કવિના મૃત્યુ પર યમરાજનો આદેશ.
કવિના ગામ મધ્યે જઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
કવન અકબંધ રહેવા દઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
ફૂલોથી પણ વધુ નાજૂક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ કવિના પ્રાણ લઈ આવ્યો,
પડે વિક્ષેપ ના સહેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી કવિના પ્રાણ લઈ આવ્યો.
પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી કવિના પ્રાણ લઈ આવ્યો.
ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વકને સાવધાન રહી કવિનાપ્રાણ લઈ આવ્યો.
કલમ હો હાથમાં તો બે ધડી દ્વારે ઉભા રહેજો,
રજા મા શારદાની લઈ કવિના પ્રાણ લઈ આવ્યો.
-ઉર્વીશ વસાવડા