નોંધ લેવી જોઈએ..
આવતાં-જાતાં બધાંની નોંધ લેવી જોઈએ,
દેહના આ દબદબાની નોંધ લેવી જોઈએ.
આજ કડવી ઝેર છે, એ વાત જુદી છે છતાં,
કાલની મીઠી મજાની નોંધ લેવી જોઈએ.
ઊંઘનું ઓસડ બનીને રાતને પંપાળતી,
વ્હાલભીંની વારતાની નોંધ લેવી જોઈએ.
પ્રાણ પૂરે છે અહીં એકાદ પગલું કોઈનું,
જીવતી કોઈની જગાની નોંધ લેવી જોઈએ.
બાદબાકી એક વ્યક્તિની થતાં શું થાય છે?
સાવ સુની આ સભાની નોંધ લેવી જોઈએ.
આવતીકાલે પછી ઘેઘુર જંગલ થઈ જશે,
ઊગતી એ આપદાની નોંધ લેવી જોઈએ.
આખર તો આપણે આધાર સાચો એ જ છે,
શ્વાસ જેવા આ સખાની નોંધ લેવી જોઈએ.
-નીતિન વડગામા