બે સુંદર કાવ્યો..સુમન અજમેરી
માણસ ગીતા
અમે આંધી વચ્ચે માણસ વાવ્યો
માણસ ત્યાં પણ ઊગી ગયો,
અમે પાવકની જવાળામાં એને
ઝબોળ્યો, માણસ પાકી ગયો.
ગિરિ-શૃંગથી દઈ હડસેલો
ફેંકાયો એને ખીણ મહીં,
વણ વસંતે બાગ-બાગ એ
પુષ્પ-પાંખે ખીલી ગયો.
લોઢ લોઢ ઊછળે મોજાં દઈ
ભીંસ કચડે, છુંદે, ડુબાડે
આ કિનારે દઈ ડૂબકી એ
સામા કિનારે સરી ગયો.
ઝરણમાં નાખ્યો, જળચર થઈ ગ્યો,
તરણે ફેંક્યો ભૂચર થ્યો.
ને ઉછાળ્યો નભ-પ્રાંગણમાં
ખેચર થઈ નર ઊડી ગયો.
મેં માણસને ધનુમાં તાક્યો
લક્ષ્ય સઘળાં વીધીં ગયો
હિમશિખા-શો ચળકી ચળકી
નવતમ જલધર બની ગયો.
ઊકળી ઉરની અશ્રુધારામાં
ગીત થઈને ગુંજી ગયો
આહે કેવા વિપરીત બળહો
હળદમ નીખરી ઊજળી ગયો.
સૂરજ જ્વાળા -શો સળગી
જગને આભા ધરી ગયો.
હાર્યા જુગારે ભવના દા’ માં
પત્તા જયકર ચીપી ગયો.
હર કાંડમાં, હર રંગમાં
જૌહર નિજનું દીપી ગયો
લીધી સુંવાળપ કોકે પારસી
પ્રાણ-પ્રાણથી પીગળી ગયો.
ઈશ્વરની કરતૂતી સામે
પ્રશ્ન બનીને ખૂંપી ગયો
થૈ સવાયો નિજ કર્યોથી
બ્રહ્મા ને પણ પૂગી ગયો.
કાળગતી-શી રેતધરીમાં
ડગમગ ડગલી ચણી ગયો,
અજર-અમર શું જીવ્યું જીવી
નિજ કર્મોનું અમૃત પીઈ ગયો.
***************************************
ના નસીબ પાંસરા