નદીકિનારાની ભેખડ છું
અશબ્દ વાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ,
ખમો હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ.
કરો મને તમે આજ સિન્દૂરી થાપા,
હું પાળિયો છું- પછી ધૂળથી છવાઈ જઈશ.
નથી હું રાતનો ઓથાર કે બહું પીડું,
પ્રભાતકાળનું સ્વપ્ન છું હુ ભુલાઈ જઈશ.
હું ચૈત્ર છું, મને ઝંખો નહીં અષાઢરૂપે,
ગગનથી નીચે વરસતામાં હું સુકાઈ જઈશ.
લખું છું નામ તમારું હથેળીમાં આજે,
ને હિમખંડથી, સંભવ છે, હું ગળાઈ જઈશ.
સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની ભેખડ છું હું -ઘસાઈ જઈશ.
-ભગવતીકુમાર શર્મા
સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની ભેખડ છું હું -ઘસાઈ જઈશ.ખૂબ સરસ
પૂ.રવિશંકર મહારાજે ઘસાઈને ઊજળા થવાની વાત કહી છે કાટ ઘસાઈ જાય ત્યારે લોઢું ચાંદી જેવું ચમકે છે. ઊજળું અને રેશમ જેવું સુંવાળું પણ હોય છે! રવિશંકરદાદા ગુજરાતની અસ્મિતાના સાચા જ્યોતિર્ધર છે. તેઓ સેવામૂર્તિ હતા. જાતે ઘસાઈને ઊજળા થઈને બીજાની મદદ કરીને, બીજાને ઉપયોગમાં આવીને સાદગી-સેવા વિનમ્રતા-ઋજુતાની સદેહ મૂર્તિ બનનાર પૂ. રવિશંકર મહારાજે માણસાઈના દીવા પ્રગટાવ્યા હતા.
સિદ્ધહસ્ત સર્જકોની એકએક પંક્તિમાં કેટલું સુક્ષ્મ સંવેદન પ્રગટી શકે છે ! સમગ્ર રચના ભાવ–વિચારથી સુંદર રીતે કંડારાઈ છે.