“તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?”
ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.
વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.
દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે.
બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.
જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.
તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધા સાથે જીવવાનું છે.
ડૉ. રઈશ મનીઆર
સતત ચાલતી રહે.
ભવ-ભવની આ ભવાઈ સતત ચાલતી રહે,
અસ્તિત્વની લડાઈ સતત ચાલતી રહે.
આ મન-પવનની પાવડી પર ઉડતાં રહો,
આ ઊડતી ચટાઈ સતત ચાલતી રહે.
મનના કોઈ ખૂણે કશી ઈચ્છાની નાગણી,
ખુદ મનથી પણ લપાઈ સતત ચલતી રહે.
શ્વાસોનાં વૃક્ષ પર આ સ્મરણ વેલ કોઈની,
શ્વાસોને વીંટળાઈ સતત ચાલતી રહે.
આ લાલચોળ જૂઠના ધગધગતા થાંભલે-
એક સાચી કીડીબાઈ સતત ચાલતી રહે.
-અલ્પેશ કળસરિયા
તમે શરણે થશો કે …?
સમય આણ વર્તે છે , તમે શરણે થશો કે નહિ?
બધેબધ તેજ વરસે છે, તમે શરણે થશો કે નહિ?
કદી ભીનાશ અડકે છે ? તમે શરણે થશો કે નહિ?
અધર પર સ્મિત ચમકે છે..તમે શરણે થશો કે નહિ?
તમે ઝંખો સુવાસિત શબ્દ-સોનું હાથ-હોઠોથી..
બધાં મૂછોમાં મલકે છે, તમે શરણે થશો કે નહિ?
દઝાડે એ, સતાવે છે, હરાવે છે રડાવે છે..
છતાં રમવા નિમંત્રે છે, તમે શરણે થશો કે નહિ?
પ્રલોભન ભૂલ કરવાનાં અહીં ડગલે ને પગલે છે..
જીતેલી બાજી સરકે છે, તમે શરણે થશો કે નહિ?
-બકુલેશ દેસાઈ
વૈશાખી વાયરે….!
(વૈશાખનો વાયરો વાતો હોય, બાળકો ભણી-ગણી, પરણી પોતાનો સંસાર શરૂ કર્યો હોય, અને દૂર દૂર વસ્યા હોય, પતિ-પત્નિ ઉતરાર્ધ અવસ્થાએ પહોંચ્યા હોય, હિંચકા પર હિંચકતા હોય…ત્યારે બન્ને આવી સુખદ પળોમાં પોતાને યુવાનીના પ્રણયના દિવસો યાદ કરી..કેટલો આનંદ માળી રહ્યા છે તે આ ગીતમાં પ્રતિતી થશે..)
વ્હાલા,આવો બેસી , હિડોળે હિચકીએ,
ગીત મીઠા ગાઈ એ, વૈશાખી વાયરે.
વ્હાલી,જીવનમાં મીઠી પ્યારી તું કોયલ,
કોઈ મધુરી વાતકર, વૈશાખી વાયરે.
વ્હાલા, મેળામાં મળી, તારી માયા મુને લાગી,
રાત-દીન ભુલી હું, વૈશાખી વાયરે.
વ્હાલી,રૂપની રાણી, તારા માથામાં ફૂલ,
હોશ ખોઈ બેઠો હું, વૈશાખી વાયરે.
વ્હાલા તારી પાઘડીના વળમાં હું વણાઈ ગઈ,
ગંગાની જેમ સમાઈ ગઈ હું,વૈશાખી વાયરે.
વ્હાલી,ખેડતા ખેતરમાં,મબલક પાક થઈ ઉગી,
ઉજવતો ઉત્સવ હું, વૈશાખી વાયરે.
વ્હાલા,મારા સરોવરને કાંઠે, કમળ થઈ ખિલ્યા,
ઘેલી બની નાચી હું,વૈશાખી વાયરે..
વ્હાલી,આ ‘દીપ’ પ્રકટે છે, એની ‘રેખા’ છે તું,
એકમેકને સાથ દેતા,વૈશાખી વાયરે
-વિશ્વદીપ બારડ
બસ આજ મને ભીંજાવા દે!
‘દીપેશ, કારની સ્પીડ થોડી ઓછી કર, હવે એકાદ માઈલમાં એ જગ્યા આવવી જોઈએ.’ ‘OK, દીપા.’ દીપેશે કારના ક્રુઝ્-કંન્ટ્રોલ ઓફ કરી દીધો અને ગેસ પેડલ પર પગ રાખી મેન્યુલી સ્પીડ ઘટાડી. ‘મને બરાબર યાદ છે દીપેશ, ક્વાટર માઈલ પછી તુરતજ રાઈટ સાઈડ પર છે.’ કાર દીપેશે જમણી લાઈનમાં લઈ લીધી, અને સ્પીડ ઘણીજ ઓછી કરી નાંખી. ‘બસ જ્સ્ટ સ્લો-ડાઉન.. રાઈટ ધેર!’ દીપેશે ઈમરનજન્સી ફ્લેશરનું બટન દબાવી ફ્લેશર ચાલ્યું કર્યું. કાર જમણી સાઈડ પર પાર્ક કરી બન્ને કારમાંથી ઉતર્યા! હાઈવે હતો . કલાઉડી અને ફોગી હતું ,વીઝીબીલીટી ઓન્લી લેસ ધેન કવાટર માઈલની હતી , સવારનો સમય એટલે ટ્રાફીક પણ ઘણો હતો પણ ફોગને લીધી સૌની સ્પીડ એવરેજ કરતાં ઘણીજ ઓછી હતી. નહી તો આ હાઈવે પર સ્પીડ માર્ક ૭૫નું છે અને સૌ એંસી કરતા પર હાઈ-સ્પીડ પર જતાં હોય!
‘ ડેડ, દાંપત્ય-જીવનમાં પ્રવેશતા પહેલાં, એક અમારા જીવનનું નવું સોપાન ભરતાં પહેલાં આજે હું અને દીપેશ બન્ને આપના આર્શિવાદ લેવા આવ્યા છીએ.’ એજ ભેખડ પાસે આલીશાન પથ્થરની મોટી શીલા જેની વ્હાઈટ ગ્લોસી પેઈન્ટની ચોકડી મારેલ હતી ત્યાં ફૂલગુચ્છ ધરાવતાં દીપા ભીંજાયેલા અંશ્રુ લુછતા બોલી. બાજુંમાં દીપેશ તેણીના ખંભાપર હાથ થાપડતા મૌનભાવે આશ્વાસન આપી રહ્યો હતો.દીપેશ અને બન્ને હાઈસ્કુલથી માંડી મેડીકલ કોલેજમાં સાથે સ્ટડી કર્યો હતો અને બન્ને આજ પિડિયાટ્રીસ્યન( બાળકોના ડૉકટર)બની “હરમન હોસ્પીટલ”માં જોબ કરી રહ્યા હતાં.
આ મેજર હાઈવે પર બેનેલી ઘટનાએ દીપાના પિતાનું વાત્સલ્ય છીનવી લીધું હતું. ફેમીલી વેકેશન માણવા નીકળેલ “વ્યાસ ફેમીલી”, એક અનેરો આનંદ માણી રહ્યાં હતાં. દીપાના પિતા અનિલ વ્યાસ ડ્રાવીંગ કરી રહ્યો હતો, બાજુમાં એની પત્નિ મીરા બેઠી, બેઠી જોકસ કહી રહી હતી અને અનિલને વાતોની કંપની આપી રહી હતી જેથી ડ્રાઈવીંગનો થાક પણ ન લાગે અને જોલુ પણ ના આવે! દીપા પાછળની સીટપર ટોય-કંમ્પુટર પર ગેઈમ રમી રહી હતી. ‘ડેડી..look, I have highest score..in this game!”( ડેડી, જુઓ આ ગેઈમમાં મારે વધારેમાં વધારે સ્કોર થયો).” હની, તું મારી સ્માર્ટ ગર્લ છો!’. ‘લાઈક ડેડ!’ મીરા વચ્ચે બોલી..’ના મીરા તારા જેવી ચાલાક!. ‘ડેડ હું આ સીટ-બેલ્ટ કાઢી નાંખું? મને રમવામાં બહું નડે છે?’ ‘ના બેટી..It’s law!( એ કાયદો છે).અને સીટ-બેલ્ટ આપણું પ્રોટેકશન કરે છે!’ ‘ઓકે ડેડી!’ રમતા રમતા છ વરસની દીપા ઊંઘે ચડી! ‘મીરા તું પાછળજા અને દીપાને શાલ ઓઢાડીદે જેથી શાંતીથી ઊંઘી શકે! મીરા ચાલુ કારે પોતાનો સીટ-બેલ્ટ છોડી , પાછળની સીટ પર જઈ દીપાને શાલ ઓઢાડી તેણીની બાજુંમાં બેસી ગઈ. ‘અનિલ, તને વાધો ના હોય તો હું એક શોર્ટ-નેપ લઈ લવું? ગઈ કાલે વાતોમાં ને વાતોમાં રાતના બે વાગી ગયાં અને મને માંડ ત્રણ વાગે ઊંઘ આવી હતી.’ ‘That’s OK darling!”( પ્રિયે! જરૂર)..’પણ ‘ ‘ તું ચિંતા ના કર હું આ ગઝલની સીડી મુકુછું, અવાજ ઓછો રાખીશ અને પાછળનું સ્પીકર બંધ કરી , આંગળનું સ્પીકર ચાલુ રાખું છું!’ ‘અનિલ, પાછળ જયેશભાઈ આપણને ફોલો કરે છે તેથી સ્પીડ… ! ‘મીરા હું મારા મીરર માંથી તેમની કાર જોઈ શકું છું.’ જયેશભાઈનું ફેમીલી અને અનિલનું ફેમીલી બન્ને સાથે વિકેશનમાં નિકળેલ! ‘તું થોડીવાર નેપ લઈ લે અને ત્યારબાદ તું કાર ચલાવી લે જે અને હું થોડો નેપ લઈ લઈશ!’ ‘ઓકે!’મીરા બગાસા ખાતી અર્ધ-નિદ્રામાં બોલી.
‘ Oh my God! વીભા, જોતો આગળ..અનિલની કાર!..’ઓ બાપરે!’ જયેશભાઈની પત્ની વીભાથી ચીસ પડાય ગઈ! આગળ ધુળના ગોટે ગોટા..કશું દેખાતું નહોતું! “is he lost control or what? જયેશ ઈમરજન્સી ફ્લેશર ચાલુ કરી બ્રેક મારી. હાઈવે પર ઈમરજન્સી પાર્ક કરી દોડ્યો! અનિલની કાર ચાર-પાંચ ગલોટીયા ખાતી ખાતી એક પથ્થરની શીલાની ટેકે અટકી! મીરા પાછળ સીટ-બેલ્ટ વગર બેઠી હતી તે કારમાંથી સો-ફૂટ ફેંકાય ગઈ! દીપા કારમાં સીટ-બેલ્ટમાં સેઈફ હતી. માત્રા પોતાના પિતાની છેલ્લી ચીસ સાંભળી હતી..” Oh my God!..I l..o..v..e …y..o..u Deepa,Me..ra!( હે ભગવાન!..હું …દીપા–મી…ર.. ચા…હુ…છું) એ ચીસ આજ પણ હવામાં જીવિત રહી છે..દીપાને હજું પણ અવાર-નવાર કાને પડે છે ,..એજ ચીસ ભુતકાળના ખંડેર તરફ ઘસડી જાય છે!..હાઈવે પર જતી મોટાભાગની કાર મદદ માટે રોકાઈ, કોઈએ..પોતાના ફોન પરથી ૯૧૧ ડાઈલ કરી પોલીસને અક્સ્માતની જાણ કરી, કોઈ કાર પાસે ગયાં.. ‘ Are you guys OK?( કારમાં બધા સહિસલામત છો?) માત્ર છ વરસની દીપાના રડવાનો અવાજ આવતો હતો! ડ્રાઈવર સાઈડમાંથી કોઈ જાતનો રીસપૉન્સ નહોતો! દસ મિનિટમાં એમ્બ્યુલન્સ,ચાર-પાંચ પોલીસ કાર, હેલી-કૉપટર સૌ મદદે આવી પહોંચ્યાં… કારનો ડ્રાઈવીગ સાઈડનો ડોર તોડી અનિલને બહાર કાઢ્યો…સ્ટીયરીંગ વ્હીલ સાથે અને કારના રુફ સાથે અવાર-નવાર અઠડાયેલ માથાથી એની ધોરી નસ ફાટી ગઈ હતી! મીરાને અનિલને તાત્કાલિક હેલીકૉપટરમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગયાં. બચી ગયાં માત્ર મીરા અને દીપા.
અનિલ અમેરિકામાં એમના મા-બાપ સાથે આવ્યો ત્યારે માત્ર ૧૦ વરસનો હતો…સાઈન્સમાં પહેલેથીજ હોશિયાર! હાઈસ્કુલમાં વેલીડીકટોરીયન સાથે પાસ થયો. કૉલેજમાં આગળ ભણવા સારી એવી સ્કોલરશીપ મળી..એક સારો સાઈન્ટીસ બન્યો.. અમેરિકામાં નાસ-કેન્દ્રમાં ડીરેકટરની જોબ મળી હતી. એમના પિતા રમણભાઈને ત્રણ ગ્રોસરી સ્ટોર હતાં બીઝનેસ પણ સારો હતો. દીકરાએ આવી સારી સફળતા પ્રાપ્ત કરી એનું ગૌરવ હતું. અનિલને એક વેલ-એજ્યુકેટેડ મીરા મળી સૌ સુખી હતાં. રમણભાઈ સૌને કાયમ કહેતાં .”ભાઈ ..મારે તો સ્વર્ગ અહીં છે.”..પણ અનિલનાં જવાથી ભાંગી પડ્યાં! દીપાને ભણાવવાની ઉછેરવાની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી તેમજ મીરાને પોતાનો બીઝનેસ ચલાવવા આપી દીધો. દીપા ડોકટર બની પણ એ પહેલાંજ “દાદા” રમણભાઈએ દુનિયામાંથી વિદાઈ લઈ લીધી હતી! અને એમની બધી મિલકત દીપા અને મીરા નામે લખી ગયાં.
‘દીપા.. વરસાદના છાંટણા શરૂ થયાં છે, કારમાંથી છત્રી લઈ આવવું?’ ‘ના દીપેશ, મારા પિતાનું વાત્સલય અને સ્નેહ અને ખુશાલી સાથે આશિષ આપતા આ છાંટણાથી આજે મારે ભીંજાવું છે. મારા “દાદા” પણ મારા પિતાની સાથે આજે આશિર્વાદ આપી રહ્યાની લાગણી અનુભવી રહી છું.’ દીપશ પણ ભાવવિભોર બની દીપાને વ્હાલથી પોતાની બાહુંમાં લઈ લીધી..એજ સમયે તેમની કારની બાજુમાં બીજી કાર પાર્ક થઈ..મીરા એક સુંદર ગુલાબી સાડી પહેરી કારમાંથી બહાર નીકળી, જે અનિલની બહુંજ ગમતી હતી. એજ સ્થળ પર દીકરી અને ભાવિ જમાઈને આલિંગન આપતાં જોયાં . મીરાની આંખમાં વરસો પહેલાં આજ સ્થળપર દર્દ-દુખના આંસુ નો ધોધ વહેતો હતો એજ સ્થળ પર આજે ખુશાલીના આંસું હતાં…આકાશમાંથી ગડગડાતી થતી રહી વર્ષા વધતી ગઈ , મીરા, દીપા અને દીપેશ ભીજાતા રહ્યાં બસ ભીંજાતા રહ્યાં!
એક મુકતક..
“કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ….”
કવિ: અજ્ઞાત
આજના યુગની બેસહારા નાર હું..
પ્હાડે ફેંકી, ઘરા પર પડી,
ધરાએ કરી વહેતી નદી નહી નાર હું.
ઝૂલ્ફ ઝાટકતી પટકાટી,
બાવરી બની દોડતી નદી નહી નાર હું.
ધોતી રહી ગંદા મેલ સૌના,
રેતમાં રદોળતી નદી નહી નાર હું.
અણદીઠેલ દેશમાં ભટકતી એકલી,
રણ વચ્ચે સુકાતી નદી નહી નારી હું.
ગામ ગામ ભટકતી રઝળતી,
તરસ્યુ છીપાવતી નદી નહી નાર હું.
નસીબ અંતે ક્યાં લઈ જાય છે સખી!
ખારી બની સાગર સાથે ભળી.
આજના યુગની બે-સહારા નાર હું..
(આજના આધુનિક યુગમાં પણ હજુ પણ સ્ત્રીની સ્થિતી ઘણીજ ગંભીર અને નાજુક છે આજ પણ “નારી” ઘણાં દેશમાં ગુલામી કરતાં પણ ખરાબ અવસ્થામાં જીવી રહી છે પુરૂષપ્રાધાન્ય ભૂમીમાં નારી કોઈ સ્થાન છે જ નહીં. એ પાડતી રહે છે એક કારમી ચીસ ! કોઈને પણ સંભળાય છે ખરી ?..સંભળાય તો શું પગલા લેવાયા?)
કોઈ જુએ પ્યારથી કોઈ તિરસ્કારથી.
કોઈ રૂઠે પ્યારથી કોઈ તકરારથી,
કોઈ જુએ પ્યારથી કોઈ તિરસ્કારથી.
કોઈ જીવે આશથી કોઈ એકરારથી,
કોઈ મરે રૂપથી, કોઈ તલવારથી.
કોઈ રડે દર્દથી, કોઈ દાહપ્રેમથી,
કોઈ મળે મનથી,કોઈ જુઠીઆશથી.
કોઈ જલે ઝાળથી,કોઈ અપમાનથી,
કોઈ ડરે કાળથી,કોઈ કાળા કેરથી.
કોઈ ડંસે આંખથી,કોઈ જબાનથી,
કોઈ મારે લાતથી,કોઈ મેણામારથી.
નદીકિનારાની ભેખડ છું
અશબ્દ વાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ,
ખમો હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ.
કરો મને તમે આજ સિન્દૂરી થાપા,
હું પાળિયો છું- પછી ધૂળથી છવાઈ જઈશ.
નથી હું રાતનો ઓથાર કે બહું પીડું,
પ્રભાતકાળનું સ્વપ્ન છું હુ ભુલાઈ જઈશ.
હું ચૈત્ર છું, મને ઝંખો નહીં અષાઢરૂપે,
ગગનથી નીચે વરસતામાં હું સુકાઈ જઈશ.
લખું છું નામ તમારું હથેળીમાં આજે,
ને હિમખંડથી, સંભવ છે, હું ગળાઈ જઈશ.
સમયના જળનો આ જન્માન્તરો જૂનો ભરડો,
નદીકિનારાની ભેખડ છું હું -ઘસાઈ જઈશ.
-ભગવતીકુમાર શર્મા
મરણ જેવું જીવન જેવું..
તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું,
વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું.
મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ.
ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું.
યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે,
તમારી વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું.
ફકત એક દિલ હતું તે પણ તમારું થઈ ગયું ચાહક,
રહ્યું ના કોઈપણ મારું હવે વિશ્વે સ્વજન જેવું.
વિતાવી આગમન-આશા મહીં હવે રાતોની રાતો મેં,
છતાં દર્શન તો દર્શન, પણ ન દીઠું કૈ સ્વપ્ન જેવું.
તમોને દિલ તો શું,અસ્તિત્વ પણ અર્પણ કરી દીધું,
હવે મુજ પાસ ક્યાં છે કંઈ મરણ જેવું, જીવન જેવું.
તમારે દ્વાર આવીને અહર્નિશ એ જ યાચું છું,
પ્રણય -ગુણગાન ગાવાને કવન આપો કવન જેવું.
છુપાયેલી મજા છે ઓ ”ખલીલ’! એની વ્યથા માંહે,
નથી હોતું પ્રણયમાં કંઈ દરદ, દુખ કે દમન જેવું.
-“ખલીલ”
વાત કરી ગયાં.
મૌન રહી ઘણી વાત કરી ગયાં,
જીવનની સારી વાત કરી ગયાં.
સાગર રડી રડી એ થયો ખારો,
એ ચાંદ-દૂતો વાત કરી ગયાં.
દિલ દીધું ,એ જાન લઈ ગયાં,
આંખના ઈશારા વાત કરી ગયાં.
ધરતી ઉઠાવશે ભાર ક્યાં લગી?
પ્રયલયો કેવી વાત કરી ગયાં?
ચાલ્યો ગયો કીધાવગર એકલો!
યમ-દુતો કેટલી વાત કરી ગયાં?
જીવનમાં રાખી વાતો ખાનગી,
હમદર્દીઓ બધી વાત કરી ગયાં.
એને ખબર ના હતી મારા પ્રેમની.
આંસુ આવી બધી વાત કરી ગયાં.
‘દીપ’શોધી રહ્યો અંધારમાં શું?
આગિયા આવી વાત કરી ગયાં.
માનવતા જીવે છે?
“માય બર્ધર્સ એન્ડ સીસટર્સ, બુરા કાર્યથી દૂર રહો, પડોશીને હેલ્પરૂપ થાવ. સુકર્મો કરવાથીજ ઈશ્વરની નજીક તમો જઈ શકેશો.કોઈ જાતનો ભેદ-ભાવ રાખ્યા વગર માનવસેવા કરો,. ઈશ્વર પાસે બધા સરખાં છે. આપણે માનવીઓ વચ્ચેજ ચામડીના કલરનો ભેદ છે, શા માટે? લોહીનો કલર ભગવાને એકજ બનાવ્યો છે છતાં માનવી-માનવી પ્રત્યે તિરસ્કારની ભાવના શામાટે? સૌ એકજ પિતાના સંતાનો છીએ. સૌ એક બની સારા વિશ્વને એક કુંટુંબ બનાવી ને રહીએ. રવિવારની ચર્ચની સભામાં મેન બ્લેક સુટ અને લેડીઝ સુંદર લેડીઝ સુટ અને ડ્રેસમાં શાંતીથી બેઠી સાંભળી રહ્યાં હતાં. માઈક ટેક્ષાસ, બોમાન્ટ પાસે આવેલ નાના એવા ગામમાં એક નાના બ્લેક ચર્ચમાં પ્રિસ્ટ હતો. ગામની વસ્તી પણ ૫૦૦૦થી વધારે નહી હોય! મેજોરીટી વસ્તી બ્લેકની મજૂર વસ્તી હતી. ફોરેસ્ટ-વુડ મીલ પર નિર્ભર હતી. ગામ નાનું પણ વીઝીટર્સ ત્યાંના જંગલ, પ્રાણી અને પીકનીકની મજા માણવાં વીકએન્ડમાં આવતાં.
‘બ્રધર માઈક, મોડી રાત થઈ ગઈ છે તું અહીં રાત રોકાઈ જા.’ ‘ના, સીસ્ટર બર્થા મારું ઘર ક્યાં દૂર છે? અડ્ધા માઈલ ચાલતા કેટલીવાર લાગે તને તો ખબર છે કે મને ચાલવું ગમે છે.’ ‘ હા બ્રધર, પણ રાત્રીનો એક વાગ્યો છે અને રુથેની પાર્ટીમાં તે ડ્રીન્ક પણ પીધું છે અને રાત્રે બહું સેઈફ નહી.’ ‘તું શું વાત કરે છે ? આ નાના ગામમાં બધા મને ઓળખે છે. બર્થાની વાત કાપતા માઈક હસતાં હસતાં બોલ્યો’. ‘પણ તું એકલો છે અને એવું હોય તો સોફામાં સુઈ જા અને સવાર પડે એટલે કૉફી પી જતો રહે જે બસ! ‘ સીસ્ટર તને તો ખબર છે કે બે દિવસ પછી ચર્ચમાં શિકાગોથી સેઈન્ટ એન્જલો આવવાના છે અને તેની બધી તૈયારી કરવાની તેમજ મારે પણ ..”Last days of jesus” વિશે બોલવાનું છે તેની સ્પીચ લખવાની છે. “OK , BIG BROTHER, JUST BE CAREFUL! બર્થાનું ઘરની આજુ બાજું મોટા,મોટા પાઈન ટ્રીઝ ઘેરાયેલુ હતું, રેકૂન, શશલા, હરણા અને સાપ ચારે બાજું જોવા મળે. ઘરથી મેઈન રોડ આવતા દસ મિનિટ થઈ જાય!
બર્થા ચિંતા કરવા લાગી, ‘જેઈમ્સ, માઈક અહીંથી ગયા ચોવીસ કલાક થઈ ગયાં હજું એનો ફોન નથી આવ્યો. તું ખોટી ચિંતા કરે છે એ ચર્ચના કામમાં બીઝી થઈ ગયો હશે એમાં ફોન કરવાનું ભુલી ગયો હોયે એવું બની શકે. ‘કોણ છે? બર્થાએ ડોર-બેલ વાગ્યો એટલે ડોર પાસે જઈ પુછ્યું. ‘ હું તમારો નેઈબર ‘હેડન”. ‘મીસ બર્થા તમે આજનું છાપું વાંચ્યુ?’ ‘Not yet! ‘ ગઈ કાલે રાત્રે આપણા ગામમાં અણઘટતો અમાનુષ બનાવ બની ગયો!’ ‘ શું થયું?’ હાઈવે એફ.એમ.૨૨૫ પર એક બ્લેક માણસનું ધડ અને ૨૦૦ ફૂટ પછી એનું માથું મળ્યું એ કોણ છે , ક્યાનો છે ?નામ શું છે પોલીસને કશી ખબર નથી.એમનો મૃત દેહ ઓળખાય તેવો રહ્યો નથી.; “Oh my God!” મને માઈકની ચિંતા થાય છે! વ્યક્તિને પોતાના સ્વજન વિશે ખોટા વિચાર પહેલાં આવે!
પોલીસે એક વ્યક્તિએ આપેલા પીક-અપ ટ્રકનો લાઈસન્સ પ્લેટ અને કલર પરથી સસ્પેટને શોધવામાં વાર ન લાગી. ત્રણ સસ્પેટ, ત્રણે કે.કે.કે ગ્રુપના મેમબર્સ, ત્રણે વ્હાઈટ, ત્રણેની ઉંમર ૧૮ થી ૨૧ સુધીની હતી. વાત ઓકતા, ઓકતા એક પછી એક જેલમાં પોતાના કારમા કાર્ય વિશે ગૌરવ લેતા બોલ્યા.આંખોમાં કોઈ જાતનો ક્ષોભ કે શરમ નહોતા: ‘એ બ્લેક નીગર, રાતે એક વાગે એક હાલ્યો જતો હતો અને અમો ત્રણે મિત્રો પીક-અપ ટ્ર્કમાં હતાં.’ Hay niger! Where are you going? why are you here? go back to you land! ( હે નીગર, ક્યાં જાય છે? તું અહીં શામટે રહે છે, તારા દેશ પર જતો રહે).’ ‘હું પ્રિસ્ટ છું,મારા ચર્ચનું નામ છે ” church for peace” તમે આ ગામના હોય તો આ ચર્ચ જાણીતું છે. જોયો મોટો પ્રિસ્ટ! યુ બેસ્ટર્ડ! યુ..મધર…ભાઈ મને આવી ગાળો ના દો મારો શો દોષ છે? મે તમારું શું બગાડ્યું છે? હું મારા બેનને ત્યા પાર્ટી હતી ત્યાંથી… OH! yaa..party? let;s have a party here!( ઓહ! યા..પાર્ટી..ચલ અહીં જ પાર્ટી કરીએ)..ત્રણે જણ નીચે ઉતર્યા, પીટવા લાગ્યા, ઢોરની જેમ! એકે બેઈઝ-બોલ બેટથી, બીજાએ છરીના ઘા વડે અને ત્રીજાએ ચારે બાજું કાવ-બૉય પહેરેલા સુઝ વડે! દયા પણ ડરથી દૂર ભાગી ગઈ હતી! ‘Please do not kill me..please leave me alone! sake of jesus!(મહેબાની કરી મને મારો નહીં..મને છોડી દો! ભગવાનને ખાતર ..દયા કરો!)..રાક્ષસી મીજાઝમાં આ વ્હાઈટ રેઈસ રેસીસ્ટ ખીલખીલાટ હસતાં હતાં! પીક-અપમાંથી લોખંડની સાંકળ કાઢી, ચારે બાજું બાંધ્યો!… સાંકળનો બીજો છેડો પીક-અપ સાથી બાંધ્યો! માઈક કરગરતો રહ્યો! ત્રણેજણાં પીક-અપમાં ચડી,ચાલુ કર્યો. માઈક પાછળ ઢસડાંતો રહ્યો..પાછળ પાછળ માઈકની ચીસો..આગળ, આગળ ત્રણે જણનું અટહાસ્ય! એ કારમી ચીસો! એ એકાંત! રસ્તામાં કાળી રાત્રી ભરખી જતી હતી. કોઈના કાન સુધી પહોંચવાની હિંમત પણ ના કરી શકી! ધડથી પગ ને હાથ છૂટ્ટા પડ્યા! ધડથી માથું! એ કારમી ચીસ વચ્ચે પ્રાણે કયારે છેતરી છટકી ગયો કે પછી દેહનું દુ:ખ એનાથી સહન ના થયું એથી જલ્દી ઉડી ગયો હશે! આવી કારમી કરૂણાભરી વાત સાંભળી પોલિસ ઈન્વેસ્ટીગટેરના આંખમાં આસું ટપકી પડ્યા!
બર્થાએ મળેલ એની હેટ, લાલ શર્ટ, બુટ પરથી બ્રધર માઈકની લાશ ઓળખી શકી! ડોકટરે પોસ્ટ-માર્ટમ થયું! ડેન્ટલ હીસ્ટ્રી પરથી પુરેપુરી ખાતરી કરી કે “માઈક”જ છે. ટી.વી, ન્યુઝ-પેપર્સ, ઈન્ટરનેટ દ્વારા આખા વિશ્વમાં સમાચાર ફેલાઈ ગયાં. હેડ લાઈન હતી:
“ટેક્ષાસ સ્ટેટના એક નાના ગામમાં એક બ્લેક નિર્દોષ વ્યક્તિનુ ધોળી ચામડીના વ્યકતિએ કરેલું બેરહમ ખૂન.”
બાર વ્યક્તિની જુરી, એમાં છ બ્લેક, ચાર વ્હાઈટ અને બે એસિયનની જુરી પેનલે ત્રણે ખુનીને ” Guilty” (દોષિત) જાહેર કર્યા. જુરી પેનલના ફ્રોરમેને ન્યાયધિસને પોતાના વર્ડીક વાળુ કવર આપ્યું. ‘અમેરિકા લોકશાહી દેશ છે ત્યાં કોઈ જાતના ભેદભાવ વગર વ્યક્તિ સ્વતંત્રરીતે હરીફરી શકે છે. આજ પણ આવા અમાનુષ જાતીયભેદના કિસ્સા બને છે તે દેશમાટે શરમ જનક વાત છે.આવા કારમા કૃત્ય માટે આંકરામાં આકરી સજા છે.જેથી ફરી કોઈ આવું અમાનુષ કૃત્ય કરવાની હિમંત ના કરે.હું ત્રણેને..”Death by lethal injection ” (ઝેરી ઈન્જેકસનથી મોતની સજા ફટકારું છું.’)
આ કરૂણભરી સત્ય ઘટના પર આધારિત વાર્તા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશોજી.
(base on true story: an African-American who was murdered in Jasper, Texas, on June 7, 1998. The murderers, Shawn Allen Berry, Lawrence Russell Brewer, and John William King, wrapped a heavy logging chain around his ankles, hooked the chain to a pickup truck, and then dragged Byrd about three miles along a macadam pavement as the truck swerved from side to side. Death came when Byrd’s body hit the edge of a culvert, which cut off his arm and head.
કરૂ કેમ તને યાદ?
સ્વર્ગ કે નરકની બીકથી કરૂ કેમ તને યાદ?
મૂર્તિ કે મંદીર રાખી ઘરમાં કરૂ કેમ તને યાદ?
કરૂ કર્મ સારા, જાલુ આંગળી એક માનવની,
હીરા સજીત વાઘા સજાવી કરૂ કેમ તને યાદ?
માનવી છું, માનવતા ખાતર જીવીશ વિશ્વમાં,
ધર્મને રાખી તલવાર પર, કરૂ કેમ તને યાદ?
મંદીર, મસ્જીદને ચર્ચ ચણાય રોજ નવા નવા,
ગરીબી જીવે છે કબરમાં, કરૂ કેમ તને યાદ?
રોજ રોજ તારે જ ખાતર મરે છે માનવી લાખો,
‘દીપ’લડશે માનવી ખાતર, કરૂ કેમ તને યાદ?
રાત ચાલી ગઈ
જશે , ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીચીં કે બધે અંધકાર ફેલાયો,
તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી, સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
-‘અમીન’ આઝાદ
સૌનો… આભાર….
“ફૂલવાડી” જાન્યુઆરી-૨૦૦૭માં મા-સરસ્વતિની સ્તુતિ કરી ગુજરાતી સાહિત્યની એક અદભૂત ભુમી પર..એક બીજ વાવ્યું..આપ સૌ વાંચકોએ દિન-પ્રતિદીન આપના સુંદર પ્રતિભાવો,સૂચનો આપી ‘ફૂલવાડી”ને પ્રોતસાહિત કરી, આપણી માતૃભાષાની સદા પરદેશમાં જીવંત રાખવાની ભાવના અને ઉદ્દેશને સાર્થક કરવા જે ઉમંગ-ઉત્સાહ આપ્યો છે તેનું પરિણામ “ફૂલવાડી” વાંચનારની સંખ્યા ૧૦૦,૦૦૦(એક લાખ)ઉપર પહોંચી ત્યારે જે આનંદ થયો તેને શબ્દમાં વર્ણવો મુશ્કેલ છે..આ મહેંકતી “ફૂલવાડી” આપના થકી મહેંકે છે. તેમના યશ-જશના અધિકારી આપ સૌ છો. હું તો માત્ર નિમિત છું…આપણી માતૃભાષાને જીવંત રાખવા, મહેંકતી રાખવા..સંખ્યાબધ ગુજરાતી બ્લોગ્સ આજે સર્જાયા છે એનો મને ઘણોજ આનંદ અને ગૌરવ છે. બે-હાથ ને શિર નમાવી કહું: મારો હ્ર્દય-પૂર્વક આભાર સ્વિકારશોજી..
ખીલી ઉઠી , ટહુકી ઉઠી એક મધુર કોયલ ગીત ગાતી “ફૂલવાડી”માં,
સિચ્યા વાચકોએ જ્યાં ઉત્સાહભર્યો જળપ્રવાહ, આવા વાંચકોનો આભાર.
મળ્યા જ્યાં કવિગણ ગુજરાતના, મનાવી મહેફીલ “ફૂલવાડી”માં,
આવી લખી શુભેચ્છાની શુભ-ભાવના, આવા કવિમિત્રોનો આભાર.
એક ડગલું પણ ક્યાં ભરી શકું? “ગુજરાતી સાહિત્ય સરિતા” વગર”ફૂલવાડી”માં,
મળ્યો છે સાથ-સહકાર દિન-રાત, આવા હ્યુસ્ટન-મિત્રોનો આભાર.
ગઝલ, કવિતા,વાર્તા,સુવિચારો મળે જ્યાં વિનોદી વાતો”ફૂલવાડી”માં,
માતૃભાષાના વિવિધ રંગનો સંગ મળે, આવી મારી માવલડી ભાષાનો આભાર.
નમુ મા-સરસ્વતી માતને, હાથ જોડી કરુ સદેવ પ્રાર્થના’ફૂલવાડી”માં
મહેંકતી રહેશે સદા પરદેશમાં ફૂલવાડી, આવી મા સરસ્વતીનો આભાર.
“કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી”
કોઈ ઉકેલી ના શકે એવી પહેંલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે તો જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.
પાસમાં એ છે અને હું ઝાંઝવા જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.
એટલે આ બ્હાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.
લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાયછે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
આવડે, તો શોધ, એમાંથી તને મલશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
એટેલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.
-સુરેન ઠાકર’મેહુલ’
ગુડફ્રાઈડે
બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખિ્રસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખિ્રસ્તી ધર્મનું ખાસ નિશાન છે.
રોમન લોકોમાં ક્રોસે લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: ‘નાઝરેથનો ઇસુ યહૂદીઓનો રાજા.’ યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું, અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને ઐને છોડી દેવાની સત્તા છે, તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે.’
ગુડ ફ્રાઇડેના દિવસે ઇશ્વરી યોજનામાં ઇસુ પોતે જ ક્રોસ પર પોતાનું જીવન અર્પી દે છે. ઇસુને ક્રોસ તરફ દોરી જનાર એક જ બાબત છે: ઇસુનો માણસ પ્રત્યેનો પ્રેમ! ઇસુનો મારા-તમારા પ્રત્યેનો પ્રેમ. ઇશ્વર પિતાના પ્રેમથી પ્રેરાઇને માણસમાત્ર પ્રત્યેના પ્રેમથી ઇસુ એ ક્રોસને ભેટયો છે. ક્રોસ પરના મૃત્યુને ભેટવાનો ઇસુનો પ્રેમ અનાદિ પ્રેમ છે, સનાતન પ્રેમ છે, અનંત કે અંત વિનાનો પ્રેમ છે, એટલે ખિ્રસ્તી લોકો માને છે કે ઇસુના ક્રોસને ભેટતા પ્રેમમાંથી કોઇ માણસ બાકાત નથી.
ગુડ ફ્રાઇડેના દિવસે ક્રોસ પર મરી જઇને ત્રીજે દિવસે પુનરુત્થાન પામેલા ઇસુ જાણે ઘોષણા કરે છે કે મૃત્યુમાં ખરેખર જીવન છે. ગુડ ફ્રાઇડે ખરેખર ઇશ્વરી શકિતનો દિવસ છે. ક્રોસ ઇશ્વરી પ્રેમ-વિજયનું પ્રતીક છે.
સૌજન્ય: વિકિપીડીયા
અલવિદા, જોસેફ મેકવાન
અલવિદા, જોસેફ મેકવાન
એમનું અમૃતપર્વ ઊજવી શકીએ, રૂડી પેરે ને રંગેચંગે, તે પહેલાં જ જોસેફભાઈ ડાયરામાંથી ઊઠી ગયા. જોસેફ મેકવાન ગયાનું સાંભળ્યું અને મન પચીસેક વર્ષ પાછળ ચાલી ગયું, પહેલા પહેલા પરિચયની યાદોમાં. એ વર્ષોમાં એમણે સરસ પાત્રો કરવા માંડેલાં. એમની લાડુમાએ આ લખનાર પેઠે કેટલાનાં પોપચાં પલાળ્યાં હશે, ન જાણે. દેશ આખાએ એમને ‘આંગિળયાત’ના લેખક તરીકે ઓળખ્યા, પણ એ તો પછીની વાત. ગુજરાતને એમનો હૃધ્ય પરિચય થયો તે ૧૯૮૫માં ‘વ્યથાનાં વીતક’ એ ચરિત્રલેખો સાથે. ત્યારે સરસ ને સચોટ કહેલું નીરવ પટેલે કે હરેક જમાનાને એનો જોસેફદાદો મળી રહો.
મધ્યમવર્ગી ગુજરાતને અજાણી એક આખી દુનિયા, કહો કે દલિતોનો દેશ, જોસેફ મેકવાને એમનાં ચરિત્રો સાથે ને વાર્તા-નવલકથાઓ સાથે ઉઘાડી આપી. ૧૯૮૫-૮૬ એટલે કે ‘વ્યથાનાં વીતક’ અને ‘આંગિળયાત’નાં પ્રકાશન વર્ષોનું મને હંમેશ એક વાતે કૌતુક રહ્યું છે. તમે જુઓ કે ૧૯૮૭માં, એટલે કે ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ પ્રકાશિત થયાને સો વર્ષ થવામાં હતાં અને જોસેફ સહસા પ્રગટ થયા. જોસેફભાઈ કરતાં બે’ક વર્ષ પહેલાં કુંદનિકાબહેન ‘સાત પગલાં આકાશમાં’ લઈને આવ્યાં. નારી ચેતના અને દલિત ચેતનાના આ પ્રસ્ફોટો, કેમ જાણે પ્રાૈઢ ગુજરાતી નવલકથાની શતાબ્દીની નાંદી ઘટનાઓ ન હોય!
૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના પછી ગ્રેજયુએટોનો જે પહેલો પહેલો ફાલ આવવા લાગ્યો, એમને લાયક એવું, ભણેલ લોકની નાની દુનિયાનું પણ સામંતી માહોલમાંથી બહાર આવવા કરતું ભાવવિશ્વ ગોમાત્રિ લઈને આવ્યા હતા. વાલકેશ્ર્વર અને સુંદરગિરિના અધ્ધર ને સધ્ધર લોકનું માણસ કલ્યાણ ગ્રામનાં સપનાં જરૂર જોતું હતું, પણ એ ભદ્ર દુનિયા હતી. ગોમાત્રિમાં નહીં એવા ધસમસતા વાર્તાવેગે મુનશી જરૂર આવ્યા પણ એ પ્રતાપી પાત્રોની રાજદુનિયા હતી. અને લોક? એને તો આપણા એકના એક પનાલાલ લઈ આવ્યા ત્યારે. પનાલાલ ગયા ત્યારે જો સહૃદય ગુજરાતે એમ કહેવાનું થયું હોય કે એ લીલી વાડી મૂકતા ગયા છે તો એનું કારણ એ હતું કે આપણી વચ્ચે રઘુવીર, ભગવતીકુમાર વગેરે હોવા ઉપરાંત ત્યારે સવિશેષ તો જે મનેખને તમે અને હું ભદ્રલોક ઝાઝાં મુખોમુખ થયા નહોતા એને મેળવી આપનારા જોસેફ એ વર્ષોમાં તરત આવી મળ્યા.
આરંભે કહ્યું કે હર જમાનાને એનો જોસેફદાદો મળી રહો. પણ જોસેફભાઈએ ‘આંગિળયાત’માં આમ તો વીતી ગયેલા જમાનાની વાત કરી છે. એમના જ શબ્દોમાં કહું તો એક આથમી ગયેલી સંસ્કૃતિ અને સાયાસ વિસારે પાડવામાં આવી રહેલી સામાજિકતાની એ વાત છે. અલબત્ત, એમણે ઉમેર્યું છે કે એ સમાજવ્યવસ્થાની પુન: પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્વશીલતાના પુરસ્કારનો ઉદ્દેશ છે.
મારો રસ ને ખેંચાણ, એમાં વીતેલા જમાના તરીકે એવાં ને એટલાં નથી જેવાં ને જેટલાં મારી સાંકડી દુનિયામાં દલિત પાત્રોના પ્રત્યક્ષ પ્રવેશ અને પરિચયનાં છે. ખરું જોતાં, ભદ્ર ગુજરાત આ એક જ વાત માટે પણ લાંબો સમય દલિત સર્જકોનું ઋણી રહેશે. ભોં અલબત્ત, જોસેફભાઈએ ભાંગી, પણ હવે તો દલપત ચૌહાણ, મોહન પરમાર અને બીજાઓ પણ આપણી વચ્ચે છે.
બકુલ ત્રપિાઠી બરાબર સાહિત્ય પરિષદની શતાબ્દીના અરસામાં જ પ્રમુખ થયા ત્યારે એ જોગાનુજોગ હોંશે હોંશે સંભારવાનું બન્યું હતું કે સો વર્ષ પહેલાં એક નડિયાદી નાગર નામે ગોવર્ધનરામ ત્રપિાઠી પહેલા પ્રમુખ બન્યા હતા, અને હવે સોમે વર્ષે બીજા નડિયાદી નાગર, નામે બકુલ ત્રપિાઠી. જોકે યુગઘટનાની રીતે વધુ સમર્પક ઉલ્લેખ કદાચ એ છે કે જે ચરોતરે ગોમાત્રિ આપ્યા, એ જ ચરોતરે જોસેફ પણ આપ્યા. જોસેફભાઈ પૂર્વે પેટલીકરે ચરોતરની ગોમાત્રિ-ઇતર સ્úિષ્ટ કંઈક ખોલી હતી- અને પછી તો જોસેફભાઈ જે કોળ્યા છે… તમાકુની ખળીઓમાં શોષાતાં જીવતરની ખરખબર વગર કલ્યાણગ્રામ ખાલી ખાલી ખખડતું હોત.
રણજિતરામ ચંદ્રક, કેન્દ્રની સાહિત્ય અકાદમીનું પારિતોષિક, દર્શક સન્માન, મળી શકે એટલાં માન અને શતસહસ્ર વાચકચાહકગણ એમને મળ્યા છે. પ્રસંગે શબ્દબંબોળ ને વગિત તરબોળ થઈ જતાં હોવા છતાં એ લાંબો વખત વંચાશે એમાં પણ શંકા નથી. લેન્સી લોબોએ ‘ન્યૂ કવેસ્ટ’માં ‘આંગિળયાત’ પર સવિસ્તર સમીક્ષાલેખ કરેલો તે અહીં સાંભરે છે. એમણે લખેલું કે વણકરો ઉપરાંત હજુ તો ભંગી, શેણવા, ચમાર સૌ સાહિત્ય ચિત્રણની રાહ જુએ છે. ભાઈ, મેઘાણીએ પણ ‘માણસાઇના દીવા’ને પારિતોષિક મળ્યું ત્યારે કેટલા બધા પ્રજાવર્ગો હજુ સાહિત્ય પ્રવેશની રાહ જુએ છે એની વાત કરી હતી. સતત ચાલતી પ્રક્રિયા છે આ તો. એમાં એક નાજુક નિણૉયક પળે જોસેફ આવ્યા અને ન્યાલ કરતા ગયા.
હવે સવા સોએ પહોંચવા કરતી ગુજરાતી નવલકથાએ તો ક્ષિતજિો ઠીક વિસ્તારી આપી છે, પણ આપણા રાજદરબારો અને સમાજવ્યાપારો કેમ પાછા પડે છે? જોસેફ ગયા અને આ સવાલ વળી સંકોરતા ગયા.
સૌજન્ય: “દિવ્યભાસ્કર”