મા
તું તારા નાનકડા હ્ર્દયમાં
અઢળક દુઃખ કેવી રીતે સંઘરે છે?
બધાં દુઃખ પીને
બીજાના સુખનું કારણ કેવી રીતે બને છે ?
તારા પાંગળા ખભા પર
કષ્ટોના પહાડ ઊંચકીને
તેં કદી ય ઉંહકારો ભર્યો નથી.
તેં તો તેને નિયતિ સમજીને,
નસીબમાં આવું લખ્યું છે-એમ માનીને
બધું સહન કર્યું છે
કર્મવાદી હોવા છતાં ભાગ્યવાદી બનીને
વેઠી લીધી છે પીડા.
ખાણીપીણીમાં કદી કરી ન વરણાગી
ગરીબોનું ભોજન, બટાટાને
મોહનભોગ સમજીને ખાધા.
મા,
તારી આંખો સૌને સંતુષ્ટ
જોવા માટે જ કેમ તરસે છે ?
તારી આંખોમાં તગે છે એકાંકીપણું
છતાં તેને તું ખુશીના આંસુમાં
ફેરવે છે કીવી રીતે ?
સૌજન્યઃ ઉદ્દેશ
-લાદિસ્લાવ વૉલ્કો
અનુવાદઃ નરેન્દ્ર પટેલ