શબરીનું મન મ્હોરે
શબરીનું મન મ્હોરે.
રામ નામની માળા જપતાં અંતર અવિરત ફોરે
શબરીનું મન મ્હોરે.
ક્ષણ ક્ષણના અજવાળે ચાખ્યાં મીઠાં મધરક બોરાં,
પદરવની પગથારે એનાં નેણ ઝરે છે કોરાં,
‘ક્યારે આવશે રામ’ વિચારે ગાતી વ્હેલા પ્હોરે.
શબરીનું મન મ્હોરે.
સાવ ઝૂંપડી નાની તો પણ હૈયું વિશાલ છલકે,
પળ પળ ગણતાં ભવ જાશે શું, અશ્રુ નયન ઝળકે,
એક અભીપ્સા અંતરમની શમણાં કેડી દોરે,
શબરીનું મન મ્હોરે.
વાવલિયા આવે વહેતા કે ‘રામ પધારે હમણાં’
ઝટપટ દોડી જાય નેજવે સાચ હશે કે ભ્રમણાં !
ટોળે વળતી તૃષ્ણાઓની ઠપકા અઢળક વ્હોરે.
શબરીનું મન મ્હોરે.
-જગદીશ ધનેશ્વર ભટ્ટ
(આપના અમૂલ્ય પ્રતિભાવ આપશોજી)