કોઈ આગળ નડ્યા..
કોઈ આગળ નડ્યા એવા કે રસ્તાઓ રૂંધી નાખ્યાં,
કોઈ પાછળ પડ્યા એવા કે પગલાંઓ ભૂંસી નાખ્યાં.
દુ:ખો છે આ, દુ:ખોના તે વળી દેખાવ શા કરવા?
નયનમાં આંસુ આવ્યાં કે તરત એને લૂછી નાખ્યાં.
હતાં એ ઝેર કે અમૃત, સવારે જાણ થઈ જશે;
અમે તો રાતનાં જે મળ્યાં પીણાં એ પી નાખ્યાં.
હતી એવી અછત જીવન મહીં કે એ પૂરી કરવા;
મહામૂલાં હતાં જે સ્વપ્ન, એ પણ વાપરી નાખ્યાં.
વિરહની રાતને અજવાળવાનું ઠીક ના લાગ્યું;
હતા બેચાર દીવા આરઝૂના, ઓલવી નાખ્યાં.
હું જીવતો હોત તો બેફામ સૂંઘી તો શકત એને;
કબર પર તો ફૂલોને સૌ એ વેડફી નાખ્યાં.
-બરકત વીરણી’બેફામ’