"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દરિદ્રને ત્યાં લક્ષ્મી પધારે!!-(દિવાળીની વાર્તા)

  

                                                       ‘દરિદ્રતાને ચાવવા દાંત નથી હોતા દિકરા! જીભને સ્વાદ નથી હોતો! શું કરૂ દિકરા આજ દિવાળી છે.બે ત્રણ દિવસથી કામ પર જઈ નથી શકી! આ તાવ ઓછો થતો નથી..ઘરમાં ચુલો સળગાવવા નથી કોલસા કે દિવાસળી!’ જીવી હાંફતી, હાંફતી બોલી. જીવી નો પતિ મનુ  દારૂડિયો હતો અને લઠ્ઠો પિવાથી છ મહિના પહેલાં જ  મરી ગયો.આમેય  કંઈ કામ-કાજ કરે નહી અને બીડી, દારૂ અને જુગારની લત એટલી ખરાબ  હતી કે ઘરમાં ખોટા ઝગડા અને મારામારી કરી પૈસા લઈ જતો.જીવી અને એમનો દશ વર્ષના છોકરા કનુને કોઈ ખાસ દુ:ખ થયેલ નહી.જીવી બે ત્રણ ઘરે વાસણ-કપડા અને સાફ-સુફી કરી કમાણી કરી લેતી જેથી કુટુંબનું ગુજરાન થઈ જતું પણ દિવાળીના જ સમયમાં બિચારીને તાવ આવવા લાગ્યો..જવાનું નામ ના લે!  આમેય ગરીબના ઘરમાં માંદગી ને રહેવું ગમે! મા તું ચિંતા ના કર..થોડો લોટ પડ્યો છે ને તે હું બહારથી સુક્કા સાંઠીકા લઈ આવું છું..અને કોઈની પાસેથી દિવાસળી લઈ  એને સળગાવી  તપેલીમાં લોટ-પાણી અને થોડો ગોળ નાંખી રાબ બનાવી દઉ? થોડી તાકાત આવે..મા મને પણ આ રાબ ભાવે છે..સારું દિકરા તું મારૂ બહું ધ્યાન રાખે છે. બેટા! કાલે નવું વરસ છે..કાલે તો શેઠના ઘેર કામ કરવા જઈશ ને જે પૈસા આવશે એમાંથી ગાંઠીયા અને પેંડા લાવીશ આપણે નવું વરસ ઉજવીશું! સારું મા!

                                                        એજ રાતે જીવીને તાવ વધવા લાગ્યો..મનું એ કપડાનો ગાંભો લઈ, પાણીમાં થોડું મીઠું નાંખી  કપડું પલાળી જીવીના કપાળ ઉપર પોતા મુક્યા!! પોતાની ઠંડકથી જીવીને તાવ થોડો ઓછો થયો અને ઉંઘી ગઈ..મનુ મનમાં વિચારવા લાગ્યો કે મા ને તાવ છે અને એ કાલે નવા વરસના દિવસે કેમ કરી કામ કરવા જશે? એ ચિંતામાં જાગતો રહ્યો! વિચાર આવ્યો: કાલે નવું વરસ છે તો. હું શુકનનું કંકુ અને શુકનનું મીઠું બાજુંની સોસાયટીમા  વેચવા જવું તો બધી શેઠાણીઓ મને સારા શુકનના પૈસા આપશે તેમાંથી હું ગરમ-ગરમ ગાંઠીયા અને પેંડા મા માટે લાવીશ..મા ખુશ થઈ જશે.

                                                      મા સુતી હતી  મનું આખી રાત જાગતો રહ્યો!ઘરની બહાર ઉભો ઉભો બાજુની સોસાયટીમાંથી ફૂટતા ફટાકડા,આકાશમાં ઉડતા રોકેટ,એમાંથી નિકળતા તારા-મંડળ જોઈ જોઈને ખુશ થતો હતો ત્યાં જ એનો ભાઈબંધ બુધીઓ આવીને બોલ્યો: હેય, મનુડા..ફટાકડા ફૂટતા બંધ થાય એટલે ત્યાં સોસાયટીમાં જઈ ના ફૂટેલા ફ્ટાકડા વીણી આવીએ અને પછી કાલે વાસી દિવાળીને દિવસે એમાંથી દારૂ-પોટાશ કાઢી સુર-સુરિયા બનાવી ફોડીશુ..’ ‘હા..હા પણ જો જે જે  ફટાકડા મળે તેમાંથી અડધા તારા અને અડધા મારા.’ બન્ને એકવાગ્યા બાદ સોસાયટીમાં  ગયાં , ફૂટ્યા વગરના ઘણાં ફટાકડા મળ્યા પણ ત્યાં જ એક શેઠ ઘરની બહાર આવ્યા અને તાડુક્યા: એલા..રાતે એક વાગે શું કરો છો..ચોરી કરવા! દિવાળીના દિવસોમાં પણ ચોરી! અહીંથી ભાગો નહીતો પોલીસને બોલાવું છું..પોલીસનું નામ સાંભળતાજ બન્ને મુઠ્ઠી વાળી ભાગ્યા પોતાન ઘર તરફ.

                                                   મનુ આખી રાત જાગ્યો હતો..નવા વરસની વહેલી સવારે ઘરમાંથી થોડું મીઠું અને થો ડું કંકુ લઈ વહેલી  સવારે  ચાર વાગે બાજુંની સોસાયટીમાં  નીકળી પડ્યો!  “શુંકનનું કંકુ..શુકનનું મીઠું” કહેતો સોસાયટીમાં  ફરતો હતો..કોઈ એ ૫૦ પૈસા તો કોઈ એક રૂપિઓ..તો કોઈ બોલ્યું: “એલા..છોકરા..અત્યારના ચાર વાગે શું નવરો થઈ નીકળી પડ્યો છે.. લોકોની ઊંઘ હરામ કરે છે.કઈ ધંધો છે..? કોઈ કહે: છ,સાત વાગ્યા પછી આવજે!’ ‘શેઠાણીજી! આજ તો નવું વરસ છે સૌ વહેલા ઉઠે!’..જા જા..તારું મોઢું બંધ કર…અહીંથી જા..સુવા દે!!
મનુએ પૈસા ગણ્યા તો માત્ર ત્રણ રૂપિયા માંડ થયા!.મનમાં બણબણ્યો!..”આ મોટા ઘરના માણસોના મન મોટા નથી..શેઠાણી બધીએ કંજુશ છે! આમાં શું ગાંઠીયા કે પેંડા લાઉં?

                                                      મનમાં નિરાશા ઘેરી વળી.ઘર તરફ વળ્યો! હજું અંધારૂ હતું.. રસ્તામાં ચાલતા, ચાલતા ઠેસ લાગી..પડતા..પડતા બચી ગયો.પગે અથડાયેલી જોઈ તો નાની એવી થેલી જેવું હતું..મનુને થયું કે થેલીમાં કંઈ ખાવાનું હ્શે!!  દોડતો દોડતો ઘેરે આવ્યો!! ‘બેટા..તું ક્યાં હતો? હું  ચિંતામા અડધી થઈ ગઈ !’ મનુએ બધી વાત કરી..મા..મા જો આ થેલીમાં કઈ ખાવાનું લાગે છે.રસ્તામાંથી મળી..જોયું તો બે  છાપામાં બાંધેલા પડીકા હતાં…જોયું તો..પૈસા!! બાપરે! આટલા બધા પૈસા!..મા..મે આવદી મોટી નોટ કદી પણ જોઈ નથી…૫૦૦ રુપિયાના સો સોના  બે બંડલ…એક લાખ રુપિયા..મા..મા..આપણું..નવું વરસ સુધરી ગયું! હા..બેટા..તારી વાત સાચી…પણ..જેમના ખોવાયા હશે એમનું શું ?..આપણે હરામનું ખાશું તો દિકરા આપણી મેલડી મા આપણને જ ભરખી જાય! આપણે હોતા–નહોતા કરી દે!..શ્રાપ..આપે!! મા આ બેગમાં આ કવર પણ છે..જો જો બેટા! તને તો  વાંચતા આવડે છે..વાંચ..

લખ્યું હતું: ‘જમનાદાસ શેઠ,
                         મારી દીકરીના લગ્નમાં જે લાખ રૂપિયા આપ્યા હતાં તેનું બધુ વ્યાજ તો મહિને, મહિને  આપી દીધું પણ આજે મુળ મુડી તમને મારા દીકરા ગંગાપ્રસાદ સાથે મોકલું છે.માફ કરજો મને તાવ આવે છે તેથી રૂબરૂ આવી નથી શક્યો…દિવાળીના દિવસોમાં બે મહિનાથી  મારા કુટુંબના સૌ માણસોએ રાત દિવસ મજુરી કરી અને મેં રતનપોળમાં તૈયાર કપડાં વેચ્યા. ઉપરવાળાની કૃપાથી જે  બધી આવક થઈ તે ભેગી કરી મોકલી રહ્યો છું.તમો જેવા પૈસા મળી જાય તુરત ગણી લઈ મને મોબાઇલ પર ફોન કરવા કૃપા..મારો મોબાઇલ નંબર છે: ૯૪૩૩૭૩૫૪૨૬..આભાર. આપનો ઋણી:મણીપ્રસાદ.’

                        ‘મનું દિકરા..તારી પાસે પૈસા છે! હા..મા ..શુકનના ત્રણ રૂપીયા આવ્યા છે .. જા જા બાજુમાં કરિયાણાની દુકાને જઈ મણીભાઇને મોબાઇલ પર ફોન કરી દે..રુપિયો કે બે-રૂપિયા થશે…બિચારા ચિંતામાં અધુરા થઈ ગયાં હશે.મા..પણ આ હાથમાં આવેલા પૈસા!! દીકરા એ આપણી મુડી નથી..આ તો મુડી શાપનો ભારો! આપણે રાખીએ ને તો આપણને જ ડંસી જાય..!  “હા..લો..હું મનુ…તમારા પૈસાની થેલી મને રસ્તામાંથી મળી છે.. ‘હા..ભાઈ…ભગવાન તારૂ ભલુ કરે!તમે ક્યાં રહો છોં! હું હમણાંજ લુના ઉપર તમાર ઘેર  આવું છું..મનુ બોલ્યો” સેટ-લાઈટ રોડ,શંકર સોસાયટીની પાછળ. બધા ઝુંપડા છે ત્યાં કોઈને પુછી લેજો..કે જીવી ખોડીદાસની ઝુંપડી ક્યાં છે?

                                એકાદ કલાકમાં મણીપ્રસાદ ઝુંપડી શોધતા શોધતા આવી પહોંચ્યા..’આવો શેઠ..આ તમારી થેલી..પૈસા ગણી લેજો.. બેન..તમે મારી આજ આબરૂ અને મારી ત્રણ મહિનાની કમાણી બચાવી છે , આજના જમાનામાં હાથમાં આવેલી  મુડી કોણ જતી કરે?.. પૈસા ગણીને  તમારી પ્રમાણિકતા પર  શંકા  કરૂ? ના..બેન ના!.. બેન..આપનો આભાર વ્યકત કરવા મારી પાસે કોઈ શબ્દ નથી!! કહી..એક હજાર રોકડા જીવીના હાથમાં આપી કહ્યું..બેન. આવતી કાલે ભાઈબીજ છે.બેનનું ઋણ  અદા કરવા આ એક નાનીસી ભેટ.. કહી મણીપ્રસાદ પૈસાની બેગ લઈ ઘર તરફ રવાના થયાં…જીવીબોલી: “દીકરા…લક્ષ્મીજી આપણાં ઘેર આવી  તો ખરી…આ લે પૈસા જઈ  ગાંઠીયા અને પેંડા લઈ આવ….ચાલ હું અને તું બન્ને નવા વરસમાં મોં મીઠું કરીએ…

Advertisements

November 3, 2010 - Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના

4 Comments »

 1. good one!

  Comment by vijayshah | November 4, 2010

 2. A noble story.
  Ramesh Patel(Aakashdeep)

  Comment by Ramesh Patel | November 9, 2010

 3. ખુદાના ઘેર દેર છે, અંધેર નહીં.

  Comment by Rajul Shah Nanavati | November 10, 2010

 4. સરસ વાર્તા

  Comment by Indu SHAH | November 18, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s