વહાલનું વાવેતર!
કૉક-ટેઈલ અવર્સમાં જાત જાતના ડ્રીન્ક્સ,ભારતિય અને અમેરિકન વાનગીઓની મીક્સ મજા સૌ માણી રહ્યા હતાં. ઘણી અમેરિકન સ્ત્રીઓ પણ ભારતિય પહેરવેશ સાડી અને પંજાબી આઊટ-ફીટમાં સુંદર પરીઓ જેવી લાગતી હતી. અમેરિકન મિત્રો પણ ભારતિય રીત રિવાજ,ખાવા-પિવાની મજા માણી રહ્યાં હતાં. બન્ને અહીંજ જન્મેલા, ડૉ.ટીના અને ડૉ,મિહીર એક કલિનિકમાં ફેમિલી પ્રેકટીસ સાથે કરતાં હતાં. સાથેજ ભણેલા, વર્ષોનો સંગાથ અને મિત્રતા પ્રણયમાં પલટાઈ ગઈ અને જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો.પ્રભુતામાં આજ પગલાં માંડવાની શુભ શરુઆત.
હિન્દુ વિધી પ્રમાણે લગ્ન થયાં પણ લગ્નમાં બહુંજ લીમીટેડ એવા ૧૦૦ અંગત મિત્ર મહેંમાનોનેજ આમંત્રિત કરેલ જેથી વિધી વખતે ક્રાઊડેડ ના બની જાય! અનુભવના ધોરણે વધારે મહેમાનો હોય તો લગ્ન વિધી સાંભળવા-માણવામાં લોકોને બહુંજ ઓછો રસ હોય છે. બાકી ગામ-ગપાટા અને સોસિયલ બનવામાં,નાસ્તા-પાણીમાંજ રસ હોય છે. સૌ મહેમાનોએ બે કલાક વિધિ શાંતીથી જોઈ અને માણી
લગ્નબાદ રિસિપ્સનમાં ૫૦૦ મહેમાનોને આમંત્રીત કરવામાં આવેલ..સૌ મહેમાનો ડબલ-ટ્રી હોટલના હૉલમાં સાંજે ૬.૩૦ કોક-ટેઈલ મજા સાથે સૌને મળી માણવા હાજર થઈ ગયાં હતાં. ડબલ-ટ્રી હોટેલમાં સૌ મહેમાનોને પ્રી-પેઈડ વેલે-પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. કૉક-ટેઈલ હૉલમાં ત્રણ બાર-ટેબલ્સ પર બાર-ટેન્ડર્સ સૌને જાત જાતના ડ્રીન્કસ સર્વ કરી રહ્યા હતાં. હોલમાં સ્ટેડીંગ ટેબલ પર સૌ ડ્રીન્કસ સાથે જુદા જુદા એપેટાઈઝરનો આનંદ માણી રહ્યાં હતા. સાથો સાથ હોલ-વે બે-ટેબલ્સ પર બેઠેલ વૉલિન્ટયર્સ સૌ મહેમાનોને લાસ્ટ નામ પ્રમાણે રાખેલ કાર્ડ ગેસ્ટને આપી રહ્યાં હતાં, જેમાં સૌને ટેબલ નંબંર આપેલ હતાં. એક ટબલ પર ૧૦ મહેમાન બેસી શકે તેમજ રિસેપ્સન હૉલમાં બે સાઈડ હતી જેમાં ડાબી બાજું બ્રાઈડ-સાઈડના અને જમણી બાજું ગ્રુમ-સાઈડના મહેમાનોને બેસવાની સુંદર વ્યવસ્થા કરી હતી. દરેક ટેબલ્સ પર ફ્લૉટીંગ કેનડ્લ્સ અને વ્હાઈટ-રેડ ગુલાબનો ગુલ-દસ્તાનું સુંદર ડેકૉરેશન સાથે દરેક ફેમિલી માટે થેન્ક્યુ નોટ સાથે ગીફ્ટ-બોક્સ મુકવામાં આવેલ.
સમયસર સાંજે ૮ વાગે રિસિપ્સન હોલ ખોલવામાં આવ્યો અને સૌ મહેમાનો પોત પોતાનું ટેબલ શોધી બેસી જવા વિનંતી કરવામાં આવી ૮.૧૫ માસ્ટર ઑફ સેરીમની, મિસ્ટર જાદવે એનાઉન્સ કરી સૌ પ્રથમ ટીનાના પપ્પાને અને પછી મિહીરના પપ્પા-મમ્મી અને ૮.૩૦ ટીના-મિહીરની સુંદર જોડી હૉલમાં દાખલ થઈ. સૌ મહેમાનોએ ઉભા થઈ તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું..આવતાની સાથે પહેલો ડાન્સ…નવદંપતીએ કર્યો ત્યાદબાદ બન્નેના મિત્રોમાંથી બે-ત્રણ બૉલીવુડ ડાન્સ થયા. હૉલની અંદર પણ સૌ ડ્રીન્કસની મજા માણી રહ્યાં હતાં.મિહીરના ડેડી-મમ્મીને બે શબ્દો કહેવા વિનંતી કરવામાં આવી..નવદંપતીને આશિષ વચનો અને મહેમાનોને આ સુંદર પ્રસંગે હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો. બાદ ટીનાના પપ્પાને વિનંતી કરવામાં આવી. કોર્ડ-લેસ માઈક લઈ રાજેશભાઈ હૉલ વચ્ચે આવી રહ્યા હતાં તેને જોતાજ ટેબલ નંબંર ૧૫ પર બેઠેલા મહેશભાઈ અને તેમની પત્નિ લીનાબેન ધીરેથી બોલ્યા. ‘આ રાજેશ-અંકલ ટીનાના રિયલ ડેડી નથી.’ બાજુંમાં બેઠેલાં રાજુ અને હંસાબેન પણ એક આંચકા અને અચંબા સાથે રાજેશભાઈને જોઈજ રહ્યાં. ટેબલ પર બીજા મહેમાનોને પોતે ટીનાના નિકટના સંબંધી છે તેવી ઈમ્પ્રેસ ઊભી કરવાં વાત માંડી.
‘ટીનાને અમો કોલેજમાં ભણતી હતી ત્યારથી ઓળખીએ છીએ. પાચ વર્ષ પહેલાં જ ટીનાના ડેડી-મમ્મી કાર એકસિડન્ટમાં ગુજરી ગયાં ટીનાની કમ્પ્લિટ લાઈફની અમોને ખબર છે..છોકરી અહીં જન્મી છે પણ બહુંજ માયાળું અને પ્રેમાળ છોકરી છે,ડૉકટર છે છતાં કોઈ જાતનું અભિમાન કે મોટપ નથી. જુઓને આ રાજેશ અંકલ અહી હ્યુસ્ટનનાજ છે. અમને તેણીના એક અગંતના માની બધીજ વાત ડિટેઈલમાં કરેલ. ટીના ઈન્ડિયા જતી હતી ત્યારે હ્યુસ્ટનથીજ રાજેશ અંકલ તેણીની સાથે એકજ પ્લેનમાં હતાં નસીબ જોગે બન્નેની સીટ બાજુંમાં હતી. એકાબીજાનો પરિચય થયો, મળતાવડી, માયાળું ટીનાએ પ્લેનમાંજ રાજેશ અંકલ સાથે આત્મિયતા બંધાય ગઈ. રાજેશ અંકલ ૭૫ વર્ષના હતાં તેમના દીકરા-વહુ અહીં હ્યુસ્ટનમાંજ રહે છે પણ ઘટના એવી બની કે અમદાવાદ એર-ઓર્ટ પરથી એમના મિત્ર રણછોડભાઈ અંકલને એમના ઘેર લઈ ગયાં અને થોડા દિવસ બાદ ખબર પડીકે તેમના દીકરાએ માત્ર વન-વે ટિકિટજ લીધી હતી અહીં અમેરિકા દિકરાને ફોન કરે પણ કોઈ ફોન ઉપાડેજ નહી. માંડ માંડ દીકરાની જોબ પર કોન્ટેક્ટ થયો પણ દીકરાએ તો ફોન પર જ રાજેશ અંકંલને કહી દીધું.
‘ હવે અમોને તમારી જરુર નથી તમો ત્યાં જ રહી બાકીની જિંદગી વિતાવો.’
રાજેશ અંકલે પોતાના મિત્રને કહ્યું ‘દોસ્ત મેં તો બધી મિલકત વેંચી અમેરિકા છેલ્લા ૧૫ વર્ષથી દીકરા સાથે રહી પૌત્ર-પૌત્રીઓને મોટા કર્યા મારી પાસે હવે કોઈ મિલકત કે પૈસા નથી હવે હું શું કરીશ?’ રાજેશ અંકલ દુઃખી દુઃખી થઈ ગયાં. શું કરવું કશું સુઝતું નહોંતું એ સમય દરમ્યાન નસીબજોગે ટીનાને આપેલ કોન્ટેકટ નંબંર પર ટીનાનો ફૉન આવ્યો.’અંકલ કેમ છો?’ અંકલે બધીજ હકિકત કહી રડી પડ્યા. ‘અંકલ તમો જરી પણ ચિંતા ના કરતાં.. તમે મને દીકરી માની છે આપણો સંગાથ પ્લેનમાં માત્ર ૨૦ કલાકનો હતો પણ એક પવિત્ર સંબંધ અને આપના મીઠા-મધુરા સ્વભાવે મને પિતા મળ્યાનો આનંદ આપ્યો છે જો આપને વાંધો ના હોય તો આપ મારી સાથેજ અમેરિકા પાછા આવો તમારી પાસે ગ્રીનકાર્ડ તો છેજ અને હું બે-વીકમાં પાછી જાઉ છું.’ ‘પણ બેટા મારી પાસે ટિકિટના…’ ‘અંકલ મને દીકરી કહી છે તો હવે ટિકિટની ચિંતા મારી પર છોડો. બસ હું પણ એકલી છું અને પિતા વાત્સ્લયની ભુખી છું ,મારે ઘેર રહી આપ આપનું શેષ જીવન આરામથી વિતાવો. વિરાન રણમાં ભર બપોરે એક તરસ્યા મુસાફરને કોઈ પ્યાલો પાણી આપે અને જીવમાં જાવ આવે તેઓ આનંદ રાજેશ અંકલને થયો..
‘સામે સ્ટેજ પર જુઓ’ બહેન થોડું ધીરે બોલોને બાજુંના ટેબલ પર બેઠેલા એક ભાઈએ ટકોર કરી. ‘ અંકલ કેટલી સુંદર કવિતા કહી રહ્યા છે…
“વહાલનું વાવેતર વાવી ધન્ય ધન્ય કરી દીધો મને દીકરી
ચાંદની બની ઉજાળી દીધી છે અંધારી રાત મારી દીકરી,
ગયા જન્મના લેણાં-દેણે બેટી! આપણે મળી ગયા
પ્રિતનું ૠણ તારું ભવ-ભવ સુધીનું છે મારી દીકરી..”
કહેતા કહેતાં અંકલના આંખમાં આંસુ ગંગા-જમના સમાન વહેવા લાગ્યા…ટીના એકદમ દોડીને રાજેશ અંકલને ભેટી પડી. “પપ્પા” કહી એ પણ ઢીલી થઈ ગઈ…
લીલાબેન અને ટેબલ પર બેઠેલા સૌની આંખમાં આંસુ સરી પડ્યા. “ધન્ય છે ટીના, લોહીની સગાઈ નહી આ તો પ્રિતની સગાઈ છે ભાઈ ,ધિક્કાર છે સ્વાર્થી એવા એમના દીકરા-વહુંને..’ લીલાબેનના મોમાંથી આવા આકરા શબ્દો સરી પડ્યા!
એ આગળ કંઈ બોલે એ પહેલાંજ એમના ટેબલ પર બેઠેલા રાજુ અને હંસાબેન ઉભા થઈ ટેબલ નંબંર ૧૫ છોડી ચુપચાપ જતાં રહ્યાં. ટેબલ નંબંર-૧૫ પર બેઠેલા મહેમાનોને ક્યાં ખબર હતી કે રાજુ અને હંસાબેન જ રાજેશ અંકલના ત્રાસદાહી પુત્ર અને પુત્રવધુ હતા.
(આપનો અમૂલ્ય પ્રતિભાવ જરુરથી આપશોજી)
ભાઇ શ્રી વિશ્વદીપ
આપની વાર્તા હ્ર્દય સ્પર્શી છે ક્યારેક એ વિચાર આવે છે કે,સાસુ સસરાથી અલગ થાવાના પેંતરા રચનાર પોતાની છાતી પર હાથ રાખીને એવું શા માટે વિચારતી નહીં હોય કે આવું જો એના મા બાપ સાથે થાય તો…?
સ્નેહી શ્રી વિશ્વદીપ ભાઈ,
આપની નેટ પ્રવૃત્તિઓમાં વિરામ કેમ છે? આશા છે, આપ સ્વસ્થ છો અને ફરી નેટ પર પ્રવૃત્ત થશો.
શુભેચ્છાઓ સહ,
હરીશ દવે …અમદાવાદ … “મધુસંચય” તથા અન્ય બ્લૉગ્સ …