માતા અને મહાત્મામા તફાવત શો ?Happy Mothers Day
પુત્રનો જન્મ થાય છે ત્યારે વાસ્તવમા એક માતાનો જન્મ થતો હોય છે. એક સંપૂર્ણ ક્રાંતિ થયા ત્યારે સ્ત્રીમાંથી માતા પ્રગટ થાય છે. સ્ત્રી તેની તેજ રહે છે; પણ એના અસ્તિત્વ(બીઈંગ)માં બહુ મોટો ફરક પડી જાય છે. માતામાં બુદ્ધની કરૂણા,મહાવીરની તિતિક્ષા,ઈસુનો પ્રેમ, ભગીરથની તપશ્ર્યા,રંતિદેવનો ત્યાગ અને ગાંધીની સેવાવૃતિ જોવા મળે છે.આવા ઈશ્વરીય ગુણોને એકસાથે આત્મસાત કરનારી માતાને કોઈ મહાત્મા કેમ નથી કહેતું ? માતાની આસક્તિ ભારે હોય છે.પોતાના બાળક માટે સર્વસ્વ છોડી શકનાર માતા પડોશીનો છોકરો ઘેર આવે ત્યારે પોતાના બાળક માટે તૈયાર રાખેલ નાસ્તો ઝટ કાઢતી નથી. ધ્રુવની અપર માની વાત જાણીતી છે.ધ્રુવ પોતાની કુખે નથી જન્મ્યો એટલે એ રાજાના ખોળામાં નથી બેસી શકતો. એ માતા કરુણાવાન છે,પરંતુ પોતાના સગા દીકરા માટે; ધ્રુવ માટે નહીં. એના પ્રેમનું ‘લોક્લાઈકઝેશન’ થઈ જાય છે. એ સંકુચિત પ્રેમ નિરપેક્ષ નથી હોતો. મોહને કારણે જ બધો ફેર પડી જાય છે.
મહાસાગરને કિનારે ઉભો રહીને એક આદમી પાણીનો ખોબો ભરી રહ્યો છે.એના ખોબાના પાણીમાં મહાસાગરના પાણીના તમામ ગુણધર્મ મોજુદ છે.ખોબાનું પાણી નધી રીતે મહાસાગરના પાણીનો નમૂનો છે.એકજ વાત ખુટે છે અને તે એ કે ખોબા પાસે મહાસાગરની વિશાળતા નથી. માતા સદગુણોનો ભંડાર હોય તોય, મહાત્મા નથી બની શકતી કારણ કે એ આસક્તિથી અને મોહથી ભરેલી છે.એ પોતાના ઘરનો કચરો પડોશીના આંગણામાં નાખે છે.પડોશણ પણ એમજ કરે છે, તેથી સાટું વળી જાય છે !
સાભારઃ”કૃષ્ણનું જીવનસંગીત”-ગુણવંત શાહ
મા તારા ગુણગાતા આંખમા આસું આવે,
અણમોલ અખુટ પ્રેમ ધારા યાદ આવે,
મા ની મમતા વગર દુનિયા છે અધુરી,
પ્રભુની પે’લા મારી મા ની યાદ આવે.
-વિશ્વદીપ બારડ