સૌંદર્ય એટલે શું?
“જ્યારે મીણબત્તીઓ બુઝાઈ જાય છે ત્યારે બધી સ્ત્રીઓ રૂપાળી લાગે છે.”
સૌંદર્ય સાપેક્ષ છે. મને જે સુંદર લાગે તે કદાચ તમને સુંદર ન પણ લાગે. અને છતાંય કેટલુંક એવું હોય છે કે જે સનાતાન સુંદર છે. ડાળ પરનું ફૂલ, આકાશનો કોઈ તારો, બાળકેની આંખનો વિસ્મય, કોઈ કન્યાનું નિર્દોષ સ્મિત…આમાં જો કોઈને સૌંદર્ય ના લાગે તો એણે મનોચિકિત્સક પાસે પહોંચી જવું જોઈએ. સૌંદર્ય બાહ્ય પણ હોય છે અને આંતર પણ હોય છે, અને આંતરબાહ્ય પણ હોય છે. બહારનું સૌંદર્ય ઉપર છલ્લું અને છીછરું હોય છે. આંતરસૌંદર્ય એ વર્ણનનો વિષયનથી, નર્યા અનુભવનો વિષય છે. ધ્યાનમાં બેઠેલા માણસને નિર્વિચારની ભૂમિકા પર રહેતાં જે આંતરસૌંદર્યની અનુભૂતિ થાય છે એનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.ટાપટીપ અને નખરાંથી બાહ્ય સૌંદર્ય મિથ્યા ભપકામાં પરિણમે છે. સાચા સૌંદર્યને અંલકારની જરૂર નથી એવું કાલિદાસે કહ્યું છે. ટાગોરની કવિતા જેમ જેમ પરિકવ થઈ તેમ ટાગોર જેવા ટાગોર પણ એક પ્રતીતિ થઈ કે કવિતામાં અલંકારવિહીનતા મહત્વની વસ્તું છે. અને એટલે જ એમણે ગાયું,
એક પછી કે અળગા કીધા સઘળા અલંકાર
ગીત મારાંને શું હવે શણગાર ,શું અહંકાર?
સૌંદર્ય જોનારની આંખમાં હોય છે એટલું ક્યાંય હોતું નથી એ સમજાય એવી વાત છે. આ સુંદર છે કે આ અસુંદર છે એવું નક્કી કરે છે માણસની આંખ. સુંદરમે કહ્યું છે:કે જે અસુંદર છે એને ચાહી ચાહીને સુંદર બનાવી શકાય.
મહાભારતમાં પાંડવો જ્યારે હિમાલય તરફ પ્રસ્થાન કરે છે ત્યારે એક પછી એક પાંડવ મૃત્યુ પામે છે. પ્રત્યેક મૃત્યુને કોઈક કારણ હોય છે. જ્યારે નકુળનું મરણ થાય છે ત્યારે પૂછવામાં આવે છે કે નકૂળના મરણ પાછળ કારણ શું? મરણ પરથી જ માણસના જીવનનો અંદાજ આવે છે. નકૂળના મરણ ના કારણમાં એમ કહેવાય છે કે આખી જિંદગી એ બાહ્ય સૌંદર્યને સિદ્ધ કરવામાં જ રહ્યો.
પ્રત્યેકની સૌંદર્યની વિભાવના જુદી હોય છે. સૌંદર્યની માલિકી ભોગવવી એ એક વાત છે, અને સૌંદર્યને માણવું એનો આનંદ અનોખો છે. સપ્રમાણતા એ સૌંદર્ય છે.ખલિલ જિબ્રાને એમ કહ્યું છે કે દર્પણમાં જ્યારે શાશ્વતી દર્ષ્ટી માંડે છે ત્યારે સૌંદર્ય દેખાય છે. સાચું સૌંદર્ય કદીય કરમાતું નથી-મોના લીસાના સ્મિતની જેમ.
અંધકારનું પણ એક સૌંદર્ય હોય છે.મણિલાલ દેસાઈએ એટલે જ અંધકારને કાળું ગુલાબ કહી સંબોધ્યું છે.
-પ્લુટાઈ(સૌજન્ય:ઝલક)