"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચૂંટેલા શેર-સૈફ પાલનપુરી -0p

indian_beauty_PA93_l 

તોરણે તોરણે મસ્ત બનીને, એકવાયા ઘૂમીશું,
તુટેલી   કબરોમાં જઈને પોતે    પોઢી જઈશું.

હોય કડવાશ   ભલે   ઘૂંટ ભરી    તો લઈએ,
આંસુઓ માફ કરો, સ્હેજ   હસી તો   લઈએ.

બોલવાનું  મન હતું પણ હાય રે  વર્ષો સુધી,
ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું.

મુઠ્ઠીમાં લાખ તારલા આવ્યા   તો શું    થયું?
દિલ ખાલી ખાલી હોય તો સિધ્ધિનો અર્થ શું?

ચમકાર   ગેરવલ્લે   ગયો, વિસ્તરી  ગયા,
ખોટી જગાએ   જઈને સિતારા ખરી    ગયા!

જંગલનાં    એકાંતમાં એને       એકલી મૂકીને કોણ ગયું?
ચાલો જઈને પૂછીતો લઈએ,કેવી નકશીદાર કબર છે!

ઓગસ્ટ 31, 2009 Posted by | ગમતી ગઝલ, શાયરી | 3 ટિપ્પણીઓ

“વૃદ્ધાવસ્થા..”

 southard-painting

જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે,
ત્યારે     સમજવું   કે     તમે   વૃદ્ધ       થતા  જાઓ છો.

                      મનુષ્યની અવસ્થા-શૈશવ, યૌવન અને વૃદ્ધાવસ્થા. શૈશવ એ વિસ્મયનો, યૌવન ઉત્સાહ અને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાએ શાણપણનો સમય છે.પણ વિસ્મય,ઉત્સાહ અને શાણપણ દરેક પાસે હોય એવું માની લેવાને કારણ નથી.અકાળે વૃદ્ધ થતાં યુવાનો પણ હોય હે અને વૃદ્ધાવસ્થામાં યૌવનની પ્રતીતિ આપતા વૃદ્ધો પણ હોય છે. વય વધે એટલે શાણપણ વધે એટલે આવે એવું પણ નથી.
                      જ્યારે તમે ચોવીસ કલાક તમારા ભૂતકાળને વગોળ્યા કરો ત્યારે એમ સમજવું કે તમે હવે વૃદ્ધ થયા છો. આ બધી અવસ્થા જેટલી શારીરિક છે એનાથી વિશેષ માનસિક છે.ચારેક વર્ષ પહેલાં બ્રિટિશ  કવિયત્રી કેથરીન રેઈનને મળવાનું થયું હતું. બ્યાસી વર્ષની ઉંમરે એમણે કલા અને સંસ્કૃતિનું મેગેઝીન પ્રગટ કરવાનું શરૂ કર્યું . પાંસઠની આસપાસની એવી કેટલી વ્યક્તિઓ જોઈ છે કે જેમણે આ ઉંમરે મહાનિબંધ લખીને પી.એચ.ડી પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો હોય. આનો અર્થ એવો થયો કે વૃદ્ધાવસ્થા છે, છતાં પણ કેટલાક માણસોને એને ઓળંગતાં અને અતિક્રમતાં આવડે છે. વૃદ્ધાવસ્થાનો વિક્લ્પ મરણ સિવાય કોઈ નથી એમ કોઈકે  કહ્યું છે. મરણ  અને વૃદ્ધાવસ્થામાંથી જો કોઈ પસંદ કરવાનું હોય તો ચૈતન્યથી મહેંકતો જીવંત માણસ વૃદ્ધાવસ્થાને સ્વીકારી લેશે.

                     લાંબું જીવનના ફાયદા અને ગેરફાયદા બંને છે.વૃદ્ધાવસ્થાની મોટામાં મોટી કરુણતા એ છે કે તમારી ઉંમરના, તમારી આસપાસના અનેક માણસો મૃત્યુ પામ્યા હોય છે અને તમે એકલા, વધુ પડતા એકલવાયા થતા જાઓ છો. ઈન્દ્રિયો એક પછી એક ધીમે ધીમે ઓલવાતી જાય છે. નવી પેઢી પોતાની કારકિર્દી બનાવવામાં પડી છે. તમારી પાસે ફુરસદ સિવાય કશું નથી અને નવી પેઢીને તમારે માટે ફુરસદ નથી.

                     કોઈ માણસ કેટલું જીવે છે એ મહત્ત્વનું નથી. કેવું જીવ છે એ મહત્ત્વનું છે. માણસ પાસે દ્રષ્ટિ હોય તો એ વૃદ્ધાવસ્થાને પણ અર્થપૂર્ણ અને  સૌંદર્યમય બનાવે છે. વૃદ્ધાવસ્થા શાપને વરદાનમાં  ફેરવવાની કલા જેને પ્રાપ્ત થઈ છે એ સનાતન યુવાન છે.

-એડગર શોફ(“ઝલક”)

ઓગસ્ટ 29, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

આજના સુવિચારો……

friendshd1

 સમસ્ત માનવજાતમાં પરિવર્તન લાવવાના વિચાર સહુ કરે છે, પણ પોતાની જાતમાં પરિવર્તન લાવવાનો  કોઈ નહીં.

આ પળોનો ખ્યાલ રાખજો; યુગ તો એનું સંભાળી લેશે.

પાપના ડાળખાં-પાંદડાં પર કુહાડો ચલાવનારા હજાર જણ હશે, પણ એનાં મૂળિયાં પર ઘા કરનાર કોઈજ નીકળશે.

માનવીને માનવીથી અલગ રાખવા માટે અજ્ઞાને નિપજાવેલી જંજીરો-તેનું નામ પૂર્વગ્રહ.

પ્રકાશ ફેલાવવાના બે રસ્તા છે: મીણબત્તી બનવું, અથવા એનું પ્રતિબિંબ પાડનાર આરસી બનવું.

બીજાઓથી ન થઈ શકે તે કરવું એનું નામ આવડત, આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.

‘પ્રતિષ્ઠા’ એટલે જગતનાં સ્ત્રી-પુરુષો આપણે વિશે શું ધારે છે તે; ‘ચારિત્ર્ય’ એટલે ઈશ્વર અને દેવદૂતો આપણે વિશે જે જૂએ-જાણે છે તે.

પ્રલોભન સામન્ય રીતે જ્યાંથી પ્રવેશ કરે છે તે દ્વાર જાણી બુઝીને ખુલ્લું રાખવામાં આવેલું હોય છે.

પ્રશંશા એ માનસને તેને પાત્ર બનાવવાની  એક કરામત છે.

પ્રશંશાને  અત્તરની માફક સૂંઘવાની હોય-પીવાની નહી.

જે બુદ્ધિશાળી મનુષ્યને પોતાની બુધ્દિનું અભિમાન હોય, તે પોતાની વિશાળ કોટડી માટે અભિમાન ધરાવનાર કેદી જેવો છે.

ભલું કરવા માટે  કોઈ પણ ક્ષણ અતિવહેલી નથી હોતી, કારણ કે કેટલી વારમાં એને માટે અતિ મોડું થઈ જશે તે આપણે જાણતા નથી.

તમારી પોતાની સર્વોચ્ચ માન્યતાઓને વફાદાર રહેજો.

મારગમાં તમને જે તુફાનો ભેટ્યા તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહી?

મારગ જ્યાં જાય છે ત્યાં જ ડગલાં શીદને માંડો છો? જ્યાં મારગ નથી જતો ત્યા જાવ-ને તમારી પાછળ કેડી મૂકતા જાવ્.

સૌજન્ય: ધૂપસળી

 

 

 

ઓગસ્ટ 28, 2009 Posted by | ગમતી વાતો | Leave a comment

ઈશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે

 Lamb-of-God

                  આપણને ટેવ પડી છે કે દરેક વસ્તુના પુરાવા જોઈ એ એટલું જ નહીં વસ્તું હાથમાં જોઈ એ. ઈશ્વર છે કે નથી એની વચ્ચે શંકાશીલ  માણસ ઝોલા ખાય છે. ઝોકા ખાય છે. ઈશ્વર એ તર્કનો નહીં શ્રદ્ધાનો વિષય છે. હવા દેખાતી નથી, પણ હવા છે જ. હવા કદાચ ઈશ્વરનો ભાસ હોય શકે. આપણે આસ્થા ગુમાવી બેઠેલા માણસો છીએ. આ સૃષ્ટીનું તંત્ર જે ચલાવે છે એ પરમ શક્તિ નથી એવું માનવા મન માનતું નથી. અનંતકાળ ઈશ્વરનું સ્વરૂપ છે.

           આપણે ટેક્સીમાં બેસી એ છીએ ત્યારે ટેકસી ડ્રાવરને પૂછતા નથી કે તારું લાઈસન્સ બતાવ. ડ્રાવઈંગનો તારો અનુભવ કેટલો? આપણે ટેકસીમાં બેસી જઈએ છીએ.એક ટેક્સી ડ્રાવર પર ભરોસો રાખી એ છીએ તો જે આખી સૃષ્ટીની નૌકાને હંકારે છે એના પર ભરોસો કેમ મૂકી નથી શકતા? સુન્દરમે એક કાવ્ય કર્યું છે: એનો ભાવાર્થ કંઈ આવો છે. દેખાતું ના હોય એટલે નથી એમતો કેમ કહેવાય? રણની રેતીએ દરિયો જોયો નથી અને દરિયા એ રણને જોયું નથી અને છતાં એ નથી એમ તો કેમ કહેવાય? આપણે નથી જોતાં એ સૃષ્ટીની મર્યાદા નથી પણ દ્રષ્ટીની મર્યાદા છે.

           જગતના ઉત્તમ ચિંતકોએ ઈશ્વર વિશે ના જાત જાતનાં વિધાનો કર્યા છે તેના પર પણ નજર ફેરવીએ અને ઠેરાવવા જેવી લાગે તેવી ઠેરવીએ. જે આપણને માફ કરે છે તે ઈશ્વર છે અને  એ જ એનું કર્મ છે. માણસનું ઉત્તમ કાર્ય એ ઈશ્વરનું કાવ્ય છે. મારા કરતાં જે સવિશેષ સબળ છે અને જે મને જકડી રાખે છે એ કદાચ ઈશ્વર છે. ઉમાશંકરે ઈશ્વરનું એક સ્વરૂપ આ રીતે વર્ણવ્યું છે.’સંધ્યાના રંગથી એ વૃક્ષના થડ રંગતો હતો.’ ઈશ્વર સમદ્ર્ષ્ટા છે. ભલભલો વીર નાયક હોય કે ડાળ પરથી પડતી ચકલી હોય ઈશ્વરને તો બન્ને સરખા.ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે બંદૂકના ધડાકા પછી પણ વૃક્ષ પર પંખીઓ ટહુકતાંજ હતાં. એક વર્ગ એવું માને છે  કે ઈશ્વરનો જન્મ આપણાં ભયમાંથી થયો છે. ભયમાંથી અભય તરફ લઈ જાય છે એજ ઈશ્વર.સાચા સંતો છે ને કાચા સંતો છે. કાચા સંતો ઈશ્વરનું લિલામ કરે છે. આપણું અસ્તિત્વ પણ ઈશ્વરનો જ આવિષ્કાર છે. ઈશ્વર આપણી બહાર નથી ભીતર છે. પણ આપણે જોતા નથી. હેનરી થૉરોને કોઈકે પૂછ્યું કે તમારી અને ઈશ્વરની વચ્ચે સલાહ સંપ થઈ ગયો? ત્યારે થૉરો એ  જવાબ  આપ્યો: અમારા વચ્ચે ઝગડો જ ક્યાં હતો?એમ પણ કહેવાય છે કે શૂન્ય અને અનંત વચ્ચેનું કેન્દ્ર ઈશ્વર છે. સૃષ્ટીનો ખુલાસો આપનાર જો કોઈ એક શબ્દ હોય તો એ “ઈશ્વર”છે. એક સાધકે એમ પણ લખ્યું છે કે ઈશ્વરને સમજવો સહેલો છે પણ સમજાવવો અઘરો છે. સાત્રે એની લાક્ષણિક રીતે કહ્યું કે ઈશ્વર સાથે મારો જાહેર સંબંધ છે અને હું એની સાથે ખાનગી સંબંધ રાખવામાં માનતો નથી. સૃષ્ટીનું જે સનાતન સંગીત સંભળાય છે એના સ્વરમાં ઈશ્વર જ છે.
-વોલ્તેર

ઓગસ્ટ 27, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

શું મારા એકલાનોજ વાંક?

300_351334

 મેં  જે હત્યા કરી છે તેને  ઈશ્વર સાત જનમ સુધી માફ નહી કરે! પણ શું એમાં મારો એકલાનોજ વાંક હતો? મારામાં પણ મારા મા-બાપે આપેલ સંસ્કારો હતાં, શિક્ષણ હતું.યાદ છે  મિલ્બી હાઈસ્કિલમાં મને valedictoriaનો એવોર્ડ આપવામાં આવ્યો અને મારે સ્પીચ આપવાની હતી..”SUCCESS THROUGH POSITIVE MENTAL ATTITUDE” ત્યારે આખા હોલમાં બેઠેલા ઓડીયન્સે standing ovation
(ઉભા થી ને માન)આપેલું અને મારા માત-પિતા હર્ષ અને ગૌરવ સાથે મને ભેટી પડ્યા હતાં!કોલેજમાં મને સંપૂર્ણ સ્કોલરશીપ મળી હતી,  ફાર્મસીની ડીગ્રી મળે તે છ મહિના પહેલા ફાર્મસી સ્પેશ્યાલીસ્ટ તરીકે મારી એક પ્રાયવેટ કંપનીમાં નિમણુંક  થઈ ગઈ.સેલેરી પણ સારો હતો ,જોબ સારી હતી. મા-બાપની ચિંતા હતી કે મને કોઈ સારો જીવન સાથી મળી જાય..”હેય કેટી..જમી લીધું હોય તો તારા રૂમમાં જતી રહે” જેલની કરેકશન ઓફીસર પાછળથી બુમ મારી બોલી ઉઠી..મારું નામ “કાજલ” છે પણ આ લોકો મને કેટી કહી બોલાવે છે..સાતફૂટ લાંબી ને ચાર ફૂટ પહોળી ઓરડીમાં જતી રહી..રૂમનો ઈલેકટ્રીક ગેઈટ તુરતજ બંધ થઈ ગયો !પાંચ બેડરૂમ જેવા વિશાળ ઘરમાં રહેવા ટેવાલી આ જેલના સળીયા પાછળ નાની રૂમમાં બાથ-કમોડ,પાણીનો ફાઉનટેઈન.સીંગલબેડની જિંદગી અને રૂમમાં જઈ જેલ-લાયબ્રેરીમાંથી લીધેલ નોવેલ”love from the heart”વાંચતી હતી બુક બહુંજ ઈન્ટ્રેસ્ટીંગ હતી, એકદમ લાઈટ બંધ થઈ હઈ..ત્યારે ખબર પડી કે રાત્રીના ૯.૩૦ થઈ ગયાં. IT’S TIME TO GO TO BED!!(સુવાનો સમય થઈ ગયો)

             લાઈટ બંધ થઈ.પણ મારા મનને ક્યાં કોઈ સ્વીચ હતી? એને તો બસ રાતે જેલમાં પણ દોડા-દોડી કરવાનું મન થાય..મનને કોણ જેલમાં રાખી શકે? માઈક સાથે મન મળી ગયું. બે વર્ષ સુધી   
અમારી  ડેઈટ ચાલી.મારા પેરન્ટ્સને બધી ખબર હતી , માઈક અવાર-નવાર અમાર ઘેર આવતો એને  ઈન્ડીયન ફુડમાં “છોલે-ભટુરે” અને ગુજરાતી વાનગીમાં “ખીચડી-કઢી” બહુંજ ભાવે.ક્રીચ્યન અને ઈન્ડીયન બન્ને વીધીથી અમારા લગ્ન થયાં. માઈક અહીં હ્યુસ્ટનની “BURTON CO.માં ચીફ એન્જિનિયર્ હતો.સંસારની શરુઆત ઘણીજ સુખમય હતી.લગ્નબાદ છ મહિનામાં ચાર બેડરૂમનું મકાન લીધું.મને ગાર્ડન, ઘર સજાવટનો બહુંજ શોખ એટલે વીકેન્ડમાં અને સાંજે, સાંજે  જોબ પરથી આવી જલ્દી, જલ્દી રસોઈ બનાવી ગાર્ડન કામમાં બીઝી થઈ જતી. મારા પહેલા બાબાનું નામ ટૉમી અને બીજાનું નામ શીવ રાખ્યું. શીવના જ્ન્મબાદ મારા માઈન્ડમાં કોણ જાણે એક બીક પેસી ગઈ..ખોટા વિચારો આવે..હું જીવીને શું કરીશ? મારા માઈન્ડ પર કોઈ કન્ટ્રોલ કરતું હોય એવું લાગ્યા કરે. ઊંઘવાની એકી સાથે વીસ ટબ્લેટસ લઈ લીધી. ઈમરજ્ન્સીમાં લઈ ગયાં, બચી ગઈ પણ ડૉકટરે એન્ટી-ડીપ્રેશનની મેડીસીન આપી.મેં માઈકને કહ્યું: “મારે બે બાળકોથી વધારે બાળકો નથી જોઈતાં” માઈક  માયાળું ખરો પણ પોતે “Orthodox” હતો.. કહ્યું :’કેટી..બાળકોતો ઈશ્વરે આપેલી ગીફ્ટ છે..હું બાઈબલમાં ચુસ્ત પ્રમાણે માનું છું, ઑબેરશન, બ્રર્થ-કન્ટ્રોલ-પીલ્સમાં હું માનતો નથી..તું ચિતાં ના કર..ફાયનાન્સ રીતે આપણને કશો વાંધે નહી આવે..” ‘પણ માઈક આ મારી હાલતનો તો તું વિચાર કર’. ‘કેટી તું દવા લે છે તેનાથી તને સારું થઈ જશે.’.. ઘરમાં દલિલ કરવાથી ફાયદો શું ? મેં બીજા બે બાળકોનો જન્મ આપ્યો, ડેની અને હેન્રી.. ચોથા બાળક વખતે મારી માનસિક બિમારી વધતી ચાલી.ડોકટરે કહ્યું:”You have post partum depression”..માઈકને પણ કહ્યું:કેટીને એક્સ્ટ્રીમ-ડીપ્રેશન છે,તમારે એમનું બહું જ ધ્યાન આપવું પડેશે. Haldol લખી આપું છું..એક પણ ડોઝ મીસ કર્યા વગર લે એ મારી ખાસ ભલામણ છે.. આજ સમય દરમ્યાન મારા વ્હાલસોય પિતાનું અવસાન  થયું, માનસિક તણાવ વધી ગયો. મેં ફરી સુસાઈડ(આત્મહત્યા) કરવાની કોશીષ કરી , કોણ જાણે કેમ હું ફરી બચી ગઈ! મારી પર એકજ વિચારનું ભૂત સવાર હતું..”તું નકામી છો..તારા બાળકો તારા થઈ નથી.તું એની સંભાળ નહી લઈ શકે..તું મને આપી દે..એક એવો પડછાયો રોજ આવી મને કહેતો” કોણ જાણે કેમ એ પડછાયો  કહેતો” તું દવા લેવાનું બંધ કરી દે. નહી તો હું તને મારી નાખીસ”. ડોકટરનું માનવું છે કે સ્ત્રીઓમાં પ્રેગન્સી બાદ આવું ડિપ્રેશન આવતું હોય છે પણ એન્ટી ડિપ્રેશન મેડીસિન લેવાથી જતું રહે છે. કેટીના કિસ્સામાં એક પછી એક બાળક , સાથો સાથ એમની કન્ડીશનને લક્ષમાં રાખતાં ડૉકટરની સલાહ  અવગણતાં પરિસ્થિતિ વણસી ગઈ છતાં શેરા(એમનું પાંચમું બાળક)નો જન્મ થયો..ડોકટરે જોબ કરવાની ના કહી..જેબ કરે એવી એની કન્ડીશન  હતી જ નહી, બાળકોની સંભાળ પણ લઈ શકતી નહોતી. પતિને પોતાનો  પૈસો વ્હાલો, પોતાનો રુઢી ચુસ્ત ધર્મ વ્હાલો !પત્ની પ્રત્યે પ્રેમ ખરો પણ શારિરીક !પત્નિ પ્રત્યે વ્હાલપ ઝરણું ક્યાંય નજરે નહોતું ચડતું !કેટી(કાજલ)ની માનસિક બિમારી ઝેરી સાપણ જેમ ફુફાડા મારી રહી હતી!

        માઈક જોબપર ગયો..કેટી(કાજલ) ઊઠી..બાથ ટબ ભર્યું, શેરા અને ડેની બન્ને ને વારા ફરતી બેડમાંથી સુતા તેડી લઈ ટબમાં નાંખ્યા.. શેરા રડી…’મૉમ’ ..બોલે એ પહેલાંજ પાણીમાં ડુબાડી દીધી , ડેની ડુબતા ડુબતા બહુ પગ પછાડયા..તેને પણ ડુબાડી દીધો..બન્નેના મૃતદેહ લઈ બેડમાં નાંખી ચાદર ઓઢાડી દીધી.ક્યું”હવે શાંતી સુઈ જાઓ. હેન્રી અને શીવને પણ..ડુબાડી કાળના પંજામાં સપડાવી દીધા..જેકી જાગી ગયો ..What are you doing mom?(મમ્મી, તું આ શું કરી રહી છો?) . એ અત્યારે મા..નહોતી. કાળ-જાળ હતી.ડાકણ બની હતી. જેકી ભાગ્યો! કેટી દોડી જેકીને પકડી લીધો..MOM..do not do that(મમ્મી..મને આવું ના કર)..માંડ માંડ જેકી હાથમાં આવ્યો.. બે હાથ વડે એનું માથું પાણીમાં ડુબાડી દીધું..જેકી ફરી કેટીના પંજામાંથી છટક્યો..કેટી એના પગ પકડી પછાડ્યો..ફરી ગળાથી પકડી માથું પાણીમાં ડુબાડી દીધું..જેકી શ્વાસ લેતો બંધ થઈ ગયો..પાંચ પાંચ પોતાનાજ સંતાનોને ભરખી ગઈ..પછી માઈકને ફોન કર્યો..”માઈક, મેં પાંચે છોકરાને બાથ-ટબમાં ડુબાડી ભગવાન પાસે પહોંચાદી દીધા છે”..માઈક અવાક થઈ ગયો ફોને મૂકી દેધો..૯૧૧ને ફોન કર્યો..માઈક ઘેરે આવે એ પહેલાંજ પોલીસ, એમ્બ્યુલન્સ,ફાયર ટ્ર્ક આવી ગયા હતાં…ઘર ફરતી પોલીસ લાઈન ટેઈપ..લગાવી દીધી હતી.”police line..no entry”

         છ માણસ અને છ મહિલાની જુરી પેનલે કેટીને.”.Not guilty of  murder by reason insanity” જાહેર કર્યું..”કેટી,સાલ  ૨૦૪૫ પછી પરોલ માટે એલીજીબલ થશે”..ત્યારે મારી ઉંમર ૭૮ વર્ષની હશે..’મને માઈકે ડીવોર્સ આપ્યા, બીજા લગ્ન પણ કરી લીધા,હું જેલમાં સબડી રહી, કોઈ મારી મુલાકાત લેવા પણ ના આવે..જેલના કર્મચારીથી માંડી સૌ મને ડાકણ કહી બોલાવે..મારી માનસિક સારવાર શરૂ થઈ.. ડોકટર અને  મારી મા સિવાય કોઈ મને મળવા નહોતું આવતું..”સુસાઈડ-વૉચ”(આત્મહત્યા કરે એવો ભય)નું પાટીયું મારા રૂમ પાસે લાગી ગયું..આજે દસ વરસ થઈ ગયાં, મારી મા પણ  ભગવાન પાસે જતી રહી . માનસિક બિમારી માંથી ઠીક થતી જવું છું..પણ ક્યાં જઈશ? કોની પાસે જઈશ? મને કોણ બોલાવશે? ૭૮ વરસ સુધી  હું જીવવાની છું? જેલમાં માંદા પડીએ તો એસ્પ્રીન આપે..દસ વખત ફરિયાદ કરીએ ત્યારે એક વખત કોઈ સાંભળે..કેટલા વખતથી મને ડાબી બાજુની  બ્રેસ્ટમાં પેઈન થયા કરે છે,બસ મને એસ્પ્રીન આપે..એટલે થોડો આરામ થઈ જાય..એક દિવસ અચાનક સખત તાવ અને ચક્ક્રર આવવા લાગ્યા અને હું બેભાન થઈ પડી ગઈ.જેલની ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ ગયા..ત્રણ દિવસ મને રાખી, બધા ટેસ્ટ કર્યા..ડૉકટર પિટરસન આવીને  કહે..” Miss kety ,you have breast cancer in left side and it’s very critical and in advance stage..you may have six months to live..( કેટી, તને  ડાબી બાજુની બ્રેસ્ટમાં કેન્સર છે અને એ બહુંજ ફેલાઈ ગયું છે..કદાચ તું માત્ર છ મહિના કાઢી શકો)..

******************************************************************************************

હ્યુસ્ટન,ટેક્ષાસમાં બનેલી ઘટનાને આધારિત કથા..

Andrea Yates: a former Houston, Texas resident, is known for killing her five young children on June 20, 2001 by drowning in the bathtub in her house

******************************************************************************************

હ્યુસ્ટન,ટેક્ષાસમાં બનેલી ઘટનાને આધારિત કથા..

Andrea Yates: a former Houston, Texas resident, is known for killing her five young children on June 20, 2001 by drowning in the bathtub in her house

ઓગસ્ટ 25, 2009 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 5 ટિપ્પણીઓ

ગમગીન છે.

A Morning at the Village 
 તોરણો   ખખડી  રહ્યાં  ને સાથિયા  પીળા પડ્યા,
બારણાં ઝાલી   ઉભેલો    ટોડલો    ગમગીન છે.

છમ છમાછમ નાદથી જે ગુંજતો’તો રાત-દીન;
આજ ભણકારા જડે   ના,દાદરો   ગમગીન  છે.

કાલ   જેની ડાળ પર   ઝૂલા  અને કલરવ હતા;
આજ  લીલી  ડાળ સૂની, લીંબડો  ગમગીન છે.

પાન   પીળું  થર થરે ને ભીંત પર દીપક  ધરે;
પોપટો   પાંખ આવી, ચાકળો    ગમગીન છે.

આ    ભરી શેરી વચાળે,ઓશિયાળો થઈ ગયો;
પાંચીકે   રમનાર જાતાં ઓટલો    ગમગીન છે.

એજ લીંપણ, એજ માટી,ઓકળી પણ એજ છે;
ભાત    કરનારાં ગયાં ને    ઓરડો ગમગીન છે.
-દક્ષા બી. સંઘવી

ઓગસ્ટ 24, 2009 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

સંવત્સરી મહા પર્વ-મિચ્છામી દુક્ક્ડમ..

mahavir_swami1

સૌ જૈનમિત્રોને ફૂલવાડી તરફથી..મિચ્છામી દુક્ક્ડમ..

“ક્ષમા” આપવી માનવજાત માટે શ્રેષ્ઠ ગુણ ગણવામાં આવે છે..

ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે. આજે (રવિવારે) દેરાવાસી જૈનો જ્યારે સોમવારે સ્થાનકવાસી જૈનો આ સવંત્સરી પર્વ ઉજવશે. દેરાસરો-ઉપાશ્રયોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે. પ્રતિક્રમણ બાદ જૈનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહી એકમેકની ક્ષમા ચાહશે.

ઓગસ્ટ 23, 2009 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

ગણેશ ચતુર્થી, મહત્વ અને વ્રતકથા

ganesh

ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. આ વર્ષે ૧૫ સપ્ટેમ્બરે આ પર્વ આવે છે. આ દિવસે વ્રત રાખીને ગણેશજીની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે. તેમને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ વ્રત કરવાથી દરેક સંકટ દૂર થાય છે. આ વ્રત સ્ત્રી, પુરુષ, વિધાર્થી દરેક માટે લાભદાયી છે.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જયારે શિવે સમગ્ર વૃતાંત કહી સંભળાવ્યો તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે તેને જીવતો કરો. ભગવાન શંકર દ્વિધામાં પડી ગયા. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બરચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

courtesy”Diwyabhaskar

ઓગસ્ટ 23, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

હું ઝંખું એવું મોત…

goodlife-logo_160

હું ઝંખું એવું મોત…

એવું એટલે કેવું? દરેક માણસને, જેમ જીવનની કલ્પના હોય છે એમ એને પોતાના મૃત્યુંની કલ્પના હોય છે. સામાન્ય  રીતે કોઈને પણ પૂછીએ તમે કેવું મોત ઝંખો છો? તો તરત જ જવાબ મળશે: પીડા વિનાનું. આપણે જન્મીએ છીએ ત્યારે આપણી માતાને પીડા વેઠવી પડે છે. જન્મતાં બાળક ને શું થતું હોય છે ગર્ભાશયની બહાર પડતાં, હજી કોઈને જાણ નથી.

      મરણ સાથે અજ્ઞાત ભય સંકળાયેલો હોય છે. એક  અજાણ્યા પ્રદેશમાં જવાનો ભય. શરીર સાથે જીવવાની ટેવ પડી છે એ શરીરને છોડવાનો ભય સ્વજન અને પરિચિત વાતાવરણથી છૂટવાની પારાવાર વેદના. શું  શું નથી સંકળાયેલું મરણ સાથે ? એક જીવન જ નથી સંકળાતું મરણ સાથે.

      મરણ ગમે છે કે નથી ગમતું એ પ્રશ્ન જ રહેતો નથી.મરણ જીવન જેટલીજ વાસ્ત્વિકતા છે. ઈન્દ્રિયો ધીમે ધીમે ઓસરતી જાય છે. શરીરનો કિલ્લો તૂટતો જાય. માયાનાં વળગણ પણ ઈચ્છે કે ઈચ્છો, છૉડવા પડે છે. કેટલાંક તંતુઓને તોડવા પડે છે.

      મને ઓશિયાળું મરણ ના ગમે. પીડાતો હોઉં, પિલાતો હોઉં એ ન ગમે. કશુંક સારું સારું એટલે કવિતાનું કામ કરતો હોઉં, એટલે કે કોઈક કવિતા વાંચતો હોઉં ત્યારે ધબ દઈને ધબી જવાનું ગમે. આસપાસ સ્વજનો હોય અને એના સાંનિધ્યમાં જ મરી જવું ગમે. ડાળથી ફૂલ ખરી પડે છે કોઈ પણ અવાજ વિના જ એમ ચુપચાપ ચાલી જવું ગમે.

     મરણતો આવતું હોય છે અકસ્માતના રસ્તે. કેટકેટલા રોગને માર્ગે. જેટલા માણસ એટલા રોગ. ન્યુમૉનિયા, હાર્ટ એટેક, કેન્સર, ડાયાલીસિસ પર રહેવાનું અને મોતની રાહ જોવાની, કોણ જાણે મને આ બધું પસંદ નથી.

    શરદબાબુનો દેવદાસ કહે છે કે મરણનો વાંધો નથી. પણ મૃત્યું સમયે  પ્રિય વ્યક્તિનો હાથ કપાળ પર ફરતો હોય અને ચાલ્યા જવું પડે તો કંઈક ઠીક વાત બને.

   કવિ ઑડનને ઈચ્છામૃત્યું મળ્યું. એમની ઝંખના હતી સાંજે કવિતા વિશે વાત કરે, શરાબની પ્યાલીને ભરપૂર માણે અને રાતના હોટેલની કોઈક પથારીમાં સૂઈ જાય અને સવારે જાગે જ નહીં. એમને એવું ઈચ્છામૃત્યું મળ્યું. માણસના મૃત્યુનો આધાર એ કેવું જીવન જીવ્યો છે એના પર હોય છે. મૃત્યુ માટે પણ કોઈ ફાંફાં, વલખાં, હવાતિયાં નહીં. સહજ મરણ. કૃષ્ણમૂર્તિ કહેતા કે વિધાર્થી સમજતા  થાય પછી અભ્યાસક્ર્મમાં મરણનો વિષય પણ હોવો જોઈએ જેથા એ મરણને એની અનિવાર્યતાને સમજે. વ્યથિત થવાને બદલે એ નિર્ભય થાય. મરણ ન હોત તો આ પૃથ્વી પર પૂર્વજોની ધક્કામુક્કી જ હોત.

   હું ઝંખું એવું મોત
   કે એક પલકમાં અહીંથી ઊડે મારું પ્રાણપોત.

-સુરેશ દલાલ

ઓગસ્ટ 22, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

લગ્ન..

 indian-wedding-invitation-image
..તો વાતો    પ્રેમની તો     પ્રેમની      વાતો વ્હેમની તે
તે આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબુતર ઊડી ગયું.

લગ્નમાં મહિમા લગનીનો હોય છે. લગની વિનાનાં લગ્નમાં બે શરીર મળે છે, જાણે કે બે વાયરા હોય એમ. આપણે ત્યાં કંકોતરીમાં”હસ્તમેળાપ” છપાય છે. હ્રદય મેળાપનું શું? કંકોત્રરીમાં એવું  પણ છપાય છે કે”અમારી પુત્રી નલિની(બી.કોમ)નાં લગ્ન(બી.એસસી)સાથે નિરધાર્યા છે. ‘જાણે કે બી.કોમાના લગ્ન  બી.એસસી. સાથે થતાં હોય.લગ્નનો પ્રાસ  મગ્ન સાથે મળવાને બદલે ભગ્ન સાથે વિશેષ મળે છે. મધુરજનીનો ક્ષણજીવી સમય પુરો થયા પછી જાવન શરૂ થાય છે.સ્ત્રીપુરૂષના સહજીવનમાં શયનખંડમાં કેવળ વસ્ત્રો નથી ઉતારવાનાં પણ મનના વાઘા ઉતારવાના હોય છે. અહીં આરસનો સિંહ એ પુરુષ અને રૂનું કબૂતર એ સ્ત્રી એવાં સમીકરણો આગળ અટકી ન જવાય. ખરેખર તો અરસપરસની કહેવાતી લાગણી રૂના કબૂતર જેવી હોય છે. જે આરસના સિંહની ત્રાડથી નક્કર જીવનની વાસ્ત્વિકતાથી ઊડી જાય છે.

          સાચા પ્રેમમાં વહેમ હોતો નથી. શયનખંડની દીવાલો અરીસો થવાને બદલે ચોકીદારની જેમ ચોકીપહેરો ભરતી હોય છે. સોમાંથી અઠ્ઠાણું દંપતીઓ સાથે જીવવું પડે એટલે સાથે જીવે છે.કેટલાંક લગ્ન ટકી રહ્યાં છે તે કદાચ બાળકોને કારણે. મારો ભાઈ અરવિંદ ઘણી વાર મજાકમાં કહે છે કે શયનખંડની બહાર એક ન દેખાય કે ન વંચાય એવું કે પાટિયું લટકતું હોય છે અને એના પર હોય છે,”ઝેરતો પીધા છે જાણી જાણી’. બેડરૂમને બાથરૂમ એટેચ્ડ હોય છે, પણ બે વ્યક્તિઓ  એક્મેકને એટેચ્ડ નથી હોતી. વિરલ અપવાદ નહીં હોય એમ નહીં. એક અંગ્રેજ કવિએ લખ્યું છે,’મેરેજ ઈઝ એ મિરેજ’. લગ્ન એ ઝાંઝવા છે. સારુ ઘર હોય, ઉત્તમ ક્રોકારી હોય છે, પણ વાતો અને વર્તન અધમ હોય છે. લગ્નનું સુખ જેટલું લગ્નના આલબમમાં દેખાય છે, એટલું જીવનમાં દેખાતું નથી. જગદીશ જોષીની જ આ કાવ્યની બીજી બે પંક્તિ ટાંકું છું:”લગ્નજીવનનાં વીતી ગયેલા વરસો કબાટમાં સૂટ અને સાડી થઈને લટકે છે.”

        કવિ ઑડને જેક અને જિલ કહેવાતા પ્રેમીઓની ઠઠ્ઠા ઉડાડી છે” મોટી મોટી કરેલી પ્રેમની વાતોને સમયનો શયતાન ખોંખરો ખાઈને વિકૃત બનાવી દે છે.”

સપ્તપદીના અગ્નિનો ધુમાડો શયનખંડમાં ધૂમરાય છે. સપ્તપદી  તપ્તપદી થાય છે અને શયનખંડ દયનખંડ.

-જગદીશ  જોષી
સૌજન્ય: “ઝલક”-સુરેશ દલાલ

ઓગસ્ટ 20, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

ઓગ્ષ્ટ-૦૯, “કુમાર” મેગેઝીનમાં-“ગ્રીનકાર્ડ”

Green card

ઓગસ્ટ 19, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા | 5 ટિપ્પણીઓ

હાસ્ય…

Punjabi_woman_smile

અને    જો   હું    નશ્વર      વસ્તુ પર હસું છું,
તો એટલા માટે જ કે ક્યાંક હું રડી ન પડું.
*************************
બાયરન

હાસ્ય એ મનુષ્યને મળેલું મોટામાં મોટું વરદાન છે. કોઈ સુખી આનંદી, સદાય હસ્તો માણસ દેખાય તો તમે એમ ન માની બેસતા કે એના જીવનમાં કોઈ કરુણતા કે વેદના નથી. વેદનાને ઢાંકવા માટેનું બખ્તર, વેદના સામેની ઢાલ એ હાસ્ય છે. ઘણી વાર આપણું હાસ્ય   આંસુની આવેજીમાં હોય છે.

     આપણે રડીએ તો કોઈ આપણી દયા ખાય; સ્વમાની માણસને બધું ખપે પણ કોઈની દયા નહીં. આપણાં આંસુ આપણે જ લુછવાનાં હોય છે અને આ આંસુ લૂછવા માટે સ્મિત  જેવો કોઈ રૂમાલ નથી.

     રડવાથી કોઈ દિવસ પરિસ્થિતિમાં ફેર પડતો નથી, જે રડીને સ્વીકારી  એ હસીને શું કામ ન સ્વીકારીએ? ચિંતા કરવાથી પણ કાંઈ વળતું નથી. આપણે આપણી જ વ્યથાચિંતા પર હસી લઈ તો એના જેવો મોટો પુરુષાર્થ નથી.

-જીવન જખમોને છુપાવવા માટે હાસ્ય જેવું કોઈ આવરણ નથી.

   સંસ્કૃત નાટકોમાં રાજાની સાથે વિદુષક રહેતો. એ વિદુષક રાજાનો મિત્ર. રાજ ચલાવવું એ ખાવાના ખેલ નથી. આવો કોઈ પરમ વિદુષક આપણી પાસે હોવો જોઈએ. સંસારમાં માનભેર જીવવું હોયતો આપણી ભીતર જ એક વિદુષક ઉછેરવાનો છે. પોતાની વેદનાને જ્યાં ને ત્યાં ગાવાને બદલે, સહાનુભૂતિ ઉઘરાવવાને બદલે, માનસ મોકળા મને હસવું જોઈએ. એમ પણ કહેવાય છે કે માણસ જેટલો એના હાસ્ય પરથી ઓળખાય છે, એટલો બીજા કશાથી ઓળખાતો નથી. એલ્બર્ટે કહ્યું છે કે તમામ વિચારો કરતાં વેદના સૌથી ઊંડી છે; પણ તમામ વેદના કરતાં હાસ્ય સૌથી ઊચું છે.

   જે પોતા પર હસી જાણે છે, એ જ જીવી જાણે છે. જે બીજાને હસતાં રાખી શકે છે તે એક અર્થમાં વૈષ્ણવજન છે.

-સૌજન્ય: ઝ્લક-સુરેશ દલાલ

ઓગસ્ટ 18, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

એક દિ એવો જરૂર આવશે.!

violence

“The latest research by the underground women’s rights organisation the Revolutionary Association of the Women of Afghanistan (RAWA) reveals that as many as 25,000 Afghan women worked as prostitutes in 2001 – 5,000 of those were in Kabul alone – with stark predictions that the number will rise as women and girls resort to selling themselves to escape poverty.”

South China Morning Post, April 9, 2006

એક દિ એવો આવશે..એ જાગશે.. દુનિયા બદલશે.. વિશ્વરાજ કરશે..એક દિ એવો આવશે..

*************************************************************
 પુરુષના
બાહુંપાશમાં ફસાઈ
યુગોથી આ નારી.

ભીંસાતી,ઢ્સડાતી
જુગઠુ રમતા..દાવમાં મૂકાતી
વેંસ્યા કરી બઝારમાં વેચાતી
વળી ગુલામી કરતી,
ચુસાતી…
હડસાયેલી..હડધૂત થાતી
પુરૂષનું
જાણે એ એક રમકડું!

જાગ નારી તું જાગ!
યુગોબાદ પણ તું જાગ
જરૂર જાગશે
યુગ પલટાશે, બદલાશે..
નારાયણી બની વિશ્વ પલટાવશે
એક નવો નારીયુગ..
એક નવી પ્રભાત..એક નવો સૂરજ
એક નવી દુનિયા..
ને પછી
વંદન કરશે નર નમી તને!
એક દિ એવો જરૂર આવશે.!

ઓગસ્ટ 17, 2009 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

Happy Independence Day..તારા ચરણમાં…

            indian-independence-day-graphics6

મારા વ્હાલમાં વતન વણાયા  કરે,
રોજ રોજ તારી યાદ આવ્યા    કરે.

મા તારી ગૌદ કેટલી હુંફાળી હતી!
સ્વપ્નમાં મા-ભારતી     આવ્યા  કરે.

ભલે પરદેશમાં વસ્યા બાળ તારા,
લોહી એનું તારા-કાજ ઉકળ્યા કરે
.

ત્રણ,     ત્રણ     સાગર    ચરણ    ચુમે,
કન્યાકુમારી     જ્યાં  કિલ્લોલ     કરે.

અંતકાળે બસ રહું તારા ચરણમાં,
મન મારું રોજ  રોજ     ઝંખ્યા  કરે.

ઓગસ્ટ 15, 2009 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણીનો હ્યુસ્ટનમાં કાર્યક્રમ:

100_1558

 

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું ધ્યેય:”પરદેશમાં આપણી ગુજરાતી માતૃભાષા અને સંસ્કૃતી જીવંત રહે.” એ ધ્યેયને સિધ્ધ કરવા ગુજરાતમાંથી પધારતા આપણાં મૂલ્યવાન સાહિત્યકારોને આમંત્રિત કરી તેનો લાભ લેવો.આજ શુભહેતુ સાથે આપણા સાહિત્યના પ્રખર વાચનયાત્રાના વિરલ યાત્રી શ્રી મહેન્દ્ર મેઘાણી સાહેબને આમંત્રિત કર્યા. હ્યુસ્ટનમાં તેમના  ત્રણ દિવસના રોકાણ દરમ્યાન, ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવેલ. ઓગષ્ટ ૮મી શ્રી મધુસુદન દેસાઈ,ઓગષ્ટ,૯મી ગાંધી લાયબ્રેરી,આર્યસમાજ હોલ અને  ચીન્મીયા મીશન,જેમાં હ્યસ્ટનવાસીઓએ ઉમળકાભેર હાજરી આપેલ.
     ઓગષ્ટ,૮, ૨૦૦૯મીએ ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના સાહિત્યપ્રેમી શ્રી મધુસુદન-ભારતી દેસાઈના નિવાસ્થાને બેઠકનું આયોજન બપોરના બે વાગે રાખેલ અને બહુંજ સારી સંખ્યામાં હ્યસ્ટનવાસીઓ એ  હાજરી આપેલ.કાર્યક્રમની શરૂયાત યજમાનશ્રી મધુસુદn સૌ અત્રે પધારેલ મહેમાનોનું સ્વાગત સાથે એમના પત્નિ શ્રીમતી ભારતીબેનના મધુર કંઠે  ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે”  સૌ શ્રોતાજનોના તાલ સાથે ગવાયું. ગુજરાતી સહિત્ય સરિતાના સંચાલક શ્રી વિશ્વદીપ બારડે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીનો પરિચય આપતાં કહ્યું: “મારે મહેન્દ્રભાઈનો પરિચય આપવો એટલે સૂરજ સામે કોડીયું ધરવા સમાન છે,એતો મારા પિતા સમાન છે .મહેન્દ્રભાઈ લોક-સાહિત્યના પિતા શ્રી ઝવેરચંદ મેઘાણીના જેષ્ટ પુત્ર છે જેમનો મોટાભાગનો આભ્યાસકાળ ભાવનગર અને મુંબઈમાં પસાર થયો છે.એમણે આ જીવન ઘણાં પુસ્તકોનું  સંપાદન કરેલ છે, “ગાંધીવાદ”ને બદલે “ગાંધીપ્રેમ” માર્ગ અપનાવ્યો, ૨૫ વર્ષની ઉંમરે અમેરિકા કોલંબસ યુનિવર્સિટીમાં જર્નાલીઝમનો અભ્યાસ અર્થે આવેલ. ઝ્ડપથી વધી રહેલા વિશ્વ અને સમયને લક્ષમાં રાખીશ્રી મહેન્દ્રભાઈ એ ‘ગાંધીજીની આત્મકથા” તેમજ “દક્ષિણ આફ્રીકામા સત્યાગ્રહ” બન્ને પુસ્તકોના ૧૦૦૦ ઉપર પાના થાય છે તેનું સંપાદન કરી ૨૫૦ પાનાનું” સ્ટોરી ઓફ ગાંધીજી” ઈગ્લીશ તેમજ ગુજરાતીમાં સંપાદન કરી પુસ્તક પ્રકાશિત કર્યુ એ ઘણું મહત્વ અને અગત્યનું કાર્ય કર્યું છે.એમના વિષે કહું એટલું ઓછું છે તો હવે સભાનો દોર શ્રી મહેન્દ્રભાઈ ને આપું છે”

         ૮૭ વયના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાહેબમાં એટલીજ તાજગી અને ઉત્સાહ સાથે ગાંધીજી વિશે એમની આત્મ-કથામાંથી ” વાચન કરતા ગાંધીજીનું બાળપણ એક ઉદાર પિતા અને સાધવી સમાન કઠણ વૃતધારી માતાના સંસ્કારો વચ્ચે પસાર થયુ. નાનપણથી શરમાળ ગાંધીજી”શ્રવણની પિતૃભક્તિ” જેવા પુસ્ત્કનું વાંચન અને “સત્યવાદી રાજા હરિષચંદ્ર” એમનું પ્રિય નાટક અનેકવાર જોયું અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.૧૩વર્ષની કુમળી  ઉંમરે કસ્તુરબા સાથે ગાંધીજાના લગ્ન થયા.ગાંધીજીનો આદર્શ” જે વાંચ્યું તે પસંદ ન પડે તો ભુલી જવું અને પડે તો જીવનમાં ઉતારવું”.ગાંધીજી કસરત માટે જતા , કોઈ ફાયદો ના થયો પણ એમને ખુલ્લી હવામાં ફરવા જવાની ટેવ પડી ગઈ, દક્ષિણ આફીકા ગયા પછી એમના ખરાબ અક્ષર છે એનો પસ્તાવો થયો. ગાંધીજીને અહિંસાનો પાઠ શાંત અને ક્ષમાશીલ પિતા પાસે થી મળ્યો.સંપૂર્ણ શાકાહારી ગાંધીજીને વિલાયતમાં ખાવાની ખણીજ તકલીફ વેઠવી પડી. કદી માંસ ન ખાવાનું એવું  માત-પિતાને આપેલ વચન એમને સંપૂર્ણ પણે પાળ્યું.શબ્દોની કરકસર કરનારા ગાંધીજી કદી કરેલ ભાષણો અને લખાણોના એક  શબ્દ માટે કદી પસ્તાવો નથી કરવો પડ્યો.આ ઉપરાંત મહેન્દ્રભાઈ એ કાકા કાલેલકરનું”બાપુની ઝાંખી” પુસ્તકમાંથી વાંચન કરેલ..”સારા  ખેલાડી બનવું, હું એક કુશળ માળી છું, દોષો શોધવા અઘરા નથી પણ નજરે પડેલ  દોષને ફેંકી દેવા અઘરા છે.”સન્યાસ એ માનસિક વસ્તું છે એને ભગવા વસ્ત્રો સાથે સંબંધ નથી”
ત્યારબાદ રવિન્દનાથ ટાગોરની ચિંતન કણીકામાંથી””આપણે આરંભ કરીએ છીએ..પુરુ કરતા નથી”.”દેશના લોકોને આપણે પૈસા આપીએ, સમય આપી એ, જીવન પણ આપીએ..પણ હ્ર્દય આપી શકતા નથી.એવા ઘણાં ચોટદાર કણીકાઓ વાંચી અંતમાં એમના પિતા ઝવેરચંદ મેઘાણી વિશે વાંચતા કહ્યું :”ઝવેરચંદ મેઘાણીએ પચાસ વર્ષની ઉંમરે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યા છે.એમનુ અવસાન ૧૯૪૭માં થયું.ઉમાશંકર જોશી” મેઘાણી સૌરાષ્ટ્રના વીરોને અમર કરવામાં, લોકહ્ર્દયના તાલે તાલે એમનું હૈયું નાચ્યું સુંદરમ: મેઘાણી એટલે “લોક કવિના વારસ”

                           મહેન્દ્રભાઈ સમયની સાથે અને ઘડીયાળના કાંટા પર નજર રાખતા રાખતા, “ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી” વિગેરે વિષયોની દોઢ કલાકમાં આવરી લીધા.શ્રોતાજનોને રસપ્રદ માહિતી મળી ખુશ-ખુશાલ  થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યારબાદ થોડી પ્રશ્નોતરી થઈ અને શ્રીમતી બારોટે ઝવેરચંદ મેઘાણીનું “ચારણ કન્યા” ગીત ગાઈ સૌને ભાવ-વિભોર બનાવી દીધા.સાહિત્ય સરિતાના ખજાનચી અને સંવેદનશીલ શ્રી હેમંતભાઈ ગજરાવાલા એ ‘ સૌનો આભાર” વ્યકત કર્યો.શ્રી વિશ્વદીપે સભાના  અંતમાં યજમાનશ્રી મધુસુદન અને ભારતી દેસાઈનો આભાર વ્યકત કરતા કહ્યું” સાહિત્ય સરિતાની બેઠક આપને ત્યાં યોજવાની તક  સાથે ભોજનનીપણ  વ્યવસ્થા કરવા બદલ અમો સૌ આપના અભારી છીએ.

-અહેવાલ: વિશ્વદીપ બારડ, હ્યુસ્ટન, ટેક્ષાસ

ઓગસ્ટ 14, 2009 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

રિવોલ્વર રક્ષા કરશે?

 gandhiji_modi

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને એક બુધ્ધિશાળી અને વફાદાર ગોરા સાથીદાર મળી ગયા. એનું નામ હતું કેલનબેંક.

         એકવાર ગાંધીજી ખીટી પરથી પોતાનો કોટ લેવા ગયા ત્યાં પાસે લટકતા કેલનબેંકના કોટના ગજવામાં એમને રિવોલ્વર દેખાઈ. એમણે એ બહાર કાઢી અને પૂછ્યું: “રિવોલ્વર તમે શા માટે રાખો છો?”

કેલનબેંક:”અમસ્તી જ”.

ગાંધીજીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો: રસ્કિન-તોલ્સ્ત્યનો તમારી  ઉપર ખૂબ પ્રભાવ છે. તેઓએ એવું લખ્યું છે ખરું કે  વગર કારણે રિવોલ્વર ખિસ્સામાં રાખવી?”

કેલનબેંક વિનોદ સમજ્યા, શરમાયા. દબાતે અવાજે એમણે કબૂલ કર્યું.”જાણવા મળ્યું છે કે કેટલાક ગુંડાઓ તમારી પાછળ તમને મારવા માટે ફરી રહ્યાં છે.”

ગાંધીજી કહે: ” એટલે તમે આ રિવોલ્વરથી મારી રક્ષા કરવાના એમને ?”

કેલનબેંકે: ” જી, હા એટલેજ હું તમારી પાછળ પાછળ હંમેશા ફરું છું.”

ગાંધીજી હસી પડ્યા.: “વાહ રે! ત્યારે તો હું હવે નિશ્ચિત બન્યો. મારું રક્ષણ કરનારે(પ્રભુએ) તમને જ જવાબદારી સોંપી છે, એમને? અથવા તો તમે પોતે આપમેળે એ સ્વીકારી છે. એટલે તમે જીવતા હો ત્યાં સુધી મારે મારી સલામતી જ સમજવાની ને? વાહ, ભાઈ, તમે તો પરમેશ્વરનો અધિકાર પણ ઝૂંટવવાની ઠીક હિંમત કરી!”

    કેલનબેંક સમજ્યા પોતે કોણ રક્ષણ કરવાવાળા? બાપુને રોમેરોમે એમણે એ શ્રદ્ધા જોઈ કે રક્ષણ કરવાવાળો તો સર્વશક્તિમાન મારો રામ બેઠો છે. એની ઈચ્છા હશે ત્યાં સુધી આ શરીરને કોઈ કશું કરી નહી શકે. અને એનો હુકમ છૂટશે ત્યારે આ શરીરને કોઈ રક્ષકો કે દાકતરો બચાવી શકે.

સૌજન્ય: ગાંધી-ગંગા(ભાગ-૨)

ઓગસ્ટ 13, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

સત્યનિષ્ઠની પૂજા

mahatma_gandhi_111808 
આશ્રમની સ્થાપ્નાના દિવસો હતા.અમે કોચરબના બંગલામાં રહેતા હતા.અધ્યાપક કર્વે પોતાની સંસ્થા માટે ફાળો ઉઘરાવવા અમદાવાદ આવ્યા હતા. તેઓ બાપુને મળવા આશ્રમમાં આવ્યા.
                બાપુએ સૌ આશ્રમવાસીઓને એકઠા કર્યા અને સૌને તેમને પ્રણામ કરવા કહ્યું. પછી સમજાવવા લાગ્ય,”ગોખલેજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા ત્યારે મેં તેમને પૂછેલું કે આપના પ્રાંતમાં સત્યનિષ્ઠ માણસો કોણ કોણ છે?તેમણે ક્હ્યું હતું કે હું મારું પોતાનું નામ ન આપી શકું. હું સત્યને માર્ગે ચાલવાની કોશિશ કરું છું ખરો; પણ રાજ્દ્વારી બાબતમાં કોઈ વાર મોઢામાંથી અસત્ય નિકાળી જાય છે.હું જેમને જાણું છું તેમાં ત્રણ માણસ પુરેપુરા સત્યવાદી છે: એક અધ્યાપક કર્વે, બીજા શંકરરાવ લવાટે(તેઓ દારૂ-નિષેધનું કાર્ય કરતા હતા) અને ત્રીજા…”પછી બાપુ કહે,”સત્યનિષ્ઠ લોકો આપણે માટે તીર્થરૂપ છે. સત્યાગ્રહ આશ્રમની સ્થાપના સત્યની ઉપાસના માટે છે. એવા આશ્રમમાં કોઈ સત્યનિષ્ઠ મૂર્તિ પધારે તે દિવસ આપણે માટે મંગળ દિન છે.”

               બિચારા કર્વે ગળગળા થઈ ગયા. કંઈ જવાબ જ ન આપી શક્યા.એટલું જ બોલ્યા કે,’ગાંધીજી આપે મને ઠીક શરમાવ્યો. આપની આગળ મારી શી વિસાત ?”
******************************
ફેર શું?

 બાપુજી માટે ખજૂર ધોવાનું કામ વલ્લભભાઈ એ માથે લીધું હતું. તેમણે બાપુને પૂછ્યું: “કેટલા ખજૂર ધોઉં?”
બાપુ કહે: ” પંદર”
બાપુ થોડા વધારે ખજૂર ખાય તો સારું, એ હિસાબે વલ્લ્ભભાઈ કહે: પંદરમાં અને વીસમાં ફેર શું?
એ સાંભળી બાપુ
 બોલ્યા: ત્યારે દશ.  કારણ દશમાં અને પંદરમાં ફેર શું?”

સૌજન્ય: ગાંધી-ગંગા(ભાગ-૨)

ઓગસ્ટ 12, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

પુત્ર જન્મનાં વધામણાં-મકરન્દ દવે

 10-LAGAN-1179-copy
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે
                                                          
અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
નભથી પધારી મારી તારલી રે લોલ.

અંગે અંગે તે ઓતપ્રોત રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
લેજો લેજો રે લોક એના વારણા રે લોલ                                                     
પુત્રી તો આપણી પુનાઈ રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
ઓસરીએ, આંગણીએ , ચોકમાં રે લોલ
વેણીનાં ફૂલની વધાઈ રે

અદકાં અજવાળા એની  આંખ્માં રે લોલ
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી આ લાવી ઘેર ઘેર રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
સરખાં સૌ હેત એને સીંચજો રે લોલ
લીલા સપનાંની જાણે લ્હેર રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ
દુર્ગાના કંઠનો  હુંકાર રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ.
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે લોલ

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
 ઊગમણે પોર રતન આંખનું રે લોલ                          
આથમણી સાંજ અજવાસ રે

અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ
રમતી રાખો રે એની રાગિણી રે લોલ
આભથી  ઊંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની  આંખમાં રે લોલ

ઓગસ્ટ 10, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

દીકરી મારી ગૌરવભરી ગાગર…

dipti.jpg3

 ગુજરાત-ભારત અને અમેરિકાનું ગૌરવ..

મા-બાપ  પોતાના બાળકો સવાયા  બને ત્યારે તેમનામાં  ગૌરવની અદભૂત લાગણી જન્મે છે અને એને ક્યા શબ્દોમાં વર્ણવાય? એ માત્ર હ્રદયમાં ઉદભવેલા આનંદના છાંટણા આંખની બહાર હર્ષરૂપે ટપ, ટપ ટપકી પડે અને કશું જ કહી ના શકે !.એને કોઈ વાચાની જરૂર જ નથી પડતી. ઓગષ્ટની પહેલી તારીખ અને સવારનો સમય હતો.. મારા નિયમ મુજબ  લેબટૉપમાં લૉગ-ઈન કરી ઈ-મેલ  ચેક કરતાંજ.. મારા જમાઈ રાજીવની ઈ-મેલ ખોલી..Do congratulate Dipti..here is why:  દીપ્તિ વિશ્વ-વિખ્યાત  ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં જોબ કરે છે તે  કંપનીએ તેણીને આખી કંપનીમાંથી નોમીનેટ કરી. International Women’s Forum Leadership Foundation-2009-2010(ઈન્ટર નેશનલ વુમન ફોરમ લીડરશીપ ફાઉન્ડેશન)માં મોકલી આપેલ અને તે લોકો એ  દીપ્તિની પસંદગી કરી.આ સંસ્થા દુનિયાભરની પ્રભાવશાળી મહિલાઓ કે જે સામાજીક,રાજકીય,શિક્ષણીક્,વિજ્ઞાનક્,ઈકોનૉમી ક્ષેત્રે આગળ પડતી  મહિલાઓની પસંદગી કરે.  આઈ.ડબલ્યુ.એફના ખ્યાતનામ મહિલા સભ્યોની ગણત્રી થાય તે નીચે મુજબ છે..
 
* Hillary Clinton (હીલરી ક્લીનટન)
* Margaret Thatcher(મારગારેટ  થેચર)
* Sandra Day O’Connor(સેન્ડ્રા ડે ઑ કોનૉર)
* A Former Prime Minister of Canad( કેનેડાના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી)
દુનિયામાં આગળ પડતી ઘણી  સ્ત્રીઓના નામ છે.. અને હવે  આ મહિલા સભ્યોમાં “દીપ્તિ”નું નામ હશે…આટલું વાંચતા, વાંચતા આંખમાં હર્ષના આંસુ ગંગા-જમનાની જેમ અવિરત  વહેવા લાગ્યાં…

આ સંસ્થાનું ધ્યેય: દુનિયાભરમાંથી ૨૫ મહિલાઓની પસંદગી કરવાની કે જે સમગ્ર વિશ્વની પ્રગતીમાં એક નવો જુવાળ-નવી દિશા લાવી શકે..આ સમગ્ર વિશ્વની ૨૫ સ્ત્રીની પસંદગીમા તેણીની પસંદગી થઈ.સંસ્થાવતી દીપ્તિને એક વીક(અઠવાડીયું) હારવર્ડ (Harvard), એક વીક કેમ્બ્રીઝ(CAMBRIDGE)અને  એક દિવસ હાઉસ ઑફ લૉર્ડઝ ઈન લંડન(House of Lords in London)માં વિતાવાનો રહેશે..

સંસ્થાની ટૂંકી માહિતી:૧૯૮૨માં સ્થાપ્ના થઈ.જે આખા વિશ્વના પાંચ ખંડો અને ૨૧ દેશો જે જુદી જુદી ૬૦  પ્રવૃતીઓનું નેતૃત્વ ધરાવે છે. હાલમાં ૪૨૦૦ સભ્યો જેવા કે  આફ્રીકા,એશિયા, મીડલ-ઈસ્ટ, નોર્થ-અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ જેવા દેશોમાંથી આ સંસ્થાના હીતમાં, સ્ત્રીઓની લીડરશીપ અને વિકાસ ક્ષેત્ર  માટે સતત સેવા આપી રહ્યા છે કે જેઓ  સ્ત્રીઓના  ઉજ્જવળ ભવિષ્ય માટે  દરેક ક્ષેત્રે જેવા કે આર્થિક,ઈન્ડ્સ્ત્રીઝ,કેળવણી, સામજીક ,રાજકીય વગેરેમાં આગળ પડી નિર્ણયાત્મક પ્રગતી કરી શકે..મોખરે રહી વિશ્વ-મહિલા એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે.
ગૌરવની વાત તો એ છે કે દીપ્તિ ગુજરાત-ભારતમાં  જન્મેલી, અમેરિકામાં ઉછરેલી અને આજે વિશ્વમાં પચ્ચિસ સ્ત્રીઓમાં દીપ્તિની મહિલાઓની પ્રગતી માટે ગણત્રી થશે.સ્ત્રીઓનો  વિકાસ હજુ વિશ્વમાં ઘણોજ અલ્પ છે અને ઝડપથી વધતું જતું વિશ્વને મહિલાની લીડરશીપની પણ જરૂર છે..આપણાં માટે દીપ્તિ ગુજરાતના ગૌરવ સાથે,ભારતનું ગૌરવ અને અમેરિકામાં રહી અને અહીના એક નાગરિક મહિલા તરીકે આગળ વધી. આ દેશે એમને ઘણીજ તકો આપી છે  એના ફળસ્વરૂપે અમેરિકામાં રહી  ઘણીજ પ્રગતી કરી છે.એ અમેરિકાનુ પણ ગૌરવ છે સાથો સાથ અમેરિકા દેશની પણ ઋણીછે.

દીપ્તિ પોતે ૧૯૯૫માં ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં કોમ્પુટર ઇન્જિનયર તરીકે જોડાઈ અને ઘણીજ પ્રગતી કરી..આગળ અભ્યાસ માટે કંપની તરફથી MBA કરવા સંપૂર્ણ આર્થિક સહાય મળી.જોબ કરતાં કરતાં અને સાથો સાથ જોબના કામે જુદા જુદા દેશોમાં જવાનું અને ભણવાનું ઘણું જ આકરૂ હતું છતાં બે વર્ષમાં MBAની ડીગ્રી મેળવી.ગૌરવની વાત તો એ છેકે MBAના ગ્રેજ્યુએશનમાં હું મારી પત્ની રેખા અને મારો પુત્ર આશિષ હાજર હતાં અને દરેક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને પ્રમાણપત્ર આપ્યા બાદ ત્યાંના ડીન મારું નામ બોલ્યા..”Mr.Barad મેં મારી પત્નીને કહ્યું કે એ લોકોની ભુલ થઈ લાગે છે દીપ્તિનું નામ બોલવાને બદલે મારું નામ..કેમ? ફરી મારું નામ બોલ્યા..હું  સ્ટેજ પર  ગયો..Mr. Barad, Congratulations! અને મારા હાથમાં APPRICIATION નું સર્ટીફીકેટ આપ્યું..કહ્યું..દીપ્તિએ જે MBA કર્યુ છે તે તમારું સ્વપ્ન હતું અને એ તમારું સ્વપ્ન સાકાર કર્યું છે ..તેના ખરા હક્ક્દાર અને  કદરદાન તમે છો..(મારી પોતાની  અમેરિકા આવ્યાબાદ MBA કરવાની બહુંજ મહત્વકાંક્ષા હતી જે હું સંજોગોવશાત પુરી ના કરી શક્યો..એ દીપ્તિને ખબર હતી અને હું હંમેશા તેણીને કહેતો કે ઇન્જિનયર થયાબાદ તું   MBA કરે એવી મારી ઇચ્છા ખરી)..હું એક શબ્દ બોલી ના શક્યો..એટલો ખુશ હતો કે આંખમાંથી એક હર્ષનું ટીપું સરી પડ્યું..માત્ર..”Thank you.”.કહી બેસી ગયો..દીપ્તિને બીગ હગ(ભેટીપડીને)આપી બેસી ગયો..તેણીએ મારી આંખ સામું જોઈ મારા હ્રદયના ભાવો સમજી લીધા!

આટલી નાનીવયે વિશ્વક્ષેત્રે પ્રગતી કરી ..દીકરી મારી ગૌરવભરી ગાગર..એમાં ભરી દઉં વ્હાલભર્યો  સાગર.

અમારી શુભેચ્છા એજ કે બસ વિશ્વના ધોરણે એ ઘણીજ પ્રગતી કરે..વિશ્વમાં નારી જગતમાં એક નવી ક્રાંતી લાવે..નારી જગત વિશ્વમાં માનપાત્ર બને, વિશ્વના ખુણે ખુણે નારીનું માન વધે,સન્માન થાય..પુરુષ-સમોવડી બને..દીપ્તિને જે  વિશ્વનારી સંસ્થામાં અમૂલ્ય તક મળી છે તેને દિપાવે, એના મૂલ્યો સિધ્ધ કરે..નારીજગતમાં તેણીનું એક અનોખું  સ્થાન રહે એજ શુભેચ્છા એજ  મા-બાપના આશિષ..

(ખાસનોંધ: બાળકોના ઉછેર-પ્રગતી, સંસ્કાર  અને કેળવણીમાં મારી પત્ની રેખાનો ઘણોજ મોટો ફાળો છે .મોટાભાગનો યશ, જશ રેખાને જાય છે.તેનું મને ગૌરવ છે..)

ઓગસ્ટ 7, 2009 Posted by | ગમતી વાતો, સ્વરચિત રચના | 24 ટિપ્પણીઓ

લગ્નગીત-ફટાણા

secondary_icon_indian_wedding_outfits

 

Shadi9

Shadi11

Shadi12

Continue reading

ઓગસ્ટ 6, 2009 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

%d bloggers like this: