"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જીવનનું અંતિમ પર્વ..

patriarch 
ઘડપણમાં બાદબાકી નથી..
ઘરડા થઈ ગયા,નકામાં થઈ ગયાં તેવું માનવાને કોઈ કારણ નથી.’વૃદ્ધ’ શબ્દ છે, વયથી જે વૃદ્ધ છે તે.વયોવદ્ધ વ્યક્તિ તે તો સમાજની મોટી થાપણ છે. એક પરિપક ચિત્ત સમાજનું વટવૃક્ષ સમું ઉપયોગી સાધન છે.એક ઘેઘુર વડલો એટલે અનેક પશુ,પંખી તથા માનવ માટેનું આશ્રયસ્થાન, વિરામસ્થાન.વૃદ્ધ એટલે ખેડાયેલી જમીન. અનેક ઉજ્જવળ કારકિર્દી પાર કરીને આવેલાં વૃદ્ધોએ નવી પેઢી માટે જીવતા કોશ સમાન છે.જીવન આખરે અનુભવવાની ચીજ છે. વૃદ્ધત્વ પાસે બીજું કાંઈ હોય કે ના હોય, અનુભવ તો છેજ. ભારતિય સંસ્કૃતિએ વૃદ્ધોને માનવસભાનું ઘરેણું માન્યા છે.

ઘડપણ જીવનની સંધ્યાનું આ બદલાતું ટાણું છે.જીવનનો દોર હાથમાં લઈ કૃતસંકલ્પ થવાનું છે .ક્યો છે આ સંકલ્પ? આજ હું મારી વૃદ્ધાવસ્થાને લીધે મનોમન લાચારી તો હરગીઝ નહી અનુભવું. બલકે મારા અંતરને આત્મવિશ્વાસથી છલોછલ છલકાવી દઈશ, નમ્રતાપૂર્વક હું જીવનના વણદીઠ મુકામોની યાત્રા કરીશ . હજુ સુધી નહીં ખોલેલા જીવગ્રંથનાં પ્રકરણોના શબ્દેશબ્દને હૈયે ઉતારીશ .મારા જીવનવૃક્ષની ડાલે ઊગેલા આ પીળા પાંદડામાં હું ગોકુળને અને પીતાંબરધારીને અવતારીશ.” જીવન એક મહાસાગર  છે. મહાસાગરને ગમે તેટલો ખેડો એ  હંમેશા અતળ જ રહેવાનો. .લાખમોતી પરવાળા. નીલમ એકઠા કરો, તોય રત્નાકર સાગર બીજા એવા કરોડો રત્નો પોતાની પાસે બાકી રાખવાનો એટલે કદીયે ‘જિંદગીમાં બધું પામી લીધું’- એવું કોઈ કહી શકે નહીં. જિંદગી અખૂટ યાત્રા છે.

સંતાનો સાથેનો  સંબંધ
વૃદ્ધવસ્થા એ જીવનનો એક વળાંક છે. બદલતા જીવનનાં તમામ પાસાંને વિશદરૂપે સમજી લેવા જોઈએ.વૃધ્દાવસ્થામાં સંતાનો સાથીનો સંબંધ તો સમગ્રપણે સમજી લેવો જોઈએ, કારણકે સંબંધ હસાવનારો હોય તેજ રડાવી શકે છે. અત્યાર  સુધી સંતાનો સાથેના સંબંધમાં ભલે જે ભુલો થઈ તે થઈ, ખોટા ખ્યાલો સેવાયા તો ભલે સેવાયા, પરંતુ હવે ‘જાગ્યા ત્યારથી સવારની તૈયારી થાય તો હજુ પણ કશુજ બગડી ગયું નથી.

પોતાના જ પેટનાં જણ્યા અંગે આપણા મનમાં કાંઈક કસર રહી જાય છે તેનું કારણ આપણી વધારે પડતી અપેક્ષાઓ.માબાપ રુપે આપણે પણ આપણી જાતને કેન્દ્રમાં રાખીને સંતાનનો વ્યવહાર  ગોઠવાય  એવાં સ્વપ્નાં જોઈએ છીએ, જે કદીયે સંભવ નથી. દરેકને પોતાનું જીવન છે. કોઈ આપણને કેન્દ્રમાં રાખી પોતાનો જીવન-વ્યવહાર ગોઠવે એવી અપેક્ષા તો હિંસા છે, શોષણ છે,અનીતિમતા છે, જાવન એક પવિત્ર ચીજ છે. દરેકના જીવનનું સ્વતંત્ર્ય જાળવવું એ માનસ માત્રની પવિત્ર ફરજ છે.ત્યાં સંતાનોનાં સ્વતંત્ર્યનું રક્ષણ થવું જ જોઈએ.

અપેક્ષાઓ એવી સેવી ન બેસીએ કે સંતાનો પર બોજ પડે. કોઈને ના પાડવાની પરિસ્થિતિમાં મૂકવા એ હિંસા છે. સામીની વ્યક્તિની સહનશીલતા, ક્ષમતાનું માપ કાઢી લઈને આંક આવે એના કરતા ઓછો બોજો જ આપણે તેના પર નાંખવો જોઈ એ. આ જ સંબંધોનું ગણિત.

વૃદ્ધાવસ્થામાં આપણાં સંતાનો સાથેના સંબંધમાં મનને બહુ આળું કરી નાંખવાની જરૂર નથી.આપણે સમજી લેવું જોઈ એ કે દીકરા-વહુન એમનું પોતાનું જીવન છે, એમનો પોતાનો સંસાર છે, એમના પોતાના વ્યવહાર છે. એમને એમની રીતે જીવવાનો  અધિકાર છે.

એક દિવસ સોક્રેટિસે એક વૃદ્ધને એના પૂર્વજીવન વિશે પૂછ્યું.પેલાએ લંબાણથી આખી કહાણી સંભળાવી એનાથી સંતુષ્ટ થઈ સોક્રેટિસ કહે,”તમારું આજ સુધીનું જીવન તો બહું સારી રીતે ગયું કહેવાય ,પણ ઘડપણમાં કેવી રીતે જીવો છો, એ તો કહશો?”

પેલા વૃદ્ધે કહ્યું:‘આખી જિંદગી સુધી જે કાંઈ માલ-મિલકત, કીર્તિ-પ્રતિષ્ઠા કમાયો તે બધું સંતાનોને આપી દીધું છે. હવે છોકરો બેસાડે ત્યાં બેસું છું, ખવડાવે તે ખાઉં છું ને છોકરાનાં છોકરાને રમાડું છું. એના કામમાં જરાય આડો આવતો નથી. છોકરો કંઈક ભૂલ કરી બેસે તો પણ કાંઈ બોલતો નથી. પણ જો એ સલાહ લેવા આવે તો આખી જિંદગીના અનુભવનો નિચોડ ઠાલવું છું. પણ એ મારી સલાહ મુજબ ચાલે છે કે નહી તે જોતો નથી. મારો આગ્રહ પણ નથી હોતો. એ ભૂલ કરે તો ટોંકતો પણ નથી અને છતાંય ફરી સલાહ માટે આવે તો એ વાતો ફરી કહેતાં હું થાકતો પણ નથી” વૃદ્ધની વાતો સાંભળી સોક્રેટિસે ખુશ થતાં કહ્યું:” ઘડપણમાં કેમ જીવવું એ તમને આવડે છે ખરું!”

સંકલન-વિશ્વદીપ
(સૌજન્ય :જીવનનું અંતિમ પર્વ-મીરા ભટ્ટ)

આપ  આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.

જુલાઇ 10, 2009 Posted by | ગમતી વાતો | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: