એશાની પિગીબેન્ક!
મુકેશે એમના પિતાના બારમા માં મંદીરમાં લાડુ, મોહનથાળ, ખમણ-ખમણી,બેત્રણ ચાક અને ફરસાણ બનાવડાવી ૧૦૦૦ લોકોનું જમણવાર કરી સૌને જમાડ્યાં. ઉપરાંત મંદીરમાં ૫૦૦૦ ડોલરનું ડૉનેશન કરી સ્વ.પિતા દયારામભાઈ છબ્બી મંદીરમાં મુકાવી.”વાહ, વાહ દીકરો હોય તો આવો હોવો જોઈએ! સ્વ.પિતા પાછળ દાન કરવામાં જરી પણ કરકસર કરી નથી. ભાઈ, એમના દીકરા તો કરે પણ દીકરાની વહું ઉમા પણ એટલીજ ઉદાર કે જમણવારમાં આવેલ દરેક ફેમિલીને કૃષ્ણની ચાંદીની મૂર્તિ ભેટમાં આપી! સાચીવાત છે આજકાલ આવા દીકરા ક્યાં જોવા મળે છે?” સ્વ.દયારામભાઈ જૈનધર્મનું પ્રખ્યાત ગામ પાલિતાણામાં મામલતદાર તરીકે ૩૦ વર્ષે સર્વિસ કર્યા બાદ અહી અમેરિકા એમનાં એકના એક દિકરા મુકેશને ત્યાં કાયમ માટે નિવૃત જીવન વિતાવી રહ્યાં હતાં. અમેરિકન સીટીઝન હતાં એથી મેડીકેર તેમજ એસ.એસ.આઈ( સોસિયલ સિક્યોરિટિ ઈન્કમ)ના પૂરા બેનીફીટ્સ મળતાં હતાં.
ઉમા આજે ઘેર હતી. તેણીની દીકરી સાત વર્ષની એશાને સવારે સ્કૂલબસમાં બેઠાડી ઘેર આવી સ્વ.દયારામના રૂમ સાફ કરી રહી હતી.સસરાનો બેડ,મેટ્રર્સ,કમ્ફોટરર્સ,ચાદર,પીલો તેમજ સસરાના રૂમનું ફર્નિચર બધું ગરાજ-સેલ માટે કાઢી રાખ્યું હતું.આજે એ બેડરૂમ માટે નવું ફર્નિચર આવવાનું હતું તેથી રૂમમાં વેક્યુમ કર્યુ અને ખુણામાં પડેલી સસરાની સુટકેશ ઉપાડી બહાર કાઢી..કુતુહુલતાથી સુટકેશ ખોલી જોયું તો તેમાં એક કવર હતું.કવર જલ્દી જલ્દી ફાડ્યું, એમાં એશાને સ્વ.દયારામભાઈએ ઈગ્લીશમાં લખેલ પત્ર હતો!
” મારી વ્હાલી એશા,
મારા દીકરાની દીકરી,વ્યાજનું પણ વ્યાજ. તે મને મારી જીવનસંધ્યાને ટાણે તે ઉગતી ઉષાની જેમ નિર્દોષ આનંદ આપી પ્રેમના અમી છાંટણા છાંટી મને કાયમ ખુશ રાખ્યો છે..તું ના હોત તો હું આ ઘરમાં એક નજરકેદમાં જીવતા શાહજહાં જેમ જીવવું પડત….મારે તારી માફી માંગવાની છે! આ દાદાને માફ કરીશને? હું તારો ગુનેગાર છું! સાંભળ્યું છે કે દીકરીને એટલું દાન કરો કે જેથી તમો આ ભવમાંથી છુટી મોક્ષનો માર્ગ મળી જાય…પણ દીકરી, મારી પ્રપૌત્રી, તને મેં કશું આપવાને બદલે એશા, તારી પાસેથી છાની છપની મેં ચોરી કરી છે! શું કરૂ? માનવીને મજબુરી નીચ કૃત્યો કરવા મજબુર બનાવી દે છે! મને સોસિયલ સિક્યોરિટિના જે ૫૦૦ ડોલર મહિને મળે છે તે પણ તારા મમ્મી અને ડેડી લઈ લે છે અને કહે છે: “પપ્પા, તમારે પૈસાની શું જરૂર છે? ઘરમાં ત્રણ ટક ખાવા મળે છે, રહેવા રૂમ મળે છે અને ડૉકટર અને દવા ના પૈસા સરકાર આપે છે.મારી પાસે હાથ ખર્ચીનો એક પૈસો પણ ના હોય! દીકરી, યાદ છે ? તું મને તારી પિગીબેન્કના પૈસા ગણવા મદદ માંગતી અને તારી પિગીબેક તારા રૂમમાં જ્યાં સંતાડતી તે માત્ર તને અને મનેજ ખબર! વીકએન્ડમાં તું તારી મમ્મી અને ડેડી બહાર જાવ અને અને બહાર ખાઈને જ આવો..જતાં જતાં તારી મમ્મી કહેતી જાય: ‘પપ્પા, રેફરીજરેટરમાં ગઈકાલની ખીચડીને કઢી પડ્યાં છે તે માઈક્રોવેવમાં ગરમ કરી જમી લેજો.’ વીકએન્ડ આવે મને જરી પણ ગમે નહી! “વીકએન્ડમાં રેફરીજરેટર મારો બાપ અને માઈક્રોવેવ મારી મા”..બસ મારે તો “Left-over food”(વધેલું વાસીજમણ) ખાવાનું..વાસી ખાવાનો કંટાળો આવે..વાસી ખાવાથી ગેસ અને બીજી તકલીફ પણ વધે!..બેટી! તમો વીકએન્ડમાં જ્યારે બહાર જાવ ત્યારે તારી પિગીબેન્કમાંથી પાંચ ડોલર લઈ આપણા ઘરની નજીકમાં..Walking distance(ચાલીને જવાય એટલું અંતર) ટાકો-બેલ(taco-bell) છે ત્યાં હું ચાલી જઈ આરામથી મેક્સીકન-ચીઝપીઝા,સોફ્ટ ડ્રીન્કની મજા માણું..પાછો ઘેરે આવી મારા માટે વાસી ખાવાનું રેફરીજરેટરમાંથી કાઢી લઉં અને બધું પ્લાટીક બેગમાં એવી રીતે ભરી દઉં કે તારી મમ્મીને કશી ખબર ના પડે એવી રીતે ગારબેજ કેનમાં નાંખી દઉ! આવી રીતે મેં અવાર-નવાર તારી પિગીબેન્કમાંથી પાંચ,પાંચ ડોલરની ચોરી કરી છે.નાના ભુલકાના પૈસા ચોરી લેવા દીકરી, ઘોર પાપ છે જાણું છું છતાં ચોરી કરી છે હું આ ભવમાં તને ભરપાઈ કરી શકું તેમ નથી. આ તારા દાદા તારાજ ગુનેગાર છે દીકરી! ખબર નથી કેટલું જીવીશ? પણ મારા ગુન્હો વધતો જાય છે એટલે આ ગુનેગાર ને ઉપર વાળો જલ્દી બોલાવી આકરામાં આકરી સજા ફટકારશે..એની તો મને ખાત્રીજ છે!!! તું તો મને માફ કરીશને?
-તારા અભાગી દાદા.”
આપનો અભિપ્રાય જરૂરથી આપશોજી