ફાગણ આવ્યો રે..હોળી-ધુળેટીની ગુલાબી રંગભરી શુભકામના..
ફૂલ્યો-ફાલ્યો ફાગણ આવ્યો રે,
રંગ-બેરંગી ફૂલો લાવ્યો રે.. ફાગણ આવ્યો રે,
આંગણે અનેરો ઉત્સવ આવ્યો રે,
કોયલ કેરું ગુંજન લાવ્યો રે..ફાગણ આવ્યો રે..
કેસરીયાળી પાઘડી પે’રી,કેસુડો આવ્યો રે,
રંગભરી પિચકારી લાવ્યો રે…ફાગણ આવ્યો રે.
નમણી નારમાં એક અનેરો આનંદ આવ્યો રે,
હૈયામાં આજ અનેરો ઉમંગ લાવ્યો રે..ફાગણ આવ્યો રે.
શેરીએ શેરીએ સૌને સાદ દેતો આવ્યો રે,
ભીંજાવે ચુંદડી એવો રંગ લાવ્યો રે.. ફાગણ આવ્યો રે.
પ્રગટતી જ્વાળાભરી હોળી સાથ લાવ્યો આવ્યો રે,
દુષણો દૂર કરવા એક મંત્ર લાવ્યો રે..ફાગણ આવ્યો રે
************************************************
હોળી, જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,સુરિનામ,ગુયાના,ટ્રિનિદાદ યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.
હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ‘રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર “કામ દહન” Continue reading
વાંચી રહ્યું છે કોણ?
વરસી રહ્યાં છે અંગારા,
રોકી શક્યું છે કોણ?
ટપકી રહ્યાં છે આંસુ,
જીલી શક્યું છે કોણ?
બળતા રહ્યાં છે દિલ,
ઠારી શક્યું છે કોણ?
તુટી રહ્યાં છે કિનારા,
સાંધી શક્યું છે કોણ?
રુઠી રહ્યાં છે સંત-સારા,
મનાવી રહ્યું છે કોણ?
લખી રહ્યાં છે કવિ મારા,
વાંચી રહ્યું છે કોણ?
કવિતા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..
હવે હું ક્યાં જઈશ?
‘મુકેશને ગુજરી ગયાં પાંચ વરસ થઈ ગયાં. હું ખરેખર એમને મીસ કરું છું..એમને ગયાનો એફસોસ કે દુ:ખ! એ માત્ર મારું મન અને દીલજ જાણે છે. જે પુરૂષ સાથે મારો માત્ર શારિરીક સંબંધ હતો એમની સાથે લગ્નબાદ કદી મેં પ્રેમની પવિત્ર ગંગામાં કદી પણ સ્નેહનું સ્નાન કર્યું નથી! સમાજ, કુટુંબ અને મા-બાપના સંસ્કારે એમની સાથે એક ગુલામ તરીકે મેં જીવન જીવ્યું છે! એ પણ હસતાં મોંએ! ગાલપર થપાટ લગાવી મેં મોં લાલ રાખ્યું છે! અમેરિકા જેવા મહા-પ્રગતીશીલ દેશોમાં આપણાં પુરૂષો સ્ત્રીને પગના જુત્તા સમજે છે! અહીં આવે છે , મોર્ડેન જિંદગી જુવે છે, સરસ, સરસ સુધરવાની વાતો કરે છે..એ માત્ર બહારના સમાજમાં ઘેર નહી! “ધરકી મુરખી દાળ બરાબર!’ આજે એમના વગર સમાજમાં સ્કૂલમાં, હોસ્પિટલમાં વૉલીનટીયર તરીકે સેવા આપુ છું , સૌને મળી ખુશ છું. એકલી રહું છું, છોકરાની કોઈ ટક ટક નથી,એમની સાથે પણ સંબંધ પ્રેમાળ છે.એ એમની જિંદગી જીવે છે અને હું મારી રીતે ખુશ છું..ઘરમાં એકલી બેઠેલી માયા આજે વિચારમાં ને વિચારમાં એક ભૂતકાળના ખંડેરમાં સરકીપડી!
‘મુકેશ, હવે આ ઉંમરે તને બધું નથી શોભતું. માયાએ નમ્રભાવે કહ્યું.
‘તું શું કહેવા માંગે છે ? મારે કોઈ સાથે લફરું નથી,તુ઼ં ખોટી, ખોટી શંકા કરે છે.હું બધા સાથે ફ્રેન્ડલી છું અને તું બહુંજ મીન છો અને ઈર્ષાળું છો!
‘હા, હા હું મીન છું અને તમે બહુંજ ફ્રેન્ડલી છો તો કહો કે હું કોઈ પણ પુરષ સાથે એકલી થોડી પણ વાત કરું છું ત્યારે તમારા મગજમાં કુશંકાના ગલુડીયા દોડવા લાગે છે,અને ખોટા બહાના શોધી ઘેર આવી ઝગડા શરું કરી દો છો.
‘ માયા તારે નોકરી-બોકરી કશું કરવું નથી આવા ખોટા આરોપ મારા પર ન નાંખ,,નહી તો એક..!
‘હા, હા એકાદ થપાટ લગાવી દેશો એજ ને? અમેરિકામાં વરસોથી રહીએ છીએ છતાં તમે હંમેશા હાથ ઉગામતા રહ્યા છો !’ હું અહીંનો કાયદો જાણું છું જો હું…
‘હા..પોલીસને ફોન કરી દઈશ એજ ને..તું મને જેલ ભેગો કરવા માંગે છો તો આ લે ફોન..’
‘મુકેશ, મારે જો ફોન કરવો હોત તો વરસો પહેલા કર્યો હોત..આ તો મારા મા-બાપની ખાનદાની અને આપણાં છોકરાઓ પર તમારી કે આપણાં કુટુંબની ખોટી છાપ ના પડે એથી છેલ્લા ત્રીસ વરસથી ચુપચાપ આ બધું સહન કરી રહી છું, હવે છોકરા મોટા થઈ પરણી શાંતીથી પોતાના ફેમીલી સાથે સુખી જીવન જીવ છે એક તમેજ આ ઉંમરે આવા લફરા..હવે તો થોડા પીઢ થાવ અને સમજો !’
મુકેશ અને માયા ત્રીસ વરસથી અમેરિકામાં રહે છે, એક છોકરી ૨૫ વર્ષેની અને છોકરો ૨૭નો બન્ને કોલેજમાં બીઝનેસ-મેનેજમેન્ટની ડીગ્રી લીધી અને પોત-પોતાના જીવનસાથી શોધી પરણી પણ ગયાં. એમના બન્ને છોકરા પોત-પોતાની રીતે જુદા રહી સુખી જીવન જીવે છે. છોકરાઓને પણ થોડો અણસાર છે કે અમારા ડેડી રૉમેન્ટીક છે અને અન્ય સ્ત્રીઓ સાથે એમની કુંમળી લાગણી હોય છે. માયાએ કદી પણ છોકરાઓને અણસાર નથી આવવા દીધો કે મુકેશને રોમા સાથે અફેર છે. છોકરાને તો એ હંમેશા એમજ કહે: “તારા ડેડી બહુંજ રમુજી અને ફ્રી માઈન્ડના છે પણ માઈન્ડમાં કશું નથી. માયા માત્ર એકલી, એકલી મનમાં સોસાયા કરે ! દીલની વાત દીલમાં ક્યાં સુધી સઘરી રાખે? ત્યાં પણ હવે તો કોઈ ખુણો બાકી રહ્યો નથી..ત્યાં પણ હવે તો ફૂલ-હાઉસના પાટીયા દીલે લગાવે દીધા છે.દરિયો છલકાય ત્યારે કિનારાના ભુક્કા! માયાનું દીલતો સાગર કરતાં પણ વિશાળ હતું, ઘડીમાં બધુંજ ભુલી જાય ! અને પાછી મન મનાવી લે અને મુકેશ સાથે હસી-મજાકથી રહેવા લાગે.
મુકેશ નિૃવત થયાં બાદ બન્ને ભારતની મુલાકત લેતાં.અમદાવાદમાં નવરંગપુરામાં એક ત્રણ બેડરૂમનો ફ્લેટ લીધો હતો. મુકેશ ઘણીવાર સવારથી કોઈ કામના બહાને ઘરની બહાર નીકળી જાય અને માયાને ઘરમાં બેસી ટીવી જોવાનો શોખ, જુદી. જુદી હિન્દી સિરિયલ જોયા કરે અને એમાંજ આખો દિવસ પસાર થઈ જાય. માયા હવે મુકેશના સ્વભાવથી યુઝટુ થઈ ગઈ હતી. મનને મનાવી લેતી: ‘પુરૂષનો તો એવો સ્વભાવજ હોય! એમના મનમાં એવું કશું હોતું નથી! મન કદાચ માને! દીલને તો માત્ર ચોખ્ખો પ્રાણવાયું જ જોઈ એ. એ બીજો વાયુ સહન ના કરી શકે! એ માત્ર મન પર “મનામણાં”ના થીગડાં મારતી હતી !
મુકેશને એકાએક છાતીમાં દુ:ખવા આવ્યું અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.ડોકટરના નિદાન મુજબ મેજર હાર્ટ-એટેક હતો. સમયસર સારવારથી બચી ગયાં પણ ત્રણ મેજેર બ્લોકેજને લીધે તાત્કાલીક ઑપરેશનની કરવાની ફરજ પડી. માયા અને દીકરી અને દીકરો , જમાઈ, છોકરાની વાઈફ સૌ સેઈન્ટ-મેરી હોસ્પિટલમાં વેઈટીંગ રૂમમાં બેઠા હતાં.
સેલ ફોનની રીંગ વાગી..માયાએ દીકરીને ફોન આપ્યો એ ફોન મુકેશભાઈનો હતો. માયાની દીકરી પિન્કી બહાર લૉબીમાં ગઈ:
‘હલ્લો,’ ‘મુકેશ છે?
‘નૉ. અત્યારે ફોન પર આવી શકે તેમ નથી..
આપ કોણ ?’
ધડીભર કશો વળતો જવાબ ના મળ્યો..એટલે ફરી પિન્કીએ પુછ્યું:
‘ આપ કોણ?’…’હું.. હું …અ..ની..તા..’
એ વાત પુરી થાય એ પહેલાં જ માયાનો જોરથી બુમપાડી રડવાનો અવાજ આવ્યો..
પિન્કી બોલી..’આઈ..એમ સોરી..હું પછી તમને ફોન કરુ છું..’.
અનીતા..એ મુકેશભાઈનું અમદાવાદનું લફરું હતું..અનીતા ૪૫ વરસની વિધવા સ્ત્રી હતી અને મુકેશભાઈ એ માયાને ખબર ના પડે તે રીતે સ્પોન્સર કરી અમેરિકા બોલાવી હતી અને કહ્યું: ‘ડાર્લિંગ, એક વખત અમેરિકા આવી જા, હું તને નોકરી,મકાન બધું અપાવી દઈશ અને ભવિષ્યમાં તને ગ્રીન-કાર્ડ પણ અપાવી દઈશ ..અત્યારે વીઝીટીંગ વીસા પર આવી જા..બસ પછી આપણે જલસા કરીશું.’ અનીતાને પણ ખબર હતી કે મુકેશ પરણેલા છે, બે મોટા, મોટા બાળકો છે. પણ કોણ જાણે તેણીની મજબુરી કે અમેરિકાનું આકર્ષણ! મુકેશભાઈ અવાર નવાર ખાનગીમાં અનીતાને પૈસા મોકલતા જેમાં એકલી અનીતાનું ગુજરાન ચાલતું હતું. મુકેશભાઈને ખબર હતી કે આજે અનીતા આવવાની હતી અને એ એરેપોર્ટા પર લેવા જવાના હતાં. એમના પ્લાન મુજબ એમના મિત્ર કશાભાઈની મોટેલમાં અનીતાને રાખીશ અને ત્યાં શરૂઆતમાં ગેર-કાયદે પાર્ટ-ટાઈમ નોકરી કરશે અને પછી ધીરે ધીરે ફાવટ આવસે એટલે બીજી સારી નોકરી અથવા બીઝનેસ અને ઘર અપાવી દઈશ.
મુકેશભાઈનું ઑપરેશન દરમ્યાન બીજો એટેક આવ્યો અને ત્યાં જ દેહ છોડ્યો…પિન્કીએ થોડીવાર પછી સેલપરથી અનીતાને ફોન કર્યો” I am soory Anita aunti..My dad is no more ( મને કહેતા દુ:ખ થાય છે કે અનીતા આન્ટી, મારા પિતાનું અવસાન થયું). અનીતા હજુ એરપોર્ટ પર જ હતી…ગાંડાની જેમ બેબાળકી થઈ રડી પડી.. હવે હું શું કરીશ..હવે હું ક્યાં જઈશ?
વાર્તા વાંચ્યા બાદ આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો..
આપકમાઈની સુગંધ..
અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર હેનરી ફોર્ડ એક આલીશાન હોટલના કાઉન્ટર પર જઈને રિશેપ્શનિસ્ટ સાથે પુછપરછ કરતા હતા-“મેડમ, તમારા ગામમાં પ્રમાણમાં સસ્તી હોટેલ કઈ ગણાય?”
ત્યારે રિશેપ્શનિસ્ટ હસીને જવાબ વાળ્યો: અમારી આ ફાઈવ સ્ટાર હોટલ સસ્તીજ છે, આપનું નામ?’
હેનરી ફૉર્ડ બોલ્યો: ” મારું નામ મિ. ફોર્ડ છે, પણ મને આટલી મોંઘી હોટલ પોષાય તેમ નથી. મારે તો એકજ દિવસ રહેવું છે. એટલા માટે આટલો બધો ખર્ચ કરવો યોગ્ય નથી.”
ત્યારે પેલી બહેને કહ્યું: ગામની બહાર એક સસ્તી હોટલ છે તો ખરી, પણ તમારે ગામમાં કામ હશે તો ચાલીને આવવું પડશે.”
“એનો કશો વાંધો નહી, એ બધું હું ગોઠવી લઈશ” . કહીને ફોર્ડ વિદાય થવા લાગ્યો, ત્યાં પેલી રિશેપ્શનિસ્ટને કાંઈક યાદ આવ્યું તે બોલી ઊઠી: “અમારી જ હોટલના સૌથી મોંઘા સ્યૂટ(સ્વીટ)માં કોઈ મિ.ફોર્ડ જ ઊતર્યા છે.”
પોતાનો સામાન ઊંચકીને બહાર જતાં હેનરી ફોર્ડે કહ્યું: “જી હા, હું એમને ઓળખું છું. એમના પિતા કરોડપતિ છે, જ્યારે મારા પિતા ગરીબ હતાં.”
હોટલના પેલા મોંઘીડાટ સ્યૂટમાં હેનરી ફોર્ડના જ સુપુત્ર ઊતર્યા હતાં.
જે માણસ જાતે કમાણી કરે છે, તેને એક એક પાઈની કિંમત હોય છે. એના હાથે ક્યારેય ધનનો દુર્વ્યય થતો નથી. જ્યારે બાપના પૈસે તાગડધીન્ના કરનારા ફરજંદોને તો વિચાર સુદ્ધાં આવતો નથી કે ખર્ચાતા આ પૈસા માટે કોઈને પોતાના પરસેવાનું ટીપું વહેવડાવું પડ્યું છે. એટલેજ બાપકમાઈ એ કાગળના ફૂલ સમી નિર્જીવ બની જાય છે અને આપકમાઈ સાચા ફૂલ સમી સજીવ, સુંદર , સુકોમળ અને સુગંધી!
સૌજન્ય: ગુલમહોરી છાંયડા-મીરા ભટ્ટ
પ્રાર્થના ચિઠ્ઠી..એક શિક્ષકની વેદના..એક બાળકની કલમે…
પ્રતિ,
શ્રી ભગવાનભાઈ ઈશ્વ્રરભાઈ પરમાત્મા(શંખચક્રવાળા)
સ્વર્ગ લોક,નર્કની સામે,
વાદળાની વચ્ચે
મુ.આકાશ.
પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથ જણાવાનું કે હું તારI ભવ્યમંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ છું.
મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.’હું શું કામ ભણું છું’
એની મારા માં–બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે
મારા માં–બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે–ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.
મારા સાહેબે કિધુ’તુ કે તુ સાચી વાત જરૂર સાંભળે છે…!
પ્રશ્ન –૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર
આરસ પહાણનું મંદિરને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુ’ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,
આ મને સમજાતુ નથી…!
પ્રશ્ન –૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતો’ય નથી…અને હું દરરોજ બપોરે
મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…!આવું કેમ…?
પ્રશ્ન –૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ’ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!
સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!
પ્રશ્ન –૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય “મારા મંદિરે” કેમ ડોકાતા નથી…!
પ્રશ્ન –૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તો’ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?
શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે…મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે ! ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા મા-બાપ પાસે ફિ ના કે ટ્યૂશનના પૈસા નથી. તું જો તારી એક દિવસની તારી દાનપેટી મને મોકલેને તો હું આખી જિંદગી ભણી શકું. વિચારીને કે’જે…! હું જાણું છું તારે’ય ઘણાયને પૂછવું પડે એમ છે.
પરંતુ ૭માં ધોરણની વાર્ષિક પરીક્ષા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના રૂ.પાંચ ના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે!ને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ…!
જલ્દી કરજે ભગવાન. સમય બહું ઓછો છે તારી પાસે અને મારી પાસે પણ…!
લી.
એક સરકારી શાળાનો ગરીબ વિદ્યાર્થી
અથવા
ભારતના એક ભાવિ મજૂરના વંદે માતરમ્.
source: courtesy e-mail from Hemant Gajarawala(unknown author)
Thank you…આભાર..
“ફૂલવાડી”ના વાચકો તેમજ મિત્રો તરફથી..મારા જન્મદીને શુભેચ્છા પાઠવી છે..તે સૌ નો હ્ર્દય-પૂર્વેક આભાર..
“ફૂલવાડી” આપની પ્રેમના સિંચનથી ફલેફૂલે..વિકસે અને આપણી માતૃભાષા-ગુજરાતી વિશ્વમાં સદા જિવંત રહી..અમરબને..
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ
“આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,
તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”
– જૈમિન મક્વાણા- “બદનામ”
પિતાની પ્રાર્થના..
પ્રભુ, મને એક એવો પુત્ર આપો, જે
પોતાના દુર્બળતાને જાણે એતલો બળવાન હોય
અને ભયભીત થાય ત્યારે પોતાનો સામનો કરી શકે…
એટલો પરક્રમી હોય!
સાચી હારમાં એ ગૌરવ અનુભવે અને સ્થિરચિત્ત બની રહે
વિજયમાં એ વિનમ્ર અને સુશીલ બને.
પ્રભુ, મારા પુત્રને એવો બનાવજો કે
જ્યારે એના સામર્થ્યની જરુર હોય ત્યારે એ સ્વાર્થ ન સાધે;
મારો પુત્ર તમને જાણે, અને એને એ વાતની પ્રતીતિ
થાય કે, પૂર્ણજ્ઞાન સુધી લઈ જતી સીડીનું પહેલું સોપાન
તે પોતાની જાતનું જ્ઞાન છે.
હે, ભગવાન, આરામ અને અનુકૂળનાં ફૂલો પથરાયાં
હોય, એવા રસ્તે એને ન મોકલતા,
એને પડકાર, સંઘર્ષ અને
કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતાં શીખવજો.
એ રસ્તા પર આંધી ને તોફાન આવે
ત્યારે એ સ્થિર રહેતાં શીખે, અને
આ વાવાઝોડમાં જેઓ ધરાશાયી બન્યાં હોય
એમના પ્રત્યે એની કરુણતાનો સ્ત્રોત વહે;
મારા પુત્રનું હૃદય સ્વચ્છ અને નિર્મળ હજો, પ્રભુ!
અને એનો ઉદ્દેશ મહાન હોજો.
બીજાઓ પર પ્રભુત્વ મેલવવાની આકાંક્ષા જાગે
એ પહેલાં એ પોતાના પર કાબૂ મેળવે,
એ દિલ ખોલીને હસતાં શીખે
અને એની આંખો ક્યારેક આંસુથી સજળ પણ બને,
એની દ્રષ્ટી ભવિષ્યની ઝાંખી કરી શકે
અને વીતેલા સમયને પણ જોઈ શકે.
મારી અંતિમ પ્રાર્થના એ છે , ઈશ્વર!
કે એને થોડી વિનોદવૃત્તિ પણ આપજો
જેથી એ હંમેશ ગંભીર બની રહી, પોતાની જાત તરફ
અનુદાર ન બને..
એને વિવેકી બનાવજો,
જેથી એ સાચી મહત્તાની સરળતાને,
બુદ્ધિમત્તાના ઔદાર્યને જાણી શકે.
આમ જે બનશે, તો મારી વાણી
કૃતજ્ઞ થઈ ધીમા સ્વરે કહેશે:
“મારું જીવન એળે નથી ગયું.
-કવિ અજ્ઞાત(“પરમ સમીપે”)
( તાક: આ પિતાની પ્રાર્થના માત્ર પુત્ર પુરતી સિમિત ના હોય શકે..પિતાના કોઈ પણ બાળક(પુત્ર કે પુત્રી) માટે આજ પ્રાર્થના કરી શકાય..)
“આ હ્ર્દયને ખોલવું પણ કેટલું અઘરું હતું..”
આ હ્ર્દયને ખોલવું પણ કેટલું અઘરું હતું,
સાવ સાચું બોલવું પણ કેટલું અઘરું હતું.
હું’ય હસતો ને હસીને લોથ થઈ જાતો હતો,
દર્દને સંતાડવું પણ કેટલું અઘરું હતું.
હું પ્રતિબિંબિત હતો ,મારો ‘ઈગો’સામે થયો,
આયનાને ફોડવો પણ કેટલું અઘરું હતું.
એજ બંધનથી મને મુક્તિ કદિ’યે ના મળી,
એક વળગણ છોડવું પણ કેટલું અઘરું હતું.
યાદની કિતાબ દુ:ખદાયક હતી ને તે છતાં,
એક પાનું ફાડવું પણ કેટલું અઘરું હતું.
હાથમાં મારા જ મારી ઝંખનાનું ખૂન છે,
એ ભીનું સંકેલવું પણ કેટલું અઘરું હતું.
-અલ્પેશ પાઠક’પાગલ’
ઓહ્ મૉમ!
‘શિવ-દયાળું નર્સિંગહોમ’ પાસે ગર્લ્સ-સ્કાઉટની ટીમ,જેમાં પંદર બાળીકા,જેમની ઉંમર પાંચથી સાત વર્ષની હતી. નાની મીની બસમાં ત્રણ લેડી-વૉલીનટીયર્સ હતી.પાંચ, પાંચની નાની ટુકડી સાથે એક વૉલીનટીયર સાથે હાથમાં પંદરથી વીસ હેપી-વેલેનટાઈનના કાર્ડસ હતાં. નર્સિંગ-હોમની મેનેજર મીસ ગુપ્તાએ સૌને મીઠા-હાસ્ય સાથે આવકારતા કહ્યું: “વેલેનેટાઈન નિમિત્તે આપ સૌ શીવ-દયાળું નર્સિંગ હોમ આવ્યા છો અને આ બાળીકાઓ, દરેક અહી વસતા વડીલોને વેલેનટાઈન ગીત અને કાર્ડસ આપવાના છો તેથી અમો તેમજ આ વડીલો બહુંજ ખુશ થશે. તેઓ પ્રેમના ભૂખ્યા છે.સૌ નાના બાળકોને જોઈ હર્ષ-ઘેલા બની જશે.ઘણાં વડીલો અહીંયા છે જેમણે પોતાની શરીરની મર્યાદાને લીધે બહાર નીકળી નથી શકતાં, બેડમાં જ પડ્યા રહેવું પડે છે. તેઓ તમને સૌને જોઈ બહુજ ખુશ-ખુશાલ થઈ જશે.”
પાંચ, પાંચની ટીમમાં સૌ ગોઠવાઈ ગયાં હાથમાં વેલેટાઈન કાર્ડ..વૉલીનટીયટર રુમ પાસે જઈ વડીલને પુછે:”May we sing avalentine song for you?( અમે વેલેનટાઈન્સનું ગીત ગાઈ શકીએ?).ઉંમરવાન વડીલ તુરત જ “હા” કહી દે એટલે દરેક નાની બાળીકા ગુલાબી સ્મિત સાથે ગીત ગાતા ગાત નૃત્ય કરતા ગાઈ:
“You’re in my thoughts and in my heart
Wherever I may go ‘ ♥
On Valentine’s Day, I’d like to say
I care more than you know.”
( “હું જ્યાં પણ જાઉં, આપ મારા મનમાં ,
મારા હૈયામાં વસોછો..
વેલેનટાઈન્સ-દિવસે એટલુંજ કહીશ..
આપ ધારો છો એથી વિશેષ હું ચાહું છું..”)
આ ગીત બાળકો પુરુ કરે અને વડીલના હાથમાં કાર્ડ આપે..વડીલની આંખ ભીંની થઈ જાય, ગળગળા થઈ બોલી ઉઠે.’ ઘણાં દિવસબાદ આવો અનોખો આનંદ મળ્યો છે..અમારા પૌત્ર-પૌત્રીઓ યાદ આવી જાય છે..ખુબ, ખુબ આભાર.”
એક પછી એક રૂમમાં બાળીકાઓ ઠનગણાટ અને ઉત્સાહભેર જતી હતી અને આજ નર્સિંગહોમમાં એક આનંદનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું, સૌ વડીલોના હૈયામાં એક અનોખો ઉત્સાહ હતો. એક રૂમમાં બાળીકાઓ એ ગીત પુરુ કરી ૭૯ વર્ષના માજીને કીમે કાર્ડ આપ્યું. કાર્ડમાં નીચે નામ હતું…”કીમ રમણલાલ પટેલ” માજી કીમ તરફ તાકી રહ્યાં..માથું ખજવાળી ધીરા અવાજે બોલ્યા..તું રમણ પટેલની દીકરી છો? મારા રમણીયાની? માજીની નજીક જતાં કીમ થોડી શરમાણી…શરમાતા, શરમાતા બોલી “હા” ..મારી પૌત્રી.કહી ગળી લગાવી દીધી, ગાલપર વ્હાલભર્યું ચુંબન કર્યું..બેટી..’મેં તને પહેલીવાર જોઈ..હું અહી સાત વરસથી છું. પણ તારો બાપ કદી મને જોવા નથી આવ્યો.’ બેટી, એમાં તારો શું વાંક? પરિસ્થિતી વણસે એ પહેલાં ટીમ લીડર મીસ સ્મીથ બોલી : મેમ..માફ કરજો અમારે બીજા વડીલો પાસે પણ જવાનું છે..ફરી કોઈવાર..કહી સૌ બાળકી સાથે રુમમાંથી નીકળી ગયાં..કીમ એકદમ હેબતાઈ ગઈ, બિચારી સાત વરસની છોકરી શું જવાબ દે? ‘bye grand-ma ..I love you..’ કહી ટીમ લીડર સાથે રુમમાંથી બહાર નીકળી.
કીમ ઘેર આવી તુરતજ એની મમ્મીને પ્રશ્ન કર્યો : ‘મૉમ, તે મને કેમ કદી પણ કહ્યું નથી કે મારે દાદીમાં છે અને જીવે છે અને “શીવ-દયા નર્સિંગ -હોમમાં રહે છે..Why? તેણીની મમ્મી શીલા શું જવાબ દે?
દાદીમાને સાત વરસ પહેલાં સ્ટ્રોક આવવાથી તેમના અંગનો એક ભાગ કામ નહોતો કરતો અને મોટાભાગે વ્હીલ-ચેરમાં રહેવું પડેતું હતુ તેથી થોડ ચિડીયો સ્વભાવ થઈ ગયો હતો તે સ્વભાવિક છે. શીલા અને રમણભાઈને ત્રણ પીઝાહટ હતાં તેથી બિઝનેસમાંથી જરીની પણ નવરાશ નહી. શીલાએ છછેડાઈને રમણભાઈને કહ્યું:
તમે કંઈક કરો, હું તો આ ઘરથી કંટાળી ગઈ છું.ઘેર થાકાપાક્યા આવીએ અને તમારી મા ના મારે-મેણા-ટેણાં સાંભળવાના.’
શીલા, એમની ઉંમર અને દર્દને લીધે એનો ચેડીયો સ્વભાવ થઈ ગયો છે હું જાણું છુ પણ તું થોડી શાંતી રાખે તો સારું..
‘જો તમને કહી દઉ છું કાંતો એ નહી કા હું નહી..આ ઘરમાં એ રહેશે તો હું મારો રસ્તો કાઢી લઈશ.’
રમણભાઈ આવા રોજના કંકાશથી તંગ આવી ગયા હતાં, ના છુટકે માને નર્સિંગ-હોમમાં મૂકી દીધા શરૂઆતમા તો દરરોજ નર્સિંગ હોમમાંથી ફોન આવે: ‘તમારી મમ્મી કશુ ખાતા નથી અને રો..રો કર્યા કરે છે. પણ નાતો રમણભાઈ માની મુલાકત લે , નાતો શીલા સાસુને મળવા જાય! સાસુમાને ટેવાવવું પડ્યું..કોઈ છુટકો હતો?
જેવા રમણભાઈ ઘેર આવ્યા તુરત શીલાએ બનેલી ઘટનાની વાત કરી: કીમ બહુંજ અપસેટ છે રમણ? ‘શીલા મને ખબર જ હતી કે વહેલી-મોડી કીમને ખબર પડશેજ કીમ સાત વરસની થઈ પણ આપણે કદી બાની મુલાકાત પણ નથી લીધી કે કીમને બા વિશે કશું કીધું નથી. ‘શીલા, સત્ય સમય આવે ત્યારે વાદળને ચીરી,સૂર્ય જેમ બહાર પ્રકાશમાન થાય તેવી રીતે બહાર આવે છે.’ રમણભાઈ એ કીમને બોલાવી: બેટી..આવતી કાલે રવિવાર છે અને રીયલ વેલેનટાઈન છે તો હું, તું અને તારી મમ્મી સૌ સાથે મળી “દાદીમાને હેપી વેલેનટાઈન્સ કહેવા જઈશું બસ..”હેપી”..
યસ ડેડ, આઈ લવ માય ગ્રાન્ડ-મા..એ બહુજ માયાળું છે.
હું દાદીમા માટે મ્યુઝીકલ કાર્ડ, ચોકલેટ કેન્ડી અને પીન્ક બલુન લઈ જઈશ..
‘ઓકે બેટી.’
રમણભાઈને આખી રાત ઉંઘ ના આવી , મન વિચારે ચડ્યું” હું અહી અમેરિકા ૩૭ વરસ પહેલાં મમ્મી-ડેડી સાથે આંગળી જાલી આવ્યો ત્યારે બે વરસનો હતો. યાદ છે મારા ડેડી હું પાંચ વરસનો થયો અને એમનું હાર્ટ-એટેકમાં મૃત્યુ થયું.મમ્મીને મને ઉછેર કરવામાં કેટેલી તકલીફ ભોગવવી પડી છે તે મારા સિવાય કોઈ જાણતું નથી..મને ભણાવ્યો-ગણાવ્યો અને એક બીઝનેસમેન બનાવ્યો આ સૌ મા તારા પ્રતાપે! ઘરના કંકાશે ના છુટકે મા મે તારી સાથે અપરાધ કરી અને તને ડે-ટાઈમ પ્રીઝન જેવી નર્સિંગહોમમાં ધકેલી દીધી..શું કરું મા મારી લાચારી!
સવાર થઈ સૌ નવવાગે તૈયાર થઈ કારમાં ગોઠવાઈ ગયા.કીમ, દાદીમાને મળવા બહુંજ આતુર હતી, ખુશ હતી. ‘મારી દાદીમાને મળીશ,, હગ આપી કહીશ કે જુઓ..હું મમ્મી-ડેડી બન્નેને સાથી લાવી છું ..એ કેટલા ખુશ થશે?’ શીવ-દયાળું નર્સિંગ-હોમ પાસે કાર આવી, રમણભાઈ કાર પાર્ક કરી સૌ ઉત્સાહભર નર્સિંગહોમમાં પ્રવેશ કર્યો..નર્સ દોડતી દોડતી આવી.. મીસ્ટર પટેલ અહી આવો…કેમ? રમણભાઈ નર્સ પાસે ગયા.. નર્સબોલી” મે આપને ઘેરે બહુંજ ફોન કર્યાં..હા હા પણ અમે રસ્તામાં હતાં શું છે બોલો? મીસ્ટર પટેલ..તમારા મમ્મી બે કલાક પહેલાંજ…શું કહોછો.રમણભાઈ બે બાકળા થઈ ગયાં. નર્સની આંખમાં પણ આંસુ હતાં બોલી” હા. આપની માનો સ્વર્ગવાસ થયો !…”ઓહ્ મૉમ!”
વાર્તા વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપો.
જકડી રાખે છે અહીં
કદી સમયની સાંકળો તો કદી લાલચાના લંગરો
જકડી રાખે છે અહીં.
કદી કોઈ જાતની ઠેસ તો કદી વાતની ઠેસ,
જકડી રાખે છે અહીં.
કદી કોઈ શમણાનો શણગાર તો કદી ચમકનો ભાસ,
જકડી રાખે છે અહીં.
કદી કાયાની માયા તો કદી માયાની છાયા
જકડી રાખે છે અહીં.
કદી ધર્મની ઘાક તો કદી મેલા માનવીની હાંક,
જકડી રાખે છે અહીં.
કદી’ હું ‘પણાની જીદ તો કદી તું પણાની તારી તાણ
જકડી રાખે છે અહીં.
અમે મોં ફેરવી લીધું.
બધી મસ્તી મજાઓથી અમે મોં ફેરવી લીધું,
જર્જરિત એ જગ્યાઓથી અમે મોં ફેરવી લીધું.
વરસવાનું વચન આપી હમેશાં છેતેરે છે એ,
ગરજતાં વાદળાંઓથી અમે મોં ફેરવી લીધુ.
સદા બસ આભમાં ઊડ્યા કરે છે એજ કારણથી,
પરીની વારતાઓથી અમે મોં ફેરવી લીધું.
ઠરીને ઠામ એ થાતાં નથી ક્યારેયને ક્યાંયે,
ખરેલાં પાંદઓથી અમે મોં ફેરવી લીધું.
અભિનય સાવ સઘળો આજ એનો પાંગળો લાગ્યો,
ઉપરછલ્લી અદાઓથી અમે મોં ફેરવી લીધું.
પછી થાકી ગયા અંતે બધો ચળકાટ આંજીને,
સળગતી એ સભાઓથી અમે મોં ફેરવી લીધું.
જરા બાંધી શકે તો એક કાચો તાંતણો કેવળ,
અહીં તો ભલભલાઓથી અમે મોં ફેરવી લીધું.
-નીતિન વડગામા
અધુરું સ્વપ્ન!
‘ડેની,મને ઊંઘ નથી આવતી, બહુંજ અન્કોમ્ફોર્ટેબલ (uncomfortable)લાગે છે” નીશા, ડેનીના માથાના વાળ પર સુંવાળો સ્પર્શ કરતાં બોલી.
‘હની, હવે માત્ર બે દિવસ બાકી છે, પછી તું ફ્રી..’
‘ડેની, પછી તું તારા પ્રિન્સને દુધ પિવરાવીશ, ડાયપર્સ બદલીશ? જોબ પર કોણ જશે?’
‘હું જોબ પરથી એક અઠવાડીયું રજા લઈ તને મદદ કરીશ.’
‘યસ, ડાર્લિંગ..પણ અત્યારે તો તારો પ્રિન્સ બહું જ સતાવે છે, જરીએ સુવા દેતો નથી.’
ડેનીએ એમનો જમણો હાથ વ્હાલથી નીશાના પેટ પર ફેરવતા બોલ્યો..’પ્રિન્સ બંટી , તારી મમ્મીને બહું નહીં પજવવાની ઓકે?
નીશાને પ્રેગનન્સીનો નવમો મહિનો ચાલતો હતો અને બે દિવસ પછી બેબી આવવાની તારીખ ડોકટરે આપેલી હતી.નીશા અને ડેની બન્ને અહીં અમેરિકામાં જ જન્મેલા, હ્યુસ્ટનમાં સુગરલેન્ડ નેબરહૂડમાં એક જ સબેડીવિઝનમાં રહેતા હતાં. એક જ સ્કુલમાં એલીમેન્ટ્રીથી સાથે ભણેલાં. એક દિવસ નીશા સ્કુલબસ ચુકી ગઈ અને બહાર ધોધમાર વરસાદ પડતો હતો અને ડેનીને સ્કુલ-પ્રોજેકટ માટે રહ્યો હતો. નીશા પાસે ડેની આવી કહ્યુ:
‘નીશા, શું બસ મીસ થઈ?
‘હા, યાર, ઠંડીથી ધ્રુજતા, ઘ્રુજતા નીશા બોલી.
ડેનીએ પોતાનું જેકેટ કાઢી નીશાને આપ્યું.
‘પણ તું જેકેટ વગર શું કરીશ? તને ઠંડી નથી લાગતી?’
‘ના,’ ડેનીએ ટુંકમાં જવાબ આપ્યો.
બીજી લેઈટ પીક-અપ બસ આવી તેમાં બન્ને બેસી ઘર આવ્યા..
ડેની બે દિવસથી સ્કુલમાં નહોતો આવતો તેની ખબર પડતા નીશાએ ડેનીના ઘેર ફોન કર્યો ત્યારે ખબર પડી કે તેની શરદી થઈ ગઈ હતી. નીશાને બહુજ બેડ ફીલ થયું: ‘મારે લીધે જ ડેનીને શરદી થઈ ગઈ છે તેણે તેનું જેકેટ કાઢી મને આપી દીધું..Such a nice guy!નીશા મનોમન બોલી
બસ ત્યારેજ પ્રણયના અંકુર ફૂટ્યા!
વર્ષોથી અમેરિકા રહેતા ડેનીની મમ્મી ને આ સંબંધ મંજુર નહોતો. નીશા એમના મા-બાપની એકની એક છોકરી હતી.ટીન-એજર લવ એ અમેરિકામાં કોમન છે અને તેમાં તેમને કશો વાંધો નહોતો.
‘ડેની, આ રખડેલ છોકરી સાથે તું ફરે છે મને જરીએ મંજુર નથી..ડેનીની મમ્મી તાડુકી બોલી..
‘મમ્મી, તમે શું બોલો છો, તેનો તમને ખ્યાલ છે, શું નીશા રખડેલ છોકરી છે?’
જો ડેની આ ઘરમાં તારે રહેવું હોય તો અમારું કહ્યું તારે માનવું પડશે..
‘નહીતર? ડેની પણ અપસેટ થઈ બોલ્યો.
‘તું હવે અઢાર વર્ષનો થઈ ગયો છે,એડલ્ટ છો..’
‘એટલે તમે મમ્મી શું કહેવા માંગો છો? હા, હું સમજી શકું છું.’
બસ ત્યારથી ડેની એ ઘર છોડ્યુ. ડેનીના ફાધરે ઘણું સમજાવ્યું: ‘બેટા, તારી મમ્મીના સ્વભાવ પર ના જા..તારા ભવિષ્યનો તું વિચાર કર. મારે તારા મમ્મી સાથે આ પનારા પડ્યા છે. ઘરમાં કંકાશ ને લીધે હું એકે બાજું બોલી નથી શકતો.
‘ડેડી, હું તમારી સ્થિતી સમજી શકું તેમ છું..Don’t warry, I will be OK!’
ડેની એ સ્કુલ છોડી..જોબ શરું કરી.નીશાએ ડેનીને પુરે પુરો સાથ આપ્યો..
નીશાએ પોતાના મા-બાપને કહ્યું:’ આવી પરિસ્થિતીમાં મારે ડેનીને કપરા સંજોગોમાં સાથ આપવો જોઈએ.અને હવે હું પણ એમની સાથે રહીશ.’
બન્નેએ એક બેડરૂમનું એપાર્ટમેન્ટ રાખી સાથે રહેવા લાગ્યા.
એક વરસ બાદ નીશા પ્રેગનન્ટ થઈ.
‘ડેની, આ બાળકના જન્મબાદ આપણે લગ્ન કરી લેવા જોઈએ..ક્યાં સુધી હું કોમન-વાઈફ તરીકે તારી સાથે રહું? મારે લગ્નજીવનની એક સાચી પત્ની તરીકે તારી સાથે જીવન જીવવું છે..’
યસ, ડાર્લીંગ, મને પણ એજ ધડીની આતુરતા છે..બાળકના જન્મબાદ આપણે ધામ-ધૂમથી લગ્ન કરીશું.તારી આ વાતથી આજે હું પણ બહું ખુશ છું. Thank you darling. કહી ડેની એ નીશાને વ્હાલ ભર્યું ચુંબન આપી ભેટી પડ્યો. ડેની દિવસભર જોબ કરતો અને સાંજે પાર્ટ-ટાઈમ.ઈલેકટ્રીક ઈન્જીનયરનું સ્ટડી કરતો હતો અને નીશાનો એમાં પુરેપુરો સહકાર હતો.
‘ડેની, તારે સવારે ઉઠી જોબ પર જવાનું છે, તું સુઈ જા?..હું પણ આડી પડી છું, ધીરે ધીરે ઊંઘ આવી જશે.
સવારે ૫.૩૦નો આલાર્મ વાગ્યો, ડેની ઉઠી પોતાના માટે અને નીશા માટે ચા બનાવી.
‘હની.. ઉઠવું છે? રાતે પછી ઊંઘ આવી ગઈ હતી?.નીશાના કપાળ પર વ્હાલભર્યું ચુંબન આપતા ડેની બોલ્યો.’
‘યસ, ડેની થોડીવાર ઉઠીસ, તારી સાથે ચા-નાસ્તો કરી, તું જોબ પર જઈશ એટલે ફરી સુઈ જઈશ!’
બન્નેએ સાથે ચા અને ટોસ્ટ નો નાસ્તો કર્યો.
જોબ પર જવા તૈયાર થઈ ગયો. છ વાગે એમની રાઈડ આવે.એમનો મિત્ર માઈક દરરોજ એમને રાઈડ આપતો હતો..ડેની પાસે હજું કાર નહોતી.
‘હની,હું બહાર રાઈડ માટે ઉભો છુ. બસ હવે બેબી આવવાને એક દિવસ બાકી છે. કાલે હું મારા બૉસને કહીશ: મારી વાઈફને સીઝીરીનથી બેબી લેવાની છે તેથી હું કાલે નહી અવી શકું.’
‘થેન્કુ, ડાર્લીંગ!’
બાય! કહી ડેની નીશાને કીસ કરી ઘર બહાર આવ્યો. નીશા ઘરની બારીમાંથી ડેનીને નિહાળી રહી હતી.
ધડ..ધડ..ધડ ત્રણચાર ધડાકા બોલ્યા..જાણે કે ગોળીઓનો વરસાદ…
નાશાએ ચીસ પાડી…’ડેની!!
માંડ, માંડ ઘર ખોલી બહાર આવી.લોહી..લોહાણ અવસ્થામાં ડેની બહાર પડ્યો હતો..Please help..help..help ની ચીસોથી નેબર જાગી ગયા..કોઈ પોલીસને ફોન કર્યો.સૌ મદદે ધસી આવ્યા..કોઈએ ત્રણ જણને ગન સાથે ગેટ-વે કારમાં નાસી જતાં જોયા. રૉબરી! કે શું?
પોલીસ, એમ્બ્યુલન્સ બધા દસ મિનિટમાં આવી પહોચ્યાં. પેરામેડીકે ડેનીને C.P.R આપવાનું શરું કર્યું..આ બાજું નીશા બે-ભાન અવસ્થામાં હતી. બન્નેને જુદી જુદી એબ્યુલન્સમાં નજીકના હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા. એજ હોસ્પિટલમાં ડેનીનું મોત અને હોસ્પિ઼્ટલમાં એજ સમયે તાત્કાલીક ડોકટરે સીઝીરીયન કર્યું , નીશાએ એક નવજાત બાળકને જન્મ આપ્યો! એક જ્યોત બુઝાઈ સાથો સાથ બીજી જ્યોત પ્રગટી!
દરિયો
શંખ રેતી,માછલી ને છીપના પરિવારમાં દરિયો હતો,
જિંદગીભર ખારવાને એકલો પડકારમાં દરિયો હતો.
ઈશ્વરી દરબારમાં ફરિયાદ નોંધાવી નદીએ ને તરત,
સાવ ખોટા કારણોસર એ પછી અખબારમાં દરિયો હતો.
કબનસીબે આપણી ઊભાં રહ્યાં સાગર કિનારે એકલાં,
તત્વજ્ઞાની નાળિયેરીએ કહ્યું: મઝધારમાં દરિયો હતો.
ફૂલ,ફળ ને હાર અર્પી ભાવથી ભક્તો ઉતારે આરતી,
શૈષની શૈયા ઉપર પોઢ્યા પ્રભુ, શણગારમાં દરિયો હતો.
ઘાવમાંથી નિકળેલા રક્તમાં ખારાશ કોણે ભેળવી?
શું કરું? ન્હોતી ખબર કે એમની તલવારમાં દરિયો હતો.
-કેતન કાનપરિયા
જિંદગી ને મોત ! (3)
જિંદગી ને મોત
સિક્કાની બે બાજુ,
જિંદગી ઊછળી,ઊછળી થાકે
ત્યારે મોત આવી
હળવે હળવે
હાથ પકડી
પરમ
વિશ્રાંમ તરફ લઈ જાય!
****************
જિંદગી
ધમપછાડા કરતી પ્હાડ
પરથી ધસમસ કરતી,
ધરતીની ગૌદમાં આવે,
સરિતા સમી દોડી દોડી થાકે,
આખરી વિશ્રાંમ માટે
અંતમાં તો એ ભવસાગરમાં સમાય..
****************************
જિંદગી જીવવા જેવી તો ખરી!
ફરી પાછી મળે ના મળે કોને ખબર?
મળે થોડી મજા માણી લે,
પળ હરપળ હળવી હસી કર લે,
થોડી સજા મળે,
ચિંતા ના કર..પળભર ભોગવી લે,
કાળની ગતી ન્યારી પણ પ્યારી છે,
એ ક્રમ કોઈ નહી મિટાવી શકે,
અપનાવી લે!
એ આવશે એક દિન,
આશંકા ના કર
વધાવી લે.
હસીને વિદાય લે,
ફરી પાછી
આવી પળ મળે યા ના મળે,
કોને ખબર?
તારા બ્રહ્માંડમાં..
તારલાની ટોળી મુઠ્ઠીભર તેજ લઈ,
ક્યાં લગી ભટકશે તારા બ્રહ્માંડમાં?
ગૃહોનો ગણગણાટ,માખીનો ભાર લઈ,
ક્યાં જઈ અટકશે તારા બ્રહ્માંડમાં?
ડુંગરી પથ્થરો,આકાશી આધાર લઈ,
પથ્થરબાજી કરે તારા બ્રહ્માંડમાં.
આકાશીગંગા દોડી દોડી હાંફી ગઈ ,
સીમાડા હોય ક્યાં તારા બ્રહ્માંડમાં?
સેકડો સૂર્યની જીવનદોરી ટૂંકાય ગઈ,
બ્લક-હૉલમાં સમાધી લઈ તારા બ્રહ્માંડમાં.
નિયંત્રણ સતત કેમ કરી રહ્યો? અટવાઈ ગઈ
માનજાત પાછી પડી તારા બ્રહ્માંડમાં.
છે આસપાસ જોઈ શકે તો જો, મતી મુંઝાઈ ગઈ
આ બાળકની તારા બ્રહ્માંડમાં.
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો ને?
કસાતો જાઉં છું
જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું;
એટલો ત્યાં ત્યાં ફસાતો જાઉં છું.
રાહ જોતું કોક બેઠું આંગણે;
બારણા માફક વસાતો જાઉં છું.
ચીતરેલા મોર ભીંતે જોઈને;
ભીતરે હુંયે કળાતો જાઉં છું.
પાક લણતી કોઈ કન્યા ખેતરે;
હાથથી એના લણાતો જાઉં છું.
આભને જોવા જરા દ્રષ્ટિ કરી,
સૂર્ય કિરણમાં વણાતો જાઉં છું.
એમને છે જીદ વ્હાલી એમની;
‘હા’ અને ‘ના’માં વણાતો જાઉં છું.
ગોઠવાતી કેટલાયે પ્રેમથી;
એજ ઈંટોમાં ચણાતો જાઉં છું.
-ફિલીપ કલાર્ક
બરકત વીરાણી ‘બેફામ’ના યાદગાર શે’ર…
શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવા ફૂલો ખીલે છે ફકત પાનખર સુધી.
આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાના ઝાંઝવા જે રહ્યાંતાં નજર સુધી.
********************************
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભુલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યા છે મને.
આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યા છે મને.
********************************
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી.
*********************************
ગલત ફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી,
મને પણ શોખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.