બધું માગવા જેવું નથી…
ઘણીવાર કોઈ પ્રિય વ્યુક્તિને ઉંમ્રે નૂહ મળે એવું કહેવામાં આવે છે. કહેવાય છે કે નૂહ ૨૩૦૦ વર્ષ જીવ્યા હતા.અતિશય સંયમી જિંદગી જીવતા નૂહે ૨૦૦ વર્ષ કસ્તી બનાવવામાં ગાળ્યા હતાં.જીવનનાં છેલ્લાં ૫૦૦ વર્ષ એમણે લોકોને ફરીથી વસાવવા અને આબાદ બનાવવામાં ગાળ્યાં હતાં.નાસ્તિકોની અક્કલ ઠેકાણે લાવવા માટે તે પ્રલય માગી બેઠેલા. તેમની કસ્તીમાં ૮૦ માણસો હતા. પશુ,પક્ષીઓ પણ હતાં. પ્રલયનું તોફાન શમ્યા પછી ૮૦ માણસોની જે વસ્તી આબાદ થઈ એમાં પણ નાસ્તિક લોકો હતા. એ બધા પણ વિચિત્ર રોગચાળામાં મરી ગયા.માત્ર નૂહ તેના ત્રણ દિકારા અને વહુ બચી ગયાં. આ ત્રણ જોડામાંથી આખી દુનિયા ફરી વસી.
પછી ખુદાએ એક ફરિશ્તાને નૂહ પાસે કૂંજો ખરીદવા મોકલ્યો. પેલાએ કિંમત ચૂકવી કુંજો લીધો અને ફોડી નાખ્યો. આવું એ ફરીફરીને કરતો રહ્યો. પૈસા ચૂકવે, કૂજો ખરીદે અને ફોડી નાખે. આખરે હુઝરત નૂહથી ના રહેવાયું. તે બોલી ઊઠ્યા,”ભાઈ આ તું શું કરે છે?” પેલાએ જવાબ આપ્યો, “હું કિંમત ચૂકવું છું. કૂજો મારો છે. પછી તમને શું વાંધો છે.” નૂહ બોલ્યા,”ભાઈ, તારી વાત સાચી છે પણ આ કૂંજો મેં મારા હાથે ઘડ્યો છે.એટલે તું તોડે છે ત્યારે મને દુ:ખ થાય છે.” તુરત જ પેલો ફરિશ્તો બોલી ઊઠ્યો,”આપે બનાવેલી ચીજ આપની નજર સામે નાબૂદ થઈ એટલે આપને દુ:ખ થઈ રહ્યું છે. તો વિચાર કરો કે ખુદાએ બનાવેલી દુનિયાના સર્વનાશ માટે આપે દુઆ કરી, ત્યારે શું ખુદાને દુ:ખ નહી થયું હોય?* આ સાંભળી નૂહ ચમક્યા, પછી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પસ્તાવાનાં આસું સારતાં રહ્યા.(*સૌજન્ય: શરીફા વીજળીવાળા)
આપણે પણ ઘનીવાર કોઈ ખોટી વસ્તુ ભગવાન પાસે માગી બેસી છીએ. કોઈને સીધા કરવા, કોઈની સાન ઠેકાણે લાવવા પ્રલય જ માગી બેસીએ છીએ અને પછી બાકીની જિંદગી એના પસ્તાવામાં જ ગાળીએ છીએ. ક્યારેક તો એ પસ્તાવો પણ નથી કરતા. ક્યારેક પસ્તાવાનો વખત પણ નથી રહેતો, મોડું થઈ ગયું હોય છે. આજ ભાવ આ ગઝલના પેહેલા શે’રમાં, પ્રથમ બે પંકતિઓમાં જુદી રીતે આવ્યો છે.
શું મળ્યું, બોલ હ્ર્દય બોલ પ્રલય માગીને?
ને પશ્વાત્તાપમાં રડવાનો સમય માગીને.
સદાય ભીખ તો ભીખ જ રહે છે ઓ મિત્રો,
કરી મૂક્યો છે તમે તુચ્છ વિજય માંગીને.
ઘણાય હોય છે વક્તાઓ એટલે ભૂખ્યા,
ભરે છે પેટ ગમે તેવા વિષય માગીને.
તને ખબર નથી તેં સાંજ સ્વીકારી લીધી,
ઘડીક નામના સૂરજનો ઉદય માગીને.
ખરું કહું છું એ સદગુણ તો હ્ર્દયનો છે,
નથી એ વસ્ત્ર કે પહેરાય વિનય માગીને.
કદીક હાથ એ માગ્યો’તો હ્ર્દયને ખાતર,
ગયાં છે એજ તો બદલામાં હ્ર્દય માગીને.
-રાજેશ વ્યાસ-‘મિસ્કીન'(સૌજન્ય: ઉદ્દેશ)