"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અલવિદા, જોસેફ મેકવાન

અલવિદા, જોસેફ મેકવાન

એમનું અમૃતપર્વ ઊજવી શકીએ, રૂડી પેરે ને રંગેચંગે, તે પહેલાં જ જોસેફભાઈ ડાયરામાંથી ઊઠી ગયા. જોસેફ મેકવાન ગયાનું સાંભળ્યું અને મન પચીસેક વર્ષ પાછળ ચાલી ગયું, પહેલા પહેલા પરિચયની યાદોમાં. એ વર્ષોમાં એમણે સરસ પાત્રો કરવા માંડેલાં. એમની લાડુમાએ આ લખનાર પેઠે કેટલાનાં પોપચાં પલાળ્યાં હશે, ન જાણે. દેશ આખાએ એમને ‘આંગિળયાત’ના લેખક તરીકે ઓળખ્યા, પણ એ તો પછીની વાત. ગુજરાતને એમનો હૃધ્ય પરિચય થયો તે ૧૯૮૫માં ‘વ્યથાનાં વીતક’ એ ચરિત્રલેખો સાથે. ત્યારે સરસ ને સચોટ કહેલું નીરવ પટેલે કે હરેક જમાનાને એનો જોસેફદાદો મળી રહો.

મધ્યમવર્ગી ગુજરાતને અજાણી એક આખી દુનિયા, કહો કે દલિતોનો દેશ, જોસેફ મેકવાને એમનાં ચરિત્રો સાથે ને વાર્તા-નવલકથાઓ સાથે ઉઘાડી આપી. ૧૯૮૫-૮૬ એટલે કે ‘વ્યથાનાં વીતક’ અને ‘આંગિળયાત’નાં પ્રકાશન વર્ષોનું મને હંમેશ એક વાતે કૌતુક રહ્યું છે. તમે જુઓ કે ૧૯૮૭માં, એટલે કે ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પ્રકાશિત થયાને સો વર્ષ થવામાં હતાં અને જોસેફ સહસા પ્રગટ થયા. જોસેફભાઈ કરતાં બે’ક વર્ષ પહેલાં કુંદનિકાબહેન ‘સાત પગલાં આકાશમાં’ લઈને આવ્યાં. નારી ચેતના અને દલિત ચેતનાના આ પ્રસ્ફોટો, કેમ જાણે પ્રાૈઢ ગુજરાતી નવલકથાની શતાબ્દીની નાંદી ઘટનાઓ ન હોય!

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ગ્રેજયુએટોનો જે પહેલો પહેલો ફાલ આવવા લાગ્યો, એમને લાયક એવું, ભણેલ લોકની નાની દુનિયાનું પણ સામંતી માહોલમાંથી બહાર આવવા કરતું ભાવવિશ્વ ગોમાત્રિ લઈને આવ્યા હતા. વાલકેશ્ર્વર અને સુંદરગિરિના અધ્ધર ને સધ્ધર લોકનું માણસ કલ્યાણ ગ્રામનાં સપનાં જરૂર જોતું હતું, પણ એ ભદ્ર દુનિયા હતી. ગોમાત્રિમાં નહીં એવા ધસમસતા વાર્તાવેગે મુનશી જરૂર આવ્યા પણ એ પ્રતાપી પાત્રોની રાજદુનિયા હતી. અને લોક? એને તો આપણા એકના એક પનાલાલ લઈ આવ્યા ત્યારે. પનાલાલ ગયા ત્યારે જો સહૃદય ગુજરાતે એમ કહેવાનું થયું હોય કે એ લીલી વાડી મૂકતા ગયા છે તો એનું કારણ એ હતું કે આપણી વચ્ચે રઘુવીર, ભગવતીકુમાર વગેરે હોવા ઉપરાંત ત્યારે સવિશેષ તો જે મનેખને તમે અને હું ભદ્રલોક ઝાઝાં મુખોમુખ થયા નહોતા એને મેળવી આપનારા જોસેફ એ વર્ષોમાં તરત આવી મળ્યા.

આરંભે કહ્યું કે હર જમાનાને એનો જોસેફદાદો મળી રહો. પણ જોસેફભાઈએ ‘આંગિળયાત’માં આમ તો વીતી ગયેલા જમાનાની વાત કરી છે. એમના જ શબ્દોમાં કહું તો એક આથમી ગયેલી સંસ્કૃતિ અને સાયાસ વિસારે પાડવામાં આવી રહેલી સામાજિકતાની એ વાત છે. અલબત્ત, એમણે ઉમેર્યું છે કે એ સમાજવ્યવસ્થાની પુન: પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્વશીલતાના પુરસ્કારનો ઉદ્દેશ છે.

મારો રસ ને ખેંચાણ, એમાં વીતેલા જમાના તરીકે એવાં ને એટલાં નથી જેવાં ને જેટલાં મારી સાંકડી દુનિયામાં દલિત પાત્રોના પ્રત્યક્ષ પ્રવેશ અને પરિચયનાં છે. ખરું જોતાં, ભદ્ર ગુજરાત આ એક જ વાત માટે પણ લાંબો સમય દલિત સર્જકોનું ઋણી રહેશે. ભોં અલબત્ત, જોસેફભાઈએ ભાંગી, પણ હવે તો દલપત ચૌહાણ, મોહન પરમાર અને બીજાઓ પણ આપણી વચ્ચે છે.

બકુલ ત્રપિાઠી બરાબર સાહિત્ય પરિષદની શતાબ્દીના અરસામાં જ પ્રમુખ થયા ત્યારે એ જોગાનુજોગ હોંશે હોંશે સંભારવાનું બન્યું હતું કે સો વર્ષ પહેલાં એક નડિયાદી નાગર નામે ગોવર્ધનરામ ત્રપિાઠી પહેલા પ્રમુખ બન્યા હતા, અને હવે સોમે વર્ષે બીજા નડિયાદી નાગર, નામે બકુલ ત્રપિાઠી. જોકે યુગઘટનાની રીતે વધુ સમર્પક ઉલ્લેખ કદાચ એ છે કે જે ચરોતરે ગોમાત્રિ આપ્યા, એ જ ચરોતરે જોસેફ પણ આપ્યા. જોસેફભાઈ પૂર્વે પેટલીકરે ચરોતરની ગોમાત્રિ-ઇતર સ્úિષ્ટ કંઈક ખોલી હતી- અને પછી તો જોસેફભાઈ જે કોળ્યા છે… તમાકુની ખળીઓમાં શોષાતાં જીવતરની ખરખબર વગર કલ્યાણગ્રામ ખાલી ખાલી ખખડતું હોત.

રણજિતરામ ચંદ્રક, કેન્દ્રની સાહિત્ય અકાદમીનું પારિતોષિક, દર્શક સન્માન, મળી શકે એટલાં માન અને શતસહસ્ર વાચકચાહકગણ એમને મળ્યા છે. પ્રસંગે શબ્દબંબોળ ને વગિત તરબોળ થઈ જતાં હોવા છતાં એ લાંબો વખત વંચાશે એમાં પણ શંકા નથી. લેન્સી લોબોએ ‘ન્યૂ કવેસ્ટ’માં ‘આંગિળયાત’ પર સવિસ્તર સમીક્ષાલેખ કરેલો તે અહીં સાંભરે છે. એમણે લખેલું કે વણકરો ઉપરાંત હજુ તો ભંગી, શેણવા, ચમાર સૌ સાહિત્ય ચિત્રણની રાહ જુએ છે. ભાઈ, મેઘાણીએ પણ ‘માણસાઇના દીવા’ને પારિતોષિક મળ્યું ત્યારે કેટલા બધા પ્રજાવર્ગો હજુ સાહિત્ય પ્રવેશની રાહ જુએ છે એની વાત કરી હતી. સતત ચાલતી પ્રક્રિયા છે આ તો. એમાં એક નાજુક નિણૉયક પળે જોસેફ આવ્યા અને ન્યાલ કરતા ગયા.

હવે સવા સોએ પહોંચવા કરતી ગુજરાતી નવલકથાએ તો ક્ષિતજિો ઠીક વિસ્તારી આપી છે, પણ આપણા રાજદરબારો અને સમાજવ્યાપારો કેમ પાછા પડે છે? જોસેફ ગયા અને આ સવાલ વળી સંકોરતા ગયા.

સૌજન્ય: “દિવ્યભાસ્કર”

એપ્રિલ 2, 2010 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. Josephdada ni vidai aaghatjanak chee. have sanvedanathi sabhar ,bhavanatmak layni lekhan ma khot padase.

    ટિપ્પણી by manahar | એપ્રિલ 23, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: