"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“આંખ ભીની ના થવાની શરતે રડવાનું કહ્યું”

મોજ    મસ્તી   તાજગી મારા વિના ક્યારે હતી,
આવી   ઝાકમઝોળ   આ તારી સભા ક્યારે હતી.

પોત   પોતાના    જ માટે    સૌ કરે છે પ્રાર્થના,
કોઈના    માટે    કદી  કોઈ  દુવા   ક્યારે હતી.

હું ય  ક્યાં ફૂલોની  માફક કોઈ દિ’ ખીલી શક્યો,
તું  ય   જો   ખૂશબૂની માફક બેવફા ક્યારે હતી.

એણે   શ્વાસમાં   જ    વાવાઝોડું   સંતાડ્યું હશે,
હા, નહિતર   આવી  ભારેખમ  હવા ક્યારે હતી.

સંત  અથવા  માફિયા માટેના   છે જલસા બધા,
આપણા    માટે તો    આવી સરભરા ક્યારે હતી.

આંખ   ભીની ના  થવાની   શરતે રડવાનું કહ્યું,
કોઈ   પણ   કાનૂનમાં  આવી સજા ક્યારે હતી.

રમતાં રમતાં મેં ગુજારી છે ખલીલ આ જિન્દગી,
મારી   કોરી આંખમાં   ભીની વ્યથા કયારે હતી.

-ખલીલ ધનતેજવી

સપ્ટેમ્બર 15, 2010 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: