પિતાની યાદ કરતો નાનકડો લેખ…
અમેરિકાની લેખિકા હૉલેટે પોતાના એકાંતમાં પિતાની યાદ કરતો નાનકડો લેખ:
” મારા ડેડીને હું યાદકરું છું..હું ગમે તેટલી વહેલી ઊઠી જાઉં, પણ ડેડી તો મારા કરતાં વહેલા ઊઠી જ ગયા હોય છે.અને પછી હંમેશા તેમના ચહેરા ઉપર સવારનું સ્મિત હોય છે.તેમણે ટ્રાન્ઝિટરમાં મુકેલું સંગીત સંભળાતું હોય છે.દાઢી બનાવતી વખતે તેમનો આ નિયમ છે.એક ખરબચડા જૂના સ્ટૂલ ઉપર બેસીને તે દાઢી કરતા હોય છે. તેમનો રોજિંદો ભરચક કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમે બન્ને ટુચકા કહીને એકબીજાને હસાવીએ છીએ.હું તેમનું સાબુનાં ફીણવાળું મોઢું જોઈ એને હસું છું. તેમના શેવિંગ ક્રીમની સુગંધ મને ગમે છે. ડેડી ટાલ્ક પાઉડર વાપરે છે. ઓલ્ડ સ્પાઈસનું શેવલોશન વાપરે છે. આ શેવલોશનની સુગંધ સાથે તેમના જીવનના રમૂજી ટુચકાની સુગંધ ભળે છે.તેઓ મને તેમના જીવનના રસિક પ્રસંગો કહી સંભળાવે છે.ડેડીની આજુબાજુ તમે હો તો હાસ્ય વગર રહી જ ન શકો…અને બીજીવાત. મારા ડેડી કેટલી વ્યવસ્થિત રીતે દાઢી કરે છે તે જોવા જેવું હોય છે.શરૂમાં તે ટુવાલના ટુકડાને ગરમ પાણીમાં બોળીને વ્યવસ્થિત રીતે દાઢીના વાળને કૂણા કરે, તે પછી એકદમ સુઘડ ઢબે એ કપડાને અમૂક જગ્યાએ મૂકે. દાઢી કરે તે જોવાની મજા પડે. પછી આખા વૉશબેસિનને સરસ રીતે સાફ કરે. તેમની સુઘડતા જાણે દાખલારૂપ બની જાય.જ્યારે ડેડી તેમની મૂછને વ્યવસ્થિત કરતા હોય ત્યારે મનોરંજન સાથે મને કંઈક શિખવતા પણ હોય છે. મારા ડેડીથી હુ હંમેશ પ્રભાવિત રહું છું. હું પણ તેમને મારા ગમા-અણગમાની વાત કરૂ છું. મને મેરીલીને બદલે મેડી કહે છે. ડેડી સાથેનો પ્રાસ મેળવવા….
…અને આજ મારા ડેડી નથી. પણ તેમનો પ્રેમ ગયો નથી. તેમના પ્રેમને એક કપડાની માફક ચારેકોર વીટાળું છું અને દરેક સવારે જ્યારે બેસિનની કબાટડી ઉપરના ઓલ્ડ સ્પાઈસની સુગંધ આવે છે ત્યારે મારા એકાંતમાં મારા ડેડી સાથે હું પાછી તન્મય થઈ જાઉં છું”
સૌજન્ય:ચેતનાની પળે-કાન્તિ ભટ્ટ
સંકલન: વિશ્વદીપ