વાંચું છું…
અભણ છું પણ સદાયે સ્પષ્ટ ઝંઝાવાત વાંચું છું,
હું જ્યારે હસ્તરેખા વાંચું, ઉલ્કાપાત વાંચું છું.
અભણ છું,મિત્ર મારા!પણ તમારા ભાવ વાંચું છું,
તમારા કારણે મળતી મને નિરાંત વાંચું છું.
ઘડીભરનો સમય કાઢી હું મારો હાથ વાંચું છું,
નવું તો શું મળે? આઘાત પર આઘાત વાંચું છું.
ગમે છે,સાંભળું; તારા વિષે કોયલ જે બોલે છે,
ટહુંકતી, ટહુકાની મધથી મીઠી સોગાત વાંચું છું.
પ્રિયે! ઓ જિંદગી મારી! તને ખુબ ચાહું છું,
હ્ર્દનાં પૃષ્ઠ ખોલી-ખોલી આખી રાત વાંચું છું.
મને ડુબાડવાને, શાહીનો ખડીયો જ કાફીએ છે,
તમે જે વ્યર્થ લાવ્યા તે સમંદર સાત વાંચું છું.
-હર્ષદ ચંદારાણા
સ રસ રચના
યાદ આવી
મારી દિકરીની રચના
પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?
નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?