"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કાળો ન કર..

 
હોય  વહેતું પૂર ત્યાં પાળો  ન  કર,
શ્વાસનો  ક્યારેય  સરવાળો  ન કર.

મેં  ઉછેરી   છે  તરસને  વહાલથી,
રણ વચાળે  જલ સમી જાળ ન કર.

હો   ભલે ના    પાંદડાં  એ ઝાડને,
પાનખરને   દાનમાં ડાળો   ન કર.

જિંદગીનો   દાખલો    ગણ્યા પછી,
એ જવાબી  દાખલો તાળો   ન કર.

તું   ગમે    ચીજનો    વેપાર  કર,
લાગણીનો   ક્યાંય  ઉછાળો ન કર.

જુઠને  તો ક્યાં  શરમ   જેવુંય છે,
સત્ય માટે તું  અટકચાળો   ન કર.

શૂન્યતામાં પણ સદા  ભરમ રહ્યો,
શૂન્યતા  ઢોળાય એ ઢાળો  ન કર.

આંખ ભીંની થઈ શકે તો ઠીક  છે,
આંખ માટે  આંસુનો ફાળો  ન કર.

પાન લીલા જોઈને હરખાઈશ ના,
હું બટકણી   ડાળ છું માળો ન કર.

પારખી   લે પિચ્છઘરના  પ્રેમને,
શ્યામને તું સ્હેજ પણ કાળો ન કર.

-હર્ષદ પંડ્યા
ગુજરાતનાં વર્તમાનપત્રોની જાણીતી કોલમમાં લેખિનીના હાસ્ય
 અને કટાક્ષની ધારથી પોતાનું નામ કંડારનાર હર્ષદ પંડ્યા
નું ઉપમાન છે ‘શબ્દપ્રીત’. તેઓની શબ્દ સાથી પ્રીત કેવળ
રમૂજસભર લેખોમાં નહીં, લલિત નિબંધપ્રકારમાં  તેમ જ ગઝ્લ
રચનામાં પણ વહી રહી છે. અહીં પેશ થયેલી ગઝલ-‘કાળો ન કર’
મા એમનો પૉઝિટિવ અભિગમ સાત્વિકતાનો ચેપ લગાડે એવો છે.
(‘જનસત્તા’-શબ્દોનાં એકાન્ત-રાધેશ્યામ શર્મા)

નોંધ: હર્ષદ પંડ્યા મારા  ૧૯૬૭માં કોલેજકાળના અને એકજ કલાસમાં
       સાથે રહી અભ્યાસ કર્યો છે.શાંત, પણ રમૂજની હાસ્યભરી ઉર્મિના
       કવિ, લેખક, નિબંધકારે ગુજરાતી સાહિત્યમાં અનોખુ સ્થાન
       મેળવ્યું છે. અમો ૪૦ વર્ષ બાદ ૨૦૦૭માં મળ્યા, લાંબા સમય બાદ
       મળ્યાનો આનંદ કંઈ અનેરો,જે ભાષામાં વ્યક્ત કરવો અશક્ય છે.

ડિસેમ્બર 9, 2009 Posted by | ગમતી ગઝલ | Leave a comment

   

%d bloggers like this: