સાવ કોરો હાંસિયો…
ખૂબ સ્વ છંદી નદી છે, ફાવે ત્યાં ફંટાય છે,
તે છતાં કાં નદી, અવલોકમાં પૂજાય છે.
મોરપિંછાની થવાની માનતા પૂરી હવે,
આંગળી પકડી પવનની, દ્વારકા એ જાય છે.
માછલીએ જાળને જમવાનું દીધું નોતરું,
તે પછી દરિયામહીં એ માછલી ચર્ચાય છે.
કાટખૂણે જાતને છેદી શકો તો ધન્ય છો,
સત્ય આ સમજાવવા તો સાથિયા ચીતરાય છે.
શિર ગગનું શર્મથી ઝૂકી જતું જોઈને,
ભાન ભૂલી સૂર્ય જ્યારે ખીણમાં રોકાય છે.
રણ તને છાંટો ય પાણી નહિ મળે, કેમ કે-
આકાશમાં તો black માં વાદળા વેચાય છે.
શબ્દને સાધી શક્યાની વાત તો બહૂ દૂરની,
સાવ કોરો હાંસિયો પણ ક્યાં હજી સમજાય છે.
-ધૂની માંડલીયા