ચાલ્યા જશું….
ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું.
દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.
યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.
આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો,
શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા જશું.
ધૂમ્ર થઇ જાતે કરો પૂણાર્હુતિ આ યજ્ઞની,
‘ઇન્દ્ર’ છેવટ એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.
-હિતેન્દ્ર કારિયા (divya Bhaskar)
થોડું આગળ અમૃતની વાત —————————-
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
છો ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
વિશ્વદિપભાઈ,
સૌ પ્રથમ તો મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ અને આપના અમૂલ્ય પ્રતિભાવો આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
બીજું આપના બ્લોગની મુલાકાત લીધી , ખરેખર ખુબજ સુંદર રચનાઓ અને સુંદર ચિત્રો નો અનોખો સંગમ છે.
ના મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું
વાહ મજા આવી ગઈ !
પ્રજ્ઞા.