"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે અમદાવાદી!

 

માણેકચોક….

********************************************

અમે    અમદાવાદી,  અમે અમદાવાદી !
જેનું પાણી લાવ્યું તાણી ભારતની  આઝાદી
                         અમે અમદાવાદી!

અમદાવાદના    જીવનનો   સુણજો   ઈતિહાસ  ટચૂકડો,
જ્યાં   પહેલાં બોલે    મિલનું ભૂંગળું, પછી  પુકારે કૂકડો
સાઈકલ   લઈને  સૌ   દોડે   રળવા      રોટીનો  ટુકડો :
પણ મિલના-મંદિરના ‘નાગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂકડો?
મિલમજદૂરની   મજદૂરી    પર     શહેરતણી   આબાદી
                                         અમે અમદાવાદી!

સમાજવાદી,  કૉંગ્રેસવાદી,   શાહીવાદી,    મૂડીવાદી
નહિ  કમિટી,    નહી સમિતિ,  કૉમ્યુનિસ્ટ કે જ્ઞાતિવાદી
નહિ વાદની   વાદવિવાદી,   એમ(M)   વિટામિનવાદી
                                          અમે અમદાવાદી!

ઊડે     હવામાં     ધોતિયું     ને      પ્હેરી   ટોપી  ખાદી
ઊઠી     સવારે     ગરમ     ફાફડા, ગરમ જલેબી  ખાધી
આમ      જુઓ     તો     સુકલડી   ને  સૂરત લાગે માંદી
પણ    મન    ધારે તો    ચીનાઓની   ઉથલાવી દે ગાદી,
દાદાગીરી    કરે   બધે છોકરાં, પણ   છોકરીઓ જ્યાં દાદી
                                           અમે અમદાવાદી!

હોય     ભલેને      સક્ક્મી     કે     હોય   ભલે અક્કરમી
રાખે    ના ગરમીની     મોસમ    કોઈની    શરમાશરમી;
પણ     ઠંડીમાં     બંડીને     ભરમે    ના રહેવાનું ભરમી
ચોમાસાનાં     ચાર     ટીપાંમાં   ધરમ     કરી લે ધરમી
આવી છે    બહુ     કહેવાની આતો      કહી નાખી એકાદી
              પોળની અંદર પોળ
              ગલીમાં ગલી
              ગલી પાછી જાય શેરીમાં વળી
              શેરી પાછી જાય પોળમાં વળી
વળી    પાછી     ખડકીને   અડકીને અડકીને ખડકી ચલી
મુંબઈની    કોઈ         મહિલા જાવા જમાલપુર  નીકળી
વાંકીચૂંકી          ગલીગલીમાં      વળેવળીને     ભલી
માણેકચોકથી    નીકળી     પાછી     માણેકચોકમાં મળી.
                            અમે અમદાવાદી!
-અવિનાશ વ્યાસ

જાન્યુઆરી 29, 2010 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: