લોકગીત સાથે ગરબાની રમઝટ..
(સૌજન્ય: ફોટો.સંદેશ)
**************************************************
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી….. હું તો…..
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
*****************************
હે તને જાતાં જોઇ પનઘટની વાટે,
મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું. હે તને …..
કેડે કંદોરો કોટમાં દોરો,
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારું મન મોહી ગયું. હે તને…..
બેડલું માથે ને મહેંદી ભરી હાથે,
તારી ગાગરની છલકાતી છાંટે,
મારું મન મોહી ગયું. હે તને…..
રાસે રમતી, આંખને ગમતી પૂનમની રઢિયાળી રાતે,
મારું મન મોહી ગયું. હે તને…..
હે તને જાતાં જોઇ પનઘટની વાટે,
મારું મન મોહી ગયું;
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારું મન મોહી ગયું. હે તને …..
*****************************
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે મારી ચુંદડી લેરાલેર,
જનાવર જીવતાં ઝાલ્યાં રે,
મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે મારી કાંબીયું લેરાલેર,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
*******************************
છેલાજી રે….. મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
રંગ રતુંબલ કોર કસુંબલ, પાલવ પ્રાણ બિછવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણીલવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..
******************************************
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..
તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ? ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે ! આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..
**************************************
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી દાડમળી ના દાણા રાતા ચોળ ,
રાતા ચોળ સે પગમા લક્ડ્ પાવડી ને ,
જરીયલ પેરી પાઘલડી પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઇશાની વાયરો વિંજણું ઢોળે ને વેરી મન મારું ચડ્યું ચકડોળે નાનું અમથુ ખોરડું ને,
ખોરડે જુલે છાબલડી છાબલડી ના બોરા રાતા ચોળ, રાતા ચોળ સે….વગડાની…..
ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે તીર્થ જેવો સસરો મારો,
નટખટ નાની નંણદ સે રે મૈયર વચ્ચે માવલડી ને,
સાસર વચ્ચે સાસલડી સાસલડી ના નયના રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે સોના જેવો કંથડો ને હું સોનાની વાટ્કળી વાટ્કળી માં કંકુ રાતા ચોળ, રાતા ચોળ સે.
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી દાડમળી ના દાણા રાતા ચોળ ,
રાતા ચોળ સે પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..
બધા જાણીતા સુંદર ગરબાઓની ઓડિયો મૂકવા જેવી