"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વૃક્ષો અને પંખીઓ- થોભણ પરમાર

showletter20.jpg

કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં  અમને એકલાં જોઈને
સ્વભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી ?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહું ઊંડા ઊતરતા નથી.
ઘરની પાછળ વાડામાં જઈ
તેમને-
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.

જુલાઇ 1, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | Leave a comment

એક કવિતા-કિશોર શાહ

showletter3.jpg 

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું ‘?
મલકાઈને એ બોલી
‘ખુલવું-બંધ થવું
પલળવું-સુંકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું’.
મેં પૂછ્યું –
‘તને સંતોષ છે?’
 એણે શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

-કિશોર શાહ(૨૭-૧૨-૧૯૪૭) મૂળ કચ્છના બેરાજા ગામના.
જન્મ અને વસવાટ મુંબઈ. કેટલાક કવિઓના અવાજને કેસેટમાં કૈદ
કર્યા છે. કાવ્યાનુવાદની પ્રવૃતિ ગમેછે. કાવ્યસંગ્રહ’સૂર્ય’ રજનીશના
પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો
છે.

મે 31, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 1 ટીકા

એક કાવ્ય- કિશોર મોદી

 fairyfortune6221.jpg

 એઈ વીહલા હાંભળ મારી વાત.
ગામનો મંગલો ભૂવો જ્યારે ડાકલી વગાડીને ધૂણતો ઓઈ ત્યારે
તેના ચાળા ની પાડતો..
ભેંહનાં હિંગડા ભેંહને ભારી એ મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.

દિવાહાના દા’ડે  ઢીંગલા-ઢીગલીનાં લગન વખતે
પેલો કીકુ બામણ ઉંધા મંગળફેરા ફરવાનું કે’ઈ ત્યારે
જાન માંડવે આવે ને કન્યા અઘવાનું થાય એવું
બા’નું નીં બતાવતો એ મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

ગોકુલઅષ્ટમીની   રાતે કૃષ્ણનો જનમસમય વીતી જાય ત્યારે
‘સંભવામિ યુગે યુગે’નો શ્લોક ટાંકીને સિઝિરિયન કરવાની
વણમાગી સલાહ નીં આપતો.
લોકોને ઉજાગરા થાય તેમાં આપણા બાપનું હું  જાય.
એતો કામળ ભીની થહે તેમ ભારી લાગહે એ મારે
તને કંઈ કે’વાનું નીં ઓઈ.

નવરાતના દા’ડામા લઠ્ઠો પીવાથી કોઈને માતા આવે
કે કોઈને હાપ કરડે ને ભાથીદાદાની હાજરીથી ઊતરે
ત્યારે રખે કંઈ બોલતો.
ઉંકરડામાં હાંઢ મૂતરે તો કેટલી અસર થાય એ
મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

ગામમાં કોઈનાં છૈયા-છોકરાને રતવા થાય
ને રામલીલા રમાડવાની બાધા રખાય ત્યારે નકામો વિરોધ ની કરી બેહતો.
‘કુંવરબાઈનું મામેરું’નો ખેલ ભજવાય ને નરસી મે’તો
આથમાં પખાલ લઈ, રાગ મલ્લાર ગાવાની તિયારીમાં
ઓઈ, ને કોઈ બુધિયો  ઝાડ પરથી પાણીના દોરિયા સાથે
નીચે પડી જાય ત્યારે વી.આઈ.પીની ચૅરમાં બેઠો બેઠો  અહતો  નઈં.

નઈંતર પેલા ગુલબા ફક્કડને ખોટું લાગહે.
રામલીલા તો આવી જ ઓઈ. છાણાના દેવને ચનોઠીની જ
આંખ  ઓઈ…વાલનીએ નંઈ એ મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

વળી ગામમાં તો આવુંજ ચાઈલા કરે.
હરપંચ બોલે ને હવ્વા વીહ ને બે પાણ
રામજી મંદિરના ઓટલે મૂકેલી ધરમાદા પેટીના પૈયામાંથી
હરપંચનો છનિયો ડાંડ ધોળી બીડીના ધૂમાડા કાડે
ને હરપંચને મન મારો પોઈરો યુધિષ્ઠર ને બીજાના   દુર્યોધન.
ત્યારે તને કદાચે એમ થાય કે વરની મા છિન્નાર તો જાન્નડીને હું કે’વું?
પણ આપણે તો ગામમાં  રે’વાનું છે,
 એટલે બૂઈડા તો બે વાંહ વધારે, હમજ્યો..એ મારે તને
કંઈ કે’વાનું  નીં ઓઈ.

-કિશોર મોદી(૨૩-૧૦-૧૯૪૦) કાવ્ય-સંગ્રહ – ‘જલજ’ ‘મધુમાલિકા’
 

મે 14, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા | 4 ટિપ્પણીઓ

અમદાવાદ -મણિલાલ દેસાઈ

796px-teen-darwaza1.jpg

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો આંખોજ નથી.ડામરની સડકો પર ચાલતાં ચાલતાં એમની બુધ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ અમદાવાદ માં રહું છું. મારી આસપાસ પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ-ક્વોલિટીનું  ઍરકંડિશન ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્નો કરે છે. અને ભઠિયાર ગલી તો મણિનગરની વેશ્યાઓના પડછાયા પાડે છે. સાબરમતીની  રેતી  અહીંના રસ્તે રસ્તે પથરાઈ ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની. સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલ-રિક્ષા ચલાવનાર અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર નથી આવતું. કાલે -સરખેજ કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતી કાલે -આદમ મારે બારણે ટકોરો મારી પૂછશે કે, ‘ મેં આપેલી લાગણીઓનું શું ?’ ત્યારે હું , લાલ દરવાજે  એક પૈસામાં ‘બૂટપૉલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ……

-મણિલાલ દેસાઈ(૧૯-૦૭-૧૯૩૯-૦૪-૦૫-૧૯૬૬).. વલસાડ જિલ્લાના ગોરગામમાં જન્મ્યા.  અમદાવાદમાં  નાની ઉંમરે મરણ. મણિલાલ, અંધકારના રંગ, લય અને ગતિના કવિ. મણિલાલની કવિતામાં ડી.એચ.લોરેન્સશાહી પ્રિમિટિવ ફોર્સ છે. આ અદિમતા એનું લક્ષણ છે. ગીત, ગઝલ, ક્યારેક સોનેટ અને અછાંદ કાવ્યો એમણે આપ્યા છે. એમની કવિતામાં તળપદો સ્વાદ પણ છે. જયંત પારેખે એમના મરણોત્તર કાવ્ય-સંગ્રહ ‘રાનેરી’નું સંપાદન કર્યું છે.

મે 11, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા | 3 ટિપ્પણીઓ

હાલ્યની માહતર થાઈ……

 confidence11.jpg

 હાલ્યની માહતર થાઈ, અરજણિયા, હાલ્યની.

દિ બધો શીમમાં પાટકી પાટકીને
ઘરે  આવીઈ હાંજ હમે
 એના કરતાં ખુરહીમાં બેહી રેવું, ભાઈ,
ઈ તો કોને નો ગમે, અરજણિયા,હાલ્યની.

ગાયું  સારિયું ને ભેહું સારિયું ને વળી
સાર્યા મોટા મોટા ઢોર;
એમાં તો હું મોટો મીર મારવો’તો
 ઓલ્યાં સારવાં નાનકડા સોરાં, અરજણિયા.

ફડ દઈને ભાળ્યું, ડાંગ મારીઈ તો
ડોબાંય  હાલે ઝટ;
ઈ ડાંગ આગળ સોકરાંના દેન હું,
ઈ તો હાલે હીધા હટ રે, અરજણિયા.

વેપારી માહતર ને ખેડુય માહતર
ને માહતર ભાણો ભુવો;
કાઢી મૂકેલ ઓલ્યો ટભલો ટપાલી-
ઈ યે માહતર થઈ ને મૂઓ, અરજણિયા.

હરાદ હરાવશું નેં સોડીયું પરણાવશુ
ને વાસશું હતનારણની કથા;
(આ) પેટનો ગુંજારો  એમ કાઢશું,
આપણે બીજી હું તથ્યા,અરજણિયા.

મોટા ગામથી ઓલ્યો શાબ્ય આવે,
 એને હારું હારું ખાધાના હેવા;
એના મોઢામાં લાડવા ઠાંહશું
ઈ તો રાજી રાજી થઈ જાય એવા, અરજણિયા.

હાલતી નિહાળે સોરે બેહશું
ને વાતુંમાં કાઢશું દનિયાં,
મોટા ગામમાં જો બદલી કરશે
રાખશું રે  ઠુંહણિયા,અરજણિયા.

(એક ભરવાડનો મનોરથ)
કેવળ નિદૉષ વિનોદ છે. કોઈને માટે દંશ નથી.
-હરીહર ભટ્ટ (૦૧-૦૫-૧૮૯૫-૧૦-૦૩-૧૯૭૮)

મે 7, 2007 Posted by | ગઝલ અને ગીત, ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

હું- મારી અદાલતમાં- સુરેશ દલાલ

i128766137_135081.gif 

 ક્હે કહે  સુરેશ તને જોઈએ છે શું ?

ધન, યશ,યસમેન, તંદુરસ્તી, સિગરેટ,શરાબ
આરસઊજળા વારસદારો,
એક એરપોટૅથી બીજા, બીજાથી ત્રીજા
એમ  એક પછી એક સતત આવનજાવન,
દીઘૅ-આયુષ્ય, સેક્સ, સત્તા,
મૈત્રી, પ્રેમ, પરમેશ્વર…

મારો એક એક પશ્ન
તને નિવૅસ્ત્ર અને નગ્ન કરવા આવ્યો છે.

એકાદ વાર તો સાચું બોલ
એકાદ વાર તો મનને ખોલ
તને બધું જ જોઈતું હોય્
છતાંય દેખાવ એવો તો નથી કરતો ને-
-કે મારે કશું જ જોઈતું નથી ?

તું એમ માને છે
કે તારી આસપાસ તારી ઈચ્છાઓનો કિલ્લો રચશે
એટલે તું સલામત છે ?
તું એમ માને છે
કે તારી આસપાસ તું સંબંધોનું સ્વગૅ રચશે
એટલે એકલતા અલોપ થઈ જશે ?

આ બધા  પ્રશ્ન
તને નિરુત્તર કરી મૂકે એવાછે
છતાંય તું બોલવાનો ચાળો ન કર, તો મહેરબાની.

આઘાતચિહ્ન જેવા તારા મૌનની
શરણાગતિ સ્વીકારી લે
આ શરણાગતિ ખત પર તું સહી કરે
કે ન કરે
કશો જ ફેર પડે એમ નથી.
કહે કહે સુરેશ તને શું નથી જોઈતું ???

એપ્રિલ 20, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 5 ટિપ્પણીઓ

હવે તો બસ કર !!

thumbnailca8kp852.jpg 

માનવી ક્યાં સુધી માંગતો રહેશે ?
આદમ   આવી   “ઈવ” માંગી,
રહેવા આસરો,પીવા પાણી ને અન્ન આપ્યું,
ઈવ સાથે સંતાન-સુખ  દીધું..

ન કરી માંગ કોઈ ઓછી માનવીએ,
હાથ ઉંચા કરી કરી માંગતો રહ્યો,
ઉંડવા આકાશમાં, દોડવા ધરતી પર,
સુખ-સાયબી, મહેલો માંગતો રહ્યો.

“ભોગવે છે,માણેછે એજ તારું સ્વગૅ છે,
રહું છું ખુદ સાગર તળે,શેષનાગ સંગ,
શંકર રહે રાખ ચોળી સ્મશાન ઘાટ પર,
રહે બ્રહ્માં કમળ કુંડે,પલાઠી પર.”

“મળ્યું છે   જે સુખ તને વિશ્વમાં,
નથી એવું કોઈ સાધન  બ્રહ્માંડમાં ,
માંગ્યું    એ બધું   જ તને મળ્યુ ,
સુખ શોધવા બીજા ગ્રહે શીદ ફરે ?”

“પૈદા કરી આ માનવ જાત,
ખુદ પસ્તાયો છું મારી જાત પર,
નથી કોઈ આરો તારી માંગનો માનવ,
ખમૈયા કર,  હવે તો બસ કર !!!

  

માર્ચ 7, 2007 Posted by | કાવ્ય, ગદ્ય્-પદ્ય કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: