દોસ્તની દોસ્તી….!
અત્યારે સુવાના સમયે? રાત્રીના ૧૧ દસ વાગ્યા ,અત્યારે કોનો ફોન છે?
‘નિલમ પ્લીઝ ફોન ઉપાડને.’.હલો ?
‘નિકુંજ છે?’
‘ હા પણ આપ કોણ?’
‘હું ઈન્ડિયાથી એનો મિત્ર,રીતેશ.’
‘ઓહ! રીતેશભાઈ.’
‘ હું નિલમ…
‘ભાભી કેમ છો?’
‘ બસ મજામાં…’
રીતેશનો અવાજ એકદમ ઢીલો હતો અને માંડ માંડ બોલી શકતો હતો..
‘હું નિકુંજને આપું છું.’.
‘તમારા જીગરી દોસ્ત રીતેશભાઈ છે.’
‘હાય રીતેશ,ઘણાં સમય બાદ અમને યાદ કર્યા.હવે તારી તબિયત કેમ છે? ડાયાબેટિક કન્ટ્રોલમાં છે ને?
‘ના દોસ્ત…બન્ને કિડ્ની કામ નથી કરતી..ડાયલેટશન પર જીવી રહ્યો છું..કોઈ કિડની ડૉનર હજું મળ્યું નથી.’
‘જાણી ઘણુંજ દુઃખ થયું દોસ્ત..હું કોઈ પણ રીતે તને મદદરૂપ થઈ શકું?
રીતેશની ઉંમર માત્ર ૩૮ વર્ષની અને આટલી નાની ઉંમરે બન્ને કિડની કામ નથી કરતી,ડાયલેટશન પર જીવવાનું, બેંકમાં સર્વિસ,જોબ સારી હતી પણ કથળતી જતી બિમારીને લીધે જોબ પર પણ હવે જઈ શક્તો નથી. બે બાળકો, ઉંમર ૧૦ અને ૧૨, એની વાઈફ મેનાએક પ્રાઈવેટ કંપનીમાં ડેટા-એન્ટ્રીની જોબ કરે, રીતેશની બહેન મીતાના મકાન ભાડે રાખી રહેતા હતા.પણ જ્યારથી બહેનને ખબર પડી કે રીતેશની વધતી જતી બિમારી અને જોબ પર પણ જઈ નથી શક્તો,તો ૨૦૦૦ રુપિયાનું ભાડું ક્યાંથી ભરી શકશે? અને રીતેશને કઈક થઈ જશે તો મેનાભાભી મારું ઘર પચાવી પાડશે. એ ચિંતા બહેન-બનેવી બન્નેને કોરી ખાતી હતી.
‘જો મીતા..આ તારા ભાઈને કઈક થઈ ગયું તો આપણે એની વાઈફ અને છોકરાને ઘરમાંથી કાઢતા દમ નિકળી જશે,તું કઈક કર, નહી તો આપણે તો નાહી નાંખવાનું.’
‘હા..પણ અત્યારે હું એમની હાલત બહુંક કફોડી છે.
‘મને…’
‘ના, તું બહું લાગણીશીલ ના બન,ખોટી દયા ખાવાની કોઈ જરૂર નથી,દયામાં ને દયામાં આપણે ઠંડા પાણીએ નાહી નાંખવાનું આપણને પોસાઈ તેમ નથી.’
‘એ વાત સાચી છે..પણ હું કહું એના કરતા તમેજ કહોને.’
‘મને કોઈ વાંધો નથી.’
‘રીતેશભાઈ, અમારે ઘરમાં ઘણી આર્થિક મુશ્કેલી છે અને આ ઘર વેંચી દેવાનુ નક્કી કર્યું છે.અમને તમારી મુશ્કેલીની ખબર છે, તમને ઘર ખાલી કરવા કહેવાનું અમને દુઃખ થાય છે પણ અમારી પણ મજબુરી તમે સમજી શકો છો…’
રીતેશ વચ્ચેજ બોલ્યો.. ‘
પણ અમો આવી હાલતમાં ક્યાં જઈએ? મારે જોબ નથી અને મેનાની આવકમાં માંડ માંડ ગુજારો કરીએ છીએ..બીજે અમારી આવક પ્રમાણે કોઈ પણ ભાડે મકાન ના આપે…’
મીતા વચ્ચે બોલી.રીતેશભાઈ..
‘ભાઈ,તમે ઘણાં વખતથી ભાડું પણ નથી આપ્યું…અમોએ ચલાવી લીધુ.અમારી પણ મજબુરી તમારે સમજવી જોઈએ.’
મીતાનો પતિ કડક થઈ બોલ્યો..’અમોને આ મકાન આવતા મહિને ખાલી જોઈએ…નહીતો…’
રીતેશની વાઈફ મેના બોલી..તમો ચિંતા નહી કરતાં આવતાં મહિને તમારા ઘરનો કબજો આપી દઈશુ..રીતેશ તું કશી દલીલ ન કરીશ. ઉપરવાળો કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે…’
સગી બહેન ભાઈના દુંઃખમાં ભાગીદાર થવાને બદલે મુશ્કેલીની આગમાં તેલ ઉમેર્યું અને તેથીજ રીતેશે અમેરિકા રહેતા તેના નાનપણનો મિત્ર નિકુંજને ફોન કરેલ કે જે પોતાની મુશ્કેલીમાં કઈ કામ આવે…પોતાની સઘળી વાત કરી..નિકુંજ અને નિલમ બન્ને અમેરિકામાં ૨૦ વર્ષથી રહેતા હતાં. બન્નેને સારી જોબ હતી ઉપરાંત નિકુંજ પાર્ટ-ટાઈમમાં રીયલઍસ્ટેટ બ્રોકર તરિકે કામ કરતો જેથી આર્થિક રીતે ઘણોજ સધ્ધર હતો.
‘રીતેશ તું ચિંતા ના કર, અત્યારે તારી તબિયત સાચવ અને હું તને બે દિવસમાંજ ફોન કરું છુ, બધુંજ સારાવાના થઈ જશે.’
નિકુંજ અને અને નિલમે તાત્કાલિક પૈસાની વ્યવસ્થા કરી ૫ લાખનો બે બેડરૂમનો ફ્લેટ અમદાવાદ આશ્રમ રોડ પર ખરીધ્યો અને રીતેશ મેના અને બે બાળકોને રહેવા માટે આસરો થઈ ગયો. આવી દુંખની ભયંકર આંધી સમયે નિકુંજની મદદ નર્કમાં ધકેલાને સ્વર્ગ મળ્યા સમાન હતી.
રીતેશ બહું લાંબુ ખેચી ના શક્યો, થોડા સમયમાંજ આખરી શ્વાસ લઈ નઠારી દુનિયામાંથી વિદાઈ લઈ લીધી. નિકુંજે બન્ને બાળકોની ભણવાની જવાબદારી પણ લીધી.
સમયને સરકતા ક્યાં વાર ? આજકાલ કરતાં ૧૨ વર્ષ વિતી ગયાં. સ્વ.રીતેશના બન્ને છોકરાઓ કોલેજ ગ્રેજ્યુએટ થઈ એક એન્જિનયર અને બીજો બી.કોમ, બન્નેને સારી જોબ મળી ગઈ.આ સઘળું સુખ નિકુંજને આભારી છે. તેઓ હજું પણ નિકુંજે અપાવેલ ફ્લેટમાંજ રહેછે.અમદાવાદ કે જે મેગાસીટી બની ગયું છે અને એના ફલેટની કિંમત વધી ૫૦ લાખ થઈ ગઈ છે.
‘નિકુંજ, ડૉકટરે તને હવે બહું દોડા દોડ કરવાની ના કહી છે. મને પણ તું બહાર જાય છે તો ઘણી ચિંતા રહે છે.’
નિકુંજને ત્રણ મહિના પહેલાજ બાયબાસ સર્જરી કરવી પડી હતી. જોબ પર ઘણાં વખતથી નહોતો જતો.યુ.એસ.ની ઈકોનૉમી અત્યારે ઘણીજ ડાઉન છે. જોબ માર્કેટ પણ અત્યારે ઘણું ડાઉન છે..નિલમને પણ જોબમાંથી લેઈડ ઓફ મળેલ છે. પોતાની પાસે જે સેવિંગ હતું એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું.
‘નિકુંજ, તમારા સ્વ મિત્ર રિતેશભાઈને આપણે એમની મુશ્કેલીઓમાં રહેવા આસરો આપ્યો, છોકરોને આપણે ભણાવ્યા અને અત્યારે તેઓ ઘણાંજ સુખી છે એ વાતાથી આપણે ઘણાં ખુશ છીએ અને આનંદ પણ છે. પણ અત્યારે આપણી સ્થિતિ ઘણીજ નાજુક છે. માંડ માંડ આપણું ગુજરાન ચાલે છે. રીતેશભાઈને રહેવા આપેલ આપણાં ફ્લેટની કિંમત અત્યારે ૫૦ લાખ રુપિયા થઈ ગઈ છે અને તેને વેંચી દઈએ તો આપણને અમેરિકન ડોલર્સ પ્રમાણે ૧૦૦,૦૦૦ ડોલર્સ મળે. આ રકમ આપણાં માટે આવી કપરી મુશ્કેલીઓમાં ઘણીજ મદદરૂપ થઈ શકે તેમ છે , પૈસાની કપરી ઝંઝાવટ માંથી બહાર નિકળી શકીએ તેમ છીએ અને બીજું તેઓ ઘણાંજ સુખી છે. તેમના છોકરાઓ સારું કમાય છે અને આર્થિક રીતે અત્યારે ઘણાંજ સધ્ધર છે. ધારેતો આ ઘર ખાલી કરી બીજું ઘર લઈ શકે તેમ છે.’
‘તમારી બિમારી અને મારી જોબ છૂટી જવાથી આપણે આર્થિકરીતે ઘણાં નબળા બની ગયા છીએ. ઘરનો હપ્તો પણ આપણે બે મહિનાથી નથી ભરી શક્યા.તમે ફોન કરી જુઓને. હા મને ખાત્રી છે કે તેઓ ના નહી પાડે. આપણે એમની મુશ્કેલીમાં ઘરથી માંડી છોકરાઓને ભણાવવામાં ઘણાંજ મદદરૂપ થયાં છીએ તે વાત તેઓ સમજી શકે તેમ છે.
સ્વ.રિતેશની પત્નિ મેના અને તેણીના બન્ને દિકરા ફ્લેટમાં ઘણાંજ ખુશીની જિંદગી જીવી રહ્યાં હતા.ઘરમાંબ્રાન્ડ ન્યુ ફર્નિચર અને એક જુની કાર પણ લઈ લીધી..ઘરનું ભાડું કે કોઈ મોરગેજના કોઈ હપ્તા ભરવાના નહી.
‘ મમ્મી ,નિકુંજ અંકલનો ફોન આવે તો લેવાનોજ નહી. હવે એ લોકો આપણાં આ ફ્લેટને વેંચી નાંખવા માંગે છે..મમ્મી તમને ખબર છે આ ફ્લેટની કિંમત ૫૦ લાખ ઉપર જતી રહી છે અને આપણાં એરિયામાં મકાનના ભાવો દિવસે દિવસે વધતા જાય છે. નિંકુજ અંકલ ખોટા ખોટા બહાન કાઢી આ ઘરનો કબજો કરવા માંગે છે.’
‘પણ બેટા…’
‘મમ્મી..તું ખોટી ચિંતા ના કર..એ ત્યાં બેઠાં કશું કરી શકે તેમ નથી..અમોએ આપણા લોયર સાથે પણ આ બાબતમાં ચર્ચા કરે લીધી છે.આ ઘર આપણુંજ કહેવાય.. અમેરિકામાં તો બધાંજ એશ-આરામની જિંદગી જીવતા હોય છે. આ તો નિકુંજ અંકલનું ખોટા રોદણાં છે.
‘નિલમ, રિતેશની વાઈફ કે એના બન્નેમાંથી કોઈ છોકરા હવે મારો ફોન ઉપાડતાંજ નથી..આપણું ત્યાં કોઈ સગું નથી કે તપાસ કરી શકે. શું કરીશું ?
‘ નિકુંજ,આપણાં નસીબમાં આવું તે કેવું કે આપણે સૌનું ભલું કરીએ.અને સારું ઈચ્છીએ છીએ,કોઈનું પણ આપણે ખરાબ કર્યુ નથી. જે ફેમિલીને મગરમચ્છાના જડબે સલાક સંકજામાંથી ફસાયેલ તેને ઉગારી મહેલમાં બેસાડ્યા તેજ આપણી આવી કફોડી અવસ્થામાં મોં ફેરવી લે છે. કોઈ પણ જાતની દયા વગર. આવું જ માનવ જીવનમાં બનતું રહેશે તો કોણ કોને મદદ કરશે. કોઈ માનવતા જેવું રહ્યું જ નથી .મારી તો ઈશ્વર પર પણ શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે.’
‘તું ચિતા ના કર..કઈ તો રસ્તો નિકળી જશે,,ઉપરવાળા પર શ્રદ્ધા રાખ.’
નિલમ તુરતજ બોલી.’ આપણને મોરગેજ બેંક તરફથી ફાઈનલ નોંટિશ પણ મળી ગઈ છે..અને આવતી કાલ સુધીમાં હપ્તો નહી ભરી દઈએ તો તે લોકો આપણાં ઘરને સીલ મારી દેશે.આપણે પહેર્યા કપડે બહાર રસ્તા પર આવી જશું.’
નિકુંજે ઘણાં મિત્રોને ફોન કર્યા..માત્ર દિલસોજી સિવાય કશું ના મળ્યું. આખી રાત નિકુંજ અને નિલમ બેસી વિંચારવા કરતાં ઉપરવાળાને પ્રાર્થન કરતાં રહ્યાં કોઈ રસ્તો નિકળે ! નરસિંહ-મેતાની કોઈ હુંડી સ્વિકારે?
સવારે ૯.૦૦ ડૉર બેલ વાગ્યો, મોરગેજ બેંક તરફથી એક કર્માચારી અને બે પોલીસ ઘરનો કબ્જો લેવા બહાર ઉભા હતાં. ૧૦૦,૦૦૦ ડૉલર્સની હુંડીનો કબજો દેશમાં કોઈ લુંટારા લુંટીને જલશા કરી રહ્યાં હતાં…
આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપાવા વિનંતી..