"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કારણ નહી કહું

જશ અને યશ મળતો નથી, કારણ નહી કહું,

મુઢમાર  ઘા વાગે ઘણાં,    કારણ નહી કહું.

મધદરીએ પટકાવ છું  કેમ?, કારણ નહી કહું,
મારાજ  મને રોજ મારે છે.   કારણ નહી કહું.

ઘેર આવી થોર વાવે છે કેમ?  કારણ નહી કહું,
પીઠ  પાછળ ઘા કેમ  વાગે?  કારણ નહી કહું.

દુધમાંથી એ પુરા કેમ કાઢે?   કારણ નહી કહું,
મોઢાનો કોળીઓ છીનવે કેમ?  કારણ નહી કહું

 મુરખ બની આગળ  ધપુ કેમ્?  કારણ નહી કહું,
સમજને સમજાતું નથી કેમ?   કારણ નહી કહું.

જાન્યુઆરી 31, 2010 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

ગાંધી-ચરણની અંતિમ પ્રાર્થનાગૃહ તરફ પ્રણાયની એક સાંજ..

 ગાંધી-ચરણની અંતિમ પ્રાર્થનાગૃહ તરફ પ્રણાયની એક સાંજ..

“ગોઝારો એ દિન હતો ને હતભાગી  એ ઘડી
જે દી હત્યારે ગોળીથી વીંધ્યા માનવ-મેરુને. ”                   

 જાન્યુઆરી-૩૦,૧૯૪૮,  સમય સાંજના સાડા ચાર ,આભા  બકરીનું દૂધ, બાફેલી ભાજી,નારંગી , આદુનો કાઢો, ખાટા લીબુંનો રસ, બાપુના ભોજન માટે લાવી..કોને ખબર હતી કે આ બાપુનું અંતિમ ભોજન હતું ? ભોજન આરોગતા, આરોગતા બાપુ  સરદાર વલ્લભાઈ સાથે  વાતો કરી રહ્યા હતાં. સમયના સિદ્ધાંતવાદી બાપુનું લક્ષ દોરવા આભા કહેતા સંકોચાતી હતી.ગાંધીજીનું ઘડિયાળ લઈ બાપુ આગળ ધર્યુ…તુરત ગાંધીજી બોલ્યા: “મારો જવાનો  વખત થઈ ગયો છે”.  કહી, આભા અને મનુના ખંભાનો ટેકો લઈ   બાજુના બગીચામાં આવેલ પ્રાર્થનાના સ્થળ તરફ  ચાલવા લાગ્યા..આભા અને મનુને પોતાની ‘હાથલાકડી”ઓ કહેતા..બે મિનિટના રસ્તે ચાલતા બાપુ વિનોદે ચડતા અને એમની ઠઠ્ઠા ઉડાડતા..
                       
                          આભા કહેવા લાગી:” બાપુ આજે તમે ઘડિયાળ તરફ એક નજર પણ ના કરી…એ તમારા વગર કેટલું ઝૂરતું હતું?
ગાંધીજી તુરત બોલ્યા: તું જ મારી ઘડિયાળ છે ..મારે ઘડિયાળ તરફ જોવાનું કામ શું?”

                          મનુ હસતા હસતા બોલી: ” બાપુ તમને એમના તરફ પણ ક્યાં જોવાની પડી છે?”  ગાંધીજી હસવા લાગ્યા..

ગાંધીજી પ્રાર્થના સ્થળ નજીક હરિયાળી ઉપર આવી પહોચ્યાં..ગાંધીજી બોલ્યા: “આજે મને દસ મિનિટ મોડું થયું છે  અને એ મને ગમતું નથી..મારે અહીં બરાબર પાચ વાગે આવી જવું જોઈતું હતું”

                         પ્રાર્થના સ્થળ પહેલાં આવતા પાંચ પગથિયા ગાંધીજીએ વટાવ્યા..પ્રાર્થના આસન પર બેસવા જાય એ પહેલાં  લોકો ઉભા થઈ ગયાં જે  નજદિક હતા તે  લોકો બાપુના પગે પડવા લાગ્યાં.,,ગાંધીજીએ આભા અને મનુના ખભાપરથી હાથ લઈ તે જોડી ને તેમને સૌને વંદન કર્યા.

                         બરાબર એજ સમયે ભીંડમાંથી રસ્તો કાઢી એક વ્યક્તિ આગળ ધસી આવી. એ પણ ગાંધીજીને પગે લાગવા આવ્યો હશે એવું લાગ્યું..પરંતુ પ્રાર્થનાને મોડું થતું હોવાથી મનુએ એને રોક્યો..એ વ્યક્તિએ મનુનો હાથ પકડી લીધો..આભાને એણે એવો ધક્કો દીધો કે એ પડી ગઈ.  બે એક ફૂટથી જ એણે ઉપરા ઉપરી ત્રણ ગોળી ચલાવી દીધી…

                          પહેલી ગોળી લાગતા જ ગાંધીજીનો જે પગ ઉચો થયો હતો તે નીચે પડી ગયો. પણ ગાંધીજી ઉભા જ રહ્યાં. બીજી ગોળી લાગી ને ગાંધીજીનાં સફેદ વસ્ત્રો પર લોહીના લાલ ડાઘ દેખાતા થયાં, એમનો ચહેરો સફેદ પડી ગયો, એમના જોડેલા હાથ છૂટા પડી ગયાં, અંતિમ વિદાય લેતા બાપુના મોંમાથી શબ્દ નિકળ્યા..”.હે, રામ”.. ત્રીજી ગોળીનો અવાજ સંભળાયો..શરીર લોચો થઈને ધરતી પર પડ્યું, ચશ્માં નીચે પડ્યાં, ચંપલ પગમાંથી નીકળી ગયાં..

                         એ ત્રણ ગોળી કાળ બનીને  આવી..એ વ્યક્તિ કાળ બનીને  આવી.. એ માત્ર ગાંધીબાપુનો નશ્વર દેહ  લઈ ગઈ..ગાંધીબાપુ  નહી!  મહાત્મા ગાંધી નહી.. એ આજ પણ દુનિયામાં લાખો-કરોડોના હૈયામાં વસ્યા છે. એમનો  જ રાહ , સત્ય, અહિંસા પરમ-ધરમ પર વિશ્વની શાંતી સમાયેલી છે. જ્યાં લગી આ પૃથ્વી છે, વિશ્વ પર માનવજાત છે ત્યાં લગી ગાંધીજી છે  આવી વ્યક્તિ કદી મરતી નથી એ અમર છે..

                          હે રામ ! રામ ! હે રામ ! રામ ! રામ ! હે રામ! રામ ! રામ !

સંકલન-વિશ્વદીપ

**********************************************************************************************

      FINAL JOURNEY OF GANDHIJI TOWARDS THE EVENING PRAYER HALL

Friday, January 30, 1948 at approx. 4:30 P.M.- Birla Mandir, New Delhi, India

Abhaben brought milk, boiled vegetables, etc. for his supper. Who knew that this was going to be his last supper?

Gandhiji was engrossed in discussion with Sardar Patel while eating his meal, that he lost track of time. Reluctantly, Abhaben brought his clock in the front of him. It certainly had the desired effect. Gandhiji looked at Sardar Patel and told him, “It is time for me to go for my evening prayers. He immediately got up and took the support of Abhaben and started walking through the garden towards to prayer spot. In his subtle sense of humor, and his gratitude, he always compared Manuben and Abhaben as his walking sticks.

As Gandhiji arrived at the green near the prayer spot, he said, “I do not like to be late for my prayers. I am ten minutes late today! I should have been here sharp at 5:00 PM.”

He climbed over five steps to reach towards the prayer spot. As he was getting ready to sit, all the people around him got up; Gandhiji took his hands off Manuben and Abhaben and folded them for Namaste.

Just at that very moment, weaving his way through the crowd, one person came rushing in the front; it seemed he had also come to bow to Gandhiji, but since they were already late for the prayer, Manuben stopped him. That fellow grabbed Manuben’s hand, pushed Abhaben very hard to get her off balance…and shot Gandhiji three times with the bullets!

As the second bullet went through his chest, blood started oozing out on his white clothes; his face started turning pale; his folded hands opened up; as he was bidding his final farewell, he said…”hey Rama.” Again a big bang of the third bullet..his fragile body collapsed on the ground..his slippers came off!

Those three bullets became an ultimate invitation for his death..those bullets took away his fragile body but not Gandhiji..not our Mahatma..the great soul as we lovingly call him..for he is still in the hearts of hundreds of millions of people in the world. The path of the Truth and Nonviolence that he showed to us, has brought peace and respect in every corner of this world. His principles of the truth & nonviolence will prevail for centuries to come and will help uplift the masses. He did not die..his principles will continue to provide a guiding light to the world. Hey Rama..Hey Rama….

અંગ્રેજીમાં ભાવાનુવાદ-હેમંતભાઈ ગજરાવાલા

Based on Write up by Mr. Vishwdeep Barad January 30, 2010

જાન્યુઆરી 30, 2010 Posted by | વાચકને ગમતું | Leave a comment

અમે અમદાવાદી!

 

માણેકચોક….

********************************************

અમે    અમદાવાદી,  અમે અમદાવાદી !
જેનું પાણી લાવ્યું તાણી ભારતની  આઝાદી
                         અમે અમદાવાદી!

અમદાવાદના    જીવનનો   સુણજો   ઈતિહાસ  ટચૂકડો,
જ્યાં   પહેલાં બોલે    મિલનું ભૂંગળું, પછી  પુકારે કૂકડો
સાઈકલ   લઈને  સૌ   દોડે   રળવા      રોટીનો  ટુકડો :
પણ મિલના-મંદિરના ‘નાગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂકડો?
મિલમજદૂરની   મજદૂરી    પર     શહેરતણી   આબાદી
                                         અમે અમદાવાદી!

સમાજવાદી,  કૉંગ્રેસવાદી,   શાહીવાદી,    મૂડીવાદી
નહિ  કમિટી,    નહી સમિતિ,  કૉમ્યુનિસ્ટ કે જ્ઞાતિવાદી
નહિ વાદની   વાદવિવાદી,   એમ(M)   વિટામિનવાદી
                                          અમે અમદાવાદી!

ઊડે     હવામાં     ધોતિયું     ને      પ્હેરી   ટોપી  ખાદી
ઊઠી     સવારે     ગરમ     ફાફડા, ગરમ જલેબી  ખાધી
આમ      જુઓ     તો     સુકલડી   ને  સૂરત લાગે માંદી
પણ    મન    ધારે તો    ચીનાઓની   ઉથલાવી દે ગાદી,
દાદાગીરી    કરે   બધે છોકરાં, પણ   છોકરીઓ જ્યાં દાદી
                                           અમે અમદાવાદી!

હોય     ભલેને      સક્ક્મી     કે     હોય   ભલે અક્કરમી
રાખે    ના ગરમીની     મોસમ    કોઈની    શરમાશરમી;
પણ     ઠંડીમાં     બંડીને     ભરમે    ના રહેવાનું ભરમી
ચોમાસાનાં     ચાર     ટીપાંમાં   ધરમ     કરી લે ધરમી
આવી છે    બહુ     કહેવાની આતો      કહી નાખી એકાદી
              પોળની અંદર પોળ
              ગલીમાં ગલી
              ગલી પાછી જાય શેરીમાં વળી
              શેરી પાછી જાય પોળમાં વળી
વળી    પાછી     ખડકીને   અડકીને અડકીને ખડકી ચલી
મુંબઈની    કોઈ         મહિલા જાવા જમાલપુર  નીકળી
વાંકીચૂંકી          ગલીગલીમાં      વળેવળીને     ભલી
માણેકચોકથી    નીકળી     પાછી     માણેકચોકમાં મળી.
                            અમે અમદાવાદી!
-અવિનાશ વ્યાસ

જાન્યુઆરી 29, 2010 Posted by | મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ વધાઈ..

Happy Republic day..

જાન્યુઆરી 26, 2010 Posted by | વાચકને ગમતું | 1 ટીકા

નનામી ચોર!

‘ભગા, આજ ગામમાં હારું કોઈ  મરયું  નથી કે હુ?
કશોય વકરો થયો નથી.ઘરમાં રોટલા ઘડવા ચાર ચપટી લોટ પણ નથી.
હા ઘરે પૈયા વગર જાયશું તો મંછીભાભી બરાડા પાડસે,
‘મુવા કામ-ધંધા કરવો નથી અને બીડીયું ફૂકવી છે,ઘરમા છોકરા-છૈયા, અને બૈરી ભલેને ભુખી મરે!
ભગો અને ભીરું બન્ને સાવ અભણ અને બન્ને દુબલા-પતલા એટલે કશેય મજુરી કરવાની પણ નોકરી ના મળે.એમના મો અને શરીરની દશા જોઈ કોઈ એના પર વિશ્વાસ પણ ના મુકે. ગામમાં હરીયાકાકા રહે એમણે જિંદગીભર નનામી બાંધી, બાંધી માંડ માંડ ગુજરાન ચલાવતાં , એકલાજ રહે, કદી લગન નહોતા કર્યા. હરયાકાકાએ જ ભગા અને ભીરું ને નનામી બનાવવાનું શીખવાડેલું અને હરીયાકાકા ગુજરી ગયાં બાદ ભગા અને ભીરું બન્ને આ ધંધો સંભાળેલ.બન્ને અનાથ ભાઈઓ, ભીરુંએ મંછા સાથે ઘર માંડેલ , ઘરમાં ત્રણ છોકરીઓ અને એક છોકરો , સૌથી મોટો છોકરો અને એની ઉંમર છ વરસની, નનામી વેંચાય એના નફામાં ઘરનું ગુજરાન ચાલે.નનામી ના વેંચાય તો કોઈ વાર ભુખ્યા સુવાનો વારો પણ આવે. ‘
એલા ભગા,એક બીડી તો હળગાવ, હારી બહું ઠંડી સે!’
‘ભીરા,આખી બીડી તો નથી, આ નાનું ઠુઠુ પડ્યું સે કેતો ..’
પણ સળગાવા દિવાસળી પણ સે નહી, બાજું માંથી એક મજુર બીડી ફૂકતો હાલ્યો આવતો હતો, એની બીડી લઈ , ભગાએ એની બીડીનું ઠુઠુ સળગાવ્યું.
‘હારું, એકાદ ઘરાક આવે તો હારું..ઘેર જઈ રોટલા ભેગા તો થઈ એ! ‘
દુરથી એક માણસ અને તેર, ચૌદ વરસનો છોકરો આંખ આંસુ સારતા આવતા હતા હતા, ભગા અને ભેરુંની નજીક આવતા જણાયો.
‘એલા, ભગા ઘરાક આવતું લાગે સે..હાશ એકાદી નનામી આજ વેંચાય જાય તો આજના તો રોટલા નીકળી જાય!’
‘ભાઈ, આ નનામી નું..મારી દીકરી બાર વરસની..
હા.. હા આ લઈ જાવ..તણ ફૂટને સે..
‘પણ ભાઈ મારી પાહે પૈસા નથી.’
‘તો શું હાલ્યા આવો સો..અમો ધંધો કરવા બેઠા સઈએ, અમારું પણ પેટ સ! મફતનો ધંધો ….’
‘ભાઈ પણ હું તમને પૈસા પસી આપી જઈસ!હું કાઈ મફતમાં નથી માંગતો.’
ભીરુંની પત્ની મંછા કોઈ કામ કાજને હિસાબે ત્યાં પસાર થતાં ઉભી રહી..વાતો સાંભળી રહી હતી..
‘ભાઈ,હું થયું તમારી દીકરીને?’
 બેન..ગઈ કાલે એક ગાડીવાળા એ પીધેલ હાલતમાં પુરપાટમાં ગાડી મારી દીકરી પર ચલાવી દીધી અને એના પ્રાણ-પંખેરું ત્યાંજ ઊંડી ગયા.’
 ‘પોલીસે હુ કરયું? ગાડીવાળાને પકડ્યો?’
 હા..બેન પણ..પોલીસે કશું કરીયું નહી..દીકરીની લાશ હોસ્પિટલમાં એક દિવસ રાખી અને અમને સોપી દીધી, અમો બેન ગરીબ માણસો શું કરીએ..પોલીસે અમને ધમકાવ્યા કે આવી રીતે છોકરી જાતને એકલી મુકો છો.એ રોડ પર દોડતી હતી એમાં કારવાળોનો કોઈ વાંક નથી’.
મુવા,આ પોલીસવાળા પણ ખાવધરીયા હોય સે..પેલા ગાડીવાળાએ પૈયા દાબી દીધા હસે.’
‘એય, ભગલા.. આ ભાઈએ મને બેન કીધી સે..મંછા ભગલા પર તાડુકી બોલી..હાલ, આ ભાઈને નનામી આપી દે..દીકરીની લાશ રજળતી ના રખાય, આપણને પાપ લાગે, મેલડી મા ની તો શરમ રાખ.
મંછા! આજના આપણે રોટલા ભેગા નહી થઈ એ એનું હુ ? ભીરુ મંછા પર તાડીક્યું ઉઠ્યો.
‘એક દી નહી ખાઈ એ તો મરી નહી જઈ એ. આ ભઈલાની દીકરીની લાશ આવી રીતે  રજળતી ન રખાય.મેલડી મા  આપણને શાપ આપે.’
ભેરું માતાજીની વાત આવી એટલે ચૂપ થઈ ગયો.
‘ભઈલા, અમે તો તમને કશું આપી શકીએ એમ નથી પણ આ નનામી એમને એમ લઈજા..પૈયા પણ અમારે નથી જો’તા.મારા છોકરાઓને તો ઘરમાં બે દિવસ પે’લા રાંધેલી ખીચડી છે એ ખવરાવીને સુવાડી દઈશ.’
‘બેન..તારું ઋણાનું બંધંન ક્યારે પુરું કરી શકીશ?
‘ભઈે,  એની ચિંતા ન કર..આ નનામી લઈ જાવ અને દીકરીને ઠેકાણે પાડો.’
બાપને દીકરો બન્ને નનામી હાથ લઈ પોતાની ઝૂંપડી તરફ રવાના થયાં..એમના મોંમા એક વાક્ય સરી પડ્યું

.’ગરીબના બેલી ગરીબ. ભગવાન પણ અમારીથી રુઠેલો છે!

એક કાર ફૂલ ઝડપે પસાર થઈ..બાપ-દિકરો બન્ને  બચી ગયાં..કારમાં બેઠેલા શેઠ તાડુકી ઉઠ્યા..”સાલા નનામી ચોર..”

જાન્યુઆરી 23, 2010 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા | 6 ટિપ્પણીઓ

સમય મળે તો ?

 

સમય  મળે તો એક ક્ષણ   વટાવી જો,
ધીરજ  મળે તો  અંતરમાં  ઉતારી જો.

મળ્યું શે   નાણું ટાળું  અવિચળ  થાણું,
એકાંત  મળે તો  ભીતરમાં વિચારી જો.

શીદ   ઘેરાયેલો  વાદળના   વમળમાં,
મન-તન મળેતો જિંદગીને મનાવી જો.

વાપરવા માટે અઢળક સંપત્તિ મળી છે,
સમય    મળે તો  નિસ્વાર્થ વાપરી જો.

દયા ધર્મ, ભાવ, પ્રેમ,જીવન-ઝરમર,
પ્રેમ   મળે   તો ઈશ્વરને    રિઝાવી જો.

‘ભરતજી’ આવેલી   તક ન ગુમાવીશ,
ખુદને   આપ   મેળે   તું    જગાડી જો.

-દાસ ‘ભરતજી’

જાન્યુઆરી 22, 2010 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

સ્મરણના મધપુડા !

ગંગાજળ નસીબનું લઈ
       વાવ્યુ બી  ઈચ્છાના ખેતરે,
મબલક પાક પણ તીતી-ઘોડા ચણી ગયાં
સ્વપ્નના ધણ બની..

આંખના આધણ ઉભરાયા,
   એવા ગાલ પર, ઉગ્યા થોર,
ઊંટ ઉભુ ઉભુ ચરી ગયું,
 અરમાનની આંધી બની.

‘દીપ’બળી થઈ જશે રાખ,,
    પતંગયું બની ઉડી જશે,
સ્મરણના મધપુડા ઝાડ પર,
    ક્યાં લગી લટકશે મીઠાશ બની?

જાન્યુઆરી 19, 2010 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

ડૉ. રઈશ મનીઆરના યાદગાર શે’ર

લાગે  છે  જ્યારે  કંઈ  જ  જીવનમાં બચ્ચું  નથી,
જીવનની   એ   નવી   જ    શરૂઆત    હોય છે.
************************************

માત્ર   દોરા   જ    હાથોમાં  રહી   જાય છે,
ગુંચ    જીવનની   જ્યારે      ઉકેલાય      છે.

************************************

બાળકના   ખિલખાટની   તો  વાત ઓર  છે,
મંત્રો-અઝાનમાં   બહુ    ગમગીન   હોઉં છું.
*************************************

તું  કહે  છે મંદીરમાં  છે, હું  કહું છું કે દિલમાં છે,
દોસ્ત, ચોખ્ખું  રાખીએ  આપણે    ઈશ્વરનું   ઘર.

***************************************

હાથ   લાંબા  કર્યા    દુઆ  માટે,
હાથમાં આવી અજાણતા જ ગઝલ.
****************************************

એક  માણસ સાદ પાડે, સાંભળી સૌ  કોઈ શકે,
વિશ્વ  આખું  એટલું    બસ નાનું  હોવું જોઈ એ.
****************************************

માત્ર  ત્રણ અક્ષર  છે તું,  ઈશ્વર  છે  તું,
લાગણીથી  પર  છે   તું,  ઈશ્વર  છે  તું.
*****************************************

પ્રશ્ન  છું, કૂટપ્રશ્ન છું, માણસ  છું  હું,
ક્યાં કોઈ  ઉત્તર છે તું,ઈશ્વર  છે   તું.

******************************************

પગ મૂકી તો જો ધરા પર એકવાર !
ક્યાં હજી પગભર છે તું, ઈશ્વર છે તું.

*****************************************

જાન્યુઆરી 15, 2010 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

સૌ વાચક મિત્રોને આનંદદાયી અને સલામત ઉત્તરાયણ

જાન્યુઆરી 14, 2010 Posted by | સ્વરચિત રચના | Leave a comment

એક મૃત્યુ બરાબર કેટલા ડૂસકા ?

 
                               મૃત્યુ નામના સાવ જ અપરિચિત ગામમાં પ્રવેશતાં પહેલાં પાદર પર ઊભેલો માણસ પોતાના જીવનપથ પર પાછોતરી નજર નાખે તો કદાચ જીવનનું ઓડિટ પ્રગટ થાય એમ બને. ન કોઈ છેતરપિંડી અને ન કોઈ સજા!બસ જાતનો હિસાબ જાત સાથે! ઉપનિષદના ઋષિએ આવા આખરી ઑડિટ માટે શબ્દો પ્રયોજ્યા: “ક્રતો સ્મર ક્ર્તં સમર! હે જિવાત્મા, કરેલા કર્મોનું સ્મરણ કર.” નોર્મન કઝિન્સ  કહેછે: મૃત્યુ એ મોટું નુકશાન નથી, પરંતુ આપને જીવીએ ત્યારે જે કશું ભીતર મટી જાય છે એ મોટું નુકશાન છે,”

                              કોઈ પુષ્પ સંધ્યા સમયે ખરી પડે ત્યારે બીજાં પુષ્પો રડારોળ નથી કરતાં.ખીલવું અને ખરી પડવુ એ એક જ સિક્કાની બે બાજુઓ છે.ખરી પડે તે પહેલાં પુષ્પ પોતાની સુગંધનું વિસર્જન કરતું જાય છે.મૃત્યુની પ્રતિક્ષા કરવા સિવાય બીજો કોઈજ એજન્ડા ન હોય ત્યારે માણસ જે સ્વસ્થતા જાળવે તે જ એના જીવનની ખરી કમાણી ગણાય. આવી રહેલા મૃત્યુને ભેટવાની પુરી તૈયારી કરીને બેઠેલો માણસ જુદો પડી આવે છે.આ જગતમાં માંદગી જેવી બીજી કોઈ યુનિવર્સિટી ન હોય શકે અને મૃત્યુ જેવો કોઈ મહાન શિક્ષક ન હોય શકે.

                               મૃત્યુને કાકાસાહેબ કાલેલકરે ‘પરમ સખા” ગાણાવ્યુ હતું. મૃત્યુનું સ્વાગત કરે તે મહાત્મા ગણાય, પરંતુ કવિ જયંતિભાઈ એવો કોઈ ફાંફોધરાવતા ન હતા. એ કવિને “અંકાશી નોતરા” મળ્યાં ત્યારે શું બન્યું?

                           એ ન અંકાશી આવ્યાં રે નોતરાં
                                      જીવ હવે મેલો આ ફોલવાનું ફોતરાં!
                           ખંખેરા ધૂળ બધી નાખો ને મેલ ચડ્યા !
                           ચોખ્ખી ચનક કરી જાતને આ ઓચ્છવમાં
                                      અણથંભ્યા રમવા દો રંગમાં!
                           ઈજન આવ્યાં રે આગોતરાં,
                           જીવ દિયો ફંગોળી જર્જર આ જોતરાં!

                            માણસ મૃત્યુ પામે છે અને ડૂસકાંની પરનાળ છલકાઈ જાય છે. એક મૃત્યુ બરાબર કેટલાં ડૂસકા? એક ડૂસકું બરાબર કેટલાં આસું? એક અશ્રુબિંદુ બરાબર કેટલી લાગણી?
સ્વજનના મૃત્યુ વખતે ડૂસકાં તો ઘણાં સંભળાય છે, પરંતુ કશાય અવાજવિના કો’ક અજાણી આંખના ખૂણેથી તપકી પડેલું એક ખારું અશ્રુબિંદુ જગતની સઘળી મીઠાશનો સરવાળો અને ગુણાકાર લઈને ગાલ પર આવીને અટકી જતું હોય છે. પ્રિયજનની એ આંખને કદાચ મને રડી પડવાની છૂટ નહી હોય. એ અશ્રુબિંદુમાં ઘૂઘવતા લાગણીના સમંદરને પામવામાં આખું જીવન ટુંકું પડે એમ બને.

                           મૃત્યુ પછી ભલભલા મોટા માણસના શબને ભોંય પર રાખવાનો રિવાજ છે. મૃત્યુ સ્વભાવે સમાજવાદી ઘટના ગણાય. અગ્નિપથ પર સૌ સરખાં !  કફનમાં ગજવું નથી હોતું.   કેટલાય દુ:ખી લોકોને મૃત્યુ મુક્ત કરે છે.

                           ભગવાન બુદ્ધે શ્રમણોને સલાહ આપી હતી:   ‘ જો માણસ મૃત્યુના સ્મરણને જાલવે અને કેવળે તો એનું ફળ ઘણું લાભપ્રદ બને. એને છેવાડે  અમૃત્યુની પ્રાપ્તિ થાય. તેથી તમારે સતત મૃત્યુનું સ્મરણ જાળવી રાખ્વું જોઈએ.’ તથાગતના આખરી શબ્દો હતા: તમે સૌ બુદ્ધ છો.’

-ગુણવંત શાહ (કોકરવરણો તડકો)
સંકલન: વિશ્વદીપ બારડ

જાન્યુઆરી 13, 2010 Posted by | નિબંધ, વાચકને ગમતું | 1 ટીકા

અક્ષરદેહના સ્વામી રાજેન્દ્ર શાહની અંતીમ-વિદાય

 

                                            ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય કવિ,ગીતકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જક શ્રી રાજેન્દ્ર શાહ, જાન્યુઆરી,૩ ૨૦૧૦ ને શનિવારે રાત્રે ૮વાગે  ગોરેગામ(પૂર્વ)માં  દિડોશી પાસે આવેલા તેમના પુત્ર કૈવલ્યના નિવાસ્થાને ૯૭ વર્ષની લાંબી મંઝીલ પુરી કરી શાંતીપૂર્વક મોક્ષધામ સિધાવ્યા છે. તેમના  અંતિમ અક્ષરદેહના અંતિમ સંસ્કારમાં  આપણા જાણીતા ઘણાં સાહ્ત્યકારોની ઉપસ્થિતી હતી.

                                             ૧૯૧૩માં ગુજરાતના ખેડા જિલ્લામાં કંપડવંજ જન્મેલા રાજેન્દ્રભાઈ યુવાન વયથી જ સુંદર ઉર્મિભર્યા કાવ્યો લખવાની શરૂઆત કરી હતી.તેમના કાવ્યોમાં ઊંડા પ્રકૃતપ્રેમ, માનવસ્વભાવના માર્મિ નિરીક્ષણ , લયમાધુર્ય અને માદમાધુર્ય છલકાંતા હોવાથી ગાંધીયુગના તત્કાલીન કવિઓમાં તેમણે આગવી ઓળખ ઊભી કરી હતી.

                                             ૩૯ વર્ષની વય ૧૯૫૧માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ધ્વનિ’ પ્રગટ થતાંવેંત તેમની રચનાઓ ‘કેવડીયાનો કાંટો એમને વડવગડામાં વાગ્યો’ અને  ‘બોલીએ ના કંઈ’જેવા’  ગીતો લોકજીભે ચડી ગયાં હતાં અને વર્ષો સુધી પાઠ્યપુસ્તકોમાં   સ્થાન પામ્યા હતાં.  ૨૦૦૪માં ગુજરાતી કાવ્યધારામાં અનેરા યોગદાન બદલ ‘જ્ઞાનપીઠ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

                                             છેલ્લા બે એક દિવસ પહેલા તેમને થોડીક અવસ્થા જણાતા હોસ્પિટલમાં સારવાર લેવાનું તેમના પુત્ર કૈવલ્યે કહ્યું ત્યારે તેમણે કહ્યું:”મારું જીવન કાર્ય હવે પુરુ થઈ રહ્યું છે’ ત્યારે ડૉકટરે કહ્યું ” તમને સારાવાર આપીને આવતી કાલે તાજા માજા કરી દઈશું.” ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું હતું: “પણ આવતી કાલે હું હોઈશતોને?” આ તો ખોળિયુ બદલવાનો ઉત્સવ છે. મારા ગયાં પછી કોઈ શોક મનાવશો નહી. હું બીલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું'” મૃત્યુને અવસર ગણનારા કવિને મારા લાખ-લાખ વદંન..મારી હાર્દિક શ્રદ્ધાંજલી..

જાન્યુઆરી 4, 2010 Posted by | સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

મોક્ષ

“મોક્ષ એટલે મુક્ત થવું. જીવ રાગ, દ્વેષ. અહંકાર, અજ્ઞાન અને કલેશ એ પંચકલેશથી દુ:ખ અનુભવે છે આ સર્વનું મૂળ કારણ અજ્ઞાન રૂપી  અંધકારમાં જ ફસાઈને મોહગ્રસ્ત જીવ જન્મ-મરણના દુ:ખ સાગરમાં ડૂબેલો રહેછે. સત્ય વિદ્યા(વેદજ્ઞાન)ના શ્રવણ, મનન, નિદિધ્યાનથી આ વિદ્યાનો નાશ થાય છે અને જીવ મુકત દશાને પામે છે.”
                                                   -મહર્ષિ દયાનંદ સરસ્વતી( ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા માંથી)

જાન્યુઆરી 1, 2010 Posted by | ગમતી વાતો | Leave a comment

   

%d bloggers like this: