જો એ મળે તો…
શું હોય છે ઈશ્વરપણું, જો એ મળે તો પૂછજે
કા’ આટલું નોખાપણું? જો એ મળે તો પૂછજે
અસ્તિત્વનો ખોળો સૂનો, જાણતું નથી કોઈ અરથ
શું કામ દીધું વાંઝણું? જો એ મળે તો પૂછજે
આ રાત છે મો’રા સમી, ચહેરા ખરા જોવા ન દે
થાશે કદી મોંસૂઝણું? જો એ મળે તો પૂછજે
‘જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરતી’
આ વાતને હું શું ગણું? જો એ મળે તો પૂછજે
સાબૂત દીધું આ રમકડું તેં મને કા’ આટલું?
તૂટી શક્યું ના હું પણું..જો એ મળે તો પૂછજે
પથ્થર અને પથ્થર મહીં જો તું પમાતો હોત તો
હું કેટલાં પુણ્યો ચણું? જો એ મળે તો પૂછજે
ઓતમ અહીં મરતો રહે, અંતિમક્રિયા શી જિંદગી
હું કેટલાં મૃત્યુ જણું? જો એ મળે તો પૂછજે
તારા જગતની આ હવા, ચચર્યા કરે હોવામહીં
આપીશ ક્યારે ખાંપણું? જો એ મળે તો પૂછજે
ગઢવી સુરેશ’વરસાદ’
(આપનો અમૂલ્ય અભિપ્રાય આપશો)