કાં ગઝલ પાસે મળે..
પાપો વિશેની હરગલીનીએ જન છે ભગવાનને
ભગવાનનું ઘર ક્યાં ખરેખર, પૂછ તું શેતાનને.
મારી હયાતીનું નગર ખોદીશ તોયે નહિ મળે,
આકાશની ઊંચાઈ છું હું, પૂછ તું ઉત્થાનને.
દર્પણ કનેથી ઉત્તરો નહિ મળે મરતા સુધી,
આ રૂપ શું છે?રાખ શું છે, પૂછ તું સ્મશાનને.
યુદ્ધો સિવાયે ક્યાં કશે પણ કામમાં આવે હજી,
હોવાપણાનો અર્થ શું છે? પૂછ તું મેદાનને.
પાંચેય પાંડવ મન ફકત એ કુલવધૂ છે એટલું,
છે નામ કોનું દ્રોપદી, એ પૂછ તું અપમાનને.
વરસાદનો શું જન્મદિન છે , યાદ ઋતુને નથી,
ક્યાં ક્યાં કરી ક્યારે તબાહી, પૂછ તું તોફાનને.
મારા વિશેની દંતકથાની, જાણવી જો હોય તો,
કાં ગઝલ પાસે મળે કાં પૂછ તું વેરાન ને.
-જિતેન્દ્ર કા. વ્યાસ
(સૌજન્ય: કુમાર)