"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નારી! તું તારિણી..

                                                                       

સમાજમાં માતૃશક્તિની સ્થાપના

  આજે સ્ત્રી ઘરમાંથી બહાર તો નીકળી છે, પણ તે કેવળ કારકિર્દી બનાવવા માટે નીકળી છે. તેમાં તેણે અદભુત સફળતા પણ મેળવી છે અને જ્વલંત વિક્રમો પણ સ્થાપ્યાં છે. તેમ છતાંય, એ બધામાં એની નાગરિકતા પ્રગટ નથી થતી. સ્ત્રીએ સમાજને પરિવાર નામની ભેટ આપી. પરિવારમાં સ્નેહ, સહયોગ, સમર્પણનાં મૂલ્યો સ્થાપ્યા. સમાજમાં અ બધાં મૂલ્યો છે પરંતુ ગૌણરૂપે છે.ચલણી સિક્કા રૂપે તો સમાજમાં બળનું, સત્તાનું, સંપત્તિ અને હિંસાનું ચલણ છે.આવા ઉપદ્રવકારી મૂલ્યોનું ચલણ રહેશે ત્યાં સુધી સ્ત્રી સૌથી વધારે શોષિત, પીડિત વર્ગ તરીકે રહેશે. પોતાનું શોષણ અટકાવવા અને સમાજને નવી દિશા આપવા માટે સ્ત્રીએ પોતાના સાચા સ્ત્રીત્વ સાથે સમાજમાં પદાર્પણ કરવાનું છે.ઘરની બહાર નીકળી કેવળ પુરુષોનું  અંધ અનુકરણ કરવાનું નથી.પુત્રી, બહેન, પત્નિ અને માતા ઉપરાંત હવે “નાગરિક”ની ભૂમિકા પણ નિભાવવાની છે.સમાજનું મૂખ્ય ઘટક છે-નાગરિક.
                                                                         બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીએ ‘અહિંસક સમાજ’ની સ્થાપના કરવાની છે.આ અહિંસક સમાજની સ્થાપના માટે સમાજમાં માતૃશક્તિનું પ્રાગટ્ય થાય એ ખુબ જરૂરી છે.અત્યાર સુધી માતૃશક્તિ પરિવારપર્યત સીમિત રહી, પરંતુ હવે માતૃશક્તિએ સમાજ નિર્માણ માટે સક્રિય બનાવવાનું છે.આજના યુદ્ધપીડિત અને હિસાદગ્ધ જગત માટે તારકશક્તિ કોઈ હોય તો તે કેવળ આ માતૃશક્તિ છે. આજે બે ચીજ વકરી ગઈ છે. હિંસાએ ‘અતિહિંસા’નું અને ભોગે ‘અતિભોગ’નુ સ્વરૂપ ધારણ કર્યું છે.
                                                                          વિજ્ઞાને અણુ-પરમાણુ બૉમ્બ સર્જીને કબ્રસ્તાન બનાવવા તરફ તે આગળ લઈ ગયું છે અને ભોગને અમર્યાદપણે ભોગવવાની તૃષ્ણા બહેકાવી મૂકીને પૃથ્વીને નરકાગાર બનાવવાની તરફ આગળ લઈ જઈ રહ્યુ છે.’અતિહિંસા’ અને ‘અતિભોગ’માં સૌથી વધુ સહન કરવાનો વારો કોઈને આવતો હોય તો તે છે-“સ્ત્રી”. યુદ્ધમાં પુરુષોની તો માત્ર જાનહાનિ થાયછે, પરંતુ સ્ત્રીઓને તો પોતાના જીવ આપતાં અગાઉ અનેક પ્રકારની અમાનુષી નરકલીલામાંથી પસાર થવું પડેછે. ભૂખ્યા વરૂ જેવા સૈનિકોની ધખધખતી વાસનાના શિકાર બનવું, સામુહિક બળાતકારોના ભોગ બનવું, અંત:સત્વને કચડતું અનુભવવાની સાથોસાથ પોતાના ગર્ભમાં અવાંછનીય યુદ્ધબાળોને ધારણ કરવાં, જેમના કોઈ પિતા હોતા નથી.કચરાનું સ્થાન ખુણાના ઉકરડામાં હોય , તેમ આવી યુદ્ધપીડિત સ્ત્રીઓ માટે “વેશ્યાલય” એજ એકમાત્ર ઉગારો બની રહે છે. સ્ત્રી એટલે કોઈ સ્વંતંત્ર માનવચેતના નહી, સ્ત્રી એટલે ભોગવવાનું એક સાધન, મન બહેલાવવાની એક ચીજ, રૂપકડું રમકડું, ઢીગલી!

                                                                       તો આ ‘અતિહિંસા’ અને ‘અતિભોગ’ના મૂલ્યોને સ્થાને ‘અહિંસા” અને સંયમની સ્થાપના માટે સ્ત્રીઓ બહાર આવે.પુરુષોનું માત્ર અનુકરણ કરવા નહીં. યુગ-યુગાંતરથી પુરુષોએ સમાજ ચલાવ્યો પૃથ્વી પર લોહીની કેટલી નદીઓ વહી? માનવ સમાજે કેટલા યુદ્ધો જોયાં? જંગલમાં જંગલી પ્રાણીઓ હિંસા કરે છે, પરંતુ માનસ એવો તો લોહીતરસ્યો બની ગયો છે કે સતા અને સંપત્તી જેવી ક્ષુદ્ર બાબતો માટે પૃથ્વી પર સતત લોહી રેડતો રહે છે, એટલે  પુરુષોનું  અનુકરણ કરી હાથમાં બંદુક ઉપાડવા કે શરાબની બોટલ લેવા સ્ત્રીએ સમાજ વચ્ચે આવવાને જરૂર નથી, એના કરતા એ ઘરની ચાર દીવાલો વચ્ચે  રહે  તે વધારે સારુ છે. સ્ત્રીએ ઘરની બહાર સમાજ વચ્ચે આવવાનું છે, તે આ યુદ્ધો નાબૂદ કરી’અહિંસા’ની સ્થાપના માટે, ‘શાંતી’ને સાકાર કરવા, સત્તાને સ્થાને સેવા, સ્પર્ધાને સ્થાને સહકાર, ‘ભોગ’ને સ્થાને’સંયમ’ની સ્થાપના કરવા આવવાનું છે…(ક્રમશ)

સંકલન: વિશ્વદીપ
“નારી! તું તારિણી”-મીરા ભટ્ટ

ઓગસ્ટ 6, 2010 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: