"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મંદીર જો ખુલે તો..

sutra1oq8

મંદીર જો ખુલે તો,
કહી દઉ ભગવનને
એક ચીસ પાડીને,
નીકળ બહાર ભક્તોની ભીંડમાંથી,

શું જરુર છે તારે,
હીરા-મોતી, માણેકથી જડીત,
મોઘા માયલા મૃગટની?

આખો દેહ ઢાંકી  બેઠો છે ,
સોના-ચાંદીના વાઘા પહેરી,
બહાર નીકળ..ન કર નખરા આવા!

મહેલમાં પોઢી આરામથી ઊંઘે,
ભક્તો કરે મજાની સેવા!
મળે મેવા,છોડીદે આ દેખાવ આજ.

કર્મભુમીનો દેશ છે,કર્મ કર,
“NO FREE LUNCH HERE”
Only temple! have a free lunch there !!

 

 “હું પણ નજરકેદ છું..શું કરું?
કોઈ ના છોડાવે મને..શું કરું?
હવે તો પથ્થર બની ગયો છું.શું કરું?

જૂન 6, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

મને તો ગમે આ ઘડપણ મજાનું!

beared-old-man1-300x225

મને તો  ગમે   આ   ઘડપણ        મજાનું,
સમય સાથે લોહીનું   સગપણ    મજાનું.

શિશુ  સરખા  ભોળા  અનુભવમાં  મોટા,
ગણવાનું      કેવું    આ    કારણ મજાનું.

ભલે  વાળ   રંગો   કે   ના    રંગો   તોયે,
ઉંમર   ટહુકી  ઉઠશે  ક્ષણે ક્ષણ   મજાનું.

નઠારું  કે   સારું  સૌ  સંભળાય     ઓછું,
મળ્યું   પાપનું   આ નિવારણ  મજાનું.

ન   કોઈ   પાડી   પડી        તાલ   તોયે,
ચળકતા આ  મસ્તકનું   દર્શન  મજાનું.

ભલે   આક્ર્મણ  ભલભલા  રોગ કરતા,
હવે   મેડીકેરનું   છે     રક્ષણ     મજાનું.

મને  મારી ઓળખ  થઈ    આપ  મેળે,
મળ્યું  જ્યારે   ઘડપણ દર્પણ મજાનું.

કરી યમનું સ્વાગત નવો જન્મ   ઝંખું,
ફરી મળશે ખોવાયેલ બચપણ મજાનું.

-કવિ અજ્ઞાત( કોઈ કવિ મિત્રને ખબર હોય તો જાણ કરવા વિનંતી)

જૂન 5, 2009 Posted by | મને ગમતી કવિતા | 9 ટિપ્પણીઓ

યાદગાર શે’ર-શાયરી..

rajasthani-couple-sd-chopra

હું  જ   છાતીફાટ   દરિયો  હું  જ  ભેખડ,
હું   જ પ્રત્યાઘાતની   વચ્ચે   ઊભો   છું.
-યોગેશ વૈદ્ય
કાંઈ   પણ   બોલ્યા વિના છૂટ્યા  પડ્યા,
ઊમ્રભર    એના  પછી     પડઘા પડ્યા.
-દિલીપ મોદી
દીવાનગીનું   રૂપ ગ્રહે    છે     હવે  તરસ,
શોધે છે છાંયડો અને તડકા   સુધી  જશે.
-ગુલામ અબ્બાસ
ડૂસકાં  સૌએ વહેંચી લીધા,
ડૂમો   આવ્યો મારે   ફાળે.
-રઈશ મનીઆર
ઊમંગો ભરેલી હું વિધવાની છાતી,
સૂનો ઓરડે   મોર ચીતર્યા     કરું છું.
-વંચિત કુકમાવાળા
ઊંઘને એ મારી આંખોમાં જવા દેતા નથી,
સર્પ  કોઈના સ્મરનના દેહ   પર ફર્યા કરે.
-શકીલ કાદરી
મીણ જેવાં આંગળાઊ જોઈને,
કોઈએ દીવાસળી ચાંપી હતી.

-શિવજી રૂખડા’દર્દ’
કેતકી  વચ્ચે   પ્રગટ તારી ત્વચા,
હું હરણ તરસ્યું બની ક્યાં ક્યાં ફરું?
-અંજુમ ઉઝ્ન્યાનવી
નોટમાં વાળે છે, સિક્કામાં વટાવે છે મને,
યાદ આવું છું તો રસ્તામાં  વતાવે છે મને.

-હેમંત ધોરડા
આ ભાંગતી ક્ષણોના સહારે કશુંક આપ,
ઉન્માદ! ચાહવાથી વધારે કશુંક આપ.
-મુકુલ ચોકસી
હરેક પીઠ પર કાળા બરફની લાદી છે,
હરેક    શાહુકાર,    ચોર    ને   લવાદી  છે.
-નયન હ. દેસાય

જૂન 4, 2009 Posted by | ગમતી ગઝલ, શાયરી | 3 ટિપ્પણીઓ

વૃધ્ધાવસ્થા જીવનનું અંતિમ પર્વ…

The_Beauty_of_Old_Age_by_Izzebo

ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા. પચ્ચાવન-સાઠ વર્ષની ઉંમર સુધી આપણે આપણા નોકરી-ધંધા, વેપાર-વ્યસાયમાં કે ઘરસંસારના વહી વટ વહેવારમાં એવા ખૂંતેલા અને ડુબેલા રહ્યા કે આખા જગતને મળી શક્યા, પરંતુ પોતાની જાતની મુલાકાત લેવાનો  આપણને કદી સમય ન મળ્યો. આખી દુનિયા ઓળખી જાણી, સમજી લેવા મથી રહ્યા પરંતુ આ સમસ્ત હિલચાલનું કે કેન્દ્રબિંદુ હતું તે “સ્વ”બે કદી ઓળખવાનો પ્રયત્ન જ ના થયો. વૃધ્ધાવસ્થા આ  સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે.વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ.

             વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી. તે તો અંતિમ અવસ્થાની અગાઉની એક અવ્સ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવન્ના  અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ  સ્થાને પહોંચવાનું છે.. ઘણા માને છે.”નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું. વાતવમાં વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત.

પરિવર્તન માટે તૈયાર રહીએ. વૃધ્ધાવસ્થામાં પ્રવેશ એટલે એક  નવીનતામાં પ્રવેશ,જીવન પલટાય છે.પરિવર્તન વિકાસની સીડી બની શકે.જીવનની જુદી અવસ્થાઓની પોત પોતાનીની વિશેષ્ટતા લઈને આવે છે. એનામાં કશુંક અપૂર્વપણું છે, અભૂતપૂર્વતા છે એ આપણે શોધી કાઢવાની છે.જીવન એટલું બધું ગહન, વ્યાપક અને વૈવિધ્યસભર છે કે એના જુદાજુદા વ્યાપને આંબવા માટે હજારો જિંદગી જોઈ એ. વૃધ્ધાવસ્થા પોતાની એક આગવી વિશિષ્ટ જિંદગી લઈ ને આવે છે.આ નૂતન જિદગીનું આપણે હોંશભેર સ્વાગત કરવાનું છે.
ખોવાયેલા”હું”ને ગોતીએ.વૃધ્ધ થયા પહેલાની જિંદગી કે સીમિત જિન્દગી હતી, જેમા હું મારી જાતને જોવા સમર્થ ન હતો. નિવૃતબાદ કુંડાળું ભેદાય છે, કશાક નવીનમાં પ્રવેશ થાય છે/’કશુંક નવિન’ એ મારું જ સ્વરૂપ છે,પ્રતિબિંબ છે એનો મને પરિચય નથી. કે કવિ એ ગાયું છે”ગુલમહોરી છાંયડાઓ ભૂલીને ભાઈ હું તો બાવળની કાંટ્ય મહીં મોહ્યો, મોહ્યો, મોહ્યો તે વળી એવો મોહ્યો કે મને મેં જ મારા હાથમાંથી ખોયો..”
    હું મનેજ ના પામ્યો. બધું મેળવ્યું પણ “હું”ને મેળવવાની અવસ્થા, ‘હું એટલે પેલા ખોવાયેલા ‘હું ને મેળવવાની અવસ્થા. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું તે બધું ‘હું’ની હદોની બહારનું જ્ઞાન હતું. હવે મારી જાતને જાણવાની છે. પ્રાચીન ધર્મગ્રંથોની આ પ્રથમ આજ્ઞા છે. Know thyself “કોડહમ””હું કોણ છું”નો જવાબ મેળવ.
    વૃધ્ધાવસ્થા એટલે સાર્થકતાના વર્ષો. વૃધ્ધાવસ્થામાં કશીક સંપ્રાપ્તિ કરવાની છે. એવી પ્રાપ્તિ જેથી આપણુ૬ આયખું સાર્થક થઈ જાય , ધન્ય ધન્ય થઈ જાય.વૃધ્ધાવસ્થા એ કશાય ની બાદબાકી નથી. વૃધ્ધાવસ્થા એટલે વૃદ્ધિ જ વૃદ્ધિ. જીવનભરનો અનુભવ મેળવેલો છે. અનેક લીલીસૂકી જોઇ છે. જીવનનો ખૂણો વનદીઠો પસાર નથી થઈ ગયો.કામ ક્રોધ અને રાગ દ્વેશનાં પ્રચંડ તોફાનની થપાટો પણ ખાઈ ચૂક્યા છીએ. પ્રેમ, સૌજન્ય અને સૌહાર્દના સ્કુમાર સ્પર્શ પણ પામ્યાં છીએ. આમ જીવનાની ઝોળીમાં જાતજાતની કમાણી છે ને હવે તો આ કમાણીનો શિરોમોર પ્રપ્ત કરવાનો છે.

   જીવન આખું મથીને એક મંદીર રચ્યું છે . હવે એના પર મૃતકળશ ચઢાવવાનો છે. જેના પર મૃત્યુ પોતાની સુંદર ધજા ફરકાવવાની છે. મનમાં લાચારીની કે અસહાયતાની ભાવના હોય તો એને ધરમૂળથી ફગાવી દેવાની છે. ભલે  શરીર નબળું પડતું જશે, ભલે કદાચ દીકરાબંધું વગેરે પરિવાર છોડીને જતાં રહે, તો પણ હૈયે આત્મવિશ્વાસ છે કે આ શરીરની શક્તિ ઉપરાંત મારી અંદર આત્માની એક એવી અજોડ શક્તિ પડી છે. જેના આધારે હું એક ભવ નહીં, ભવોભાવ પાર કરી શકું એમ છું. વૃધ્ધાવસ્થા એટલે આ આત્મશક્તિની હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાની યાત્રા.અંદર પડેલા આત્મશક્તિનું ભાન આપણાંમાં શક્તિઓના અનેક દરિયા ખડા કરી દેશે.

-મીરા ભટ્ટ(“જીવનનું અંતિમ પર્વ”માંથી)સંકલન: વિશ્વદીપ

જૂન 3, 2009 Posted by | ગમતી વાતો | 6 ટિપ્પણીઓ

રહ્યું નથી..

Godward_Summer_Flowers_1903

મનને   મનાવવાનું   મનોબળ  રહ્યું   નહીં,
દિવસ  થઈ જા રાત, હવે છળ  રહ્યું   નહીં.

તડકાની  ચાંદની   કે  સમંદર   હો   રેતનો,
ધારી  લે  ગમતું  રૂપ એ મૃગજળ  રહ્યું નહીં.

ચોંકે   છે  ક્યાં  હવાય  ટપારે    જો બારણું,
પહેલાંસમુ  હ્ર્દય  હવે વિહવળ  રહ્યું   નહીં.

ચાલો  ફરીથી  રણમાં  અનુભવને  પામવા,
મૃગજળને  ગાળવાનું હતું છળ  રહ્યું   નહીં.

મારી  જશે  પછીથી   મજા    ઈન્તેજારની,
જ્યાં ઈન્તેજાર પણ હવે અટકળ રહ્યું   નહીં.

એના નગરની જાહોજલાલી તો એ જ   છે,
મારા નસીબમાં  જ એ અંજળ  રહ્યું   નહીં.

મૂકી દીધા છે ‘મીર’ અમે ખુલ્લા  બારણાં,
અંગૂઠે   ઠેલવાનું   હતું   બળ   રહ્યું   નહીં.

-રશીદ મીર

જૂન 2, 2009 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

%d bloggers like this: