"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માની મમતા..

 

                                                     દરેક માતાને ખરેખર એવી ઝંખના હોય છે કે એ બાળકોના દુ:ખ સામે ઢાલ બને. જિંદગીના પ્રશ્નને, વિમાસણ, વિટંબણા  અને જખમો વખતે છત્ર પૂરું પાડે. પોતાના હેતાળ ખોળાની હૂંફ આપીને વહાલભર્યા ચુંબનથી આંસુઓ લૂછે, શાતાદાયક શબ્દોથી લાલનપાલન કરે.

                                                    …પણ જિંદગી આમ સીધી લીટી પર ક્યાં ચાલતી હોય છે. અલબત હું ભગવાનને પ્રાર્થના કર્યા કરું છું કે તેઓના દુ:ખદર્દ મને આપી દે, હું સહન કરી શકું છું, તેઓને નિચિંત બનાવી દે, જો કે હું જાણું છું કે ઈશ્વર આ વાતમાં સંમત નહી થાય. એમના સ્નેહમાં સુખદુ:ખની સરવાણી સાથે વહેતી હોય છે. એમના વહાલ ભર્યા વહેવારમાં  હોય છે  બોધપાઠ, આકરી તાવણી અને અંધકારમય દિવસો અને આ કસોટીની પડખે પડખે પનપતું હોય છે હાસ્ય , પ્રકટતો હોય છે, આનંદ અને દેખાતા હોય છે ઊજળા દિવસો. સુખ અને દુ:ખની આ જુગલબંદી વગર વૃદ્ધ કે યુવાન બન્નેનાં જીવન ઊબડખાબડ,આ શક્ત અને અનવિકસિત બને છે.

                                                      આથી સાર નિકળે છે કે હું માતા હોવા છતાં સારવાર કરી શકું પણ તેઓના દર્દની દવા બની શકું નહીં. હું તેઓમાં ઓતપ્રોત થઈને સાક્ષીભાવે સામેલ થઈ શકું એવી રીતે કે હાજર હોઉં પણ ક્યાંય માથું મારું નહીં, પ્રેમ વરસાવું પણ ગુંગળાવું નહીં, તકેદારી રાખું પણ કુતૂંહલ નહીં. હા, હું તેઓ માટે પ્રાર્થના કરી શકું. આસાન સફર માટે નહીં પણ અડગ શ્રદ્ધા, હિંમત અને પ્રેમ માટે જેના સથવારે જિંદગીનો વિકટતમ માર્ગ સલામતીથી પાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય.

સૌજન્ય: “સમયની સોગાદ”-સંપાદક: રમેશ પુરોહિત

જુલાઇ 15, 2010 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: