિતા એક સારા પિતા બની શક્યા પણ એક સારા પતિ ના બની શક્યા. બેટી,હવે તું સમજદાર થઈ છે અને આજ મારે તને સાચી હકિકત કહેવીજ જોઈએ , મારા મનના બોજાનો ટોપલો જે વર્ષોથી લઈ ફરુ છું તે આજ હળવો કરવા માંગુછું.
બેટી, હું અહી શિકાગોમાં જન્મેલી અને અહીંજ ભણી અને કોલેજ ગ્રેજ્યુએટ થઈ મને એકાઉન્ટ તરિકી જોબ મળી હું અને તારા ડેડી દિવાળી પાર્ટીમાં મળ્યા બાદ અમારી બે વર્ષની ફ્રેન્ડશીપ પછી અમારા લગ્ન થયાં.અમો બહુંજ ખુશ હતાં.તારા ડેડીને કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પ્રમોશન મળ્યુ. અમોએ મોટું હાઉસ લીધું ત્યાર બાદ તારો જન્મ થયો.તારા જન્મથી ઘરમાં ખુશાલીનું મોંજુ ફરી ફરી વળ્યું. મે એકાદ વર્ષ જોબ ના કરી તારી સંભાળ લીધી.ત્યારબાદ ફરી જોબ શરૂ કરી.જોબમાંથી મારી અવાર-નવર મારા બોસ સાથે બહારગામ જવાનું તેમજ કસ્ટમર સાથે બહાર લન્ચમા જવાનું થતુ.તારા ડેડી અહી જન્મેલ છતાં એની માઈન્ડ કેમ સંકુચિત હતું તે હું કદી પણ સમજી ના શકી. એમને શંકા હતી કે હું મારા બોસ સાથે પ્રેમમાં છું.ઘરમાં અવાર-નવાર ઝગડા-દલિલ થવા લાગી મેં તારા ડેડીને કહ્યું. ‘ઉમેશ,આપણી એકની એક વ્હાલી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે મારે મારા બોસ સાથે કોઈ આડકતરા સંબંધ નથી. મારી જોબને લીધે મારે આવાર-નાવર તેમની સાથે બહાર જવું પડે.’ પણ એમની શંકાના સમાધાનની કોઈ મેડીસીન મારી પાસે નહોતી.બદચલન, બેવફા જેવા શબ્દોથી મારુઁ અપમાન થવા લાગ્યું.છતાં તારા ખાતર મેં બધુંજ સહન કરી લીધું.
મને ખબર પણ નહોતી અને તારા ડેડીએ ડિવોર્સ પેપર્સ ફાઈલ કરી દીધા. પૈસાના જોરે સારો લૉયર અને એવા વિટનેસ કોર્ટમાં બોલાવ્યા અને મારી સામે ચારિત્રહીન અને હું મેન્ટલી તને સંભાળવવા માટે શક્તિમાન નથી એવું જુઠ્ઠુ સાબીત કર્યુ. હું એકલી પડી ગઈ.તારા વગર હું ગાંડી ગાંડી થઈ ગઈ. હું જે પહેલાં મેન્ટલી અપસેટ નહોંતી તે ડિવૉર્સબાદ મેન્ટલી અપસેટ થઈ ગઈ. મને પૈસા મળ્યા પણ સંતાન સુખ ના મળ્યુ. જોબ પર ધ્યાન ના આપી શકી. મારી જોબ પણ જતી રહી.સહારાવગરની બેસહારા નાવ જેવી બની ગઈ!એકલી અટુલી એપાર્ટમેન્ટમાં ખંડેર જેવી જિંદગી અને ભટકતા ભૂત જેવી થઈ ગઈ.તને જોવા તલસતી હતી પણ તારા ડેડીએ લૉયર દ્વારા તારાથી દૂર રહેવાનો કોર્ટ-ઓડર લઈ આવ્યાં..શું કરુ? મારી પાસે એટલા પૈસા નહોતા કે સામે કોર્ટમાં ફાઈટ કરી શકું..
એપાર્ટમેન્ટમાં મારી બાજુમાં રહેતા માઈકલ સ્મિથે મની ઘણીજ મદદ કરી.માઈકલ મારાથી પાંચ વર્ષ નાનો હતો, ઈમિગ્રેશન ઓફિસર તારીકે જોબ કરતો હતો.મારા પ્રત્યે એમને ઘણુંજ માન હતું. એ બ્લેક હતો પણ એમનું દીલ દૂધ જેવુ! ભયંકર આધીમાં સપડાયેલી વેલને એક સહારો મળ્યો. એક દિવસ મને લગ્ન માટે પ્રપૉઝ કરી…મારાથી પાંચ વર્ષ નાનો છતાં મેં હા કહી. બેટી, અમોએ કૉર્ટમાં લગ્ન કર્યા.મારી જિંદગીની બધી હકિકતથી તે વાકેફ હતો. અમો એ હાઉસ લીધું.તને જોવાનો, મળવાની તક હું કાયમ જોતી.માઈકલે મને કહ્યું.’લીના,તું જોબ ના કરે તો પણ આપણું ઘર સુંદર રીતે ચાલી શકે તેમ છે.તું જે સ્કુલમાં રીના છે તે જ સ્કુલમાં વૉલીનટીયર તરીકે જોબ કર જેથી રીનાને તું રોજ મળી શકે.’ ‘ માઈકલ, મારે રીનાને જાણ નથી કરવી કે હું તેની મમ્મી છું, રીનાના ડેડી પણ મારા વિશે ખબર ના પડવી જોઈએ.તને તો ઉમેશના સ્વભાવનો ખ્યાલ છે કે કેટલા હલકા વિચારનો છે.’ ‘તું માત્ર તારું નામ મીસ સ્મિથ તરીકેજે રાખજે.ઉમેશને પણ તે ફરી લગ્ન કર્યાની ખબર નથી તેથી સ્મિથ નામથી તેને ખ્યાલ પણ નહી આવે કે તું ઈન્ડીયન છો.
બેટી, એલિમેન્ટ્રીથી માંડી હાઈસ્કુલ સુધી તારી સાથે સ્કુલમાં રહી અને મેં એક મા તરીખે મારી વહાલસોય દીકરીને ઉછરતી જોઈ.તારા ડેડીને પણ તારા પ્રત્યે આભાર લાગણીને પ્રેમ છે હું જાણું. એ એક પ્રેમાળ પિતા બની શક્યા પરંતુ એ પ્રેમાળ પતિ ના બની શક્યા. પિતા-વાત્સલ્ય આપનાર પિતા પત્નિને એમના હ્ર્દયમાં સ્થાન ના આપી શક્યા! મને આનંદ છે કે તને સારા સંસ્કાર મળ્યા,તારા ડેડીએ ફરી લગ્ન ન કરી સઘળો પ્રેમનો કળશ તારી પર ઢોળી દીધો.તું બધી રીતે હોશિયાર નિવડી.
બેટી!માઈકલની ટેક્ષાસ સ્ટેટમાં બદલી થઈ છે અને આવતાં મહિને અમો મુવ થઈએ છીએ.મારા આશિષ,શુભેચ્છા ,મા ની મમતા સદા તારી સાથજ રહેશે. તને સારા ડોકટર તરીકે જોવાની ઈચ્છા છે અને મને આશા છે કે તુ મારું સ્વપ્ન જરૂર સાકાર કરીશ. અફસોસની વાત છે કે હું અને ઉમેશ એક ધરતી અને આકાશ સમાન છીએ જેનું મિલન અશક્ય છે. હું માઈકલ સાથે ઘણીજ સુખી છુ જેને મને કિચડમાંથી ઉંચકી પ્રેમરૂપી મંદીરમા બેસાડી છે તેનો ઉપકાર હું આ ભવમાં ચુકવી શકું તેમ નથી.
પત્ર બહુંજ લાંબો લખાઈ ગયો છે..પરંતું મારે મારા હ્ર્દયના ઉંડાણમાં છુપાયેલું વર્ષોનું રહસ્ય અને ભાર તારી પાસે ઠાલવ્યા સિવાઈ કોઈજ ઉપાય નહોતો.સત્ય સૂરજ સમાન છે , વાદળા તેને ટૂંક સમય માટેજ ઢાંકી શકે,સદેવ નહી! આશા છે કે સત્યને સમજ્યા બાદ મા પ્રત્યે તિરસ્કારનું ઓઢેલું આવરણ દૂર કરીશ.
દીકરીના પ્રેમમાં ભટકતી મા.
પત્ર વાંચતા વાંચતા અનેક વખત અટકી,આંખમાંથી આંસુ ટપક્યા.વિચારોના વંટોળમાં ઊંડી. દુ:ખ એજ વાતનું થયું કે મીસ સ્મિથમા લિબાસમાં છુપાયેલી મારી મા ને હું કેમ કદી ના ઓળખી શકી? કેટલો અતૂટ પ્રેમ,મમતા, નિસ્વાર્થ પ્રેમના ભાવને હું જાણી ના શકી? મા ! તારો અદભૂત ત્યાગ,અપાર મમતાની તુલના ઈશ્વર સાથે પણ ના થઈ શકે.
પિતાનું વાત્સલ્ય,મા ની મમતા બન્ને લાજવાબ છે.હું કોઈનો પણ પક્ષ ના લઈ શકું..મારા જન્મદાતા માતા-પિતા બન્ને મહાન છે..મા ચાંદની છે તો પિતા સૂર્ય છે. બન્નેને મારા જીવનના આંગણે સાથે જોઈ શકીશ ?
વાર્તા વાંચ્યાબાદ આપનો અભિપ્રાય જરૂર આપશોજી.